ફાંટાબાજ કુદરત – આ જુડવા ભાઈઓમાં ફરક તેમના પિતા નથી શોધી શક્યા તો આ નવી વહુઓ શું કરશે..

એક બાજુએ બનાસ નદી અને બીજી બાજુએ રૂપેણ નદીના આ વચલા વઢિયારી પરગણાના ખેતરોમાં લીલીકુંજાર સમો પાક લહેરાતો હતો. ઝરમર ઝરમર ધારે શ્રાવણીયાં સરેવડાં ધરતી પર સોનું વરસાવી રહયાં હતાં, ત્યારે વદ આઠમની સમી સાંજે ઝબીને પ્રસવની વેદના ઉપડી, તે રાતનો પહેલો પોર પૂરો થવા આવ્યો તોય એનો છૂટકારો ના થ્યો, તેથી ઘરનાં બધાના જીવ ઊંચા થઈ ગયા. રૂખી દાયણે જ્યારે નવશેકા પાણીની ડોલ માગી ત્યારે બધાના શ્વાસ હેઠા બેઠા. બરાબર અડધી રાતે, ઉઆં.. ઉઆં…ઉંઆં..ના અવાજથી આખું ઘર ગાજી ઊઠયું ને ઘરના દેશી નળીયામાંથી ચળાઈને આવતી હલકી હલકી હવાની લહેરખીએ નવા આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું.

ઝબીએ કેલૈયા કુંવર જેવા બે જોડિયા દીકરાઓ ને જન્મ આપ્યો હતો, ને જોગાનુજોગ કાળિયા ઠાકરનો પણ આજે જન્મ દિવસ ઊજવાઈ રહ્યો હતો. તેથી જોડિયા ભાઈઓની છઠ્ઠી થઈ ત્યારે, આ દુનિયામાં પહેલા આવનારનું નામ ગોવિંદ ને બીજાનું નામ કાનો રાખવામાં આવ્યું. આમ ગોવિંદ મોટો, ને કાનો નાનો.

ઝબીનું શરીર કડેઘડે ને કસાયેલું આથી એ સુવાવડના ખાટલેથી ત્રીજા દિવસે ઊભી થઈ ગઈ અને ગોવિંદ-કાનાના ઉછેર સાથે ઘરના કામમાં પરોવાઈ ગઈ. ભરાવદાર શરીરના પ્રમાણમાં છાતી પણ એટલી પુષ્ટ કે ઘડા ને ઘડા દૂધ ઉભરાય, જેથી કાનો કે ગોવિંદ ધરવા ધરવ ધાવીને પાછા પગ પછાડવાનું ચાલુ કરી દે. બેમાંથી એકને સુવાનો વખત થાયને બીજાને જાગવાનો તેથી ઝબીને આખી રાતનો ઉજાગરો થાય, તોય તેના ચહેરા પર જરાય થાક ના વરતાય.

કુટુંબની, કે મહેલ્લાની બાઈઓ જ્યારે વ્હાલ કરવા ને રમાડવા આ ઊછાળા મારતા ફુલોને પોતાના ખોળામાં લે ત્યારે અચરજ પામી જાય. બેય બાળકોમાં એક રતીભાર પણ ફેર નહિ. નાક-નકશો, વર્ણ ને આંખો એકજ જેવી. ઉપરવાળાએ બન્નેને એકજ બીબામાંથી ઘડી કાઢયા હોયને એમ ! આમાં કયો ગોવો ને કયો કાનો એ કોઈ કળી ના શકે.

હા એટલું જરૂર, કે બેમાંથી કોઈ એક ભૂખ્યો થાયને, ઝબી જ્યારે સ્તનપાન કરાવે, ત્યારે એ ચહરક ચહરક અમીધારા ચૂસવા લાગે એ વખતે રાતના અંધારામાં પણ ઝબીને ખબર પડી જાય કે આ ગોવો છે કે કાનો.

દિવસો, મહિના, વરસો વીતતા ચાલ્યા ને ગોવિંદ ને કાનો, ગામની શેરીઓમાં રમતા થયા. તોય હજુ બે ભાઈઓને કોઈ ઓળખી ના શકે. ગોવિંદને કોઈ કાનો કહી બોલાવે તો વળી કોઈ કાનાને ગોવિંદ કહે , છતાં બેય જણ હોંકારો ભણી લે. કેટલાક ઘરડા માણસો તો કહેતા કે, એકજ રંગરૂપ અને ચહેરાવાળાં બે છોકરાં ! આનું નામજ તે ફાંટાબાજ કુદરત ! નિશાળના માસ્તર તો બાજુએ રહયા, પણ સગા બાપનેય ભૂલ પડે. ભાઈબંધો ભેગા ગેડી-દડો રમે ત્યારે પણ બધા ગોટાળા કરી બેસે.

આખા ગામમાં કયો કાનો અને કયો ગોવિંદ એનો ભેદ, એક જાણે એમની મા ને બીજી જાણે એમની ભગરી ભેંસ. ગોવિંદ રોજ ભગરીને દોહવા બેસે એટલે ભગરી ગોવિંદની હથવાર થઈ ગયેલી, એને કાંઈ કામે બહાર જવાનું થાય ને જો કાનો ભગરીને દોહવા બેસે તો ભગરી વટકે ને દૂધ દોહવા ન દે.

બંને ભાઈઓએ યુવાનીના ઉંબરે પગ મૂક્યો. બંનેનાં લગ્ન લેવાયાં. એક-બે દિવસના અંતરે બેય ભાઈઓની જાન પરણીને ઘરે આવી. ત્યારે, બધાને મીઠી મુંઝવણ થઈ હતી, કે નવી આવેલી વહુઓ ગોવિંદ કે કાનાને ઓળખવામાં જો ભૂલ કરશે તો ક્યાંક કાચું કપાઈ જશે. રાતે એક બીજાના ઓરડા તો નક્કી કરી દીધેલા અને ઘરમાં આવેલ નવી વહુઓને તે બતાવી પણ દીધેલા.

મહેલ્લાનાં ને કુટુંબનાં કેટલાંકને તો ડર હતો કે, વીસ વીસ વરસ થયાં તોયે ગામનાં માણસો આ બે ભાઈઓને ઓળખવામાં થાપ ખાઈ જાય છે તો આ આજકાલની નવી આવેલી વહુઓ શું કરશે ? તેઓ જો પોતાના ઘરવાળાને ઓળખવામાં ભૂલ કરશે તો મોટો અનર્થ થઈ જશે. આમ પણ નાના ભાઈ કાનાની વહુ કાંતાને તેના જેઠ ગોવિંદની લાચ કાઢવી પડે. તેમાં પણ ક્યારેક ગફલત થઈ જાશે તો ! જોકે ભાઈઓતો વહુઓને ઓળખી જાય પણ છાનગપટીયું રમવાની પહેલ વહુઓ કરી બેસે તોય શરમાવા જેવું થાય.

એક દિવસની વાત -ઝબી બેઠી બેઠી માળા ફેરવી રહી હતી. કાનો હજુ વાડીએથી આવ્યો ના હતો, ને મોટો ગોવિંદ જમવા બેઠો, નાની વહુ કાંતા તેને પીરસવા આવી. થાળીમાં રોટલો ને માખણનો લૂંદો મૂકીને વળતી થઈ ત્યારે એણે વ્હાલ વરસાવવા ગોવિંદના ગોઠણ પર ચૂંટીયો ભર્યો. ગોવિંદતો આભો બની ગયો. આ હરકત પર ઝબીની નજર પડી. એણે તરત કાંતાને ટકોર કરતાં કહ્યું, ” વહુ બેટા એ તમારો ઘરવાળો કાનો નથી, એ તમારો જેઠ ગોવિંદ છે.” કાંતાતો શરમથી કોકળું વળી ગઈ. ગોવિંદ પણ પરિસ્થિતિ પામી ગયો ને સમસમીને ચૂપચાપ ખાવાનું પૂરું કર્યું.

બીજી વખત આવી ભૂલ થતી અટકાવવા ઝબીએ પછી એક ઉપાય શોધી કાઢ્યો. ઘરનાં એ નક્કી કર્યું કે મોટા ભાઈ ગોવિંદે ધોતિયું પહેરવું અને નાના કાનાએ લાંબા નાળાવાળો તંગિયો પહેરવો આમ ઘરમાં નવી આવેલી વહુઓમાં અવઢવ ના રહે, તેવી ગોઠવણ થઈ. ગામના લોકો પણ હવે જાણી ગયા કે ધોતિયાવાળો તે ગોવિંદ અને તંગિયાવાળો તે કાનો.

વહુઓ સોચી સમજીને કામ ચલાવવા લાગી. મોટી શાંતા ને નાની કાંતા પછીતો સાસરિયામાં એવી ભળી ગઈ કે સગી બહેનોને પણ બાજુએ મૂકી દે તેવો સંપ. ઝબી પણ દિકરાઓની રામ-લખનની જોડી જોઈને મનમાં ને મનમાં પોરસાય. બે -બે જુવાન જોધ છોકરાને, પડ્યો બોલ ઝીલી લે તેવી વહુઓ મળી. તેથી ઝબી ને એના ઘરવાળાએ સંતોષ માન્યો, એમણે ઘર કામને, સીમના કામને ઓછું કરવા માંડ્યું. મોટા ભાગે વહુઓ ને દીકરાઓ જ ખેતર વાડીનું કામ સંભાળે.

ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી. ઘાસ-ચારા માટે ઉનાળાની જારનું વાવેતર થઈ ગયું હતું. ખેતરમાં જારને પાણી આપવાનું ચાલુ હતું ને કૂવા પરના મશીનમાં ખોટકો ઊભો થયો. ગોવોને કાનો ખૂબ મથ્યા પણ મશીન ચાલુ થયું નહીં. આથી પછી ગોવિંદ મશીનનો એક સ્પેરપાર્ટ લઈને બાઇક પર બાજુના શહેર રાધનપુર રીપેરીંગ માટે ઉપડી ગયો.

ગોવિંદના ગયા પછી કાનો થાક્યો હતો, તેથી કૂંડીના પાણીથી નાહીને દોરડી પર સુકાતું ધોતિયું પહેરી, મશીનની ઓરડીમાં સુઈ ગયો.થાકોલો કાનો તો થડીજ વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો.

ઢળતા બપોરે મોટી વહુ શાંતા ધોવાનાં કપડાંનું તગારું ભરીને વાડીએ ધોવા આવી. કૂવા પર કોઈને જોયા નહીં એટલે એણે આજુબાજુ નજર નાખી પણ કોઈ દેખાયું નહિ. ” ક્યાં ગયા હશે આ બેય જણ ? ” તેના મનમાં પ્રશ્ન થયો. મશીનની ઓરડીની બારીમાંથી એણે નજર કરી તો, એતો ખુશ થઈ ગઈ. ઘડી ભર એ ઓરડીની અંદરનું દ્રશ્ય જોઈ રહી. બારીમાંથી આવતી કોઈ અનોખા પ્રકારની ઓઇલ મિશ્રિત ફોરમ તેના હૈયામાં સ્પંદનો જગાડી ગઈ.

શાંતાએ ઓરડીની આજુબાજુ ફરી દૂર દૂર શુધી, એક લાંબી નજર નાખી લધી. વીસ વિઘાના આખા ખેતરમાં કોઈ ચકલુંએ ફરકતું એને ના દેખાયું. ખુલ્લી બારીને ધીમે રહીને એણે બંધ કરી. દબાતા પગલે એ બારણા પાસે આવી ને બારણું ખોલ્યું, બારણું ખુલતાંજ માટીની સુગંધ ઓરડીમાં ધસી ગઈ. ધીમે રહીને એણે અંદરથી બારણું બંધ કરીને ઓરડીમાં અંધકાર ભરી દીધો.

અફાટ એકાંત, માટીની સોડમને સામે સુતોલો જુવાનીનો ઉછાળા મારતો મહાસાગર, ને ઉપરથી શાંતાની યુવાની. એ તો ધીમે રહીને ખાટલામાં પડખાભેર ગોઠવાઈ ગઈ. થોડો સળવળાટ થયો, ને કાનાની ઊંઘ ઊડી ગઈ. એક-બે વખત ઓરડીનું એકાંત માણી ચુકેલો કાનો પછી કાંઈ ઝાલ્યો રહે.

માથામાં ફરતી આંગળીઓને, પગના ઝાંઝરની ઘૂઘરીઓના રણકારે કાનાના મનમાં ઝબકારો કર્યો. ” અરે ! આતો કડલા-કાંબીનો અવાજ નથી !” તે છલાંગ મારી ઊભો થઈ ગયો,ને ઝપાટે ઓરડીનું બારણું ખોલ્યું. ત્યાંતો ખાટલામાં સુતેલી પોતાની ભાભીને જોઈ તેના પગ ધરતી સાથે જડાઈ ગયા. તે બોલી ઊઠ્યો ” ભાભી તમે ? એ તો સારું થયું ભાભી, કે તમારાં ઝાંઝરની ઘૂઘરીનો રણકાર હું પરખી ગયો ! ને મોટા પાપમાંથી ઊગરી ગયો !”

ભાભી પણ ઝડપથી ઊભી થઈ ગઇ ને કપડાં સંકોરતા બોલી, ” મારા નાના દિયોર કાનાભાઈ ! તમે પહેરેલું તમારા ભાઈનું આ ધોતિયું મને છેતરી ગયુ ! ”

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ