ફક્ત અમુક વર્ષોમાં જંગલમાંથી બનાવી દીધું અદ્ભૂત આધુનિક ગામ, આપણા ગુજરાતનું એક એવું ગામ જ્યાં છે ચારે તરફ સીસીટીવીની નજર…

બાબેન ગામની સુપરસરપંચઃ માત્ર કહેવા ખાતરનું ‘ગામ’ બાકી દેખાવે તો મેટ્રો સીટીને ને પણ ટક્કર મારે !

આપણે જ્યારે કોઈ ફિલ્મો કે પછી કોઈ સમાચારમાં વિદેશી શહેરો તેમજ ગામડાઓ જોઈએ ત્યારે તે બન્ને માં માત્ર ઉંચી ઇમારત અને ભરચક વસ્તીનો જ ફરક જોવા મળે છે. બાકી બધી બાબતોમાં તો મોટે ભાગે વિદેશી ગામ અને શહેરો વચ્ચે બહુ ફેર નથી હોતો. પણ ભારતમાં આ તફાવત ઘણા બધા ક્ષેત્રેમાં હોય છે.

image source

પણ ગુજરાતનું એક ગામ પણ આવા વિદેશી ગામ જેવું જ છે જેને તમે ગામ તો ના જ કહી શકો, તે તો માત્ર નામનું જ ગામ છે. સુરતથી માત્ર 35 કીલોમીટરના અંતરે આવેલું બાબેન ગામ એક અત્યાધુનિક ગામ છે. ગામમાં દરેક પ્રકારની મૂળભૂત સગવડો ઉપરાંત આધુનિક સગવડો પણ તેમના નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

image source

બાબેન ગામની કાયાપલટની શરૂઆત 2007થી થઈ હતી. તે વખતે સરપંચ તરીકે ભાવેશ પટેલ ચુંટાયા હતા અને તેમણે જ પંચાયતના સભ્યો સાથે મળીને બાબેનને સમૃદ્ધી તરફ લઈ જવાનું પગલું ઉઠાવ્યું હતું. જો તમને એવું લાગતું હોય કે બાબેનની કાયાપલટ સરકારી મદદથી થઈ હોય તો તેમ નથી. પણ ગામની સરપંચ કમીટી ગામના વિકાસ માટે વિવિધ રીતે નાણા ઉઘરાવે છે.

image source

તેઓ ગામની જમીન તેમજ ઘરોનો વિકાસ કરવા આવતા રિયલ એસ્ટેટ ડેવલોપર્સ પાસેથી ફાળો લે છે. અને તે રૂપિયાનો ઉપયોગ તેઓ ગામના લોકોની મૂળભૂત સગવડો ઉભી કરવામાં કરે છે. અત્યાર સુધીમાં બાબેન ગ્રામપંચાયતને તે દ્વારા લાખો રૂપિયા મળી ચુક્યા છે અને તેનો ઉપયોગ ગામને સુંદર રીતે વિકસાવવામાં કરવામાં આવ્યો છે.

બાબેન ગ્રામ પંચાયતને 2011માં ગુજરાત સરકાર દ્વારા ‘બેસ્ટ ગ્રામ પંચાયત ઓફ ધી યર’નો અવોર્ડ પણ મળી ચુક્યો છે. 2007માં ભાવેનભાઈ પટેલ સરપંચ બન્યા હતાં પણ હાલ તેમના પત્ની ફાલ્ગુનીબેન પટેલ સરપંચ બનીને બાબેન ગામનો વિકાસ કરી રહ્યા છે.

ગામના વિકાસ માટે માત્ર પૈસાની રેલમછેલ જ નથી કરવામા આવી રહી પણ ગ્રામવાસીઓ માટે કેટલીક ઇવેન્ટ પણ યોજવામાં આવે છે જેમાં ગામના લોકોને મૂળભૂત બાબતો માટે જાગૃત કરવામાં આવે છે. અને ધીમે ધીમે દસથી બાર વર્ષના ગાળામાં બાબેન ગામ એક સામાન્ય વિલેજ નહીં પણ કહી શકાય કે ‘મેટ્રો વિલેજ’ બની ગયું છે.

શું છે બાબેન અત્યાધુનિક ગામની ખાસિયતો

બાબેન ગામની આશરે વસ્તી 15000થી વધારે છે. તે સુરતના બારડોલીથી માત્ર બે કીલોમીટરના જ અંતરે આવેલું છે. અહીંના રસ્તા ભારતના સામાન્ય ગામડાઓની જેમ સાંકડા કે કાદવીયા નથી પણ પહોળા અને મજબુત છે.

બાબેન ગામમાં 8500 કરતા પણ વધારે ઘરો છે જેમાંના લગભગ 95 ટકા ઘરો પાક્કા છે, આ ગામમા ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની બધી જ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે અને તેને એકધારી મેઇન્ટેન પણ કરવામા આવે છે. ગામમાં કુલ છ પાણીની ટાંકીની વ્યવસ્થા છે જેને છ વિસ્તારો માટે વહેંચી લેવામાં આવી છે આ ઉપરાંત ગામના લોકોને બહારથી પાણીની બોટલ ન મંગાવવી પડે તે માટે ત્રણ-ત્રણ આરો પ્લાન્ટ પણ છે જ્યાં લોકોને મફતમાં શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ગામમાં સુંદર મજાની આંગણવાડી, એક સક્ષમ પંચાયત ઓફિસ તો છે જ પણ સાથે સાથે કમ્યુનિટી હોલ, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચ માધ્યમિક શાળા અને કોલેજ પણ આવેલા છે. આ ઉપરાંત બેંક અને પોસ્ટ ઓફિસ માટે પણ એક અલગ જ ઇમારત ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ગામડામાં એક ડીપ્લોમાં અને ડીગ્રી એન્જિનિયરિંગ કેલેજ પણ આવેલી છે.

image source

આ ગામ કટોકટી સમયમાં બીજી કોઈ મદદ પર નિર્ભર રહેવા નથી માગતું માટે ગામે તેમની પોતાની જ એમ્બ્યુલન્સ સેવાઓ પણ વિકસાવી છે અને પોતાનું એક સ્વાસ્થ્ય કેન્દ્ર પણ ધરાવે છે.

ગામડાના આંતરિક માર્ગો બાર ફુટની પહોળાઈ ધરાવે છે અને તે દરેક માર્ગો પર સ્ટ્રીટ લાઈટની પણ વ્યવસ્થા છે. અને આ માર્ગોમાં વ્યવસ્થિત ડીવાઈડર્સ પણ લગાવવામાં આવ્યા છે. જેનાથી અકસ્માતની સંભાવના પણ ઘટી જાય છે. આ ઉપરાંત સીસી ટીવી પણ ગોઠવવામાં આવ્યા છે. અને આ માર્ગોની ખાસિયત એ છે કે તેને કોઈ સરકારી ફંડમાંથી નહીં પણ ગ્રામ પંચાયતે પોતે જ બનાવડાવ્યા છે.

બાબેન ગ્રામ પંચાયત બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે એક કરોડ રૂપિયા ધરાવે છે. સફાઈની વાત કરીએ તો સમગ્ર ગામમાંથી સવારની બાજુએ બધો જ કચરો સાફ કરી દેવામાં આવે છે. અને ઘરે-ઘરે જઈને સવાર સાંજ કચરો લઈ જવામાં આવે છે. પંચાયતે સફાઈ માટે 22 કર્મચારીઓની વ્યવસ્થા કરી છે.

image source

ગામમાં તેમની પોતાની ચોખ્ખા પાણીની વ્યવસ્થા છે. અને સમગ્ર ગામના ઘરે ઘરે પાઈપલાઈનથી પાણી પુરુ પાડવામાં આવે છે. આખા ગામમાં અત્યાર સુધીમા કોઈનેલ પણ પાણીની કમી પડી નથી. ગામની પાણીની ટાંકીનું નિર્માણ પણ પંચાયતે જ કરાવ્યું છે.

બાબેન પંચાયતે ગામના લોકોના રીક્રીએશન અને મનોરંજન માટેનું પણ પુરતુ ધ્યાન રાખ્યું છે. ગામની વચ્ચો વચ એક સુંદર મજાનુ તળાવ બનાવવામાં આવ્યું છે. જેમાં ચોખ્ખુ પાણી ભરવામાં આવે છે અને વિકેન્ડ્સમાં લોકો ત્યાં સહેલ પણ કરી શકે છે. આ તળાવ પાછળ ગ્રામ પંચાયતે 1.25 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જે લોકભાગીદારીથી મેળવવામાં આવ્યા હતા. આ તળાવ પાસે જ સરદાલ પટેલનું એક સુંદર બાવલું પણ મુકવામાં આવ્યું છે. આ ઉપરાંત ગામમાં રેસ્ટોરન્ટ પણ છે.

image source

બાબેનમાં એક સુગર ફેક્ટરી પણ વર્ષોથી ચાલે છે જે એશિયાની નંબર વન ગણાય છે. તેમજ દક્ષિણ ગુજરાતનું બાબેન એવું પહેલું ગામડું બન્યું હતું જેમાં સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2015માં એનડીટીવી ચેનલ પર સ્વચ્છ ભારત અભિયાન હેઠળ એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં પણ બાબેન ગામનો ઉલ્લેખ કરવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં તારક મેહતાની ટીમ અને અમિતાભ બચ્ચને બાબેન ગ્રામપંચાયત વિષે વાત કરી હતી. અને દીશા વાકાણીએ બાબેન ગામની સ્વચ્છતાના ખુબ વખાણ કર્યા હતા.

કેવી રીતે બન્યું બાબેન એક આદર્શ ગામડું

image source

14-15 વર્ષ પહેલાં આ ગામ ભારતના બીજા પછાત ગામડાઓ જેવું જ હતું. પણ ચુંટાઈ આવેલા સરપંચ તેમજ તેમની કમીટીએ લોકોને પોતાના ગામને આદર્શ ગામ બનાવવા માટે પ્રેરણા આપી અને કેટલાક નક્કર પગલા લીધા તેમજ નક્કર આયોજન પણ કરવામાં આવ્યું. 2007માં ધીમે ધીમે આ ગામની કાયા પલટાવા લાગી અને માત્ર ચાર જ વર્ષમાં એટલે કે 2011માં ગામને બેસ્ટ ગ્રામ પંચાયતનો અવોર્ડ પણ મળી ગયો. આજે પણ ઘણા બધા સરકારી અધિકારીઓ આ આદર્શ ગ્રામપંચાયતનો અભ્યાસ કરવા હેતુ મુલાકાત લે છે.

image source

શરૂઆતમાં પંચાયતે રિયલ એસ્ટેટ ડેવલોપર્સ પાસેથી 3 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા જેનો ઉપયોગ તેમણે રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ્સ, તળાવ, જાહેર શૌચાલયો, ગટરો તેમજ પાણીની વ્યવસ્થા માટે કર્યો હતો. આ ગામમાં દરેક ડેવલોપરને દરેક પ્લોટે રૂપિયા 2000નો ચાર્જ કરવામાં આવે છે. અને માત્ર ડેવલોપરે જ નહીં પણ તે પ્લોટને ખરીદનારે પણ આ રકમ ચૂકવવી પડે છે

image source

જ્યારે આ ગામમાં કોઈ વ્યક્તિ 25 લાખનો ફ્લેટ કે પછી પ્લોટ ખરીદે ત્યારે તેના માટે માત્ર 2000 ચુકવવા એ કોઈ મોટી રકમ નથી હોતી. અને આ ભેગી કરવામાં આવેલી ફીનો ઉપયોગ ગામના વિકાસ માટે કરવામા આવે છે. બાબેન ગ્રામ પંચાયતનું નવું લક્ષ ગામને સૌથી વધારે હરિયાળુ બનાવવાનું છે. અને તેને અંતરગત જ ‘ગ્રીન બાબેન’ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ઘણા અંશે બાબેન પંચાયત સફળ થઈ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ