દીકરી, દરિયો દુધનો – નીચું જોઈને તેઓ તો રામનું નામ લઈને ચાલ્યા જતા હતા ત્યાં જ બૂમ સંભળાઈ…

તભા ગોરને અનાજ દળવાની ઘંટી. ગામના પાદરમાં આવેલા તેમના પોતાના વાડામાં કાચું મકાન બનાવી તેમાં રાજકોટ બનાવટના ડીઝલ એન્જીનથી ઘંટી ચાલુ કરેલી.એમના દીકરા બદ્રીએ ભણવામાં કાંઈ દળદાર ફોડયું નહીં. દસમા ધોરણમાં કોઈને કહી ના શકાય તેવા માર્ક લાવ્યો. તભો ગોર વિચારવા લાગ્યા કે આમાં બદ્રીનો કોઈ વાંક નથી.

એસ.એસ.સીનું વરસ ને એસટી બસમાં અપ-ડાઉન કરીને ભણવાનું, પછી આવુજ પરિણામ આવેને ! આમેય મોટી દીકરી ગૌરીને પરણાવીને સાસરે વળાવી દીધી પછી ઘરમાં વધ્યાં ઇન-મીનને ત્રણ જણ, પછી લાંબી જંજાળ હતી નહીં. આ સંતોષી નર ભવિષ્યની બહુ સાડાબારી રાખતો નહીં આથી એમણે તો બદ્રીને આગળ ભણાવવાનું માંડીવાળી ને ઘંટીના કાંટે બેસાડી દીધો.

આમતો ગોરજી આ નાનકડા ગામમાં ગોરપદું કરે. કોઈના લગ્નનું , છોકરાની વહુંને તેડવા જવાનું કે ખેતરમાં હળ હાકવાનું મૂહરત જોઈ આપે. જેને જે આપવું હોય તે તેમના ટીપણામાં મૂકે. ગોરજી સંતોષપૂર્વક તેનો સ્વીકાર કરી આશિષ વચનો બોલે. વાર તહેવાર નક્કી કરવાનો હોય કે કોઈ તિથિ નક્કી ના થતી હોય તો લોકો ગોરજી પાસે જાય. ગોરજી વળી શહેરમાંથી લાવેલ પંચાંગ ખોલી આંગળીઓના વેંઢાઓ ગણી જે બોલે તે ગામડાના માણસો ભ્રાહ્મવાક્ય ગણી શિરોમાન્ય રાખે. ગોરપદું એમને માફક આવી ગાયેલું. અને અનાજ દળવાની ઘંટી એતો પોતાના દીકરાને ઠેકાણે પાડવાનો એક ઉપાય. એને સાઈડ બિઝનેસ પણ કહી શકાય. આમ ગોરજીનું ગાડું આરામથી રડયે જાય.

એક વખત તભા ગોરને ડીઝલ એન્જીનનો એક સ્પેરપાર્ટ લેવા નજીકના શહેર પાટણ જવું પડ્યું. પાટણમાં ઘણું ફર્યા પણ નમૂના મુજબના માપનો સ્પેરપાર્ટ મળ્યો નહીં ને એક બજારથી બીજી બજાર ફરતાં ફરતાં એતો શહેરની ગલીકુંચીઓમાં ભુલા પડ્યા.

ઢીલી ખીચડીનો પાડો, ચાચરનો પાડો, પિંપળાનો શેર, આંબલી ચૌટા, ને મેવાડાનો માઢ એવા કેટલાએ મહેલ્લા વટાવતાં વટાવતાં એતો એક એવી બજારમાં આવી ચડ્યા કે એમને તો ચીતરી ચડવા લાગી. ગંધ… ગંધ ના ગોટા. એતો રામ….રામ બોલતા જાયને થૂંકતાં જાય. ગળે વીંટાળેલો લાલ રૂમાલ એમણે તો નાકે આડો દીધો. ચાલતાં ચાલતાં કોઈ પશુનો કપાએલો કાન તેમના પગ નીચે આવી ગયો.

એમને તો હાયકારો નીકળી ગયો. બજારની બેય બાજુ નજર કરીતો એમને તો ઉલ્ટીવળે તેવું દ્રશ્ય નજરે પડ્યું. ચામડાં ઉતારેલ લાલ લાલ લોચા જેવાં પશુઓ ઉંધા ટીંગાડેલાં. એમનાથી જોયું જાય નહીં પણ શું થાય ! ઘણો ટાઈમ નીકળી ગયેલો. એમને લાગ્યું કે બસ પણ હવે તો ઉપડી ગઈ હશે. આજુબાજુ જોયા વગર એતો ઊંધું ઘાલીને ઉતાવળે પગે ચાલવા લાગ્યા. એમને થતું હતું કે ક્યારે હવે આ ગંદકીથી બહાર નીકળાય.

ચાલતાં ચાલતાં માંડ કરીને એ વિસ્તારથી બહાર નિકળયા. વાહનોથી બચતાં બચતાં ચાલી રહયા હતા. એમને ડર હતો કે હજુએ જો એ ઊંચી નજર કરશે તો કદાચ એ ઊંધા લટકતા લાલ લોચા નજર આવશે. નીચી નજરે બસની ચિંતામાં એ ભાગમ ભાગ જઇ રહયા હતા. તેવામાં એમને કોઈ બોલાવતું હોય એવો અવાજ સંભળાયો, ” એ ..તભા બાપા..ઓ બાપા ઊભા રહો.” એમણે તો પેલા લાલ લાલ લોચાથી ડરતાં ડરતાં આજુબાજુ નજર કરી. કોઈ જાણીતું દેખાયું નહીં એટલે ફરી પાછી ચાલતી પકડી.

ત્યાં ફરી પાછો અવાજ સંભળાયો, ” ઓ.. તભા બાપા ! આમ….આમ… ઉપર જુઓ, બાપા ! ઉપર. ઊભા રહો હું નીચે આવું છું.” ધડધડ કરતી એતો દાદરો ઉતરી ગઈ. હાંફતી હાંફતી એ તભા ગોરની સામે આવીને ઊભી રહી ગઈ. એણે નીચે નમીને તભા ગોરને પાયેલાગણ કર્યું. ” એ તો હું નુરી. મને ના ઓળખી બાપા ? ” મો પર હાસ્ય રેલાવતાં એ બોલી.

તભો ગોર તો થોડી વાર વિચારમાં પડી ગયા. ‘ કોણ હશે આ બાઈ, મુસલમાની પહેરવેશમાં ?’ થોડીવાર અટકી હાથનું આંખો પર નેજવું બનાવીને એ અજાણી સ્ત્રી નજીક જઇને બોલ્યા, ” અરે હા સુલેમાનની દીકરીને તું, શું નામ તારું ?” નાક પર લગાવેલો ડૂચો દુર હટાવતાં તેમણે પૂછ્યું. ” એતો બાપા, હું નુરી ના ઓળખી મને ?”

નુરી ઉત્સાહમાં આવી ગઈ ને આંગળી ચીંધીને કહેવા લાગી. ” જુઓ બાપા, આ સામેના મેંડા ઉપર અમે રહીએ છીએ. આ નીચે અમારી દુકાન. ઇ દુકાને બેઠા છેને બાપા, એ તમારા જમાઈ, લો હેંડો બાપા, આટલે આવ્યા છો તો મારે ઘરે ચાલો.” નુરીનો તો પગ જમીન પર ટકતો ના હતો. જાણે એનો સગો બાપો સુલેમાન એના ઘેર ના આવ્યો હોય એવી એને લાગણી થઈ રહી હતી.

” ના બેટા, નૂર જો મારે મોડું થાય છે.બસ પણ હું કદાચ ચુકી જઈશ, હવે તો તારું ઘર જોયું, પછી કોઈ દિવસ નિરાંતે આવીશ હો બેટા ! ” ઉતાવળમાં એ બોલ્યા. ” ના બાપા ના જાવા દઉં, આજ કેટલા દિવસે મારા પિયરનું માણસ મેં જોયું ! અને ઇએ પાછા ગોર બાપા તમે ! ” એતો બાપાના હાથની વજનવાળી થેલી રીતસરની ઝુંટવી લેતાં બોલી.

” પણ મારા ઘરનું પાણી તમને નહીં પાઉ બસ ! તમે એક વાર મારા ઘરમાં તમારાં પગલાં કરો તભાબાપા.” નુરી રડવા જેવી થઈ ગઈ. ” તમને તમારા જમાઈ બાઇક લઈને ચાર રસ્તા મુકવા આવશે ત્યાંથી તમને, ગામડે જવાનું કોઈ વાહન તરત મળી જશે.” ગામની દીકરીનો ભાવ જોઈને એ માની ગયા ને નુરીના ઘર તરફ વળ્યા.

આગળ નૂરી ને પાછળ ગોરજી . રસ્તો ઓળંગી એ આગળ વધ્યા ત્યાં તો કોક… કોક… કરતું એક કુકડું ગોરબાપાના પગમાં આવી ગયું. ” રામ……! રામ… ! રામ. ” એમનાથી બોલાઈ ગયું. એતો પડતાં પડતાં રહી ગયા. પછીતો નુરીએ એમનો હાથ પકડીને મેડીના દાદરે ચડાવી દીધા. ઘરમાં લઈ જઈને એમને ખુરશી પર બેસાડયા.

” આ તભા બાપા વાવડીના છે. અમ્મા અમારા ગામના મોટી મોટી મૂછોવાળા પણ એમને પાયેલાગણ કરે.” નુરીએ તેની સાસુને ઓળખાણ આપતાં કહ્યું. ડોશીએ એમને હાથ જોડી નમન કર્યું, પછી પાણી લેવા ગયાં. તો નુરી બોલી, ” અમ્મા બાપાને ગોળાનું પાણી ના આપતાં. ગામના ભલભલા પટેલોના ગોળાનુંય એ પાણી નથી પિતા. અસ્સલ બ્રાહમણ છે. જુઓ એમનું વહેંત એકનું કપાળ કેવું ઝગાય છે !”

થોડીવારે સામેની હોટલમાંથી ઠંડા પાણીની બોટલ આવી. ” બાપા ગૌરીબુનનાં લગ્ન થઈ ગયાં ?” બોટલ તેમના હાથમાં આપતાં આપતાં નુરી બહાવરી થઈ હોય એમ પુછવા લાગી.

” હા, બેટા ! આતો પંખીવાળો માળો છે ! પહેલાં સુલેમાનની દીકરીને પાંખો આવી ! ને પછી અમારી ગૌરીને, ટેમ થ્યો નથી ને ઉડી નથી ! ” તભો ગોર તો જાણે ઘરે બેઠા હોય તેમ વાતોના તડાકે ચડી ગયા. ઘણીએ વાતો કરી. એમના દીકરા બદ્રીની ને નુરીના ભાઈ મોહસીનના ભણતરની વાતો નીકળી. છેવટે ગોરાણી ગોદાવરીમાના હાલહવાલ પુછાયા.

” ભલે ત્યારે બેટા નૂર, હું રજા લઉં.” પહેરણ ઊંચું કરી અંદર પહેરેલી દેશી બાંડીના ખિસ્સામાંથી એક પ્લાસ્ટીકની કોથળી કાઢી એમાંથી પચ્ચાસની નોટ કાઢીને નૂરીને આપતાં એમણે ઊઠવાનું કર્યું. ” ના આટલા બધા પૈસા ના લેવાય બાપા ! અને તમે તો પાછા બ્રાહમણ.”

” હું ક્યાં તને રોજ આપવા આવવાનો છું. લઈ લે, અને તું તો કુંવાસી કહેવાય, કુંવાસી તો બ્રાહમણ કરતાં એ વધી જાય. લઈ લે ભૈલાના સોંગન તું ના લેતો.” તભો ગોર તો ગદગદ થઈ ગયા. નૂરીને માથે હાથ ફેરવ્યો. નુરીએ પણ પાંપણ લૂંછતાં લૂંછતાં નોટ હાથમાં પકડી.

નુરીના ઘરવાળાએ ગોરજીને બાઇક પરથી ચાર રસ્તે ઉતાર્યા. તભો ગોરતો વળતું બાઇક દેખાતું બંધ થયું ત્યાં સુધી એક નજરે જોઈ રહયા. બદ્રી થોડા દિવસ પહેલાં છાપું વાંચતો હતો. એ છાપાનું એક વાક્ય એમને યાદ રહી ગયેલું એ વાક્ય એ બબડયા. *” બેટી તો બેટી હોતી હૈ ચાહે હિંદુકી હો યા મુસલમાનકી.”*

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ