દરરોજ તમે પણ કપડા વોશિંગમશીનમાં ધોવો છો પણ આ વિગતો તમે નહિ જાણતા હોવ… તમારા ઘરે કેવું મશીન છે??

આજથી વર્ષો પહેલા કોઈ ગામડે કે નાનકડા શહેરમાં જવાનું થાય તો ત્યાં તળાવ કે નદીના કિનારે કપડાં ધોતી સ્ત્રીઓનું ટોળું ઘણીવાર જોવા મળતું. આજુબાજુમાં સખીઓ સાથે વાતોએ વળગેલી સ્ત્રીઓ માથે ઓઢણી ઓઢી બંગડીઓ અડધા હાથ સુધી ચડાવીને કપડાંને નદીના કિનારે સાબુથી ફીણફીણ થયેલા પાણીમાં પલાળ્યે જતી હોય એ દ્રશ્ય એ સમયમાં બહુ સ્વાભાવિક હતું. જો કે હવે એવા દ્રશ્યો કોઈ છેવાડાના ગામડામાં જ જોવા મળે.
છેલ્લા થોડા વર્ષોમાં ટેક્નોલોજીએ માનવજીવનમાં સમૂળગી ક્રાંતિ આણી છે. વર્ષો પહેલા જે કાર્યો પતાવતા બે-ત્રણ કલાક થતાં તે હવે ટેક્નોલોજીના પ્રતાપે માંડ અમૂક મિનિટોમાં તો પૂરા થઈ જાય છે. વિજ્ઞાન અને નવી શોધખોળોના પ્રતાપે માનવી સુખસગવડમાં જીવતો થઈ ગયો છે. શહેરોમાં રહેતા કુટૂંબોમાં ફ્રીજ, ટી.વી., ઓવન, વોશિંગ મશીન જેવા સાધનસંપત્તિ સામાન્ય ગણાય છે.એમાં પણ વોશિંગમશીનના કારણે ગૃહિણીઓને ઘણો લાભ થયો છે એમ કહી શકાય. વર્ષો પહેલા કપડાં ધોવાનું જે કામ કરવામાં લગીરેય કલાક-દોઢ કલાક નીકળી જતો તે કામમાં વોશિંગમશીનને કારણે હવે માંડ અડધો કલાક લાગે છે. જૂના સમયમાં કપડાં ધોવા કૂવામાંથી પાણીની ડોલો ખેંચવી પડતી કે નદી-તળાવ સુધી લાંબા થવું પડતું હતું એ કામ હવે એક સ્વિચ દબાવતાં પતી જાય છે, એ પણ કોઈ પ્રકારના શારીરિક શ્રમ વગર. કપડાં પલાળવાનું, નીચોવવાનું, ખંગાળવાનું જેવા બધા કામ મશીનમાં જ આટોપાઈ જાય છે.જો કે આજનું આ આધુનિક વોશિંગમશીન વર્ષો પહેલા તેના આવિષ્કાર સમયે સાવ અલગ પ્રકારનું હતું. સન 1797 માં ન્યુ હેમ્પશાયરમાં રહેતા ‘નાથાનેલ બ્રીગ્સ’ દ્વારા શોધવામાં આવેલા વોશિંગમશીનનું નામ ‘વોશબોર્ડ’ હતું. તે માત્ર કપડાં ધોવાનું કામ કરી શકતું હતું, તેને નિચોવવાનું નહીં.
વોશિંગમશીનના નામે સહુથી પહેલી પેટન્ટ સન 1791 માં બ્રિટનમાં નોંધવામાં આવેલી. તે પછી સન 1850ની આસપાસ વરાળથી ચાલતાં લોન્ડ્રી મશીન યુ.એસ અને યુ.કે.માં વેચાતા થયા. તે સમયમાં એ મશીનને ઔદ્યોગિક એકમોમાં ભરપૂર પ્રતિસાદ મળ્યો હતો. સન 1858 માં ‘હેમિલ્ટન સ્મિથ’ નામના વ્યક્તિએ પૈડાથી ચાલતા વોશિંગમશીનની પેટન્ટ કરાવી હતી. એ પ્રકારના મશીનમાં કપડાં ધોવાઈ જતા પણ તેને નિચોવવાનું કામ અલગથી જાતે કરવું પડતું. સમય જતાં તેને નિચોવવા માટેના વિન્ગર મશીન પણ શોધાયા પરંતું મોટા મોટા રોલર ધરાવતાં આ મશીન હાથેથી ચલાવવા પડતાં જેમાં ઘણીવાર શારીરિક ઈજા થવાની શક્યતાઓ રહેતી. તે સમયમાં દરેક સ્થળે વીજળી સુલભ ન હોવાથી સન 1930 સુધી આ પ્રકારના બધા વોશીંગમશીન મોટેભાગે પેટ્રોલ એન્જીન વડે જ ચાલતા હતા. સન 1862 માં વોશબોર્ડ અને વિન્ગરમશીન બંનેના જોડાણ સાથેના પહેલા વોશિંગમશીન તરીકે ‘રીચાર્ડ લેન્સડેલ’ના નામે પેટન્ટ નોંધવામાં આવી.સમયાંતરે વોશિંગમશીનના આકાર અને પ્રકારમાં ઘણા બદલાવ આવતા ગયા પણ પહેલાની જેમ તેનો ઉપયોગ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રો પૂરતો જ રહ્યો. આજે આપણે ઘરે જે વોશિંગમશીન વાપરીએ છીએ તે પ્રકારના વોશિંગમશીનનો આવિષ્કાર થયો સન 1940-50 ના મધ્યમાં. આમ અઢારમી સદીમાં શોધાયેલા વોશિંગમશીનને ઘરેલુ ઉપયોગમાં આવતા વર્ષો નીકળી ગયા.
દુનિયાનું પહેલું ઈલેક્ટ્રીક ઓટોમેટિક ફ્રન્ટ ડોર વોશિંગમશીન ‘બેન્ડીક્ષ ડીલક્ષ’ જ્યારે આવિષ્કાર પામ્યું તે જ સમયમાં સન 1947 માં જનરલ ઈલેક્ટ્રીક કંપની દ્વારા ટોપ લોડીંગ વોશિંગમશીન પણ બહાર પાડવામાં આવ્યું. જો કે તેનો ઘરેઘરે ઉપયોગ થઈ શકે તે શક્ય નહોતું. એનું સૌથી મોટું કારણ તેની તગડી કિંમતો. ટેક્નોલોજીએ હરણફાળ ભરી એ સાથે વોશિંગમશીનોમાં સૂધારાવધારા થતા ગયા અને તે વધુમાં વધુ સુલભ બનતા ગયા. વર્ષો પહેલા ચમત્કાર જેવી ગણાતી આ ચીજ આજે તો માણસ માટે સાવ સામાન્ય બની ગઈ છે. આ તો થઈ વોશિંગમશીનના ભૂતકાળની વાત. જો વર્તમાનની વાત કરીએ તો આજે પણ જે લોકોને તેના ઉપયોગ, કાર્યપધ્ધતિ અને અલગઅલગ પ્રકારો વિશે ખબર નથી તેઓ શોપિંગ વખતે માથું જરૂરથી ખંજવાળે છે. થોડા સમય પહેલા આવી ખરીદી વખતે મોટેભાગે દૂકાનદાર પર જ આધાર રાખવો પડતો. પડોશી કે કોઈ સગાવ્હાલાના ઘરે વોશિંગમશીન હોય તો તેમનો મત જાણી લેતાં એ અલગ વાત છે, બાકી દૂકાનદાર સમજાવે તેના પર જ આધાર વધારે રહેતો. ભલું થજો ઓનલાઈન શોપિંગ અને ગૂગલદેવનું કે હવે મોટાભાગની માહિતી ઘરબેઠાં મળી રહે છે અને અન્ય લોકોએ મૂકેલા રિવ્યુ શોપિંગનું કામ હળવું કરી આપે છે.
વોશિંગમશીન સામાન્ય રીતે બે પ્રકારના જોવા મળે છે. ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક. ઓટોમેટિક વોશિંગમશીનમાં ઈલેક્ટ્રીક મોટરના કારણે કપડાં ધોવાનું, ફેરવવાનું અને સૂકવવાનું કામ એકસાથે થઈ જાય છે. તેમાં પાણી નળમાંથી ખેંચી લેવા માટે પમ્પ આપેલો હોય છે. સરવાળે કોઈ પ્રકારનું કામ જાતે નથી કરવું પડતું જ્યારે સેમી ઓટોમેટિક વોશિંગમશીનમાં કપડાં ધોવા માટે અને સૂકવવા માટેના બે ટબ અલગથી આપવામાં આવ્યા હોય છે. કપડાં ધોતા પહેલા તેમાં પાણી અલગથી ઉમેરવું પડે છે અને કપડાં ધોઈ લીધા બાદ તેને બહાર કાઢવાનું કામ હાથેથી કરવું પડે છે જે સરવાળે મહેનત વધારે છે. હાલ માર્કેટમાં ઓટોમેટિક વોશિંગમશીન જ વધારે વપરાય છે.ઓટોમેટિક વોશિંગમશીન માર્કેટમાં બે પ્રકારના મળી આવે છે, ફ્રન્ટ લોડ ઓટોમેટિક અને ટોપ લોડ ઓટોમેટિક. આ બંને પ્રકારના મશીનમાં બહુ પાયાનો તફાવત હોય તો તે છે વોશિંગ મેથડનો. કપડાં ધોવાની પધ્ધતિના કારણે બંનેના ઉપયોગમાં પણ ફરક પડી જાય છે.
ફ્રન્ટ લોડ મશીનમાં ટમ્બલીંગ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે જ્યારે ટોપ લોડ મશીનમાં ચર્નીંગ પ્રક્રિયાનો. શબ્દો સાંભળીને મગજ ચકરાવે ચડી ગયું ને? આ પાયાનો ફરક સમજવા માટે થોડું મગજ કસવું પડશે. ખ્યાલ હોય તો પહેલાના સમયમાં ધોબીઓ કપડાં ધોતી વખતે તેને પથ્થર પર જોરજોરથી પટકતાં હતાં, તે રીતે કપડાં પછાડવાથી તેમાં રહેલા નાનામાં નાના રજકણ પણ દૂર થઈને કપડાં ચોખ્ખા ચણાક બની જતા. ફ્રન્ટ લોડ મશીનમાં પણ આ જ પધ્ધતિનો ઉપયોગ થાય છે. તેમાં આપવામાં આવેલા ડ્રમમાં કપડાં નાખ્યા બાદ ડ્રમ ગોળગોળ ફરવાનું શરૂ કરે ત્યારે કપડાં ઉપરથી નીચે વધુ જોરથી પટકાય છે, તેના કારણે તેમાં રહેલો મેલ સહેલાઈથી દૂર થઈ જાય છે. ટોપ લોડ મશીનમાં ચર્નીંગ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે જે પાણીને વેગપૂર્વક (ફોર્સ સાથે) કપડામાંથી પસાર કરે છે જેના કારણે પાણી સાથે મેલ બહાર ખેંચાઈ આવે છે. આમ જૂઓ તો આ પધ્ધતિને કારણે જ બંને વચ્ચે ઘણો ફરક પડી જાય છે, આવો વન બાય વન પોઈન્ટ સાથે વિગતવાર સમજીએ.
વોશિંગમશીનનો આકાર – ફ્રન્ટ લોડ મશીનમાં ડ્રમ વચ્ચેની તરફ આવે છે જેનો દરવાજો આગળની તરફ હોય છે, જ્યારે ટોપ લોડ મશીનમાં દરવાજો ઉપરની તરફ હોય છે. સામાન્ય રીતે પહોંળાઈ અને ઉંચાઈમાં બંને વચ્ચે વધારે ફરક નથી પરંતું ફ્રન્ટ લોડ મશીનના આગળના ભાગમાં દરવાજો આવતો હોવાને કારણે ઘરમાં તેને મોકળાશવાળી જગ્યા પર રાખવું પડે છે.વજન અને અવાજ – ફ્રન્ટ લોડ મશીન વજનમાં ટોપ લોડ મશીન કરતાં ભારે હોવાથી તેને સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી નથી શકાતા. જો કે ફ્રન્ટ લોડ મશીન ટોપ લોડ મશીન કરતાં પ્રમાણમાં ઘણો ઓછો અવાજ કરે છે. ટોપ લોડ મશીનમાં પાણીને વેગપૂર્વક આગળ વધારવા માટે ઉપયોગમાં લેવાતી મોટર અવાજ વધારે કરે છે.
કપડાં ધોવામાં લેવાતો સમય – ફ્રન્ટ લોડ મશીનમાં સાવ ઓછા પાણી અને પાવડરમાં કપડાં ધોવાતા હોવાથી કપડાં ધોવાનો સમય વધારે લાગે છે, જ્યારે ટોપ લોડ મશીનમાં વેગપૂર્વક વધતાં પાણીને કારણે મેલ જલ્દી નીકળી જતો હોવાથી કપડાં ધોવાનો સમય ઓછો લાગે છે. જો કે ફ્રન્ટ લોડ મશીન કપડાં સૂકવવામાં ઘણો ઓછો સમય લે છે, જ્યારે ટોપ લોડ મશીનમાં કપડાંમાંથી વારંવાર પાણી પસાર થવાને કારણે કપડાં ઓલમોસ્ટ ભીનાં રહે છે જેને ડ્રાયર વડે સૂકવવામાં વધારે સમય લાગે છે.

બાસ્કેટ ક્ષમતા – ટોપ લોડ મશીનમાં કપડાં ફેરવવા માટે વચ્ચેના ભાગમાં આપવામાં હાથા (agitator) ને કારણે એક વખતમાં ઓછા કપડાં મૂકી શકાય છે, જ્યારે ફ્રન્ટ લોડ મશીનમાં ડ્રમમાં વધારે પ્રમાણમાં જગ્યા હોવાથી એકસાથે વધારે કપડાં ધોઈ શકાય છે.ચોખ્ખાઈ – વોશિંગમશીનમાં કપડાં ધોવાનું કામ પાણીની માત્રા, પાવડર અને ઉપયોગમાં લેવાતી પધ્ધતિ પર આધારિત હોય છે. ફ્રન્ટ લોડ મશીનમાં ગોળગોળ ફરતાં ડ્રમમાં કપડાં તાકાત સાથે ઉપરથી નીચે વારંવાર પટકાતાં હોવાથી જીદ્દીમાં જીદ્દી મેલ સહેલાઈથી સાફ કરે છે જ્યારે ટોપ લોડ મશીનમાં કપડાંની વચ્ચેથી પાણી વેગપૂર્વક પસાર થતું હોવાથી તે મેલ સાફ કરી આપે છે, પરંતું ફ્રન્ટ લોડ મશીન જેવી ચોખ્ખાઈ નથી આપી શકતું.
ફેબ્રિક કપડાં – ટોપ લોડ મશીનમાં કપડાંની અંદરની વેગપૂર્વક પાણી પસાર થવાને કારણે ફેબ્રિક કપડાને નુકસાન થવાની સંભાવના વધુ રહે છે. બીજા કાપડ અને ડ્રમ સાથે ઘસાવાનાં કારણે ફેબ્રિક કાપડ જલ્દી ઘસાઈ જવાની કે તેમાં રેસાઓ નીકળી આવવાની શક્યતાઓ રહેતી હોય છે. ફ્રન્ટ લોડમાં કપડાં વર્ષો જૂની પધ્ધતિની જેમ પછડાઈને ધોવાતા હોવાને કારણે આવો કોઈ ભય રહેતો નથી.
વોશપ્રોગ્રામ / રીત – ફ્રન્ટ લોડ મશીનમાં ટોપ લોડ મશીન કરતાં વોશપ્રોગ્રામ વધારે હોય છે. જેમકે, બેબી કેર, કોટન, ઉન, મીક્ષ, ડુવેટ. વળી ફ્રન્ટ લોડ મશીનમાં વધારે ટ્રેમ્પરેચર સેટીંગ મળી રહે છે જે વધારે પ્રમાણમાં મેલ હોય તેને સહેલાઈથી દૂર કરી દે છે.ફ્રન્ટ લોડ મશીન કપડાને ૮૦% જેટલા સૂકવી દે છે.પ્રોગ્રામ પસંદ કરવાની આઝાદી – ટોપ લોડિંગ મશીનમાં પ્રોગ્રામ પસંગ કરવાની આઝાદી મળે છે. ટોપ લોડ મશીનમાં તમે અલગથી કપડાં ધોઈને તેને માત્ર નીચોવવા કે સૂકવવા માટે પ્રોગ્રામ પસંદ કરી શકો છો અથવા માત્ર કપડાં ધોવાનો પ્રોગ્રામ પસંદ કરી શકો છો. આ બધી સુવિધા ફ્રન્ટ લોડ મશીનમાં નથી મળતી.

ડિટરજન્ટનો વપરાશ – ફ્રન્ટ લોડ મશીનમાં મોટેભાગે અલગ સ્પેશ્યલ ડિટરજન્ટ વાપરવો પડે છે, જ્યારે ટોપ લોડ મશીનમાં કોઈપણ પ્રકારનો સામાન્ય ડિટરજ્ન્ટ પણ વાપરી શકાય છે.

પાણીનો ઉપયોગ – ફ્રન્ટ લોડ મશીન ટોપ લોડ મશીન કરતાં પાણીનો ત્રીજા ભાગનો ઉપયોગ કરે છે. ટોપ લોડ મશીનમાં મેલ સાફ કરવા માટે પાણીને વેગપૂર્વક પસાર કરવું પડે છે જે વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કરે છે, જ્યારે ફ્રન્ટ લોડ મશીનમાં બાળક જેમ પાણીમાં છબછબિયા કરે એમ સાવ ઓછા પાણીમાં કપડાં ધોવાય છે જેથી પાણીનો દૂરુપયોગ નથી થતો. એક રિસર્ચ પ્રમાણે ફ્રન્ટ લોડ મશીનમાં એકવારમાં ૧૩-૧૫ ગેલન પાણી વપરાય છે, જ્યારે ટોપ લોડ મશીનમાં ૪૦ ગેલનથી વધારે પાણીનો વપરાશ થઈ જાય છે.
વીજળીનો વપરાશ – ફ્રન્ટ લોડ મશીનમાં વીજળીનો વપરાશ ટોપ લોડ મશીન કરતાં ઘણો વધારે થાય છે. ફ્રન્ટ લોડ મશીનમાં સાવ ઓછા પાણીમાં કપડાં ધોવાતા હોવાને કારણે મેલ નિકાળવા માટે ડ્રમને વારંવાર ફરતું રહેવું પડે છે, જે સરવાળે વીજળીનો વપરાશ વધારે કરે છે. જ્યારે ટોપ લોડ મશીનમાં કપડાં ધોવાની અવધિ ઓછી હોવાથી વીજળીનો ઓછો ઉપયોગ કરે છે. જો કે અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે ટોપ લોડ મશીનમાં કપડાં ઓલમોસ્ટ ભીના રહેતાં હોવાથી તેને સૂકવવા માટે બને ત્યાં સુધી વધારે વેગવાળા ડ્રાયર ધરાવતાં મશીન ખરીદવા જોઈએ.
મેઈન્ટેનન્સ / રીપેરિંગ – ફ્રન્ટ લોડ મશીન કરતાં ટોપ લોડ મશીનમાં પ્રમાણમાં ઓછા પાર્ટ્સ હોવાને કારણે તેમાં સમય જતાં રીપેરિંગ ઓછો આવે છે. ફ્રન્ટ લોડ મશીનમાં ક્યારેક વધુ પડતાં કપડાંના ભારણથી ડ્રમને ગોળ ફેરવવામાં મદદ કરતાં બેરિંગ ઘસાઈ જવાની કે બેલ્ટ તૂટી જવાની શક્યતા વધુ રહે છે.બાકી રહી ગયેલા કપડાં – ટોપ લોડ મશીનનો આ સહુથી મોટો લાભ છે કે તેમાં ચાલુ પ્રક્રિયામાં તમે કોઈ કપડું બાકી રહી ગયું તો તેને વોશ કરવા નાખી શકો છો. અથવા અડધેથી તમે મશીન બંધ કરીને કપડાં બહાર કાઢી શકો છો. ફ્રન્ટ લોડ મશીનમાં જ્યા સુધી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી દરવાજો લોક થઈ જાય છે જેથી વધારાના કે ભૂલાઈ ગયેલા કપડાં ઉમેરી કે કાઢી શકાતા નથી.
બજેટ / કિંમત – ફ્રન્ટ લોડ મશીન સુવિધાની દ્રષ્ટિએ ટોપ લોડ મશીન કરતાં ઘણા ઉપયોગી હોવા છતાં કિંમતની દ્રષ્ટિએ કિફાયતી નથી. ફ્રન્ટ લોડ મશીન ટોપ લોડ મશીન કરતાં કિંમતમાં ૨૫ થી ૩૦ % મોંઘા હોય છે. સામાન્ય રીતે ટોપ લોડ મશીન ૧૩૦૦૦/- થી ૩૦૦૦૦/- માં મળી રહે છે, જ્યારે ફ્રન્ટ લોડ મશીન ૨૭૦૦૦/- થી ૭૦૦૦૦/- આસપાસની કિંમતમાં મળી આવે છે.
દરેક મૂદ્દાઓ વિશે નિષ્કર્ષ કાઢીએ તો કહી શકાય કે ફ્રન્ટ લોડ મશીન ટોપ લોડ મશીન કરતાં બધી રીતે ઉપયોગી હોવા છતાં બજેટના હિસાબે તે ઘણાં મોંઘા પડે છે. વળી તેમાં એકવાર કપડાં મૂક્યા બાદ ફરીથી કોઈ કપડાં ઉમેરી કે કાઢી શકાતાં નથી. જો જગ્યા અને પૈસાની તકલીફ ન હોય તો ફ્રન્ટ લોડ મશીન ટોપ લોડ મશીન કરતાં લાંબે ગાળે સસ્તું પડે છે. બજેટ પ્રમાણે ટોપ લોડ મશીન કિફાયતી છે. કપડાં વધારે પ્રમાણમાં મેલા ન થતાં હોય અને ઉપયોગ ઓછો રહેતો હોય તો ટોપ લોડ મશીન ખરીદવામાં કોઈ તકલીફ નથી. તો વોશિંગમશીન વિશેની આ જાણકારી તમને કેવી લાગી? તમારો નિખાલસ અભિપ્રાય જણાવવાનું ભૂલશો નહીં.

માહિતીસંગ્રહ અને અનુવાદક – ધવલ સોની
દરરોજ અવનવી જાણકારી માટે લાઇક કરો અમારું પેજ.