ક્રિસ્પી પનીર વેજીટેબલ રોલ્સ – બાળકોને આ વિકએન્ડમાં કઈક નવું બનાવી આપો, ખુબ પસંદ આવશે…

આજે હું ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય એવા ક્રિસ્પી પનીર વેજીટેબલ રોલ ની રેસિપી લાવી છું. જે એના નામ મુજબ બહાર થી ખૂબ જ ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ અને ચીઝી હોય છે. રેસ્ટોરન્ટ થી વધુ સ્વાદિષ્ટ એવા આ રોલ બાળકો ને ટીફીન માં આપી શકાય કે કોઈ પણ ટાઇમે નાસ્તા માં ખાઈ શકાય એવા છે. બાળકો ના અતિપ્રિય ચીઝ બોલ ને મળતો આવતો ટેસ્ટ છે પરંતુ એના કરતા વધુ હેલ્થી કહી શકાય…આ રોલ્સ ઠંડા થયા પછી પણ એટલા જ ક્રિસ્પી રહે છે. તો આજે જ બનાવો ક્રિસ્પી પનીર વેજીટેબલ રોલ્સ જે સ્ટાર્ટર કે સ્નેક્સ માટે બેસ્ટ છે. તમે ઇચ્છો તો આ રોલ્સ ને બેકિંગ કરી ને વધુ હેલ્થી કરી શકો છો.. મેં અહીં ફ્રાય કર્યા છે.

સામગ્રી:–

200 ગ્રામ પનીર

2 નાના ક્યુબ ચીઝ ( પ્રોસેસ્ડ અથવા મોઝરેલા)

2 બાફેલા બટેટા

1 ઝીણી સમારેલી ડુંગળી

5-7 કળી ઝીણું સમરેલું લસણ

1 -2 ઝીણાં સમારેલા લીલાં મરચાં

1 નાનું ઝીણું સમારેલું કેપ્સિકમ

1 નાનું ઝીણું સમારેલું ગાજર

1/2 કપ બાફેલા કોર્ન

1/4 ચમચી મારી નો ભુકો

1/2 ચમચી લાલ મરચું

ચપટી હિંગ અને હળદર

1 ચમચો તેલ

1 ચમચી જીરુ

1/2 કપ બ્રેડ ક્રમ્બસ

1/2 ચીલી ફ્લેક્સ

1 ચમચી મિક્સ હર્બ્સ

મીઠું સ્વાદાનુસાર

( ઓલિવ અને એલેપીનોસ પણ ઝીણા સમારી ને ઉમેરી શકાય)

બ્રેડ ક્રમબ્સ રોલ નું કોટિંગ કરવા માટે

તેલ તળવા માટે..

કોર્નફ્લોર સ્લરી બનાવા માટે

4 ચમચા કોર્નફ્લોર

1 કપ પાણી

કોર્નફ્લોર અને પાણી બરાબર મિક્સ કરી ને ઘટ્ટ સ્લરી તૈયાર કરો.

રીત:-

સૌ પ્રથમ એક કડાઈ માં તેલ મુકો . ગરમ થાય એટલે જીરું , હિંગ , હળદર, લીલાં મરચાં અને લસણ ઉમેરી ને તેજ આંચ પર સાંતળો. હવે ડુંગળી ઉમેરી ને અધકચરી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી ને ગાજર, કેપ્સિકમ અને કોર્ન ઉમેરો. ત્યારબાદ મીઠું , મરી નો ભુકો અને મરચું ઉમેરી ને બધું તેજ આંચ પર 1 મિનિટ માટે સાંતળો. બધા વેજીટેબલ ક્રન્ચી રાખવા ના છે એટલે વધુ પડતું ના સાંતળવું.. અને આ મિશ્રણ ને ઠંડુ થવા દો.

હવે એક બાઉલ માં પનીર , બટેટા અને ચીઝ છીણી ને લો તેમાં બ્રેડ ક્રમબ્સ , ઉપર બનાવેલું વેજીટેબલ નું મિશ્રણ, મીઠું, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ ઉમેરી ને હાથે થી બધું મિક્સ કરી લો. હવે તેને 30 મિનીટ માટે ફ્રીઝ માં મૂકી દો. જેથી રોલ વધુ સારા અને ઝડપ થી બની જાય છે.ત્યારબાદ જરા તેલ વાળા હાથ કરી ઉપર બનાવેલું થોડું મિશ્રણ લઇ ને મન ગમતો આકાર આપો.. મેં રોલ જેવો શેપ આપ્યો છે. હવે આ રોલ ને ઉપર બનાવેલા કોર્નફ્લોર ની સ્લરી માં ડીપ કરો અને ત્યાર બાદ બ્રેડ ક્રમબ્સ માં રગદોળી લો. આ સ્ટેપ ખૂબ જ મહત્વ નું છે. રોલ્સ પર બ્રેડ ક્રમબ્સ નું કોટિંગ બરાબર થયું નહીં હોય તો તે તેલ માં ખુલી જશે એટલે જરૂર લાગે તો ડબલ વાર ડીપ કરી ને બ્રેડ ક્રમબ્સ કોટ કરો. આ રોલ્સ ને ગરમ તેલ માં મધ્યમ થી તેજ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે આ પનીર વેજ રોલ્સ ને પેપર નેપકીન પર નીકાળી લો. ખૂબ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી પનીર વેજીટેબલ રોલ્સ ને સોસ , ચટણી અને સલાડ સાથે સર્વ કરો…

નોંધ:-

બાફેલા બટેટા પાણી પોચા ના હોવા જોઈએ.

રોલ્સ ના મિશ્રણ માં જરૂર લાગે તો વધુ બ્રેડ ક્રમબ્સ ઉમેરો.

કોર્નફ્લોર નું મિશ્રણ મીડિયમ ઘટ્ટ હોવું જોઈએ..

રોલ ને બ્રેડ ક્રમબ્સ થી એકદમ સરસ કોટિંગ કરવું .

ગરમ તેલ માં એક સાથે બહુ રોલ્સ ના ઉમેરો જેથી તૂટવા નો ભય ના રહે.

મેં અહીં પ્રોસેસ્ડ ચીઝ નો ઉપયોગ કર્યો છે.

રોલ્સ ને ગરમ તેલ માં ઉમેરી ને તરત પલટાવો નહીં. જ્યારે થવા આવે ત્યારે જ હલાવો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)