મા આજે નથી મરી – એક માતાની વ્યથા એક દિકરી જ સમજી શકે વાંચો લાગણીસભર વાર્તા…

માં આજે નથી મરી

“શું થયું? કોનો ફોન હતો?” સવારના સાત વાગવા આવેલા, ઘરમાં ઉગતા સૂરજના કેસરી રંગનો આછો અજવાસ પથરાયેલો, વારંવાર આગળ આવી રહેલા એના નીતરતા વાળને વ્યવસ્થિત કરતા રસોડાના દરવાજે ઉભેલા આકાશ તરફ એનું ધ્યાન ગયું અને એણે પૂછ્યું. આકાશ એની તરફ જોઈ રહ્યો, હાલ નાહીને નીકળેલી, એનો ગોરો સહેજ ભીનો દેહ અને ચહેરો કેસરી તડકામાં સોનેરી બની ગયેલા, એના ભીના વાળની લટો એના ચેહરા પર આવી રહેલી, હંમેશા એના હોઠો પર રમતું રહેતું સ્મિત આજે પણ મનમોહક લાગી રહેલું એ વિચારવા લાગ્યો કે “કેવી રીતે કેહવું? એ શું રીએક્ટ કરશે? હું એને સંભાળી શકીશ ખરો?” આકાશે કોઈ જવાબ ના આપતા અનન્યાએ ચા મગમાં ગાળતા ફરી પૂછ્યું “આકાશ શું વાત છે બોલોને, કોનો ફોન હતો સવાર સવારમાં?” આકાશ એના માસુમ ચહેરા તરફ જોઈ રહ્યો અને મનોમન બોલ્યો “મારે એને કહેવું તો પડશે જ ને” એ અનન્યાની નજીક ગયો અને કહ્યું “અનુ સુરતથી ફોન હતો, મમ્મી હવે નથી રહ્યા” અનન્યાના હાથ અટકી ગયા “માં!” અનન્યાના મોં માંથી સરી પડ્યું સાથે આંખોમાંથી ખારા પાણીની ધાર એના ગાલ પર સરકવા લાગી.
આકાશે એનો હાથ અનન્યાના ચહેરા પર ફેરવતા કહ્યું “અનુ હું સમજી શકું છું કે દુઃખ થાય પણ સંભાળ તારી જાતને, હું છું ને તારી સાથે, ચાલ આપણે અત્યારે જ નીકળવાનું છે” અનન્યાએ કમરમાં ખોસેલો સાડીનો છેડો કાઢ્યો પોતાની આંખો લુછી અને સ્વસ્થ અવાજે બોલી “હું ફટાફટ પેકિંગ કરી લઉં તમે ગાડી કાઢો” તેને બેગ કાઢી અને કબાટમાંથી પોતાના અને આકાશના ત્રણ ચાર જોડી કપડા ભરી લીધા ફ્રીજમાંથી પાણીની એક બોટલ સાથે લીધી અને ગાડી અમદાવાદથી સુરતના રસ્તા પર ચાલી પડી. અનન્યાની આંખમાં આંસુ નોહતા, ના એણે કોઈ આક્રંદ કરેલો પોતાની માં ના મુત્યુનો આટલો સહજ સ્વીકાર! આકાશને ખરેખર નવાઈ લાગી એને થયું અનુને માનસિક આઘાતતો નહી લાગ્યો હોય ને ગાડી ચલાવતા ચલાવતા અનન્યાનો હાથ પકડ્યો “અનુ, આર યુ ઓકે?” અને અનન્યાએ માત્ર “હા” કહી સીટ પર માથું નમાવી એ બારીની બહાર જોવા લાગી..
અનન્યાની આંખો રસ્તા પર સ્થિર થયેલી પણ એની નજરમાં માં નો ચેહરો તરવરી રહેલો છ મહિના પહેલા આવેલી ઘરે જ્યારે છેલ્લી વાર માં ને જોયેલી નિસ્તેજ ચેહરો, કોરી સુકી આંખો, એના ખાલી જીવન જેવું સાવ ખાલી મન, અને અશક્ત શરીર, જીવન જીવવાની આશક્તિ માં ના કોઈ પણ ખૂણેથી ડોકાતી નોહતી. છેલ્લી વાર મળી ત્યારે માં એ ખાસ વાતચીત પણ નોહતી કરી પહેલાતો પોતાને જોઈને માં કેવી ખુશ થઈ જતી. અનન્યાની આંખો અને મનમાં માં ની એક પછી એક યાદોના પાના ખુલવા લાગ્યા. હાઇવે પર આવતા ગાડીએ સ્પીડ પકડી અને અનન્યાના દિલ-દિમાગમાં માંની યાદોએ…
માં કપાળની વચ્ચે લાલ ચાંદલો કરતી, હાથમાં લાલ બંગડી, કાનમાં જુમ્મર વાળી કડીઓ, લાંબો ચોટલો, આંખોમાં કાજળ અને એની પહેરેલી ગુજરાતી સાડીનો લાંબો ઢળતો પાલવ,કોઈ અડેતો ડાઘ પડે એવો ગોરો એનો રંગ, માં ખુબ સુંદર લાગતી. દાદાએ એને પપ્પા માટે પસંદ કરેલી. મમ્મી સ્વભાવે સાવ સરળ,ચંચળ અને પ્રેમાળ એની સામે પપ્પા સાવ વિપરીત ઓછું બોલવું, ગરમ સ્વભાવ, સમયના ચુસ્ત, અને સહેજ પણ બાંધછોડ નહી. પપ્પાનુ ઘર પહેલેથી શ્રીમંત અને મોટા ઘરોમાંનું એક ગણાતું એટલે અહીના રીતભાત પણ અલગ ઘરમાં દાદા પછી પપ્પાનું એક હથ્થું શાસન. એમની મરજી મુજબ ઘરમાં બધાએ રહેવાનું ખાસ કરીને મમ્મીએ એજ કરવાનું જે પપ્પાને પસંદ હોય એમજ રેહવાનું જેમ પપ્પાને ગમે ઘરમાં ખાવાપીવાથી લઈ ઊંઘવા અને ઉઠવાના સમય પણ પપ્પા મુજબ સેટ થયેલા જો ક્યાય કોઈ ચૂક થાય તો પપ્પા આખું ઘર ગજાવી મુક્તા.
માંને લાલ રંગ ખુબ પ્રિય પણ માં લાલસાડી ક્યારેય નહોતી પહેરતી કારણ પપ્પા કેહતા કે લાલ રંગ તો મિડલકલાસ લોકો પહેરે. માંને મુવી જોવાનું પણ ખુબ ગમતું પણ પપ્પાને લાગતું કે એવા ડ્રામા જોઈને સમય અને મગજ ના વેડફાય એટલે ઘરમાં ક્યારેય મુવી ચાલતું નહી, ટીવી ચાલુ થાય ત્યારે માત્ર ન્યુઝચેનલ જ ચાલતી, પપ્પાને શાંત વાતાવરણ જ જોઇએ એટલે ઘરમાં ક્યારેય ટેપ કે રેડીઓ વાગતા નહી, માંનું શિડ્યુલ આખું પપ્પા મુજબ રહેતું, મમ્મીના પિયરમાં કોઈ પ્રસંગ હોય પણ પપ્પા રજા આપે તોજ જવાનું રહેતું. ઘરની બહાર પણ મમ્મી પપ્પા સાથે હોય ત્યારેજ જઈ શકતી, ઘરમાં પપ્પાનો પડ્યો બોલ જીલાતો, મમ્મીની તબિયત સારી હોય કે ના હોય પપ્પા કહે એટલે એમની સાથે બહાર જવું પડતું, માંએ એકવાર પપ્પાને પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહેલું કે મારે ગાડી શીખવી છે અને પપ્પાએ ના પાડેલી ઘરમાં ડ્રાઈવર છે અને બહારતો મારી સાથેજ આવવાનું છે ને તારે ગાડી શીખવાની કોઈ જરૂર નથી.
માંને મન શાસ્ત્રીય નૃત્ય ઈશ્વરની સાધના સમાન હતું, એણે આરંગેત્રમમાં મેડલ મેળવેલું. માં ની ઈચ્છા હતી કે એ બાળકોને શાસ્ત્રીય નૃત્ય અને સંગીત શીખવાડે પણ લગ્ન બાદ એની આ ઈચ્છા એણે મનમાં દાટી દીધી. પપ્પાને નાચવા ગાવાનું જરાયે પસંદ નહી એ કહેતા આં પગમાં ઘુંઘરું પહેરીને નાચવું સારા ઘરની સ્ત્રીઓને ના શોભે. હું અને માં નાનીના ઘરે જતા ત્યારે માં ક્યારેક પગમાં ઘુંઘરું પહેરી લેતી હું અને નાની એને જોયા કરતા માં જયારે નૃત્ય કરતી ત્યારે જાણે આજુબાજુનું બધુંજ ભૂલી પોતાનામાં તલીન્ન થઈ જતિ. માં એકવાર નૃત્ય કરી રહેલી અને અચાનક પપ્પા આવી ચડ્યા એમને આં જોયું અને બસ પછીતો અમારું નાનીના ઘરે જવાનું બંધ થઈ ગયું.
મમ્મીનો બધો સમય પપ્પાના અને ઘરના લોકોનો સમય સાચવવામાં જતો પણ પપ્પાના સમય માટે એ હમેશા તરસતી. પપ્પાના કામ પુરતી વાત કરવાના સ્વભાવને લીધે એ મમ્મી સાથે પણ ક્યારેય ખાસ વાતચીત કરતા નહી, વળી મમ્મીને કંઈ કેહવું હોય તો કેટલીયે વાર વિચારવું પડતું ક્યાંક નહી ગમે અને ગુસ્સે થઈ જશે તો? આટ આટલું કરવા છતાંય માંને કોઈને કોઈ વાતમાં સાંભળવું પડતું, માં ખુબ નિરાશ થઈ જતી. મનમાં થતું દુઃખ ઘણીવાર એની આંખોમાં ઉભરી આવતા જોયું છે મેં. પછી ધીરે ધીરે માની આંખો કોરી થવા લાગી અને મન પણ સાવ ખાલી થઈ ગયું સ્ત્રીની પોતાની ઈચ્છાઓ અને સપના હોય છે એ વાતતો માં ક્યારની ભૂલી ગયેલી. જેમ જેમ હું મોટી થવા લાગી માંને સમજવા લાગી પપ્પાની ગેરહાજરીમાં હું અને માં અમારી પોતાની અંગત ક્ષણો જીવી લેતા, એ થોડી ક્ષણો માટેજ પણ માં જાણે ફરી જીવી ઉઠતી. એના ચહેરા પરની ચમક પાછી આવતી, એનું હાસ્ય એના હોઠને મળવા આવતું અને ક્યારેક હસતા હસતા આંખો પણ ભીંજાઈ જતી, ક્યારેક લાગતું કે થોડી વાર માટે જાણે માનું ખાલી જીવન પણ ભરાઈ જતું, મારા લગ્ન બાદ માં સાવ એકલી પડી ગયેલી આખી જીંદગી એ પપ્પા મુજબ પપ્પા માટે જીવી પણ સરાહનાના પ્રેમના બે શબ્દો એમના મોઢે સાંભળવા એ હમેશા તરસતી રહી. નીરસ જીવન એને માત્ર દિવસો પસાર કરાવતું રહયુ.
ગાડીને બ્રેક લાગી, “અનુ, ઘર આવી ગયું” આકાશે અનન્યાનો હાથ હાથમાં લેતા કહ્યું. અનન્યાએ જોયું ભારે સંખ્યામાં લોકો ઘરની બહાર ઉભેલા હતા, એ ઘરમાં પ્રવેશી હોલમાં માં ને સુવડાવેલી લાલરંગનું પટોળું પહેરાવેલુ કપાળ પર લાલ ચાંદલો કરેલો એને લાલ કપડાથી ઢાંકેલી જાણે કેટલુંયે થાકીને નિરાંતે સુતી હોય એમ એનો ચહેરો શાંત હતો. પપ્પા એ પાસે આવી અનન્યાના માથે હાથ મુક્યો અને થીજેલા અવાજે કહ્યું “બેટા તારી માં ચાલી ગઈ આજે મરી ગઈ તારી માં” તેને પપ્પા સામે જોયું “પપ્પા માં આજે નથી મરી, આજે તો તમને ખબર પડી, માં તો ક્યારની મરી ચૂકેલી” તેને મક્કમ અવાજે કહ્યું અને પોતાની માં ને છેલ્લી વાર બાથ ભરી વળગી રહી…
લેખક : સ્વાતિ સીલ્હર