કમાવાની ધૂનમાં પિતા એટલો વ્યસ્ત હતો કે મિટિંગ ચાલતી રહી અને પુત્ર મૃત્યુ પામ્યો ! Must Read For Parents

હંમેશા કામમાં વ્યસ્ત રહેતાં પિતાનો પોતાના 8 વર્ષના મૃત દિકરાને પછતાવાથી તરબતર પત્ર

image source

ફિલ્મ આનંદમાં રાજેશ ખન્નાનો એક ડાયલોગ હોય છે, “બાબુ મોશાય, જીંદગી લંબી નહીં બડી હોની ચાહીએ !” શું તમને આ લાંબા જીવન અને વિશાળ જીવન વચ્ચેનો ફર્ક સમજાય છે ? આપણે બધાં એ સારી રીતે જાણીએ છીએ કે જે જન્મ લે છે તે મૃત્યુ પણ પામે છે. બધાનું મૃત્યુ જન્મના સમયે જ નક્કી થઈને આવે છે. કોઈ લાંબુ જીવે છે અને કોઈ ટુંકુ જીવે છે. આપણને નથી ખબર હોતી કે કોણ કેટલું જીવવાનું છે માટે જીવનને ભરપુર જીવી લેવું જોઈએ.

જે. આર. સ્ટોરમેન્ટ પોતાને એક વર્કોહોલિક પિતા ગણાવે છે જે તે ગર્વથી નથી કહેતાં પણ પછતાવા અને પશ્ચાતાપથી કહે છે. તેમણે છેલ્લા આંઠ વર્ષ પોતાના ધંધાને ઉંચાઈ પર પહોંચાડવા માટે દીવસ રાત મહેનત કરી છે અને તેમાં સફળતા પણ મેળવી છે. પણ આજે તેમને તે જ ઓફિસે જતાં પગ ભારે થાય છે ! કેમ ? કારણ કે આજે તેમને ભાન થયું છે કે તેમના દીકરાના નાનકડા જીવનની કીંમતી ક્ષણોનો મોટો ભાગ તેમણે વેડફી નાખ્યો છે. તેમને ભારોભાર પછતાવો છે અને તેમણે પોતાના આ પછતાવાને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કર્યો છે જેથી કરીને ભવિષ્યમાં કોઈ જ વ્યક્તિ કામની પાછળ એટલી વ્યસ્ત ન થઈ જાય કે જીવનની અત્યંત મહત્ત્વની ક્ષણોને તે માણી ન શકે કે જે ક્યારેય પાછી જ નથી આવવાની.

image source

તેનો આ પત્ર પોતાના 8 વર્ષિય મૃત દીકરાને સમર્પિત છે. પોતાના પત્રમાં માતા-પિતાઓને તેઓ અરજ કરે છે કે તેઓ પોતાની પ્રાથમિકતાઓનું પુનર્મુલ્યાંકન કરે અને તેમાં કુટુંબને પ્રથમ સ્થાન આપે અને પોતે જે ભુલ કરી છે તે ન કરે. વાંચો પિતાનો પશ્ચાતાપ ભર્યો આંખમાં આંસુ લાવતો પત્ર “8 વર્ષ પહેલાં, આજ મહિના દરમિયાન મારે ઘેર બે જોડીયા બાળકો જન્મ્યા હતા. અને તે જ વર્ષે મેં મારા સાથીઓ સાથે ‘ક્લાઉડેબીલીટી’ કંપનીના પાયા નાખ્યા હતા. ત્રણ મહિના પહેલાં ક્લાઉડેબિલીટીનું અધિગૃહણ થયું અને ત્રણ અઠવાડિયા પહેલાં અમે અમારો એક પુત્ર ગુમાવ્યો.

જ્યારે ફોન આવ્યો ત્યારે હું કોન્ફરન્સ રૂમમાં 12 લોકો સાથે અમારી પોર્ટલેન્ડ ખાતેની ઓફિસમાં કંપનીની પેલીસીઓને લઈને ચર્ચા કરી રહ્યો હતો. હજું તો મીનીટ પહેલાં જ મેં મારા કલીગને સલાહ આપી હતી કે છેલ્લા 8 વર્ષથી મેં ગણીને એક અઠવાડિયાની જ રજા લીધી હશે.

મારી પત્ની અને મારી વચ્ચે એક સમજુતી હતી કે જ્યારે પણ અમારામાંનું કોઈ એક ફોન કરે તો તેનો ચોક્કસ જવાબ આપવો જ. માટે જ્યારે તેણીનો ફોન આવ્યો હું તરત જ ઉભો થયો અને કોન્ફરન્સ રૂમની બહાર નીકળી ગયો.

image source

હજું તો હું દરવાજાની બહાર નીકળી રહ્યો હતો અને મેં પુછ્યું “હાઈ, શું ચાલી રહ્યું છે ?”

તેણીનો જવાબ એકદમ ઠંડો અને ત્વરીત હતો: “જે.આર., વાઈલી નથી રહ્યો.”

“શું ?” મને મારા કાન પર વિશ્વાસ ન પડતો હોય તેમ મેં પુછ્યું.

“વાઈલી મરી ગયો છે.” તેણીએ ફરી કહ્યું.

“શું ?! ના.” હું બૂમ પાડી ઉઠ્યો, “ના !”

“મને માફ કરી દે, મારે 911ને કોલ કરવો પડ્યો.”

ફોન પર માત્ર આટલી જ વાત થઈ. બીજી જ ક્ષણે મને યાદ છે કે હું મારી ગાડીની ચાવીઓ લઈને ઓફીસના બારણા બહાર ધસી ગયો, ગાંડાની જેમ રસ્તા પર દોડતો બુમો પાડતો અડધે રસ્તે પહોંચ્યો અને મને યાદ આવ્યું કે પાર્કીંગ ગરાજ ખોલવાની ચાવી તો ભુલી ગયો હતો. હું પાછો ઓફિસ દોડી ગયો. હું બુમો પાડવા માંડ્યો, “કોઈ મને ઘરે મુકી જાઓ ! કોઈ મને ઘરે લઈ જાઓ !” એક કલીગ તરત જ મારી મદદે દોડી આયો.

image source

બાર મિનિટમાં હું ઘરે પહોંચી ગયો, અમારું ઘર એમ્બ્યુલન્સ, પોલીસની ગાડીઓ વિગેરેથી ઘેરાઈ ગયું હતું. હું મારા ઘરમાં ધસી ગયો અને સીધો જ છોકરાઓના ઓરડા તરફ ગયો. મારી આગળ ડઝન જેટલા પેલીસ અધિકારીઓએ રસ્તો બ્લોક કરી રાખ્યો હતો. જ્યારે એક બાળક મૃત્યુ પામે છે, ત્યારે તે જગ્યા એક સંભવિત ગુનાની જગ્યા બની જાય છે.

હું અઢી કલાક સુધી મારા દીકરાને જોઈ ન શક્યો. આઘાતમાં સરી પડ્યો હતો હું સુનમુન થઈને મારા દીકરાને મળવાની રાહ જોઈ રહ્યો હતો અને મેં એક પોલીસ કે જે દરવાજાની સુરક્ષા કરી રહ્યો હતો તેને જણાવ્યું કે હું હવે વધારે રાહ નહીં જોઈ શકું. ત્યારે તેમણે મને તેને દૂરથી જોવા દેવાની છૂટ આપી. રૂમમાંની સ્લાઇડીંગ વિંડોના ગ્લાસની પેલી બાજું મેં જોયું તો તે પથારીમાં સુતો હતો, એકદમ શાંતિથી સુતો હતો. મેં કાચની બારી પર હાથ ફેરવીને તેને વહાલથી જોયો.

image source

જ્યારે મેડિકલ એક્ઝામિનરે પોતાનું કામ પુર્ણ કર્યું ત્યારે અમને તેના રૂમમાં જવા દેવામા આવ્યા. મારા મનમાં એક ઠંડો સુનકાર છવાઈ ગયો હતો. તેને સૌથી વધારે ગમતી તેની પથારીમાં હું તેની સાથે જ સુઈ ગયો. તેનો હાથ હાથમાં લીધો અને તેને પંપાળતા બોલતો રહ્યો, “શું થઈ ગયું, બેટા ? શું થઈ ગયું ?”

અમે આમ જ તેની બાજુમાં ત્રીસ મીનીટ સુધી સુતા રહ્યા અને તેના કુણા કુણા હાથ અને મુલાયમ વાળને પંપાળતા રહ્યા. ત્યાં તો તેને અમારાથી દૂર લઈ જવા શબવાહીની આવી પહોંચી. હું તેની સાથેસાથે જ બહાર ગયો. હું તેનો હાથ અને કપાળ પંપાળ તો રહ્યો. છેવટે તેને સબવાહિનીમાં મુકી દેવામાં આવ્યો અને બધી જ ગાડીઓ એક પછી એક રવાના થઈ ગઈ. છેલ્લી કાળી મીનીવાન હતી જેમાં વાઈલી હતો.

image source

તેના મૃત્યુના બીજા જ દીવસે તેની સ્કુલ જર્નલ અમને મળી જેમાં તે ભવિષ્યમાં શું કરવા માગતો હતો તે લખ્યું હતું. તે મોટો થઈને ટેક્નોલોજી ડેવલપ કરવા માગતો હતો.

વાયલીને સાવ જ નાની ઉંમરે ધંધો શરૂ કરવાનું ઘેલું લાગેલું હતું. ક્યારેક તે કહે કે તે સ્મુધી વેચશે તો ક્યારેક તે કહેતો કે કોઈ આર્ટ ગેલેરીનો માલિક હશે તો વળી ક્યારેક તે પ્રેગ્રામર બનવા માગતો, તો વળી બીજા દીવસે સ્પેશશિપ બિલ્ડિંગ કંપની ખોલવા માગતો. તેના આ દરેક આઈડીયામાં તેણે કંપનીના માલિક બનવાનું. તેનો ભાઈ અને ક્યારેક ક્યારેક અમે પણ તેના કર્મચારીઓ બનતા. જેમને વિવિધ કામો વહેંચવામાં આવતા.

વાઈલી જ્યારે પાંચ વર્ષનો થયો ત્યારે તેણે નક્કી કરી લીધું કે તે મોટો થઈને લગ્ન કરી લેશે. છ વર્ષે તો તેણે પોતાના માટે છોકરી પણ પસંદ કરી લીધી હતી, કીંડર ગાર્ડનના પ્રથમ જ વર્ષમાં તેણે તેણીનો હાથ પકડી લીધો.

ત્યાર બાદના બે વર્ષ અમે લંડનથી હવાઈ શિફ્ટ થઈ ગયા અને તેમ છતાં તે તેની નાનકડી ગર્લફ્રેન્ડના એકધારા સંપર્કમાં રહેતો અને તે પણ તેણે હાથે લખેલા પત્રો દ્વારા. પછી જ્યારે બે વર્ષ બાદ અમે પાછા પોર્ટલેન્ડ આવ્યા ત્યારે તે બન્નેએ નક્કી કરી લીધું કે તેઓ એકબીજા સાથે લગ્ન કરશે. જોકે આ પ્રપોઝલ તેની નાનકડી ફ્રેન્ડ તરફથી હતું જે તેણે મુક્કો મારીને કર્યું હતું અને તેણે તરત જ તેણીના આ પ્રપોઝલને માની લીધું હતું. જોકે અહીં આવ્યા બાદ તે તેણીને બે જ વાર મળવા ગયો હતો.

image source

તેના મૃત્યુ બાદની સૌથી દુઃખદ ક્ષણ તેના ડેથ સર્ટીફીકેટ પર સહી કરવાની હતી. તેના મથાળા પર તેનું નામ જોવું એ બહુ મુશ્કેલ ક્ષણ હતી. પણ તેની બાદની જે બે ખાલી જગ્યાઓ પુરવાની હતી તેણે તો મને સાવ જ ભાંગી નાખ્યો હતો. પહેલું હતુઃ “વ્યવસાયઃ ક્યારેય કામ નથી કર્યું” અને બીજું હતું: “મેરિટલ સ્ટેટસઃ ક્યારેય પરણ્યો નથી”. આ બે વસ્તુ માટે તો તેણે કેટલી યોજનાઓ બનાવી લીધી હતી. મારે મારી જાતને ભાગ્યશાળી સમજવી કે દુર્ભાગી સમજવી ? કારણ કે તે બધું મને મળ્યું છે પણ વાઈલી તેનાથી વંચીતરહી ગયો.

છેલ્લા ત્રણ અઠવાડિયાથી એવી ઘણી બધી બાબતો મને જાણવા મળી છે જેના કારણે મને પછતાવો છે. જે બે પ્રકારની છે. એક તો એ કે હું અમુક બાબતો જુદી રીતે કરી શક્યો હોત અને બીજી એ કે હું તેને આમાંનું કશું જ કરતો નહીં જોઈ શકું. મારી પત્ની એકધારી મને જણાવ્યા કરે છે કે તેણે પોતાના જીવનમાં શું શું કર્યું છે. વાઈલી દસ દેશો ફરી ચુક્યો છે, હવાઈમાં આવેલા ખેતરના રસ્તા પર ગાડી ચલાવી ચુક્યો છે, ગ્રીસમાં પહાડ ચડી ચુક્યો છે, ફીજીના દરિયામાં સ્નોર્કલીંગ કરી ચુક્યો છે, બ્રીટેનની બેસ્ટ શાળામાં ભણી ચુક્યો છે, શાર્કના એટેકથી પણ બચી ગયો છે, ચેસમાં તો એટલો પાવરધો હતો કે તેણે મને બે વાર હરાવી પણ દીધો હતો. તેણે ટુંકી વાર્તાઓ લખી છે અને કેટલાક કોમિક્સ પણ દોર્યા છે. અને બસ એક જ રાતમાં તે અમારાથી કાયમને માટે દૂર થઈ ગયો !

image source

તેની આગલી રાત બધું જ નોર્મલ હતું. વાઈલી એક સ્વસ્થ પ્રવૃત્તિશીલ બાળક હતો. તે દિવસે અમે અમારા મિત્રો અને તેમના બાળકોને જમવા માટે બોલાવ્યા હતા. અમે ખુબ મસ્તી કરી હતી. તે દિવસે વાયલીએ થોડી દાદાગીરી પણ કરી હતી જેના માટે મેં તેને ખખડાવ્યો પણ હતો. અમારી વચ્ચેની આ છેલ્લી વાતચીત હતી. મારી આ ભૂલના કારણે મેં મારી જાતને કેટલીએ વાર મારી છે. મને હજુ પણ તેની આંખમાંથી વહેતા આંસુ યાદ છે.

થોડા કલાક બાદ બધું જ શાંત પડી ગયું. અમે બહારથી જમવાનું મંગાવ્યું. રાયલીના પ્રિય એવા પીળી દાળ અને ભાત પણ મંગાવ્યા હતા જે તેમે ચાવથી ખાધા હતા. અને ત્યાર બાદ બાળકોને સુવડાવી દીધા. સુતી વખતે મેં વાઈલી સાથે બે-ચાર મીઠી વાતો કરી અને તેના પર ગુસ્સે થવા બદલ તેની માફી પણ માંગી. અમે થોડી મસ્તી કરી અને હું સુવા જતો રહ્યો.

image source

15 મિનિટ બાદ જોયું તો તે અમારા રૂમ તરફ આવી રહ્યો હતો. “પપ્પા, ઉંઘ નથી આવતી.” બહાર ક્યાંક પાર્ટી હોવાથી જોરજોરથી મ્યુઝિક ચાલી રહ્યું હતું એટલે તેને ઉંઘ નહોતી આવતી. મેં તેના રૂમના બધા બારી બારણા બંધ કરી તેને ફરી સુવડાવી દીધો. મને શું ખબર હું તેને છેલ્લીવાર સુવડાવી રહ્યો હતો !

બીજી સવારે વહેલા હું ઉઠી ગયો અને મારી બેક ટુ બેક મિટિંગો માટે તૈયાર થઈ ગયો. કેટલાક કામ પતાવ્યા અને પછી ઓફિસે પહોંચી ગયો. આજે આ મિટિંગો, મારું કામ કશું જ મહત્ત્વનું નથી લાગતું. તે દિવસે સવારે હું બાળકોને આવજો કહ્યા વગર નીકળી ગયો હતો.

મોડે સુધી ઉંઘતા જેસીકા એટલે કે વાઈલીની માતાને વિચાર આવ્યો કે વાઈલી શાંતિથી સુતો છે. તેને એમ પણ ઉંઘવું ખુબ ગમતું હતું તેને તેની પથારી પણ બહુ ગમતી હતી. પણ પછી તેણીને થયું કે તે આજે વધારે પડતે જ સુતો એટલે તેણી તેની પાસે ગઈ.

image source

તે બરફ જેવો ઠંડો હતો. તેણે તરત જ 911 પર કોલ કર્યો. મેડિકલ એક્ઝામીનરે જાહેર કર્યું કે તે છેલ્લા 8-10 કલાકથી મૃત હતો. એટલે કે તે વહેલી સવારે અથવા મોડી રાત્રે જ મૃત્યુ પામ્યો હતો.

ગયા વર્ષે વાયલી ને હળવી વાઈનો હુમલો થયો હતો. જેને દાક્તરી ભાષામાં બેનીંગ રોલેન્ડીગ એપિલેપ્સી કહેવાય છે. 8થી 13 વર્ષના બાળકોમાં આ એક ખુબ જ સામાન્ય બિમારી હતી અને તે આપોઆપ જ કીશોરા વસ્થામાં દૂર થઈ જતી હતી. વાયલીની વાઈ તો સાવ જ હળવી હતી. તેને અત્યાર સુધીમાં એક જ વાઈ આવી હતી. પણ જેને ગંભીર વાઈ કહેવાય તેવા તો કોઈ લક્ષણ તેનામાં નહોતા. એક આંકડા પ્રમાણે 4500 બાળકો કે જેમને વાઈ આવતી હોય તેમાંથી માત્ર 1ને જ ગંભીર વાઈની બીમારી થતી અમને શું ખબર કે એ એક અમારો જ દીકરો હશે !

ઘણા લોકો પુછતાં હોય છે કે તેમણે શું કરવું ? તમારે તમારા બાળકોને ભેટવું, ખુબ વહાલ કરવું. રાત્રે મોડે સુધી કામ ન કરવું. આજે તમે જે કામ પાછળ તમારો કીંમતી સમય ફાળવી દો છો તે એક ક્ષણે તમને સાવ જ નિરર્થક લાગશે અને ત્યારે બહુ મોડુ થઈ ગયું હશે.

હું જ્યારે આ પોસ્ટ લખી રહ્યો હતો ત્યારે મારો બીજો દીકરો ઓલીવર આવ્યો અને મને ટીવી જોવા માટે તેણે પુછ્યું. તેને ‘ના’ કહેવાની જગ્યાએ મેં એને કહ્યું, ‘તેના કરતાં આપણે બન્ને કંઈક રમીએ તો !’ તેને મારા આ વર્તનથી આશ્ચર્ય થયું અને તે ખુબ ખુશ પણ થયો અને અમારા બન્ને વચ્ચે એક અલગ જ તંતુ બંધાયો. નાની નાની બાબતો ખરેખર ખુબ મહત્વની હોય છે.

તમે વર્ષો સુધી કામ કરતાં જ રહેશો કરતાં જ રહેશો, હંમેશા કંઈક પામવા માટે દોડતા રહેશો, ક્યારેય નવરા નહીં પડો. તમે પોતાની જાતને કહેતા હશો “હું પણ મજા કરીશ, પણ પહેલા કરોડપતિ બની જાઉં, થોડા રૂપિયા કમાઈ લઉં.”

image source

હવે જરા કલ્પના કરો કે શું તમે આ જ બધી મસ્તી વૃદ્ધાવસ્થામાં અશક્ત શરીરે આરામ ખુરશીમાં બેઠા-બેઠા કરી શકશો ?

તમારી જાતને માણો, તેને સેલિબ્રેટ કરો તમે વિચારો છો તેના કરતાં વધારે મોડું થઈ જ ગયું છે. તમે સ્વસ્થ છો મસ્ત છો ત્યાં સુધી તમારી જાતને માણી લો. આ વર્ષો પલકારામાં વહી જશે પછી તો માત્ર પછતાવો જ રહેશે. માટે પોતાની જાતને અને તમારી પોતાની પાસે જે છે તેને માણી લો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ