દબી દબી સી ખુશી – મા હોવા છતાં પણ આખી જિંદગી રહી એ મા વગર, તમારી આંખો પણ ભરાઈ આવશે…

“પૂરી શકયું ના કોઇ પણ તારા ગયા પછી… મુજને જે ખોટ તારા વગરની ઉમ્રભર પડી..”

આજે રસ્તામાં અમોલીની મામી મળ્યા. હું પણ મામી જ કહું છું. ઘણા વખતે મળ્યા એટલે થોડીવાર ઊભા રહ્યાં. વાત કરતાં તેમણે જણાવ્યુ કે, “અમોલી આવવાની છે, તું પણ ઘરે આવજે…” “હા.. ચોકકસ આવીશ..” એમ કહીને અમે છુટા પડયા મારું આવું જ છે. કયારેક કોઇ અચાનક મળી જાય પછી બે દિવસ સુઘી મગજનો કબજો તે જ લઇ લે.. બસ તેના જ વિચાર આવે.. અને એવું જ થયુ.. મામીને મળ્યા પછી અમોલી મગજ પર હાવી થઇ ગઇ.

અમોલી.. જન્મ વખતે જ ભગવાને તેના નસીબમાં વર્ષો સુઘીનું દુ:ખ લખી નાખ્યુ હશે. તે એવી નાતમાંથી આવે છે કે, જયાં છોકરોને વધારે ભણવા દેવામાં નથી આવતી.. કારણ.. તો એ કે છોકરાઓ ભણતા નથી અને બાપદાદાના ધંધામાં બેસી જાય છે. એટલે છોકરીઓને વધારે ભણાવીએ તો છોકરો સારો ન મળે. ભણવાનું ન હોય એટલે અઢાર વર્ષ થાય ત્યાં જ લગ્ન કરી નાખે. અમોલીની મમ્મી કોમલના લગ્ન 18 વર્ષે થઇ ગયાં હતાં. 19 વર્ષની થઇ ત્યાં અમોલી આવી ગઇ, અને તેના જન્મના ત્રણ જ મહિનામાં તેના પપ્પા ગુજરી ગયા.

કોમલે હજી દુનિયા પણ જોઇ ન હતી. અને વિધવા બની ગઇ. અમોલીના દાદા – દાદી કોમલને વધું ત્રાસ આપવા લાગ્યા કે અમારા દીકરાને ભરખી ગઇ. ત્રાસની હદ થઇ ગઇ ત્યારે કોમલ બે વર્ષની અમોલીને લઇને પિયર આવી ગઇ. પિયરમાં પણ સાઘારણ પરિસ્થતિ.. પણ દીકરી માટે તો બઘા મા-બાપના દરવાજા ખુલ્લા જ હોય… કોમલ અને અમોલી સમાય ગયા.

કોમલની ઉંમર હજી 21 વર્ષની ઉંમર.. આટલી નાની ઉંમરે વિધવા થઇ ગઇ તો આખી જિંદગી કેમ જાય ?? તેવા બધાના મંતવ્ય સાંભળતા સાંભળતા કોમલના પપ્પાને થયું કે તેના બીજા લગ્ન કરાવી આપીએ. કોમલની ઇચ્છા હતી જ.. પછી તો બીજા લગ્ન માટે તપાસ ચાલુ થઇ ગઇ. જયાં વાત મૂકે ત્યાં અમોલી વચ્ચે આવે. બધેથી એવું જ સાંભળવવા મળે કે દીકરી છે એટલે નહી. આ સાંભળીને કોમલને ગુસ્સો આવે. શ્ર્વાસ આવતા જ બાપને ભરખી ગઇ એવા વાકયો હજી તેના કાનમાં ગુંજતા જ હતાં. એટલે તેને પણ અમોલી પર ગુસ્સો આવે..

નાનકડી ચાર-પાંચ વર્ષની અમોલીને મારે.. ઢોર માર મારે.. તેના મનમાં એમ કે કદાચ મરી જાય તો બીજા લગ્ન માટે રસ્તો ખુલ્લો થઇ જાય. અમોલી કેટલી વાર રડતી રડતી ઘરની બહાર બેઠી હોય. હું તેના જેવડી જ હતી એટલે મને બધું સમજાય નહી.. હું કયારેક પુછુ તો એમ જ કહે કે.. મારી મમ્મી પણ તારી મમ્મી જેવી હોત તો.. અમોલીએ બહુ માર ખાધો.. પણ ભગવાને તેને દુ:ખ ભોગવવા જ મોકલી હતી એટલે મોત પણ ન આવ્યુ… પણ એમાં મયુરભાઇ આવી ગયા..

મયુરભાઇને પણ અમોલીની ઉંમરની જ દક્ષા નામની દીકરી અને તેનાથી નાનો દીકરો.. તેમની પત્ની પણ ગુજરી ગઇ હતી.. તેમને કોમલ ગમી ગઇ.. લગ્ન માટે તેણે હા પાડી દીઘી.. પણ શરત એટલી જ કે અમોલી સાથે ન આવે.. વાહ રે .. પુરુષ જાતી.. પોતાના બાળકોને સાચવવા મા જોઇએ છીએ, પણ બીજાના બાપ વગરના બાળકો માટે બાપ નથી બનવું. પણ નિયમ તો પુરુષો એ જ બનાવેલો છે.. વિરોઘ કોણ કરે ???. આ બાબતે અમોલીના મામા મામી વચ્ચે પડયા. કોમલને સમજાવી કે અમોલીને અમે રાખીશું.. દીકરીની જેમ ઉછેર કરીશું..

તારા માટે નવી દુનિયાના દ્રાર ખુલતા હોય તો તું જા.. અને કોમલ ચાલી ગઇ.. અમોલીને રડતી મુકીને નવા જીવનમાં ચાલી ગઇ. દુનિયાના આ પહેલા લગ્ન હશે કે જેમાં કન્યાના મા-બાપ નહી, પણ કન્યાની દીકરી રડતી હતી. કોમલે પોતાની નવી દુનિયા વસાવી લીઘી. ત્યાં અમોલી માટે જગ્યા ન હતી. અમોલી કયારેય તે ઘરૈ જઇ ન શકી. વેકેશનમાં પણ કોમલ તેને પિયર આવે તો દક્ષા અને તેનો ભાઇ સાથે જ હોય.. અમોલીએ ત્રણ મહિનાની ઉંમરે પિતા ગુમાવ્યા અને પછી મા..

બસ મામા મામી જ હવે તેના માતા-પિતા બની ગયા. મામા – મામી બહુ સારી રીતે રાખતાં, પણ તેમની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે તે મજબુર હતાં.. અમોલીને કેટલીય વાર રડતા જોઇ છે, બે જોડી કપડાંમાં જીવતા અને નાની નાની વસ્તુ માટે તરસતા જોઇ છે.. તે બહુ સમજુ એટલે જરૂર ન હોય તેવું માગે જ નહી.. જેટલી બને તેટલી જરૂરિયાત પણ ઓછી રાખે.. મામાએ ભણાવી.. અને લગ્ન પણ કરી આપ્યા… લગ્નમાં કન્યાદાન પણ કર્યુ… તેની મમ્મી તો નામની જ હતી…

બસ… અમોલી પર ભગવાનને થોડી દયા આવી હશે તો બહુ સારો પતિ અને સાસરિયા મળ્યાં. અમોલી ખૂબજ ખુશ છે, આજે લગ્નના 20 વર્ષ પછી પણ વેકેશનમાં બધા જેમ પિયર જાય તેમ તે મામાના ઘરે જ આવે.. જયારે આવે ત્યારે હું મળવા જાઉ જ… બે દિવસ સુઘી સતત અમોલી મારા મગજ પર છવાયેલી રહી. અને તે આવવાની હતી તે દિવસે તેને મળવા ગઇ. બહુ જ વાતો કરી.. અચાનક તે બોલી.. ,”તને ખબર છે ? દક્ષાનો પતિ ગયા વર્ષે ગુજરી ગયો.. “

મને થોડીવાર પછી યાદ આવ્યુ કે, “દક્ષા એટલે તેની સાવકી બહેન.. મને દુ:ખ થયું, પણ અમોલીની ચહેરા પર દુ:ખ ન હતું. તે બોલતી રહી.. “દક્ષાના બે બાળકો છે, તેના પતિને ધંધામાં ટેન્શન આવી જતા એટેક આવી ગયો અને ગુજરી ગયો. તેના સાસરાવાળાએ તેને ન રાખી. અને દક્ષા બન્ને બાળકોને લઇ પિયરમાં જ રહે છે.”

મને દુ:ખ થયું, મારે દક્ષા સાથે પરિચય ન હતો પણ છતાં આવી વાતથી સ્ત્રી સહજ દુ:ખ થયું. અમોલી બોલતી જતી હતી…” હવે દક્ષાના પપ્પા તેના બીજા લગ્ન કરાવવા માંગે છે, પણ બે બાળકો છે એટલે લગ્ન થતાં નથી.. બઘા એમ જ કહે છે કે બાળકોને મૂકીને આવ.. દક્ષા શું કરવું એ વિચારે છે.. હવે તેના પપ્પાને ખબર પડશે કે જેનો બાપ મરી જાય તેવા બાળકોને મા થી જુદા કરવા કેટલું અઘરૂં છે?? ” આટલું બોલતાં જ તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.. જે રડી છે.. જે રડી છે.. આજ સુઘી મેં તેને આટલું રડતાં કયારેય જોઇ નથી. દિલનો બઘો ઉભરો શાંત થયાં પછી તેના ચહેરા પર કયાંક કયાંક દબાયેલી ખુશી દેખાતી હતી.. જાણે તેના દુ:ખનો બદલો મળી ગયો, મારે તો શું બોલવું તે સમજાયું જ નહી…

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ