પાણીની સમસ્યાને સમજીને ગામના યુવાને કર્યું કંઈક એવું, જેનાથી સેંકડો વર્ષની સંસ્કૃતિનું સંરક્ષણ થયું અને પીવાના પાણીની તંગી પણ ઓછી થઈ…

ગામના પાદરે સેંકડો વર્ષ જૂની પાણીની વીરડીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી બનાવવા, યુવાનોએ કરી મહેનત… સોશિયલ મીડિયામાં અપાઈ રહી છે, તેમને શાબાશી… પાણીની સમસ્યાને સમજીને ગામના યુવાને કર્યું કંઈક એવું, જેનાથી સેંકડો વર્ષની સંસ્કૃતિનું સંરક્ષણ થયું અને પીવાના પાણીની તંગી પણ ઓછી થઈ…

આપણાં ગામડાંઓને પાદરે પાણીની વાવ, કૂવો કે વીરડી બનાવવાની એક પ્રથા હતી. વટેમાર્ગુઓ તેમાંથી મુસાફરી દરમિયાન પાણી પી લઈ શકતાં. વળી કોઈ ગામના લોકો તો પોતાના ઘર માટે પણ પાણી ભરીને લઈ જતાં હતાં. આજે આ પૌરાણિક ધરોહર સમી વાવ અને વીરડી સમય જતાં યા તો બૂરાઈ જવા લાગી છે કાં તો તેમાં એટલું બધું કાદવવાળું પાણી છે કે તે પીવા લાયક પાણી નથી રહ્યું. જેમ જેમ વરસાદ ખેંચાતો જાય છે, તેમ તેમ અંતરિયાળ ગામડાંઓમાં પાણીની તંગી વ્યાપક પ્રમાણમાં વર્તાતી જાય છે અને શહેરોમાં વહેંચાતું પાણી વધુ ને વધુ મોંઘું થતું જાય છે. આવી બધી અનેક સમસ્યાઓ એકસાથે વિચારીએ તો આપણો જીવ કોચવાવવા લાગે છે. ત્યારે સોરઠના એક ગામના યુવાનોએ એવું કામ હાથ ધર્યું કે સૌ કોઈ એમને શાબાશી આપી રહ્યાં છે.

ગામની સેંકડો જૂની સૂકાયેલી અને અવાવરૂ પડેલી વીરડી ચોખ્ખી કરીને યુવાનોએ જાત મહેનતે તેને પીવા લાયક પાણીનું જળસંચયનું સંસાધન બનાવી મૂક્યું.

દેવભૂમિ દ્વારિકા પાસે આવેલ કલ્યાણપૂર પાસેના સતાપર ગામની એક એવી પૌરાણિક અને ખંડેર થઈ ગયેલ રાજાશાહી ધરોહર સમી વીરડીને ફરીથી વપરાશ યોગ્ય બનાવવા માટેના પ્રયત્નો કર્યા. આજના ખેડૂતો જ્યારે જળસંચયના વિવિધ સ્ત્રોત શોધે અને આધુનિક ટેકનોલોજી સાથે તાલમેલ કરીને કંઈક એવી રીત શોધવાના પ્રત્યત્નો કરે છે જેથી તેમની પાણીની અને સિંચાઈની સમસ્યા થોડી હળવી થાય. જાહેર જળાશયો અને તળાવો તેમજ નહેરો ધીમેધીમે કોરાં ધાકોર થતાં જાય છે ત્યારે એક સમય આપણી ભારતીય સંસ્કૃતિમાં એવો હતો કે કોઈ રાજા રજવાડાના જળાશયોની વ્યવસ્થા ન હોય તો એ રાજ્યની નિષ્ફળતા લેખાતી. દરેક ગામ, તાલુકા અને જિલ્લાઓને પોતાના જળસંચયોની આગવી પદ્ધતિઓ હતી. એ રીતે જો આજે પણ પાણીના સંગ્રહની અને તેનો વ્યય થતો અટકાવવાની જો આપણને એક યોગ્ય પદ્ધતિ હાંસલ થઈ જાય તો આ એક ઉત્તમ સાશનની સફળતા ગણાશે.

આજે વાદળો વરસવાની રાહ જોઈને બેસી રહેવાનો સમય નથી. દેશના યુવાનોએ પોતાની કુશળતા, બળ અને વિદ્યાનો સદુપયોગ કરીને કંઈક વિચારશે તો સોનામાં સુગંધ ભળશે. આવો જાણીએ સતાપર ગામના યુવાનોએ શું કર્યું અને કંઈરીતે સફળતાપૂર્વક કામ પાર પાડ્યું.

સતાપર ગામની સીમમાં આવેલ સેંકડો વર્ષની વાવનું સમારવાનું કામ હાથ ધર્યું હતું. આ વીરડી ૨૦ ફૂટ ઊંડી છે જેને ફરતે પત્થરો બાંધવામાં આવ્યા છે. સતાપર ધોરાવાની પશ્ચિમ બાજુએ આવેલ આ વીરડીનો ઇતિહાસ જાજરમાન છે. પરંતુ આજે તેનામાંનું પાણી અપૂરતા વરસાદને લીધે ડૂકાવવા લાગ્યું છે. થોડા વર્ષોના સમય પહેલાં સુધી આ વીરડીમાંનું પાણી પીવા લાયક હતું. જે ગામ જતાં – આવતાં લોકોને ખપતમાં આવતું હતું પરંતુ હવે તે સાવ તળિયે આવી ગયું છે.

આ વીરડી એટલી તો જૂના જમાનાની છે અને સાંકડી છે કે તેમાં આધુનિક ચરખી, મશીન કે બોરવેલના મશીન મૂકાવીને કામ થઈ શકે એમ નથી. તેથી ગામના યુવાનોએ તેમાં અંદર સુધી ઊતરીને તેનો કાદવ, કપચી અને પત્થરાળ સપાટીને સાફ કરીને તેને ફરીથી વપરાશમાં લઈ શકાય તેવી અવસ્થામાં લાવી દીધી. તગારા ઉલેચીને માનવ સાંકળ બનાવીને આ યુવાનોએ શ્રમદાન કર્યું હતું. તેમની આ પેઢીઓ જૂની તરકીબ કામ લાગી અને સેંકડો વર્ષનો ઇતિહાસની સાક્ષી એવો આ ધનાભાઈનો વીરડો ફરીથી જીવંત કરી મૂક્યો. જેના પ્રત્યે આજદિન સુધી દૂર્લક્ષતા સેવાઈ રહી હતી, એવી સમસ્યા ઉપર તેઓએ કામગીરી શરી કરીને લોકોને પ્રેરણા આપી છે કે તેઓ પણ પોતાના વિસ્તારમાં આવેલ આવા જળાશયોનો જિર્ણોદ્ધાર કરે.

આવાં કાર્યો સરકારી તંત્રોને થશે મદદરૂપ…

દેશના નાના મોટાં અંતરિયાળના ગામડાંઓમાં પાણીની સમસ્યાને હળવી કરવા જો સ્થાનિક લોકો આગળ આવીને આવા ગઢ – કિલ્લઓની વાવ, વીરડી અને તળાવોના સમારકામ માટે શ્રમદાન અને આયોજન કરશે તો સરકારી તંત્રોને પણ ઘણી રાહત થશે. સ્વેચ્છાએ કરેલાં જળસંચયના કાર્યોથી એવા ગામડાંઓ સચવાઈ જશે કે જ્યાં હજુ સુધી તંત્ર પહોંચી વળી નથી શક્યું. વળી, આપણો જળસંચયનો ઐતિહાસિક ચિલો યથાવત રાખવામાં પણ મદદરૂપ નિવડશે.

જેમને પણ આ કાર્યની વાત ખબર પડતી જાય છે, તેઓ સતાપરના ગામના યુવાનોની પ્રસંશા કરી રહ્યા છે. લોકોની વાહવાઈ અને શાબાશી સાથે મૂંગા પશુ પક્ષીઓ અને વટેમાર્ગુઓના મુક આશીર્વાદ પણ તેમને જરૂર મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ