ચેન્નઈની એક સત્યઘટના – જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત…

જેના હ્રદયમાં ઇશ્વર છે તેને કોઇ “સુતક” નડતું નથી. (અવશ્ય વાંચજો સત્ય ઘટના છે.)

ફેબ્રુઆરી 2007નો સમયગાળો.. વડોદરાથી 50 કિલોમીટર દૂર આવેલું 30 હજારની વસ્તી ધરાવતું એક નગર.. જ્યાં 80 વર્ષના વૃદ્ધ સ્થાનિક ડોક્ટરો પાસે કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. પણ કેન્સર જેવી બીમારીનો ઈલાજ સ્થાનિક તબીબોના ગજા બહારની વાત હોવાથી ફેમેલી ડોક્ટરે વૃદ્ધને ચેન્નાઈની પ્રસિદ્ધ અડયાર કેન્સર હોસ્પિટલમાં ઈલાજ માટે જવા સલાહ આપી.

વૃદ્ધની સારવાર માટે ડોક્ટર દ્વારા તમામ ગોઠવણ અહીંથી જ ફોન કરીને કરી આપવામાં આવી. એક મહિનો ચેન્નાઇ રહી અને સારવાર કરવાની હતી જેથી બે પુત્રોમાંથી કોઈ એક મહિનો સાથે જઈ અને રહી શકે તેમ ના હોવાથી તે વૃદ્ધ પોતાની 75 વર્ષની પત્નીને સાથે લઈને ચેન્નાઇ સારવાર કરાવવા નીકળ્યા.

ચેન્નાઇ ટ્રેન પહોંચતા પાંચ કલાક મોડી પડી અને રાત્રે નવ વાગે ચેન્નાઇ ઉતરી અને વૃદ્ધ દંપત્તિ રીક્ષા દ્વારા કેન્સર હોસ્પિટલ પહોંચ્યું. રીક્ષાથી રાત્રે દસ વાગ્યા પછી હોસ્પિટલના કેમ્પસમાં પહોંચેલા વૃદ્ધાએ પૈસા ચૂકવી અને પતિને નીચે ઉતરો હવે તેમ કહ્યું ત્યારે જોયું કે પતિનો દેહ નિષ્ચેત છે અને કોઈ જવાબ નથી આપી રહ્યો. વૃદ્ધા ગભરાયા અને દોડીને હોસ્પિટલમાં ગયા ત્યાં ચેન્નાઇમાં ભાષાની ભારે તકલીફ પડી પણ વૃદ્ધાના ઈશારાઓથી ચેન્નાઇના ડોક્ટરો કંઈક સમઝ્યા અને બહાર આવી વૃદ્ધને ચકાસી અને જણાવ્યુંકે તેઓનો દેહાંત થઇ ચુક્યો છે. વૃદ્ધના મૃતદેહને રીક્ષામાંથી ઉતારી સ્ટ્રેચર ઉપર મૂકી દેવામાં આવ્યો. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરી શકાય પણ મૃતદેહને નહીં એટલે હોસ્પિટલના કેમ્પસમાજ સ્ટ્રેચર ઉપર મૃતદેહ મૂકી રાખવામાં આવ્યો.

રાતે દસ વાગ્યા પછીનો સમય હતો હોસ્પિટલનું ચોગાન પણ સુમસામ હતું અને 75 વર્ષની વૃદ્ધા ઘરથી 1800 કિલોમીટર દૂર પતિના મૃતદેહ સાથે અજાણ્યા મહાનગરમાં એકલી હતી જ્યાં કોઈ તેની ભાષા સમઝતું ના હતું કે તે કોઈની ભાષા સમઝતી ના હતી. દરમ્યાન માઠા સમાચાર આપવા વૃદ્ધાએ ઘરે દીકરાને ફોન જોડ્યો. ઘરે અમંગળના સમાચાર મળતા પરિવારજનો ભાંગી પડ્યા પણ તેથી વધુ દુઃખ હતું કે ઘર થી આટલા દૂર પિતાના મૃતદેહ સાથે માતા એકલી તો હવે કરવું શું..!! સંબંધી અને આસપાડોસમાં સમાચાર વહેતા થયા અને લોકો એકત્રિત થવા લાગ્યા.

તપાસ કરી પણ ટ્રેન કે વિમાન દ્વારા ચેન્નાઇ ચોવીસ કલાક પહેલા પહોંચવું કે ત્યાંથી મૃતદેહ પણ અહીં લાવવો બંને માંથી કાંઈજ કોઈ પણ રીતે શક્ય નહતું, છેવટે ભીડમાં મોજુદ આધેડ વયના અશોકભાઈએ પોતાની રીતે પ્રયત્નો શરુ કર્યા. તેઓ વડોદરાની એમએસ યુનિવર્સીટીમાં ભણતા હતા ત્યારે ત્રીસ વર્ષ અગાઉ તેઓના ગ્રુપમાં વંદના નામની છોકરી હતી તેના લગ્ન ચેન્નાઇ થયા હતા અને ત્યારે તેના લગ્નમાં ગયા હતા અને જાન ચેન્નાઇ થઇ આવી હતી તેમ યાદ આવતા અશોકભાઈ એ પોતાના મિત્ર વર્તુળ માં રાતે અગ્યાર વાગે ફોન ઘુમાવવાના શરુ કર્યા.

લગ્ન બાદ વંદના સાથે કોઈ સંપર્ક નહતો છતાં પાંચ-છ મિત્રોનો સંપર્ક કર્યા બાદ વંદનાના વડોદરા ખાતેના પિયરનો લેન્ડલાઈન નમ્બર મેળવી શકાયો જે પ્રક્રિયા દરમ્યાનમાં રાતના એક વાગી ગયો હતો. પરિવારના સભ્યો સતત ચેન્નાઇમાં પોતાની માતાના સંપર્કમાં હતા પણ ઉપર ઉપર કોલથી ફોન ચાલુ રહેવાને કારણે ચેન્નાઇમાં વૃદ્ધાની મોબાઈલની બેટરી પણ ઉતરી ગઈ.. સંપર્ક તૂટી ગયો..

અશોકભાઈએ રાતે એક બાદ વંદનાના વડોદરા ખાતે પિયરના ઘરે ફોન કરી એક પ્રયત્ન કરવાનું ઠીક માન્યું. રાત્રે રિંગ વાગીતો કોઈક કિશોરી એ ફોન ઉપાડ્યો અને અશોકભાઈએ વંદના વિષે પૂછતાં કિશોરી એ જણાવ્યું કે તે મારા ફોઈ છે અને ચેન્નાઇજ રહે છે. અને તેઓની દીકરીનું પરમ દિવસ લગ્ન છે એટલે મારા પરિવારના તમામ સભ્યો ચેન્નાઇ ગયા છે. મારે માર્ચ માં બોર્ડની પરીક્ષા છે એટલે હું નથી ગઈ અને મારા બા અને હું અહીં જ છીએ.

અશોકભાઈએ વંદનાનો ચેન્નાઇનો નંબર માંગતા મળી ગયો અને રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ખચકાતા ખચકાતા અશોકભાઈએ વંદનાના મોબાઈલ પર ફોન કર્યો. બીજા દિવસે વંદનાની દીકરીનું લગ્ન હતું જેથી શું વાત કરવી અને કઈ રીતે તે માટે અશોકભાઈ અવઢવ માં હતા ત્યાં વંદનાના પતિએ ફોન ઉપાડ્યો. અશોકભાઈએ પોતાનો પરિચય આપી વંદના સાથે વાત કરાવવા કહ્યું. વંદનાને પતિએ ફોન આપ્યો તો અશોકભાઈએ સમગ્ર બાબત જણાવી.. તારી દીકરી નું લગ્ન છે તેવા સમયે ત્રીસ વર્ષ પછી જિંદગીમાં પહેલી વાર તને ફોન કરું છું પણ આવી મજબૂરી છે તારાથી થાય તો મદદ કર બોલતા અશોકભાઈનું ગળું ભરાઈ આવ્યું.

વંદનાએ નામઅને સરનામું લીધું અને બને તે મદદ કરવાની ખાતરી આપી. છત્રીસ કલાક બાદ જેના ઘરના આંગણામાં દીકરીને પરણવા જાન આવવાની હતી તે વંદના તેના પતિને લઇ અને રાતે અઢી વાગે ચેન્નાઇની કેન્સર હોસ્પિટલમાં પહોંચી અને વૃદ્ધાને મળી..

અજાણ્યા પ્રદેશમાં કોઈ ગુજરાતી માણસ શોધતો આવીને મળતા દસ વાગ્યાના પતિની લાશ સાથે મુર્તિવંત બનીને બેસેલી વૃદ્ધા દિલ ખોલી અને વંદનાના ખભા ઉપર માથું મૂકી રડી. દરમ્યાન વંદનાના પતિએ હોસ્પિટલના જવાબદારો સાથે વાત કરી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવવાની વ્યવસ્થા કરી. અને મૃતક વૃદ્ધના પરિવાર સાથે પરામર્શ કરી અને મૃતદેહને ચેન્નાઇમાંજ અંત્યેષ્ઠી કરવાની વાત નક્કી કરી. વંદનાને વૃદ્ધા સાથે છોડી અને એનો પતિ અંતિમ ક્રિયાની તૈયારી કરવા ગયો.

સવારે સાત વાગે હોસ્પિટલના ચોગાન માં એક એક કરી અને માણસ ભેગા થવા લાગ્યા. આંઠ વાગ્યાની આસપાસ ચારસો ગુજરાતીઓ હોસ્પિટલના ચોગાન માં ભેગા થઇ ગયા અને વંદનાનો પતિ અંતિમ સમાન લઇ અને આવ્યો. જરૂરી વિધિ પતાવી ચેન્નાઇ માં ચારસો ગુજરાતીઓ એક અજાણ્યા ગુજરાતીનો મૃતદેહ લઇ રામ નામ નો જાપ કરી સ્મશાન પહોંચ્યા અને મૃતદેહને પંચમહાભૂત માં વિલીન કર્યો..

વંદનાએ વૃદ્ધાને પોતાને ત્યાં લઇ જઈ થોડા સ્વસ્થ કર્યા અને ચેન્નાઇ થી વડોદરા આવવા ટ્રેનમાં રવાના કરવાની વિધિ પતાવી અને બીજે દિવસે જ્યાં દીકરીની જાન આવવાની હતી અને લગ્નમાં મોસાળું કરવા આવેલા ભાઈને મોસાળું કરવાની જવાબદારી બીજા નિભાવી લેશે તું માજી ને ઘરે પહોંચાડવાનું કામ કર કહી અને માજી સાથે જ ટ્રેનમાં વડોદરા રવાના કર્યો..

વંદનાના ઘરે લગ્ન પતિ ગયાના બે સપ્તાહ બાદ પોતાના પિયર અને સાગા-સંબંધીઓને ત્યાં દીકરી જમાઈને લઈને આવી ગુજરાતમાં કુળદેવીના મંદિર ખાતે નવપરણિત યુગલને પગે પણ લગાવવાના હતા ત્યારે વંદના ચેન્નાઇ થી અસ્થિ કળશ અને મૃત્યુનું પ્રમાણપત્ર પણ સાથે લઇ ને આવવાનું ના ભૂલી.. એટલેજ કહેવાય છે.. કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત….

(પત્રકાર તરીકે મારી કવર કરેલી હજારો સ્ટોરીઝમાંથી જે મારી હૃદયની સૌથી નજીક છે તેવી સ્ટોરીઝ પૈકીની એક સત્ય ઘટના)

લેખક – ડો કેયુર જાની

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ