આજની પોઝિટિવ સ્ટોરી: અમદાવાદના સેવાભાવી ડો. બ્રિજેશ પટેલ ખીચડીનું કેટરિંગ કરે તો ધમધોકાર ચાલે, એટલો તેમને બે મહિનામાં સેવાકાર્યોનો થયો અનુભવ

આજની પોઝિટિવ સ્ટોરી – અમદાવાદના સેવાભાવી ડો. બ્રિજેશ પટેલ ખીચડીનું કેટરિંગ કરે તો ધમધોકાર ચાલે એટલો તેમને બે મહિનામાં સેવાકાર્યોનો અનુભવ થયોઃ વાત ડોકટરોએ કોવિડ ડોકટરો માટે કરેલા નાસ્તા-ભોજનના પ્રયાસોની…

કોવિડ-19 સામેની લડતના પ્રથમ હરોળના યૌદ્ધા એટલે કોવિડ ડોકટરો. અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો હતો ત્યારે આ ડોકટરો જાનના જોખમે સેંકડો દર્દીઓની સારવારમાં વ્યસ્ત હતા ત્યારે શહેરના એક ડેન્ટિસ તેમના માટે નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવામાં રોકાયેલા હતા. એ ડોકટર એટલે બ્રિજેશ પટેલ.

લોકડાઉનના પ્રારંભના એક અઠવાડિયા સુધી તેઓ કોરોના અંગે જાગૃતિ લાવવાના બહુવિધ કાર્યક્રમોમાં સક્રિય રહ્યા. મૂળ જીવ જ સેવાનો એટલે અનેક લોકાભિમુખ કાર્યક્રમો કરતા રહ્યા. દરમિયાન બીજી એપ્રિલ, 2020ના રોજ તેમના પર તેમના પરિચિત ડોકટર મિત્રનો ફોન આવ્યો. કેટલાક ડોકટરો માટે જમવાની વ્યવસ્થા થઈ શકે કે કેમ તેની પૂછપરછ તેમણે કરી હતી.

બ્રિજેશભાઈ ઝાલ્યા રહે ? તેમણે યુદ્ધના ધોરણે કામકાજ શરૂ કર્યું. રસોડા માટે મિત્રનો પાર્ટી પ્લોટ મેળવ્યો. રસોયો પણ શોધ્યો અને એ જ સાંજથી રસોડું ચાલુ કર્યું. ડોકટરોને સમયસર પોષ્ટિક ખાવાનું પહોંચવા લાગ્યું. તેમની સાથે તેમનાં જીવનસાથી ડો. મિલીબહેન ઉપરાંત ડો. રક્ષિત પટેલ, ડો. હર્ષિત પટેલ અને ડો. કલ્પેશ પટેલ પણ જોડાયા.

20-25 દિવસ ડોકટરો માટેનાં ફૂડ પેકેટનું કામ ચાલ્યું ત્યાં અમદાવાદ મહાનગર પાલિકા તરફથી કહેણ આવ્યું કે અમને પણ જરૂર છેઃ જવાબ અપાયોઃ મળી જશે.

સિવિલ હોસ્પિટલના ડોકટરો માટે પણ નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરાઈ. એ પછી એસવીપી (જૂની વી.એસ.) માટે પણ તેની સગવડ કરાઈ. ડો. બ્રિજેશ પટેલ પોતાના સાથીદારો સાથે જરૂરિયાતવાળા વિસ્તારોમાં જાતે જ ફૂડ પેકેટ આપવા જવા હતા. જરૂર પડી તો રજવાડુંમાં સુખડી બનાવડાવી અને પ્રહલાદનગરમાં એક બીજું રસોડું શરૂ કર્યું. બધા રસોડે મળીને શરૂઆતમાં 1200 ફૂડ પેકેટ બનતાં આજે એ આંકડો 4000 પહોંચ્યો છે.

બીજી એપ્રિલ, 2020થી સાતમી જૂન, 2020 સુધી, સળંગ 66 દિવસ સુધી ડો. બ્રિજેશ પટેલ અને તેમના સાથીદારોએ અન્નક્ષેત્રનો આ હવન ચાલુ રાખ્યો અને ડોકટરો-નર્સો ઉપરાંત ગરીબો અને શ્રમિકો સુધી જમવાનું પહોંચાડ્યું. જાડો હિસાબ કરીએ તો પણ તેમણે બે લાખથી પણ વધુ લોકોને નાસ્તા-જમવાની સુવિધા આપી.

તેમના આ માનવીય કાર્યમાં તેમના ડોકટર મિત્રો ઉપરાંત, જીવનસાથી મિલીબહેન, માતા અને પુત્રોએ સહયોગ કર્યો. અમેરિકા વસતા ડો. અશ્વિન પટેલ અને ડો. ચેતના ગાંધીએ કેટલોક આર્થિક સહયોગ કર્યો. પાટણના ડોકટરો ઉદય પટેલ, પ્રવીણ પટેલે સાથ આપ્યો તો ડો. ગાૈતમ પટેલ અને ડો. રશ્મિકાન્ત દવે પણ આ ભલા કાર્યમાં તેમની સાથે જોડાયા. બ્રિજેશભાઈ કહે છે કે ખીચડી બનાવવામાં અમારી માસ્ટરી આવી ગઈ એમ કહીએ તો ચાલે. અમારા સાથી મિત્ર ડો. હર્ષિત નિયમિત રીતે ખીચડી ચાખવાનું કાર્ય કરતા. ચાખવાનું પડે નહીં એ માટે એમણે એક પણ રજા પાડી નથી. તેઓ ફૂડ પહોંચાડવામાં સતત આગળ રહ્યા.

આ કામગીરી ઉપરાંત ડો. બ્રિજેશ પટેલે રોજેરોજ અનેક બીજી પણ કામગીરી તો કરી જ પાછી. કોવિડ આર્મી નામના વૃંદના સંપર્કમાં આવ્યા. આ ગ્રુપે એવી સરસ એપ બનાવી હતી કે કયા પોકેટમાં કેટલાં ફૂડ પેકેટની જરૂર છે તેની તરત માહિતી મળી જતી. તંત્ર, કોર્પોરેશન કે હોસ્પિટલમાંથી ફોન આવે તો તેઓ તરત સંકલનના કામમાં લાગી જાય. કોઈ પણ કામ હોય, બ્રિજેશભાઈના હોઠ પર ના હોય જ નહીં. ગમે તેમ કરીને તેઓ કામનો નિકાલ લાવે જ, એટલે લોકો તેમને વધારે કામ સોંપે.

ડો. બ્રિજેશભાઈ કહે છે કે આ આખું ટીમવર્ક હતું. ઘણા લોકોએ આ સદ્કાર્યમાં જુદી જુદી રીતે સહયોગ કર્યો. ડો. કલ્પેશભાઈએ રસોડાને સદાય ધગધગતું અને ધમધમતું ચાલુ રાખ્યું. તેમને ચાલવામાં તકલીફ પડતી હતી તો તેઓ સ્ટીક લઈને આવતા હતા. સિંદૂર પાર્ટી પ્લોટના માલિક મુન્નાભાઈ પટેલે મોટો સહયોગ કર્યો. આ ઉપરાંત ડો. નિરવ ઠક્કર, ડો. હેમલ શાહ, ડો. રશ્મિકાન્ત દવે, ડો. અશોક નિર્વાણ, ડો. ભાવેશ પટેલનો મોટો ટેકો મળ્યો. મુન્નાભાઈ અને ડો. કલ્પેશ પટેલ તો સમગ્ર સેવાકાર્યના ચાવીરૂપ વ્યક્તિ બની રહ્યા.

ડો. બ્રિજેશ પટેલ કહે છે લોકડાઉનમાં અમારાં ક્લિનિક બંધ હતાં. હું ડેન્ટિસ એટલે કોરોનાના પેશન્ટનો તો ઈલાજ ના કરી કરું. અમને ભગવાને બીજી રીતે કામ કરવાની તક આપી. અમે ભગવાન બનીને કોરોના પેશાન્ટનો ઈલાજ કરતા ડોકટરોના ખપમાં આવી શક્યા. તેમને નાસ્તો-જમવાનું પહોંચાડી શક્યા. બ્રિજેશભાઈ કહે છે અમને પટેલભાઈને ખીચડી તો વહાલી હોય, પણ બે મહિનામાં હું એટલો ખીચડીમય બની ગયો છું કે જો ખીચડીનું કેટરિંગ કરું કે માત્ર ખીચડીની અલાયદી રેસ્ટોરન્ટ કરું તો પણ ચલાવી શકું તેટલો કોન્ફિડન્ટ આવી ગયો છે…..

એક ડોકટર હૃદયમાં પડેલી ભલી લાગણીના પગલે આવું સંવેદનશીલ અને માનવીય કાર્ય કરે તે જુદી અને મોટી વાત છે. તેમને અને તેમની ટીમને શત્ શત્ વંદન અને ધન્યવાદ.

ડો. બ્રિજેશ પટેલનો સંપર્ક નંબર 9327006972 છે.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ