બ્લ્યૂ ટી : એકવાર ચાખશો તો ગ્રી ટી, બ્લેક ટી અને મિલ્ક ટી પીવાનું ભૂલી જશો…

ચા પીવાનો ચસ્કો કોને નથી હોતો? જો તમને આદૂ, મસાલા અને દૂધવાળી કડક અને ગરમાગરમ ચા મળી જાય, તો આખા દિવસનો થાક ઉતરી જાય અને દીલ ખુશ થઈ જાય છે. પરંતુ આજકાલ ડાયેટિશિયનો સારા સ્વાસ્થ્ય માટે દૂધવાળી નહીં બલ્કે લીલી અને કાળી ચા પીવાની સલાહ આપે છે. કોઈ લોકોને તો આવી ચા પસંદ નથી આવતી તેમને તે દવા જેવી લાગે છે. પરંતુ સારી તંદુરસ્તીને લીધે તમારે તેને પીવું રહ્યું.

ચાલો, આપણે આજે કંઈક નવું જ ચાનું ઓપ્શન જોઈએ. ગ્રીન અને બ્લેક ટીની કોમ્પીટીશનમાં નવી જ સ્ટાઈલની એક ચા આવી છે, તેનું નામ બ્લ્યૂ ટી છે. આ ચા, દેખાવમાં ખૂબ જ આકર્ષક છે, તે માત્ર એક લૂકમાં જ સારી નથી, પરંતુ એક સ્વાસ્થ્યવર્ધક પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બ્લ્યૂ ટી શું છે? તે કેવી રીતે બને છે? તેને પીવાના ફાયદા શું છે? ચિંતા કરશો નહીં, અમે તમારી સાથે મજાક નથી કરી રહ્યા. આ બધા પ્રશ્નોના જવાબ આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો આખી બાબતને સવિસ્તૃત જાણીએ.

શેમાંથી બને છે આ બ્લ્યૂ ટી : અપરાજિત ફૂલમાંથી બનાવવામાં આવે છે આ બ્લ્યૂ ટી. અપરાજિતના ફૂલો દેખાવમાં ખૂબ જ સુંદર છે. અને તેઓ ખૂબ લાભદાયી છે. મન અને મૂડ બંનેમાં તાજગી રહે છે.

બ્લ્યૂ ટી બનાવવાની રીત : એક ઊંડા વાસણમાં પીવાનું પાણી લો અને તેને ગરમ કરો. પાણી થોડું ઉકળે એટલે તેમાં થોડી ખાંડ નાખી દો. હવે તેમાં પાણીથી સાફ કરીને તાજાં કે સૂકવેલ અપરાજિતાના ફૂલ નાખો. જેમ પાણી ઉકળશે તેમ તેનો રંગ વાદળી થતો જશે. તેને જરાવાર ઉકાળીને નીચે ઉતારી લો. ચા ગાળીએ એજ રીતે તેને ગરણીથી ગાળી લો.

ગરમ ગરમ પીવાથી ખૂબ સારો ફાયદો થાય છે. બ્લ્યૂ ટીના સ્વાસ્થ્યવર્ધક ફાયદા બ્લ્યૂ ટી બનાવવાની રીત એકદમ સરળ છે અને તેના ફાયદા પણ ખૂબ જ છે. તેના વિશે આગળ ચર્ચા કરીએ.

શરીરમાં સુધારો : બ્લ્યૂ ટીમાં એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલું છે. તેને નિયમિત પીવાથી શરીરમાં રહેલ ટોક્સિક નીકળી જાય છે. જેમ જેમ શરીર સ્વસ્થ થાય તેમ તેમ લોહી વિકાર અને ચામડીની ચમકમાં ફરક જણાશે. વળી તેમાં બાયો – કમ્પાઉન્ડસ રહેલાં છે જે શરીરના કોષોનું શુદ્ધિકરણ કરે છે. તે એક સારા પ્રકારનું એન્ટિ એજિંગ પણ છે ચહેરાની કરચલીઓ સાફ કરીને તાજગી અપાવે છે.

ડાયાબિટીઝમાં સુધારો : આ બ્લ્યૂ ટી જેમાંથી બને છે તે અપરાજિતાના ફૂલમાં ગ્લૂકોઝ અને બલ્ડ શૂગરની માત્રાને કંટ્રોલ કરવાની ક્ષમતા છે. જેને લીધે ડાયાબિટીઝના દર્દીઓને માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

હાર્ટ પેશન્ટ માટે લાભદાયી : તેનામાં રોગપ્રતિકાર શક્તિ વધારવાના ગુણ રહેલા છે જેથી શરીરમાં થતાં ઇન્ફેક્શન, એલર્જિ અને વિવિધ પ્રકારના હ્રદય લઈને થતી તકલીફોમાં પણ તે લાભદાયી છે.

ત્વચા અને વાળનો રાખશે સંપૂર્ણ ખ્યાલ : તેનામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનર્લસ રહેલા છે, જે તમારા વાળ અને ચામડી માટે ખૂબ ફાયદાકારક છે. નિયમિતપણે આ બ્લ્યૂ ટી પીવાથી તમારા વાળ રેશમી અને મજબૂત બનશે અને ચામડીનો રંગ પણ સ્વચ્છ થશે.

યાદશક્તિમાં વધારો : જ્યારે તમે એકદમ ફ્રેશ અને તણાવમુક્ત અનુભવ કરશો ત્યારે તમારા મગજના ચેતાતંતુઓ પણ ખૂબ જ સક્રિય થઈ જશે. તમે સ્ફૂર્તિલા અને એક્ટિવ થઈ જશો. જેને લીધે તમારી યાદશક્તિ પણ વધશે તેમાં બે મત નથી.

કેન્સર જેવી બીમારીથી રક્ષણ : અપરાજિતાના ફૂલમાંથી બનાવેલ બ્લ્યૂ ટી એટલી લાભદાયી છે કે તેમાં રહેલ એન્ટિઓક્સિડ્ન્ટ શરીરના કોષોનો સુધાર કરવામાં અને લોહી વિકારને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે તેથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી પણ રક્ષણ મળે છે. અપરાજિતાના અનેક ફાયદા જોયા બાદ તેના ઉપયોગ વિશેની કેટલીક સાવધાની પણ જોઈએ.

પીવાનો સમય : તેને પીવાનો સમય જમવા પહેલાં કે જમ્યા પછી લેવાથી વધુ લાભદાયી નિવડે છે. તેને તાજી જ પી જવી જોઈએ. પ્રમાણ ઓછું આપણે ઘણીવખત ચાના બે કે ત્રણ કપ પણ એક સાથે પી લેતાં હોઈએ છીએ. બ્લ્યૂ ટીને પીવામાં અતિરેક ન કરવો જોઈએ. એકાદ વખત દિવસમાં બે ગૂંટડા ગરમ ગરમ જ પીવી જોઈએ. આ પ્રકારની બ્લ્યૂ ટીનું ચલણ હાલમાં વધ્યું છે જેથી તેના વિશે આપણને અનેક પ્રશ્નો થાય અહીં એવા સામાન્ય પ્રશ્નો જોઈએ.

બ્લ્યૂ ટીને કોણે ન પીવી? : ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ બ્લ્યૂ ટી ન પીવી જોઈએ.

અપરાજિતાનું ફૂલ કઈ રીતે મળે? : તમારા ઘરમાં ક્યારીમાં અપરાજિતાની વેલ ઉગાડી શકાય છે. તેને થાંભલા કે દિવાલની સહાયથી ઊંચે ચડાવાય છે. વર્ષ દરમિયાન તે ખૂબ ખીલે છે ખાસ કરીને ચોમાસામાં. તેના વેલને પુષ્કળ પ્રમાણમાં પાણી આપવું પડે છે. બંગાળા જેવા પાણીવાળા પ્રદેશમાં આ વેલ વધુ ઊગે છે. તેની સૂકી ફળીને પણ પાવડર કરીને ફાકી બનાવીને દવાની જેમ દિવસમાં એક વખત પાણી સાથે એક ચપટી લઈ શકાય છે. મજબૂત હાડકાં, સ્વસ્થ ચામડી અને નિરોગી શરીર માટે આ અપરાજિતા ખૂબ જ ગુણકારી છે. ઘરના આંગણમાં આ વેલને માત્ર સુશોભન તરીકે જ નહીં એક પવિત્ર છોડ તરીકે પણ વાવીને તેની માવજત કરો.