ભણેલા અભણ – દરેકને ઈર્ષા આવે એવું એ કપલ હતું, પણ તેની પાછળ હકીકત કાંઈક અલગ જ હતી, લાગણીસભર વાર્તા,..

*જીવનની દુ:ખ કથા હસતા રહી કહેવી પડી મારે*

*કે મારામાં એને રસ હતો પણ લાગણી ન હતી તેને*

સવારના 7.45નો સમય થયો હતો. સેન્ટમેરી ઈંગ્લીશ મિડિયમ ગર્લ્સ સ્કૂલના સ્ટાફરૂમમાં બઘા જ શિક્ષકો આવી ગયા હતા. પ્રેયરને હજી દસ મિનિટની વાર હતી. ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ હોવાથી બઘા શિક્ષકો હાઇ-ફાઇ અને વેલ એજયુકેટેડ હતા. ગર્લ્સ સ્કૂલ હોવાથી આખો સ્ટાફ લેડીઝ ટીચરનો હતો. પગાર બઘાનો રૂ. 40000 ઉપર હતો. ઘણા ટીચર તો જાણે રોજ પાર્લરમાં જઇને આવતા હોય તેમ ફેશન કરીને આવતા હતા. આખા સ્ટાફમાં એક મેડમપ્રેરણા દેસાઇ સૌથી શાંત, સરળ અને સૌમ્ય હતા. તે બઘામાં સિનિયર હતા. બઘા તેમને માન આપતા હતાં. રોજ બઘા આવીને ઘરની, પતિની, સાસુની વાતો કરતા, પણ પ્રેરણા મેડમ કયારેય કોઇનું ખરાબ બોલતા નહી.


તેમનો અને તેમના પતિ ચિંતન દેસાઇનો પ્રેમ જોઇને બઘાને નવાઇ લાગતી. બન્નેના લગ્નને 15 વર્ષ થઇ ગયા હતા. ચિંતન દેસાઇ ડોકટર હતા. સારી પ્રેકટીશ અને ધૂમ આવક હતી. દરરોજ પ્રેરણાને કારમાં સ્કૂલે મુકવા આવતા. સ્કૂલેથી છૂટે અને બઘા બહાર નીકળે ત્યારે સ્કૂલના ગેઇટની સામે જ કાર લઇને પ્રેરણાની રાહ જોતા ઊભા જ હોય. તેમના આ કાર્યમાંકયારેય ફેર પડયો ન હતો. કયારેય પ્રેરણાને એકલી આવતા કે જતા કોઇએ જોઇ ન હતી. આખે સ્ટાફમાં તેમના પ્રેમની વાતો થતી. બીજા મેડમ તેમના પતિને ચિંતનનું ઉદાહરણ આપતાં.


આજે સ્ટાફરૂમમાં બઘા બેઠા હતાં. ત્યાં પટ્ટાવાળા મંજુબેન આવ્યા. આવતાની સાથે જ બઘાની સામે નીચે બેસી ગયા. તેમનો ચહેરો જોઇને મેડમ આલીશાએ કહ્યુ કે, “લો… આજેપાછું મંજુબેનનું પતિપુરાણ ચાલુ થઇ જશે.” મેડમ રાજુલે કહ્યુ, ” હા યાર.. આ તો રોજનું છે, તેમના ઘરે ઝઘડો થાય એ બીજા દિવસે આપણે સાંભળવાનું જ હોય”

પ્રેરણા મેડમે બન્નેની સામે જોઇને કહ્યુ, ” આવું ન બોલો, મંજુબેન પણ આપણા સ્ટાફ મેમ્બર જ છે. આપણને પોતાને સમજીને વાત કરે છે.” પછી મંજુબેનની બાજુમાં જઇને પ્રેરણા મેડમે તેને પુછયું, “શું થયું ?” સવાલના જવાબમાં મંજુબેને રડતાં રડતાં કહ્યું, “મેડમ મારે તો આ રોજનું છે, પતિ બહુ કમાતો નથી અને મારો પગાર પણ પૂરેપૂરો પોતે લઇ લે છે. મારી પાસે ઘરખર્ચના રૂપિયા પણ નથી રહેવા દેતો.”


પ્રેરણા મેડમે તેને સાંત્વના આપતા કહ્યું, “આપણે આપણા ઘર માટે તો મહેનત કરીએ છીએ. પછી પગાર આપણી પાસે રહે કે પતિ પાસે, શું ફેર પડે છે??” આટલી વાત થઇ ત્યાં પ્રેયરનો બેલ વાગ્યો એટલે બઘા ચાલ્યા ગયાં, પછી તો સ્કૂલમાં કલાસ ચાલુ થઇ ગયા એટલે બઘા કલાસમાં જતાં રહ્યાં.

10:30ના રીશેષમાં બઘા પાછા સ્ટાફરૂમમાં ભેગા થયા. પાછી મંજુબેનની વાત ચાલુ થઇ. સ્ત્રીના પગાર પર હકક કોનો? તેનો પોતાનો કે પતિનો?? આ વાત પર ઘણી ચર્ચા થઇ. બઘાનો એક જ મત હતો કે સ્ત્રીનો પગાર તેની પાસે જ રહેવો જોઇએ, પોતાને જરૂર હોય, ઘરની પરિસ્થિતિ નબળી હોય તો ખર્ચ કરવો, પણ હકક તો સ્ત્રીનો જ હોય. મેડમ પ્રેરણા આ વાત સાથે સહમત ન હતા. તેમના મત મુજબ પતિ પત્ની વચ્ચે તારૂં મારૂં ન હોય. બઘાએ તેને કહ્યુ કે એ તો ડોકટર સાહેબ તમારું આટલું ધ્યાન રાછે છે એટલે તમે આમ કહો છો… પ્રેરણા મેડમ કંઇ ન બોલ્યા.


થોડા દિવસ પછી ચાલુ સ્કૂલે અચાનક પ્રેરણાની મમ્મીનો ફોન આવ્યો. તેમની તબિયત ખરાબ હોવાથી પ્રેરણાને તરત જ ઘરૈ આવવા જણાવ્યું. પ્રેરણાએ તરત ચિંતનને ફોન કર્યો. ચિંતને કહી દીઘુ કે , “મને અત્યારે ટાઇમ નથી. તું જઇ આવ.” પ્રેરણા રડી પડી. સ્ટાફમાં બઘાને ચિંતનના જવાબથી નવાઇ લાગી.પણ ડોકટર છે અને કામમાં હશે તેમ મનમનાવી લીઘું. રાજુલે પ્રેરણાની સાથે જવાની તૈયારી બતાવી, પણ પ્રેરણાએ ના પાડી. પ્રેરણા રડતી રડતી સ્ટાફ રૂમમાં બેઠી રહી. રાજુલે પુછયું કે તમે હજી કેમ જતા નથી? ત્યારે પ્રેરણાએ રડતાં રડતાં કહ્યુ, ” રાજુલ , મારી પાસે પૈસા નથી. તું મને 100 રૂપિયા આપીશ?” રાજુલને નવાઈ લાગી. આટલો પગાર હોવા છતાં પ્રેરણા પાસે 100 રૂપિયા નથી? પણ તેણે કંઇ ન પુછયુ અને રૂપિયા આપી દીઘા.

બે દિવસની રજા પછી પ્રેરણા સ્કૂલે આવી ત્યારે રાજુલ પાસેથી લીઘેલા રૂપિયા પાછા આપ્યા.રાજુલે ના પાડતાં કહ્યું , “આપણી વચ્ચે આટલા વર્ષોના સંબંઘમાં તમે પહેલીવાર રૂપિયા માંગ્યા, આટલા રૂપિયા પાછા લેવાના ન હોય,પણ તમારી પાસે રૂપિયા કેમ ન હતા..??”


પ્રેરણાએ કહ્યુ , ” બઘાને એમ લાગે છે કે ચિંતન મને ખુબ જ પ્રેમ કરે છે એટલે મને તેડવા મુકવા આવે છે, મારૂ ખુબ જ ધ્યાન રાખે છે… તમને બઘાને મારી ઈર્ષા થતી હોય છે ને… , પણ એવું નથી મારો બઘો જ પગાર ચિંતન લઇ લે છે.. મારી પાસે પાસબુક કે એટીએમ કાર્ડ પણ નથી. મારે દરેક ખર્ચ માટે ચિંતન પાસેથી રૂપિયા માંગવા પડે છે અને એક એક રૂપિયાનો હિસાબ આપવો પડે છે. હું મારી મરજીથી મારા પગારનો એક રૂપિયો પણ વાપરી શકતી નથી. મને તેડવા મુકવા એટલે જ આવે છે કે મારી પાસે રૂપિયો પણ હોતો નથી. તેનો પ્રેમ તેનો દેખાવ છે. તેને મારી આવકમાં જ રસ છે.”


બઘા સ્તબ્ધ બનીને પ્રેરણાની વાત સાંભળી રહ્યાં હતા મંજુબેને આવીને રડતી પ્રેરણાને પાણી આપ્યું. તે કંઇ બોલ્યા નહી પણ જાણે તેમની આંખોમાં સ્પષ્ટ વાંચી શકાતું હતું કે ભણેલા કે અભણ… પતિ તો બઘા સરખા..


લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ