બળદનો દલાલ – બીજાને હેરાન કરવાના બહાને કર્યું એવું કામ પણ આંગણે આવેલને ખાલી હાથ મોકલવા નહોતા મંજુર..

હજુ તો પહેલો વરસાદ પડયોને એમનો બળદ મરી ગયો. આથી ગઢવી વિમાસણ માં પડી ગયા. આ બીજનો માંડ વેંત કર્યો હતો ! ત્યાં બળદ હવે ક્યાં થી લાવવો ! તેમના અસ્તિત્વ સામે જાણે એક પડકાર આવીને ઊભો હતો. કોઈ દિવસ કોઈના સામે હાથ લાંબો નહીં કરનાર આદમી લાચાર બની ગયો. નિરાશા એમને ઘેરી વળી .

એમનાં ઘરવાળાંએ તમને હિંમત આપેલી, ‘ આ સોનવણાના દરબારો સુખી છે, સાંભળ્યું છે કે મનના પણ મોટા છે, જરૂરિયાત વાળાને ટેકો કરે છે, તો એક આંટો ખાઈ આવોને સોનવણે. ‘ ગઢવીને થયું કે વાત સાચી છે, એવડા મોટા ગામમાં કોઈના ઘેર લુલો, લંગડો કે પાકો થઈ ગયેલો બળદ હોય ને જીવાડવો આપે તો સુખે દુઃખે ઓણનું વરસ પર પડી જાય.

ચાલતાં ચાલતાં, સાત ગાઉનો પંથ કાપીને ઢળતી બપોરે ગઢવી સોનવણા ગામને પાદરે આવીને એક ઝાડ નીચે બેઠા છે. તેમનું મન હજુ સ્થિર ના હતું. ચલમ સળગાવી ધુમાડાના થોક ઉડાડે છે સાથે વિચારોના પણ. ” જે માતાજી ગઢવી કોને ત્યાં જાવું છે ?” આખા ગામનો ઉતાર લાલીયો પહેરવેશ પરથી જ્ઞાતિ ઓળખી ગયો ને પૂછ્યું. ” એતો….”બોલતાં બોલતાં તે અચકાયા.. ગઢવીએ લાલીયાને ચલમ ધરી . એને ઉતાવળ જેવું હતું નહિ. ચલમના બે ત્રણ દમ માર્યા.

” ગામથી અજાણ્યા લાગો છો?” “હા એવુંજ ” “કોના મેમાન થવાના ? ” લાલીયો વાતોડીઓ હતો. “જાવુતો સે…” જીભ ઉપડી નહીં. તે ધુમાડા કાઢવા લાગી ગયા. “હા, હા, બોલો. ” અચકાતાં આચકતાં તેમણે લાલીયાને બધી વાત કરી . ” તમારા ધ્યાનમાં ઉતારો કરી શકાય તેવું ઘર હોય, તો બતાવો કે , મને કોઈ જીવાડવો ( માત્ર જીવતો રહે તે હેતુથી. કિંમત લીધા વગર) બળદ આપીને મદદ કરે.” ગઢવીએ લાલીયાને ઓળખ્યો નહીં ને મનની વાત કરી દીધી.

“એમ વાત છે, ત્યારે તો તમે વખાના માર્યા મહેમાન બન્યા છો.?” “હા ભાઈ ! ” ” જુઓ , આ લીમડાવાળી શેરી દેખાય છે ને, સીધા સીધા ચાલ્યા જાવ , આગળ એક ચબૂતરો આવશે , બરાબર તેની સામે એક ડેલી આવશે. એજ ખાનજી દરબારનું ઘર. તમે ડેલીની સાંકળ ખખડાવજો તમારી ચિંતા દૂર થઈ જશે. ” લાલીયાને ખાનજી દરબાર સાથે ઓછું બનતું હતું. આથી એને થયું કે લાવ ને ખાનજીને ભેખેડે ભરાવી દઉં, ભલેને થાતો હેરાન.

ખાનજી મૂળતો હિન્દૂ વાઘેલા,દરબાર,ઘરના બહુ સુખી ના કહેવાય , પણ રોટલો એમનો બાર ગાઉના પંથકમાં વખણાય.ઘોડા,બળદ કે ચાર- પૂળા નું દલાલુ કરીને ઘરનું ગાડું રગડાવે. દલાલુ કરવા ગામે ગામ ફરવાનું એટલે આ પંથકમાં તેમની ઓળખાણો પણ ઘણી. મહેમાનોનું તો એવું કે, એક મહેમા ને વળાવીને ઘેર આવે, ત્યાં બીજા મેમાન આવેલા હોય. દરબારનાં ઘરવાળાં પણ એવાં કે મહેમાનોની હોંશે હોંશે સેવા કરે. ગઢવીએ દરબારની ડેલીની સાંકળ ખખડાવી. ખાનજીના દીકરાએ ડેલી ખોલી. મહેમાનને આવકાર આપ્યો.એક તૂટેલ ખાટલા પર ગાભાની ગોદડી નાખેલી હતી અને ખાનજી બેઠેલા હતા.

” ખાનજી દરબારનું ઘર ને?” ગઢવીએ ખાતરી કરવા પૂછ્યું. ” હા, આવો આવો મેમાન, હું પોતેજ ખાનજી” ઊભા થતાં થતાં ખાનજી બોલ્યા. જવાર વહેવાર કર્યા. બીજો ખાટલો ઢાળવામાં આવ્યો ને ખાટલા પર એક બીજું સારું ગોદડું નાખ્યું ને ગઢવીને બેસાડીને પાણીનો લોટો ભરીને આપ્યો. થોડી વારે ચાની કીટલી આવી. ” ક્યાં રે’વુ મેમાન ?” ખાનજીએ ચાની રકાબી આપતાં મહેમાનની ઓળખ માગી.

“જામબારા ” ” જામબારા, અહો.. હો..તોતો સીમાડાના જ તમે, ભલે ભલે, કેવાં વરહાદ પાણી કવિરાજ ?” “ઉપરવાળાની મહેર બાપુ, એય.. ને ધરવા ધરવ પડ્યો હો ! આમારે તો હરોતરાય થઈ ગયા.” ગઢવીએ ચ્હાનો ઘૂંટડો ભરતાં જવાબ આપ્યો.

મહેમાન અને યજમાન આમ વાતોમાં પડી ગયા , ગામ ખેતર, જમીન , ઢોરઢાંખર એમ લાખેણી વાતો થઈ. વાતોમાં ને વાતોમાં ગઢવીએ ઘરનો તાગ મેળવી લીધો.રાત પડી ગઈ , વાળું થઈ ગયાં, ખાટલા ઢળાઈ ગયા. પણ ગઢવી મગનું નામ મરી પાડતા નથી. એમણે ઘરની પરિસ્થિતિ માપી ને નક્કી કરી લીધું કે બળદ ની માગણી આ ઘરે કરાય નહીં.

આ બાજુ ખાનજી વિચારે છે કે મેમાન આ કામના તાકડે કેમ આવ્યા હશે ! પણ પુછાય કેમ કે ” કેમ તમે આવ્યા? ” જીભ ઉપડતી નથી. સામે ગઢવીએ પણ નક્કી કરી લીધું છે કે, બસ આજની રાત મહેમાનગતી કરી સવારે રજા લઈને નીકળી જાવું. બન્ને બાજુ ગડમથલ ચાલુ છે. ખાનજી મૂંઝાય છે. વિચારે છે કે જો ના પૂછે તો રાત આખી પડખાં બદલવામાં જશે.

” વાવણીને તાકડે કાંઈક કામે આવ્યા હશો કવિરાજ ? મારા જોગ કાંઈ કામ હોય તો કેજો.” છેવટે દરબારથી ના રહેવાયું તેથી ખાટલામાં આડે પડખે થાતાં થાતાં ફડાકો કરી દીધો. ” કામ તો, હતું પણ….” ગઢવી અચકાયા. “હેં… કામ હતું ! તો અત્યાર સુધી બોલ્યા કેમ નઈ.?” દરબાર ખાટલામાં બેઠા થઈ ગયા.

” જે કામે આવ્યા હો, ને તે બેધડક કઇ દ્યો, મારાથી થાશે એટલું કરીશ.” ” પણ બાપુ , હવે…જાવા દ્યો.. ” ગઢવીએ વાતને વાળવા મથામણ કરી. ” ગઢવી, તમે મારે આંગણેથી મૂંઝાઈને પાછા જાવતો મારો રોટલો વગોવાય ! જો તમે તમારા મનની વાત ના કરો તો, તમને તમારી મઢવાળી મોગલના સોંગન.” અંતરના ઊંડાણમાંથી ખાનજીએ ગઢવીને મનની વાત કરવાની ફરજ પાડી.

ગઢવી બરાબરના ભરાયા, ત્યારે તેમણે દરબારને ભારે હૈયે આપવીતી કહી સંભળાવી ,અને બની શકેતો કોઈનો લુલો લંગડો કે પાકો થઇ ગયેલો બળદ મેળવી આપવા કહ્યું.

” ગઢવી , હુએ બળદોનું દલાલુ કરું છું, સવાર પડતાં પહેલા તમને તમારા જોગ બળદ મળી જાસે , તમારી વાવણી ખોટી થાય ? તો… તો..પછી આ પચ્ચી’ વરહનું મારું દલાલુ લજવાય ! સખેથી સુઓ હું હવાર પડતાં સુધીમાં પાછો આવું છું.” એમ બોલતા ખાનજી ઊભા થયા. ખીંટીએથી લાકડી લીધી. દીકરાને મહેમાનની ભલામણ કરી, ડેલી બહાર નીકળ્યા,ત્યારે અષાઢી આકાશમાં ઉગેલો ચાંદલો કાળી-ધોળી વાદળીઓની પાછળ સંતાકૂકડી રમતો હતો.

* * * * *
ગરાંબડી, ખોબા જેવડું ગામ.સવા પટેલ જેવો સખાવતી માણસ , આખા પરગણામાં જોવા ના મળે . બાર બાર ગાઉના પંથકમાં સવા પટેલનું નામ લોકો આદરથી યાદ કરે અને એમનો બળદ ચોરાયો ! ગામમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ. કેટલાય માણસો એકઠા થઇ ગયા. એમાં ખુશાલ પગી સૌથી પહેલા. પગીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બળદનો ખીલો, બળદ બાંધવાનો આછોડો, ક્યા સમયે બળદ ચોરાયો. તમામ બાબતોનો ખુશાલ પગી ઝીણવટ પુર્વક અભ્યાસ કરી રહયા હતા.

સવો પટેલ ખાટલે બેઠા બેઠા વિચાર કરે છે – અત્યાર સુધીની આખી જિંદગી કેટલોય માલ-ઢોર , ચીજ-વસ્તુ બહાર ખુલ્લામાં પડી રહેતી હતી, છતાં એક ખીલી સરખીય વસ્તુ કદી ચોરાણી નથી, ને આજ બળદ ચોરાયો ! જરૂર કોઈની મજબૂરી હશે. ” કોઈક જરૂરિયાત વાળો બળદ લઈ ગયો છે તો ભલે લઈ ગયો ” એવું કહી સવા પટેલે ચોરીનું પગેરું લેવાની પગીને ના પડી દીધી. ” પટેલ, મારી જિનગાનીમાં મેં આવી ચોરી આ પે’લી વાર જોઈ, આનું પગેરું. તો લેવું પડે.” પગીએ અડગતા જણાવી.

” પણ જાવા દ્યો પગી, હશે ! લઈ જનારો ભલે સુખી થાતો.” પટેલ બોલ્યા. બળદ ચોરાયાનો એમના ચહેરા પર જરાય રંજ દેખાતો ના હતો. ચોરાયેલ બળદનું પગેરું લેવાની એમણે ઘસીને ના પાડી દીધી. ” ચોરને મોકો હતો, અહીં છ બળદ બાંધેલા હતા, તો એકજ બળદ કેમ લઈ ગ્યો ? ” પગીએ તારણ કાઢ્યું. ” ઈ તો ઠીક પણ ચોર કદી ઢોરની કોટે બાંધેલ અછોડો લીધા વગર ના જાય. જ્યારે આ જુઓ અછોળોતો બળદના ખીલે બાંધેલો જ છે.”

એકઠા થયેલા ગ્રામજનોનું પણ કહેવું થતું હતું કે, “ચોર બળુકા બળદ, ને બદલે સૌથી નબળો બળદ ચોરી ગયો, એમાં પણ કોઈ ભેદ લાગે છે” “ચોરી તો થઇજ છે પણ કોઈ જેવા તેવા ચોરે આ ચોરી નથી કરી આમાં જરૂર કોઈ ભેદ છે ” એવું ઘણું ઘણું સમજાવીને પટેલને પગેરું લેવડાવવા બધાએ દબાણ કર્યું. ઘણી સમજાવટ પછી પટેલ માની ગયા. અંતે, સવા પટેલની ઘોડી , બીજા બે ત્રણ અસવારો, પગી અને થોડા ચાલતા, બધા પગેરું લઈ ને ઊપડયા . વરસાદ થયેલો હોવાથી ગાળા- પાણીના કારણે બળદના પગ ઓળખવામાં પગીને કોઈ તકલિફ ના પડી. સીધે સીધું પગેરું સોનવણાના સીમાડે પહોંચ્યું, પણ વળતા પગ ફંટાણા નદીવાળા રસ્તે.પગેરાનું આખું ટોળું ઉપડ્યું નદી તરફ.

* * * * * *
આ તરફ ભરભાંખરામાં ખાનજી ઘરે આવીને ગઢવીને બળદ સોંપે છે. ગઢવીને પોતાની ખોવાઈ ગયેલી વસ્તુ પાછી મળી આવી હોય તેવી ખુશી થાય છે. સૂરજ ઉગે તે પહેલાં બળદ સાથે ગઢવીને ગામના સીમાડા સુધી વળાવી ખાનજી વળતા થાય છે. એજ સમયે બળદનું પગેરું સામે મળે છે. ” રામ રામ , સવા પટેલ ” તે પટેલને ઓળખતા હતા. ” એ રામ રામ ! દરબાર” પટેલ ઘોડી પરથી ઉતરતાં બોલ્યા.

” બળદનું પગેરું લઈને નિકળયા હસો.?” દરબારે પૂછ્યું . પગી અને પટેલ સ્તબ્ધ થઈ ગયા.પગેરાના બીજા સભ્યો એક બીજાની સામે જોવા લાગ્યા એમના ચહેરા પર એકજ સવાલ હતો ” આ માણસને કઈ રીતે ખબર પડી કે આપણે શું કામે નીકળયા છીએ.” ” પટેલ, હું જ તમારો ચોર ” દરબાર નતમસ્તકે બોલ્યા.

” શું વાત કરો છો દરબાર ?” પટેલને આશ્ચર્ય થયું. ” મશ્કરી ના સમજશો ,આ મારી પહેલી ને છેલ્લી ચોરી, અહીં તો હું તમને બળદની કિંમત આપીને છુટીશ , પણ ઉપરવાળો મને નહીં છોડે !” દરબાર ગળગળા સાદે બોલ્યા. ” તમારે બળદની જરૂર હતી તો હું ન’તો બેઠો ? તમારે મને કે’વુતુને.”

” પટેલ, મારી પાસે સમય ના હતો ને ગઢવીની વાવણી ખોટી થાતી હતી. અને આ વાવણીની સિઝન , લાખ રૂપિયા આપોને તોય કોઈ આ તાકડે બળદ વેચવા તૈયાર ના હોય. અને તમે છો ખમતીધર એટલે મારી નજર તમારા ઘર ઉપર ઠરી. તમે બોલો તેટલી બળદની હું કિંમત ચૂકવી આપવા તૈયાર છું.”

” હેં ગઢવીની વાવણી ખોટી થાતી હતી એટલે શું ?” પટેલને ગઢવી વળી વાતમાં સમજણ ના પડી. દરબારે પછી માંડીને ગઢવીની આખી વાત કરીને કહ્યું ” ગઢવી ને બળદ સાથે વળાવીને આટલે આવ્યો છું, તમારો હું ગુનેગાર તમે ચાહો તેમ કરવા હું તિયાર.” ” દરબાર, તમારે મારા ચોરેલા બળદની કિંમત ચૂકવવીજ છે ને ? ” સવો પટેલ સહજ ભાવથી બોલ્યા.

“જરૂર ! ઓણ નહીતો આવતી સાલ હું તમારો દેવાદાર પટેલ, તમારી પાઈએ પાઈ હું ચૂકતે કરી દઈશ.” ખાનજી દરબાર પડી ગયેલા ચહેરે બોલ્યા. “દરબાર જો તમારે મારા બળદની કિંમત ચૂકવવી હોય તો એક કામ કરવું પડે” પટેલ દરબાર સામે જોતાં બોલ્યા. ” એક નહીં એક હજાર કામ કરવા તિયાર કામ બોલો પટેલ .” દરબાર જોશમાં આવી ગયા.

પટેલે કહ્યું.” તમે જે બળદ ગઢવીને આપ્યોને, તે બળદ અને ગઢવીના ઘરે ઊભો છે તે બળદની સરખી જોડ નહીં થાય, ખેતી માટે તો સરખે સરખા બળદોની જોડ હોવી જોઈએને ? દરબાર ! તમેતો બળદોના દલાલ છો તમે ક્યાં નથી જાણતા ? મારા ઘરે ઊભેલો બીજો બળદ એ ચોરાએલા બળદની સાચી જોડ કહેવાય, હેંડો અમારા ગામ, ને મારા ઘરે ઊભેલા બીજા બળદને આજને આજ ગઢવીને પહોંચતો કરો .જો તેમે મારું કીધું કરશો તો તમે ચોરેલા બળદની કિંમત મને મળી ગઈ એમ હું સમજીશ.”

” પણ ગઢવી વાત જાણશે તો ? આતો શું મેં આપેલો બળદ પણ તમારે ઘરે પાછો મેલવા આવશે, એ દેવીપુતરને મેં એક ઘડીકમાં ઓળખી લીધો છે.” દરબારે શંકા બતાવી. ” એવું જો થાય તો તમારે કહેવાનું કે,સવા પટેલે એમની ગઢવણ બોનના કાપડામાં આ બે બળદ મોકલ્યા છે. ઇ બધું હવે તમારે પાર પાડવાનું દરબાર ! કર્યું છે તો હવે કરી જાણો!” સવો પટેલ એકી શ્વાસે બોલી ગયા.

પટેલની વાત સાંભળીને દરબાર હારી ગયા અને બોલ્યા ” પટેલ તમારા ઘરની ચોરીની મને ઈશ્વર નર્કની સજા કરશે ને તોય હવે તો મંજુર !” પગેરાના બધા માણસો આ બે દિલેર માણસોની વાત સાંભળી મોં માં આંગળી નાખી ગયા , અને ઝરમર ઝરમર વરસાદના છાંટા પડવાના ચાલુ થયા, કુદરતે જાણે હેતની હેલી વરસાવી !

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ