બહારથી સાફ અને ચોખ્ખા દેખાતા ફુલાવરમાં છૂપાયેલા હોય છે અનેક કીડા, તેને કેવી રીતે દૂર કરશો? શીખો વિડીઓ જોઇને…

મિત્રો હવે બહારના ભોજનનું ચલણ ઘણું વધી ગયું છે અને આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે બહારનું ભોજન કોઈપણ રીતે ઘરના ભોજનની તોલે તો આવી જ ન શકે. જો કે સદભાગ્યે આપણે આપણી સંસ્કૃતિને વળગી રહ્યા છીએ અને ઘરે પણ નિયમિત રીતે રસોઈ બનાવીને ઘરનું જ ભોજન લેવાનું પસંદ કરતા હોઈએ છીએ.


બહારનું ભોજન ખાતી વખતે ચિંતા એ રહેતી હોય છે કે પુરતી સ્વચ્છતાથી ભોજન બનાવવામાં આવ્યું હશે કે નહીં, શુદ્ધ સામગ્રીઓનો ઉપયોગ કરવામા આવ્યો હશે કે નહીં. પીરસવામાં આવતા પાત્રોને તેમજ જે પાત્રોમાં રાંધવામાં આવ્યું છે તેને બરાબર સ્વચ્છ કર્યા હશે કે નહીં. આમ આપણે અસંખ્ય શંકાઓ સાથે બહારનું ભોજન આરોગતા હોઈએ છીએ અને તેના બદલામાં ખીસ્સું પણ ખાલી કરતા હોઈએ છીએ તેમ છતાં મનમાં એક અસંતોષ તો રહી જ જાય છે જે છે અસ્વચ્છતા અને અશુદ્ધતાનો.
આમ બહારના ભોજનમાં નિઃશંક પણે સ્વાસ્થ્ય માટે અસંખ્ય જોખમો સમાયેલા હોય જ છે. પણ શું તમે એ જાણો છો કે ઘરની રસોઈ કરતી વખતે જો ધ્યાન રાખવામાં ન આવે તો તે પણ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે? હા, એવું થઈ શકે છે. ઘરે આપણે નિયમિતપણે શાકભાજી બનાવતા હોઈએ છીએ જેને આપણે ધોઈને જ બનાવતા હોઈએ છીએ પણ શું તમે એ જાણો છો કે તેને માત્ર એક પાણીએ ધોવા જ પુરતા નથી. પણ તેને કાળજીથી ધોવા જરૂરી છે.
આજકાલ મબલખ પાક મેળવવા માટે ખેડૂતો અઢળક પેસ્ટિસાઇડ્સનો ઉપોયગ કરતા હોય છે અને તે જ પેસ્ટીસાઇડ્સ વિવિધ શાકભાજીઓ દ્વારા તમારા ઘરના રસોડે પહોંચે છે. જે તમારા શરીરની સ્વસ્થતાને લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે.


માટે જો શાકભાજીને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સામાન્ય શાકભાજી જેમ કે બટાટા, વિવિધ જાતની ફળીઓ, વિવિધ જાતની ભાજીઓ આપણે સરળતાથી ધોઈને તેમાં રહેલા નુકસાનકારક તત્ત્વોને દૂર કરી શકીએ છીએ પણ ફ્લાવર એક એવું શાક છે. જેને આપણે માત્રધોઈને જ સ્વચ્છ નથી કરી શકતા કારણ કે તેની રચના કંઈક એવી હોય છે કે તેમાં ખૂણે ખૂણે જ્યાં આપણી આંખ નથી પહોંચી શકતી ત્યાં પણ જીવાતો તેમજ પેસ્ટીસાઇડ્સ ઘૂસી ગયેલા હોય છે.
તો આજે અમે તમને ફ્લાવરમાંથી કીડાઓને કેવી રીતે દૂર કરવા તે વિષે જણાવવાના છીએ.


ફ્લાવરને તમે બેથી ત્રણ પાણીએ ધોઈ લો તેમ છતાં પણ તેમાં રહેલી જીવાતો જેમ કે ઇયળો તેમજ જીવડાઓ અને પેસ્ટીસાઇડ્સ દૂર થતાં નથી. તેને દૂર કરવા માટે તમારે અમારો આજનો આ નુસખો અપનાવવાનો છે. સૌ પ્રથમ તમારે ફ્લાવરના દડામાંથી તેના ફુલ તોડીને તેને નળ નીચે વ્યવસ્થિત રીતે ધોઈ લેવા. તેને વ્યવસ્થિત ધોઈ લીધા બાદ એક પાણી ભરેલી તપેલી લેવી અને ધોયેલું ફ્લાવર તેમાં નાખી તેને ગેસ પર ગરમ થવા મુકી દેવું.
હવે જેમ જેમ પાણી ગરમ થશે તેમ તમે જોઈ શકશો કે તપેલીમાંના ફ્લાવરની અંદર છૂપાયેલા જીવડાં ધીમે ધીમે બહાર આવશે, જે તમને ફ્લાવર સમારતી વખતે કે ફ્લાવરને ધોતી વખતે નહોતાં દેખાયા તેવાં જીવડા તમને અહીં તપેલીમાં તરી આવતા જોવા મળશે. બહાર આવેલા જીવડાંઓને ચમચી વડે બહાર કાઢતા રહેવા. જો જીવડાંઓ વધારે હોય તો તો તમે- ફરી પાણી ભરેલી તપેલી લઈ તે જ ફ્લાવરને તેમાં લઈ ફરી ગરમ કરી તેમાંથી બાકીના જીવડાંને દૂર કરી શકો છો.
આમ કરવાથી તમે ફ્લાવરમાં રહેલી જીવાતો તો દૂર કરી જ શકશો પણ સાથે સાથે તેના પર છાંટવામાં આવેલા પેસ્ટીસાઇડ્સને પણ સંપૂર્ણ પણે દૂર કરી શકશો. અને સ્વચ્છ ખોરાક પામી શકશો.

વિડીઓ જોઇને શીખો સંપૂર્ણ રીત, કેવીરીતે ફુલાવરમાંથી હટાવશો જીવડાઓ.