માની ભૂલ – પોતાની દિકરી માટે આટલો બધો પ્રેમ અને ઘરની બીજી દિકરીને આમ તિરસ્કાર…

સવારના પાંચ વાગવા આવેલા. ખુલ્લી બારીમાંથી આવતા ઠંડા પવને રૂમમાં શીતળતા પાથરેલી. રાતનું કાળું આકાશ ધીરે ધીરે કેસરિયો ધારણ કરી રહેલું, દુધની ટ્રકો, સ્ટાફ બસ, સ્કુલ બસ અને છાપા વાળાની અવર જવરના અવાજો રૂમ સુધી આવી રહેલા. અંબાજીમાંના મંદિરની આરતીનો ઘંટનાદ સંભળાયો અને એને ઘડિયાળ તરફ જોયું પાંચ વાગી ગયેલા. પલંગમાં સુતા સુતા બારીમાંથી દેખાતા આકાશ તરફ જોયું, રાત ભર નીરખી રહેલી એ તારાઓ હવે સુર્યપ્રકાશ પાછળ સંતાઈ ગયેલા, એને બ્લેન્કેટ ગળા સુધી ખેંચ્યું અને પડખું ફરી ગઈ.
થોડીવાર સુવાનો પ્રયત્ન કરતી હોય તેમ આખી રાત જાગેલી એની રાતી આંખો એણે બંધ કરી. પણ નિંદરનો આભાસ પણ એની પાંપણોની આસપાસ ન ફરક્યો. એના મનોમષ્તિક માં જાણે કંઈ ઘુમરાઈ રહેલું. આખીરાત તેને પડખા ફેરવ્યા કર્યા થોડી થોડી વારે ઘડિયાળ સામું અને બારીમાંથી આકાશ સામે જોયા કરેલું, સુવાની ઘણી કોશિષ કરી પણ આજે એની ખુલ્લી કે બંધ આંખોમાં એને સારિકા ફોઈનો ભીની આંખો વાળો ચેહરો જ નજરે ચઢતો અને શિવાનીના હદયમાં ઊંડે સુધી સેડો પડી જતો.
શિવાની લગ્નબાદ છ મહીને પહેલી વાર પિયર રેહવા આવેલી. આમ તો સાસરું રાજકોટ થી નજીક સુરેન્દ્રનગરમાં જ હતું પણ શિવમની નોકરી બેંગલોર, લગ્ન બાદ રીસેપ્શન પતાવી બેઉ હનીમુન માટે ઉપડી ગયેલા અને પાછા આવી શિવાની પગફેરાની વિધિ માટે એક દિવસ પૂરતું પિયર આવેલી અને તરતજ નવયુગલ બેંગલોર માટે રવાના થઈ ગયેલું. હાલ થયેલા લગ્ન, નવા દિવસો, નવું ઘર, નવું શહેર, નવો માહોલ, બધું સેટ કરતા કરતા ક્યાંય દિવસો પસાર થઈ ગયા. અને શિવાની સવારે વહેલી ફ્લાઈટથી રાજકોટ પહોંચી.
દીકરી લગ્નબાદ પહેલી વાર ઘરે આવી રહેલી મમ્મી-પપ્પા, દાદા-દાદી, બધાયના ચહેરા હરખથી છલકાઈ રહેલા. શિવાનીના રૂમની સાફ સફાઈ થઈ ગયેલી, એના બેડ પર એની ગમતી પ્રિન્સેસ વાળી ચાદર પથરાઈ ગયેલી. શિવાનીને ભાવતા બધા નાસ્તા બનાવીને ડબ્બામાં ભરાઈ ગયેલા, દાદીએ પોતાના હાથે શિવાનીના પ્રિય મગસના લાડુ, મેથીના વડા અને સાતપડી પૂરી બનાવેલી, એના ગમતા પુસ્તકો એના સ્ટડી ટેબલ પર મુકાઈ ગયેલા, સવારે ભાઈ સાથે જોગિંગ માટે જવા એના સ્પોટ્સ સુઝ શુ-રેકમાં ગોઠવાઈ ગયેલા, એના ઈસ્ત્રી થયેલા કપડા ફરી ઈસ્ત્રી કરાવી મંદાબહેને તેના વોર્ડરોબમાં મૂકી દીધેલા, એના ટેડીબેર પણ કબાટમાંથી નીકળી એના બેડ પર બેસી ગયેલા. ભાઈ તો બેનને મળવા એટલો ઉતાવળો થયેલો કે ફ્લાઈટ પહોંચવાના એક કલાક પહેલાથી એરપોર્ટ જઈ બેસી ગયેલો.
શિવાનીના ઘરમાં આવતાની સાથેજ આખાયે ઘરમાં ખુશીઓની લહેરકી ફરી વળી, વ્હાલસોઈ દીકરીને લાંબા સમય બાદ જોતાજ મંદાબેન અને દાદીની આંખો તેમજ મન બંને ભીના થઈ ગયા..સામે દીકરી પણ ૨૩ વર્ષ રહેલી એ ઘરને જોતા ગળગળી થઈ ગઈ, શિવાની ની આંખો પણ ઉભરાઈ આવી. પછી તો “ઘર કેવું છે?, શિવમ કુમાર નો સ્વભાવ કેવો છે? તને ફાવી ગયું અજાણ્યા શહેરમાં? કોઈ તકલીફ તો નથી ને… તું તો ફોન પણ નથી કરતી… હવે અમને તો સાવ ભૂલીજ ગઈ છે હો.. “ ડાઈનીંગ ટેબલ પર ચા-નાસ્તા સાથે આવા સવાલો અને ફરિયાદો શરુ થયા… મંદાબેનને ઉભા થતા જોઈ શિવાની બોલી “મમ્મી ક્યાં જાય છે? બેસને થોડી વાર” મંદાબેન ડાઈનીંગ ટેબલ પર પડેલી ખાલી પ્લેટો લેતા બોલ્યા “ના ના હો મારે રસોડામાં ઘણું કામ છે, આજે તારી ભાવતી બધી રસોઈ બનાવી છે”
“અરે મમ્મી હું હજી પંદર દિવસ રોકવાની છું અહિયા તારી સાથે .. બધું આજેજ બનાવીને ખવડાવી દઇશ કે શું?” “હુંયે એજ કહું છું કે હજી પંદર દિવસ છે તે પછી નિરાંતે વાતો કરીશું” કહેતા મંદાબહેન રસોડા તરફ ચાલ્યા. “આ મમ્મી પણ ને હજીયે એવી ને એવી જ છે…” “અરે જવાદે તારી માંને તું અહિયા આવ બેસ મારી પાસે આપણે બે નિરાંતે વાતો કરીએ એમેય છ મહિનાની વાતો ભેગી થઈ છે” કહેતા દાદીએ શિવાનીનો હાથ પકડી પાસે બેસાડી અને પછી તો બેયની વાતોની એક્સપ્રેસ ગાડી ચાલી પડી..
“અરે સારિકા તું અત્યારે?” સારિકા ફોઈને દરવાજે જોતા દાદા સરપ્રાઈઝ થઈ છાપું મૂકી ઉભા થઈ કહેવા લાગ્યા. “સારિકા બેટા , આવ આવ” દાદી પણ તેમની તરફ જતા બોલ્યા “શું વાત છે આજે તો બંને દીકરીઓ ઘરે આવી છે મારી, ખુબ ગમી તારી સરપ્રાઈઝ” કહેતા દાદાએ સારિકા ફોઈના માથે હાથ મુક્યો.. “અરે પપ્પા આ બધો પ્લાન આપણી શીવુ નો છે એને મને બેંગ્લોરથી જ ફોન કરીને કહી દીધેલું” “હા અને ફોઈએ પહેલા ના પણ પાડેલી પણ પછી મે એમને મનાવી લીધા” કહી શિવાની ફોઈને વળગી પડી..
“અરે ગાંડી બાપના ઘરના દરવાજા તો દીકરી માટે હંમેશા ખુલ્લાજ હોય.. ઘરે આવવા ક્યારેય ના કહેવાનીજ ના હોય” દાદીએ એમને પાસે બેસાડતા કહ્યું “એજ તો દાદી, તમેજ કહો હવે પાછી હું બેંગ્લોરથી ક્યારે પાછી આવાની. અને ક્યારે તમને બધાને મળી શકત? એટલે મે ફોઈને થોડા દિવસ અહીયાજ રહેવા બોલાવી લીધા” “ખુબ સારું કર્યું તે” કહેતા દાદાએ ફરી હાથમાં છાપું લીધું “ફોઈ તમે બેસો હું પાણી લાવું” કહેતી શિવાની રસોડા તરફ દોરાઈ ગઈ.
ફ્રિજમાંથી પાણીની બોટલ લેતા માં ને કહ્યું ”મમ્મી સારિકા ફોઈ આવ્યા છે, મારી સાથે રેહવા” શિવાનીએ બધાને પાણી પીવડાવ્યું અને પાછા બધા વાતોએ વળગ્યા.. શિવાનીના ઘરે આવ્યાનો ઉત્સાહ સારિકા ફોઈના આવવાથી દાદા-દાદીના ચહેરા પર બમણો થયેલો દેખાઈ રહેલો.. લગભગ અડધો કલાક પસાર થઈ ગયેલો પણ માં હજી કેમ સારિકા ફોઈને મળવા બહાર ના આવી, કંઈ થયું તો નહી હોય ને શિવાની વિચારતી ઉભી થઈ ફરી રસોડામાં ચાલી. માં લોટ બાંધી રહેલી.
“મમ્મી ફોઈ ક્યારના આવીને બેઠા છે તું આવી નહી એમને મળવા” “અરે તે ગામમાં જ છે તે હાલતા ને ચાલતા દોડ્યા આવે છે એમના આવવાની વળી ક્યાં નવાઈ છે” મમ્મીનો આવો ઉધ્દ્ધ્તાઈ વાળો જવાબ સાંભળી શિવાનીને જરા આંચકો લાગ્યો… એ ડઘાઈ ગયેલા ચેહરે રસોડાની બહાર નીકળી પણ બારશાખે સહેજ રોકાઈ સારિકા ફોઈ દરવાજાની આડે ઉભા રહી સાંભળી રહેલા.. કદાચ અંદર જતા હતા મમ્મીને મળવા પણ આવું સાંભળી પગ ત્યાંજ રોકાઈ ગયા હશે એવું શિવાનીને લાગ્યું બંનેની આંખો એક થઈ.. અને બન્નેએ સ્મિતની આપ લે કરી.. જાણે અપમાનનું એક બિંદુ ગળે ઉતારી જઈ એ ભારે હ્રદયે સહેજ મલકાયા અને મમ્મી તરફ ગયા..”ભાભી કેમ છો? બહુ કામમાં લાગો છો… લાવો ચાલો હું આવી ગઈ છું હવે તમને મદદ કરાવુ..”
શિવાની દરવાજેથી જોઈ રહેલી મમ્મીએ ઊંચું જોયા વિનાજ જવાબ આપ્યો…” આ લોકો ટાણું-કટાણું જોયા વિના વારંવાર હાલ્યા જ આવે છે તે વસ્તારી ઘરમાં મજામાં ક્યાંથી હોય..?” ફોઈના ચહેરાનો રંગ ઉડી ગયો “અરે લાવોને હું મદદ કરાવું આજે તમે થોડો આરામ કરો” ફોઈએ ચહેરા પર સ્વસ્થતા જાણવવાનો પ્રયાસ કરતા ફરી કહ્યું ..”ના રે ના આજે ક્યાં વળી કંઈ નવાઈનું છે આતો રોજનું થયું તમ તમારે બાપને ઘેર આવ્યા છો તે આરામ કરો મારા નસીબ ક્યાં તમારા જેવા છે કે રોજ ચાલતા પડીએ પિયર ને ભાભીઓ પાસે સેવા કરાવીએ” માંડ કોરી રાખેલી આંખો પાંપણોના કિનારા સુધી ભીંજાઈ ગઈ.. કદાચ હવે એ વધુકંઈ બોલી શકે એમ નોહતા એ નીચે નજરે રશોડાની બહાર નીકળી ગયા..
જમતી વેળાએ પણ મમ્મીએ ફોઈને પીરસતી વખતે ખાસ આગ્રહ ના કર્યો પરિસ્થિતિનો તાગ પામી ગયા હોય એમ સૌ મૂંગા મોઢે શાંતિથી બપોરનું ભોજન લીધું.. અને વાતાવરણને હળવું કરવા પ્રયન્ત કરતા ફોઈએ વાત શરુ કરી “મમ્મી, નાનકાના શું સમાચાર છે એ મજામાં?” અને ટેબલ પરથી વસ્તુ લેતી વખતે પણ મમ્મી બોલવા લાગી “મજામાંજ હોયને, દિયર-દેરાણી કેવા લેહરથી રહે છે કેનેડામાં, છે એમને કોઈ ચિંતા.. આ વારંવાર બધા આવી જાય છે તે મારાથી હવે કોઈની વેઠ નથી થતી, બધાનું મારેજ કરવાનું, મને નથી પરવડતું હવે..” ફોઈ ચુપ ચાપ નીચું જોઈ ગયેલા.. શિવાનીને આ બધુંજ મનમાં ખટકી રહેલું એને જેમ તેમ કરી બપોર પસાર કરી સાંજે ચા માટે બધા પાછા ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયા અને ફોઈને રૂમમાંથી પોતાનો થેલો લઈને બહાર આવેલા જોઈ અમે બધાય ઉભા થઈ ગયા.
“ફોઈ થેલો કેમ લીધો?” મે આશ્ચર્યથી એમની સામે જોઈ પૂછ્યું “હું ઘરે જઈ રહી છું” “અરે પણ તમે તો બે ત્રણ દિવસ રોકવાના હતાને મારી સાથે આમ અચાનક જવાની શું જરૂર છે” “બેટા ઘણા વર્ષો રોકાયા હવે કેટલું રોકાવાનું” એ મંદ સ્વરે આટલુંજ કહી શક્યા. “અરે ના ફોઈ હજીતો આપણે શાંતિથી વાતો પણ નથી કરી અને તમે આમ….” શિવાનીને વચ્ચે અટકાવતા દાદીએ કહ્યું “ બેટા શીવું જવાદે એને, સારિકાને રોકીશ નહી” દાદીના ગળામાં બાજેલા ડૂમાને એમના અવાજમાં કળી શકાતું હતું.
રોકી રાખેલું આંસુ ફોઈની આંખોમાંથી જગ્યા કરી વહી નીકળ્યું માત્ર” આવજો” કહી ફોઈ ઘરની બહાર નીકળી ગયા. દાદી આંખો લૂછતાં પોતાના રૂમમાં ચાલ્યા ગયા.. શિવાની ના મનમાં દુખની આંધી ઉમટી પડી, સવારે ઘરે આવ્યાનો ઉત્સાહ સાંજ થતા સુધીમાં સાવ ખરી પડેલો એ સારીકા ફોઈને ભીની આંખે ઘર છોડી જતા જોઈ જ રહી..
શિવાનીને ક્યાંય કળ નોહતી વળતી આજે મનને ક્યાંય ચેન નોહ્તું પડતું સાંજનું ડીનર પણ એને મૂંગા મોઢે નામ પૂરતું જ લીધું. ભાઈ સાથે પણ કોઈ મસ્તી ના કરી અને પોતાના રૂમમાં પુરાઈ ગઈ..એને આખી રાત સારિકા ફોઈનાજ વિચારો આવતા રહ્યા.. અને સાથે સાથે પોતે બનાવેલા સરપ્રાઈઝ પ્લાન માટે પણ અફસોસ થવા લાગ્યો કે જો મે એમને બોલાવ્યા જ ના હોત તો કદાચ ફોઈ આટલા દુખી ના થયા હોત… મમ્મીના વર્તન માટે એને પારાવાર દુઃખ થઈ રહેલું કે મમ્મીએ ફોઈ સાથે આવું શું કામ કર્યું ? દાદીનો દુખી ચહેરો એને અંદર અંદર ખુબ પીડિત કરી રહેલો એ વિચારતી રહી … કે દીકરો ઘરડો થાય તોયે ઘરે પાછા આવતા ક્યારેય વિચારતો હશે? કે ઘરે જાઉં કે ના જાઉં?
તો દીકરી પરણીને જાય પછી એને માં-બાપના ઘરે આવવા આટલું વિચારવાનું? જેમ દીકરો મોટો થાય એમ દીકરી પણ તો ૨૨ થી ૨૫ વર્ષ એ ઘરમાં રહી મોટી થાય છે તો લગ્નબાદ એના હક શું કામ ફરી જાય છે? શા માટે એ એનું ઘર નથી રહેતું ? જ્યાં એની બાળપણની મીઠી યાદો સચવાયેલી હોય એવા ઘરે એ એની ઈચ્છા મુજબ ના આવી શકે? એને મન હોય એટલા દિવસ ના રહી શકે? લગ્નબાદ અમુક ઉમંરે ઘરે આવતી દીકરી શું માત્ર એક બોજ બની રહે છે? એ કેમ ભૂલી જવામાં આવે કે એ પણ તો આ ઘરનું એક સંતાન છે … સારિકા ફોઈની વિદાયે શિવાનીના મનમાં કેટલાયે સવાલોને જન્મ આપેલો, વારંવાર આંખ સામે તરવરી ઉઠતો ફોઈનો આંસુ વાળો ચહેરો એના નખશીખ રૂવાંડા ઉભા કરી દેતો…
એને ફરી ઘડિયાળમાં જોયું ૬ વાગી ચુકેલા, એ બેડ પરથી ઉઠી બારીમાં ઉભી રહી ના જાણે મનમાં શું સુજ્યું કે ફ્રેશ થઈ એ રસોડામાં પહોંચી. થોડીવારે વાસણો ખખડવાનો આવાજ સંભળાતા મંદાબહેન રસોડા તરફ દોડી આવ્યા પણ અંદરનું દ્રશ્ય જોતા જ એમના પગ ઉંબરે અટકી ગયા.. કપાળ પર આશ્ર્ચર્યની ત્રણ રેખાઓ દોરાઈ ગઈ. નવ વાગ્યા પહેલા ના ઉઠતી અને રસોડામાં ભાગ્યેજ પગ મુક્તી શિવાની આજે સવારના પહોરમાં ચા-નાસ્તો બનાવી રહેલી “અરે શીવું આં શું ? આટલા વહેલા ઉઠવાની શું જરૂર હતી અને આં બધું હું કરું છું ને તું આરામ કર જા” શિવાનીના હાથમાં રહેલી સાંણસી લેતા બોલવા લાગ્યા.. “ના મમ્મી પ્લીઝ મને કરવા દે” શિવાની સાંણસી પરની પકડ મજબુત કરતા બોલી અને બધાને ચા-નાસ્તો પીરસવા લાગી..
એ પછી પણ શિવાની એ રશોઈમાં ઘણી ખરી મદદ કરી અને ઘરમાં ઝાંપટ-ઝૂંપટ કરવા લાગી, ઘર વ્યવસ્થિત ગોઠવવા લાગી “બેટા શીવું આં બધું શું કરે છે તું થોડા દિવસ આવી છે તે આરામ કરને” મંદાબહેને કહ્યું પણ શિવાનીએ પોતાનું કામ ચાલુજ રાખ્યું… મંદાબેનને સમજાતું નહોતું કે આં શું થઈ રહ્યું છે દાદી પણ શિવાનીના વર્તનમાં આવેલો ફેરફાર જોઈ રહેલા.. બપોરે જમવાનો સમય થયો ને શિવાની નહિ-ધોહી તૈયાર થઈ પોતાની બેગ લઈ બહાર આવી એને જોતાજ દાદી ઉભા થઈ ગયા.. “બેટા કેમ બેગ કાઢી? ક્યાં જાય છે?” મંદાબહેન પણ પ્રશ્નાર્થ નજરે એને જોઈ રહ્યા ..
“બેંગલોર પાછી જાઉં છું દાદી, ૨ વાગ્યાની ફ્લાઈટ છે, શિવમે મારી ટીકીટ કરાવી દીધી છે “

“અરે પણ આમ અચાનક! તું તો પંદર દિવસ રહેવાની હતીને? ઘરે કંઈ થયું છે ? શિવમ કુમાર તો મજામાં છે ને?” મંદાબહેને એકીસામટા સવાલો પૂછી લીધા. “ના મમ્મી એવું કંઈ થયું નથી હું મારી મરજી થી મારી ઈચ્છાથી પાછી જઈ રહી છું” “શું થયું છે તને શીવું આજે સવારની તું કંઈ બોલતી નથી, કામ કર્યા કરે છે અને અત્યારે પાછી જઈ રહી છે પુછું છું તો કંઈ કહેતી પણ નથી. અમારા મન પર શું વીતશે એની તને કોઈ ચિંતા છે?” મંદાબહેનની આંખોમાંથી આંસુ નીકળી રહેલા એ દબાયેલા અવાજે બોલી રહેલા શિવાની એમને જોઈ રહેલી. શિવાની એમની પાસે જઈ એમના ખભે હાથ મુક્યો અને ધીરેથી બોલી.
“મમ્મી તારી ચિંતા છે એટલેજ જઈ રહી છું..” મંદાબહેનને કંઈ સમજાયું નહી એ પ્રશ્નાર્થ ભરી આંખે શિવાની તરફ જોવા લાગ્યા “હા મમ્મી તારી ચિંતા છે મને એટલેજ જઈ રહી છું, અત્યારથી આદત પાડી રહી છું પિતાના ઘરે ઓછું રોકવાની, હું જાણું છું માં કે તું મને ખુબ વ્હાલ કરે છે પણ દીકરીના પાનેતરનો છેડો જે દિવસે એક પારકા ખેસ સાથે બંધાય છે ત્યારે એના બાપના ઘરના બધા હક સાથેના છેડા છૂટી જાય છે ત્યારબાદ દીકરી એક મહેમાન અને થોડી ઉમર બાદ એક બોજ બનીને રહી જતી હોય છે. મારો ભાઈ પરણશે આપણા ઘરમાં જયારે ભાભી આવશે, હું રહેવા આવીશ પણ એકજ દિવસમાં મારે ઘર છોડીને પોતાની ઘેર ચાલ્યા જવું પડશે જેમ ગઈ કાલે સારિકા ફોઈ ગયા. રડતા ચહેરે.. અને દાદી બધો સમય રડતા રહ્યા … મમ્મી આપણે એકબીજાને ખુબ વ્હાલ કરીએ છીએ અને આમ એકબીજાને રડતા નહી જોઈ શકીએ એટલે હું અત્યારથીજ ઘરની માયા ઓછી કરી રહી છું પોતાના ઘરે જઈ રહી છું એ વાત સ્વીકારવાની કોશિષ કરું છું હવે મારો આં ઘર પર કોઇજ અધિકાર નથી…
“ માં દાદી અને દીકરી ત્રણેયની આંખોમાંથી શ્રાવણ વરસવા લાગ્યો મંદાબહેનને દીકરીની વાત અને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ત્રણેય એકબીજાને ભેટીને છુટ્ટા મોંઢે રડી પડ્યા. મંદાબહેનને પોતાનાથી થયેલ ભૂલનો પારાવાર પસ્તાવો થયો એમને દાદા-દાદીની સામે કરગરી માફી માંગી તેમજ તરતજ સારિકા ફોઈને ફોન કરી માફી માંગી તેમને ભાવથી આમંત્રણ આપી ફરી ઘરે બોલાવ્યા… દાદા-દાદીએ શિવાનીને રોકી લીધી અને વ્હાલથી ચૂમી ભરી ગળે લગાડી…શિવાનીનું ખળભળી રહેલું મન શાંત થયું અને નખશીખ રૂંવાડે રુવાંડે ઠંડક પ્રસરી. દાદી મમ્મી અને સારિકા ફોઈના ખડખડાટ હસતા ખીલેલા ચહેરા જાણે શિવાનીના મનો-મષ્તિકમાં ઘુમરાઈ રહેલા સારિકા ફોઈના ભીની આંખોવાળા ચહેરાની છાપ મિટાવી રહેલા.
“ના બંગલા, ના ગાડી, ના તમારી મિલકતમાં ભાગ લેવા..હું કદીક આવું છું ઘરે, મારા વીતેલા બાળપણની એ યાદ લેવા..

અડધું જીવન મારું મે પણ વિતાવ્યું છે અહિયા, હજીયે સતાવે છે મને એ સંભારણા,

મારી ઢીંગલી, હીંચકા અને આ આંગણા…જોવો જયારે અમને ડેલીએ તમારી… બસ ચાહું હું માત્ર તમારા હેતના વધામણા…

લેખક : સ્વાતિ સીલ્હર