બદલાતી ફૂડ હેબીટ : ગૃહિણીઓની આળસ કે માર્કેટીંગનો પ્રભાવ…

શું આપણને વિદેશી બ્રાન્ડ જ આકર્ષે છે? આપણી સ્વાદગ્રંથિ પણ આંતરરાષ્ટ્રીય છે? આંખને ગમે કે ન ગમે પણ વિદેશો નામ લાગેલી વસ્તુ જ આપણને કેમ આકર્ષે છે ? ઘર વપરાશની નાની મોટી વસ્તુ સાથૈ આપણે વિદેશી ફૂડ આઈટમને પણ સ્વીકારી લીઘી છે. અને તે આઈટમ ખાવામાં આપણી પરંપરાગત વાનગીને ભૂલાવી દીઘી છે. વિદેશમાં જઇને પાંઉભાજી, સમોસા, કચોરી, દાબેલી, ચવાણું, ખાખરા જેવી આપણી વાનગી આપી તો જુઓ… જો..જો.. વિદેશીઓ કદાચ એક ટૂકડો લઇને પછી ઓઈલી કે સ્પાઈસી છે એ બહાના હેઠળ ખાવાનો ઇન્કાર કરી દેશે. વિદેશીઓ આપણા દેશને, આપણને અને આપણી ખાદ્યસામગ્રીને પણ અવિકસિત દેશ જેવી ગણે છે. અને હલકી દ્રષ્ટિએ જોવે છે..

પ્રશ્ર્ન એ છે કે જો વિદેશીઓ આપણી ખાદ્યસામગ્રી અપનાવી શકતા ન હોય તો પછી આપણે શું કામ તેમની વાનગી અપનાવીએ છીએ ??? આપણી વાનગી ખાવામાં તેમનો અહૄમ ઘવાતો હોય તો આપણે તેમની વાનગી ખાવામાં મોટાઇ શું કામ અનુભવવી જોઇએ ? શું કામ આપણે પિત્ઝા, પાસ્તા, નૂડલ્સ, નાચોઝ, મન્ચૂરિયન, સુપ જેવી વાનગી પ્રત્યે આકર્ષાયે છીએ ? આ બઘી વાનગી ખરેખર તો જીભને સ્વાદ અપાવે તેવી છે એની ના નહી, ભલે ને પછી પાચન કે સ્વાસ્થ્ય સંબંધી ખતરાની ઘંટડી વાનગી હોય… પણ છતાં આપણે તેના પ્રત્યે સંયમ નથી રાખી શકતા એ તો સ્વીકારવુ જ પડે.. શું આ બઘી વિદેશી વાનગી સામે આપણી પરંપરાગત વાનગી કંઇ કમ છે ?

પણ સવાલ એ જ છે કે વિદેશી ફૂડ લાજવાબ છે અને આપણે તેના વ્યસની બની ગયા છીએ… પણ વિદેશીઓ આપણો નાસ્તો, આપણી વાનગી કેમ અપનાવતા નથી? મેકડોનાલ્ડની જેમ આપણે ન્યૂયોર્ક કે પેરિસમાં વડાપાંઉના કાઉન્ટર કેમ ઊભા કરી શકતા નથી ? સ્ટીમ ઢોકળા કે ગરમાગરમ ગાંઠિયા-ભજીયાને કેમ વિદેશીઓ હાથ નથી લગાડતા ? કેમ આપણી વાનગીની રેસ્ટોરન્ટ વિદેશમાં નથી ?

ઘઉંની ભાખરી કે બાજરાના રોટલા પર સલાડ, સોસ, માખણથી લથબથ ઈન્ડિયન પિત્ઝા વિદેશીઓને આપો તો ખરા..આપણા રોટલા, માખણમાં સ્વાસ્થયથી ભરપુર ગુણો છે… છતાં વિદેશીઓ તેને નહી સ્વીકારે… અને આપણે કોન્ટિનેન્ટલ ફૂડનું ગૌરવ અનુભવશું… પણ આપણા ફૂડને તે દરજ્જો કેમ નથી મળતો ? મનોવિજ્ઞાનિક કહે છે કે આપણને વિદેશી ફૂડનું વળગાળ છે. તેનાથી આપણને આપણે બીજા કરતા અલગ પસંદગી ધરાવીએ છીએ તેવી લાગણી થાય છે. આપણી જાતને થોડા ઊંચા માનીએ છીએ.

આ સાચુ છે??? વિદેશી ફૂડનું આટલું વળગણ એ માર્કેટીંગનો જાદુ છે?? કે ફેશન અને સ્ટેટસની પૂર્તિ માટે ખવાય છે?? આમતો સાવ એવું પણ નથી.. વિદેશી ફૂડનું વળગણ એ માત્ર માર્કેટીંગ કે વિતરણ વ્યવસ્થાનો પ્રભાવ હોય તો ભારતની આટલી વાનગીમાંથી કેમ કોઇ વાનગી વિશ્ર્વસ્તરે પ્રચલિત નથી ? આપણી આઈટમ, ફૂડ હેબીટ, ફરારી પરંપરા તો સેંકડો વર્ષ જુની છે, પણ વિદેશીઓ તેને સ્વીકારતા નથી.

ખરેખર તો આપણા જેવું આહારવિજ્ઞાન વિશ્ર્વમાં કયાંય નથી. આપણે આહારને માત્ર પેટ ભરવા માટે કે ભૂખ મટાડવા માટે નથી લેતા. આપણે આહારને ઔષધિ માનીએ છીએ. જેમાં સ્વાદ અને સોડમનો અમૂલ્ય સહવાસ હોય છે.. આપણે અન્નને દેવતા માનીએ છીએ… પણ આપણા જ બદનસીબ કે આપણે જાતે જ આપણી વાનગી પડતી મૂકીને વિદેશી વાનગી પાછળ ઘેલા થયા. થોડા સમય પહેલા મેગીનો મુદ્દો ચગ્યો ત્યારે કોઇએ એવું નિવેદન કર્યુ હતું કે ભારતીય મમ્મીઓ બાળઉછેરની ગંભીરતા સમજતી જ નથી, અને સાથે એ હદે આળસુ થઇ ગઇ છે કે બેમિનિટમાં બની જાય તેવી કે રેડી ટુ ઇટ, રંગીન આકર્ષક પડીકામાં મુકેલી વાનગી બાળકોને ખવડાવી દે છે. બાળકો માટે પૌષ્ટિક ભોજન બનાવવુ તો દુરની વાત છે, પણ હવે તેમના માટે બનતા નાસ્તા પણ ખોવાઇ ગયા છે.

સેવ-મમરા, પૌઆ જેવી હલકી ફૂલકી વાનગી બનાવવાની કડાકૂટમાંથી બચવા સહેલો ઉપાય અપનાવે છે અને બાળકોના હાથમાં રૂપિયા પકડાવી દે છે જેથી તૈયાર પેકેટ લઇ શકે. જુના સમયમાં બટેકાની વેફર, ચોખાની સેવ, ચોખાના પાપડનો વૈભવ અગાસીમાં જોઇ શકાતો હતો. હવે તો તે પણ તૈયાર… અને તૈયાર નાસ્તામાં કેટલા રસાયણ અને નુકસાનકારક તત્વો હોય છે એ જાણવા છતાં આંખ આડા કાન કરે છે, ઘંટીએ લોટ દળાવવાનું તો ઘરઘંટી આવતા બંધ થયું, પણ તૈયાર આટાની બેગે ઘરમાં અનાજ પણ બંઘ કરાવી દીધું. તૈયાર લોટમાં કઇ કવોલીટીના ઘઉં હોય તે તો બધાને જાણ હોય જ છે, છતાં તે સ્વીકારાય છે.

બધાને ખબર જ છે કે રેડી ટુ ઇટ પેકેટમાં બીમારી નોતરે તેવા તત્વો હોય જ છે. પ્રિઝર્વેટિવ્સ, આજીનો મોટો અને બીજા રસાયણ સ્વાદ માટે ઉમેરાય જ છે. તેમાં પણ હવે તો ફ્રીઝન ફૂડની ફેશન ચાલી છે. નોકરી કે વ્યવસાય કરતી સ્ત્રીઓ કે પછી પૈસાના કેફમાં રાચતી અને કીટીપાર્ટીમાંથી ફ્રી ન થતી સ્ત્રીઓની સાથેસાથે માત્ર ઘર સંભાળતી સ્ત્રીઓએ પણ પરંપરાગત નાસ્તા બનાવવાની કડાકૂટમાંથી છુટ્ટી લઇ લીઘી છે..

બાળકોને પૈસા અને મોબાઇલ પકડાવી હોમ ડિલિવરીના રવાડે ચડાવીને શાંતિથી પોતાની પ્રવૃતિમાં વ્યસ્ત રહે છે. હવે તો પરિસ્થિતિ એ આવી ગઇ છે કે બાળકો પણ ઘરના નાસ્તાથી મોઢું બગાડે છે.. તેમને પણ બહારની વાનગીની આદત પડી ગઇ છે. આમાં વાંક કોનો ? માર્કેટીંગથી આપણી સંસ્કૃતિમાં ડેરા જમાવીને બેસી ગયેલી વિદેશી વાનગીનો કે રસોડાથી દુર ભાગતી આધુનિક મમ્મીઓનો ???

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ