પરફેક્ટ જોડી – લગ્નને હજી છ મહિના જ થયા હતા તો એવું શું થઇ ગયું કે હવે તેઓ સાથે રહેવા તૈયાર નથી…

પરફેક્ટ જોડી “Made for each other”

“શુ કહેવું ?” “કોણ કોને સમજાવશે ?”

મસ્ત મજાના આલીશાન બંગલા માં બે દંપતિ બેઠા છે. બન્ને કપલ એકદમ પીઢ, સાલસ સામાજિક અને આર્થિક રીતે વ્યવસ્થિત સેટલ છે. બે કપલ્સ એટલે ચાર વ્યક્તિ , ચારે ચાર ગમગીની ના બોજા હેઠળ કચડાઈ રહ્યા છે. આમાં બે મમ્મી ઓ છે અને બે પપ્પાઓ છે. હા, હજુ તો છ-આઠ મહિના પહેલા તો તેઓ એકબીજા ને ઓળખતા ય ન્હોતા. બન્ને ના દીકરા અને દીકરી લગ્ન કરવાની ઉંમરે પહોંચ્યા અને કોઈ ત્રીજી વ્યક્તિના માધ્યમથી બાયોડેટા ની આપ લે થઈ .


આમાના એક હતા જતીનભાઈ અને તેમના પત્ની જલ્પાબેન , જે બન્ને ગવર્મેન્ટ જોબ કરતા હતાં. એમનો મોટો દીકરો રિધમ સોફ્ટવેર એન્જીનીયર બન્યો અને તેને બેંગ્લોરની એક ઇન્ટરનેશનલ કમ્પનીમાં જોબ મળી ગઈ. હવે, માવતર ને શુ જોઈએ ? ડાહ્યો , ભણેલો અને કમાતો દીકરો, વ્યવસ્થિત, સેટલ્ડ જીવન. એટલે હવે લગ્ન માર્કેટ માટે એ બેસ્ટ મટીરીયલ હતો, જેમાં પ્રાયમરી અને કમ્પલસરી હોવા જોઈએ એ બધા જ ગુણ માં એ પ્લસ A રેન્ક પર હતો.

દીકરી ના લગ્ન કરાવવા માબાપ ને સામેવાળા પાસે શુ રિકવાયર હોય ? સારા ઘરનો, સંસ્કારી, ભણેલો, દેખાવડો, પોતાના પગ પર ઉભેલો, માતાપિતા અને પરિવાર પણ વ્યવસ્થિત સાથે મિલકત પણ હતી, ગમાડે વતનમાં જમીન અને મકાન હતા એટલે એ સાઈડ પણ ઠીક ઠીક નહિ, સારી જ કહેવાય. આમ, રિધમ નો બાયોડેટા આવ્યો, ભરતભાઇ અને ભૂમિબેન પાસે. તેઓ પોતાની રિયા માટે મુરતિયા ની શોધમાં જ હતાં. રિયા પણ સારું ભણેલી અને પ્રાઇવેટ કમ્પની માં જોબ કરતી સ્માર્ટ યુવતી હતી જે પોતાના પગભર હતી, સ્વતંત્ર અને નવા જમાનાની સાથે કદમ મિલાવીને ચાલનારી છોકરી હતી.

એમને રિધમ નો બાયોડેટા જોઈ ને પોતાની દીકરી માટે બધી રીતે યોગ્ય લાગ્યો. બન્ને પરિવારે એકબીજાનો કોન્ટેક્ટ કર્યો, વાત આગળ ચલાવી , એક નાતીલા જ હોવાને કારણે કોઈ ને કોઈ ઓળખાણ પણ નીકળી અને બન્ને કુટુંબને ઓળખતા હોય તેવા લોકોને મળીને બન્ને પપ્પાઓએ એમની અંગત રીતે, પરિવાર, ખાનદાન, જેવી પ્રાયમરી તપાસ પણ કરી લીધી. બે માંથી કોઈને ય કાંઈ વાંધાજનક ન લાગ્યું. અને દીકરા દીકરી ની મુલાકાત ગોઠવી દીધી. બન્નેના ઘરના લોકો પણ મળ્યા, જોવા જવાનું પ્રોટોકોલ પતાવ્યું.

અને બીજે જ અઠવાડિયે, એકદમ ઉમંગભેર જતીનભાઈ અને જલ્પાબેન ને પોતાના રિધમ માટે રિયા પરફેક્ટ લાગી. ભરત ભાઈ અને ભૂમિબેન ને પણ પોતાની લાડકી રિયા માટે રિધમ એકદમ ઉચિત જણાયો. બન્ને માબાપ ખૂબ જ ખુશ હતાં. જેટલી ફિકર અને ટેનસન હતું પોતાના સંતાનો માટે લાયક જીવન સાથી શોધવા નું એને બદલે એકદમ વ્યવસ્થિત અને અનુકૂળ પાત્ર મળી જતાં તેઓ સાવ હળવા બની ગયા, આવું તો બન્ને માતાપિતાએ વિચાર્યું પણ નહોતું.

તેમણે આનંદ અને ઉલ્લાસથી આ સંબંધ ને વધાવી લીધો . બન્ને ઘરે આ લગ્ન નો પ્રસંગ પહેલો જ પ્રસંગ હતો. બન્ને નું ઘર ખાધે પીધે સુખી મતલબ કે આર્થિક રીતે વ્યવસ્થિત કહી શકાય એવી સ્થિતિ હતી એટલે બન્ને વેવાઈઓ એ સાથે મળી ને સગાઈ, સંગીત સંધ્યા,માંડવા રોપણ, દાંડિયા રાસ, લગ્ન વિધિ બધું ધામધૂમ થી થાય અને સૌ સરખી રીતે માણી શકે એ માટે શહેરની પ્રતિષ્ઠિત જગ્યાએ હોલ અને પાર્ટી પ્લોટ નું નક્કી કરી, બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોવડાવી ને લગ્ન ની તારીખ નક્કી કરી. રિધમ અને રિયા પણ બધી તૈયારી માં સાથે ને સાથે હોશ ભેર લાગી ગયા. એકાદ મહિના માં તો એમનું લગ્ન પણ જેવું આયોજન હતું એનાથી સવાયું સંપન્ન થયું.

રિધમ અને રિયા પતિપત્ની બની ગયા. બધા ય ખુશખુશાલ હતાં. એમાંય ભરતભાઇ ને જતીન ભાઈ તો વેવાઇવેલા ના માતબર સંબન્ધ ને બદલે ભાઈ કે મિત્રો જેવા બની ગયા. જલ્પા બેન અને ભૂમિ બેન પણ વેવાણથી વધારે બહેનપણીઓ બની ગઈ હતી. ચારેય ખૂબ પ્રસન્ન હતાં કે સારું થયું આપણા દીકરા દીકરી એ એકબીજાને પસંદ કર્યા . સમધિ ના સ્વરૂપે સાચા સગા મળી ગયા.

રિધમ અને રિયા હનીમૂન પરથી પરત ફર્યા કે તરત જ બેંગ્લોર જવા રવાના થઈ ગયા. બન્ને ની રજાઓ ખતમ થઈ ગઈ હતી. બન્નેના મમ્મી પપ્પા અહીં એક જ ગામમા જ હોવાને કારણે ઘણીવખત તેઓ સાથે જ શનિરવી ફરવા ઉપડી જતાં. અને ક્યાંય જાય નહીં ત્યારે ચોક્કસ કોઈ એક ઘરે સાથે મળીને જમતાં ને મોડીરાત સુધી અલક મલક ની વાતો કરતાં. ચારેય સંતુષ્ઠ હતાં. વારાફરતી બન્ને મમ્મી પપ્પા પોતપોતાની અનુકૂળતાએ રિધમ અને રિયા પાસે બેંગ્લોર પણ આંટો મારી આવ્યા. ત્યાંથી આવ્યા પછી ચારેય જણા એવું એકસુરે બોલ્યા, “છોકરાઓને ત્યાં આપણને બૌ ફાવે નહિ એ એમની લાઈફ સ્ટાઇલ માં વ્યસ્ત હોય !આપણે તો અહીં જ મજા !”


આમ સમય જતાં, દિવાળીની રજા પર રિધમ અને રિયા આવવાના હોઈ બન્ને ઘરે સાચો તહેવાર આવ્યો હતો અને તેઓમાં તહેવારની સાથે પોતાના પ્રાણપ્યારા લાડકવાયા સાથે રહી ને ઉત્સવ ઉજવવાની તૈયારીનો આનંદ છવાઈ ગયો. ભૂમિબેન અને જલ્પાબેને, બધું સાફસફાઈ અને ખરીદી, પતાવી ને નાસ્તા પણ બનાવી રાખ્યા હતાં અને જતીનભાઈ તથા ભરતભાઈએ અગાઉથી પીકનીક ના આયોજન કરી રાખ્યા હતાં.

અને દિવાળી ના ત્રણ ચાર દિવસ પહેલા જ રિધમ અને રિયા આવી પહોંચ્યા. એમને લેવા ચારેય જણા એરપોર્ટ ગયા. તેઓ રસ્તામાં મીઠી રકઝક કરતા કરતા આવ્યા હતા કે બન્ને ને કહેશું, ચલો પોતપોતાના ઘરે જવાની છૂટ તો બે ય જણા શરમાઈ ને ના પાડશે. ભૂમિબેન કહે , ‘ના ! ના !, એવી કોઈ મજાક નથી કરવી, અમારી રિયા ને સાસરે વળાવ્યા પછી અમે પણ સમજીએ કે તમારે દીકરાવહુની આ પહેલી દિવાળી છે. માટે રિયા અને રિધમ, ભલે તમારે ત્યાં જ આવે !!”

ત્યારે જલ્પાબેન બોલે એ પહેલાં જ જતીનભાઈ બોલી ઉઠ્યા, “તમે ય બન્ને ત્યાં જ આવતા રહો ને ! આપણે તો છોકરાઓ સાથે રહેવાની મોજ માણવી છે. એ પછી તમારે ત્યાં હોય કે અમારે ત્યાં, શું ફેર પડે છે ???” પણ, ત્યાં તો કંઈક અલગ જ બન્યું… જેવા ફ્લાઇટ માંથી ઉતરી ને ઘરે જવા રવાના થાય એ પહેલાં જ રિયા અને રિધમે ધડાકો કર્યો! “સૌ પોતપોતાની ઘરે જ જઈએ !!” અને બન્ને પોતાનો અલગ લગેજ લઈને જ આવ્યા હોઈ, બન્નેએ પોતપોતાની બેગ્સ સાથે, પોતાના મમ્મી પપ્પા સાથે જવાનું એલાન કરી દીધું.


લેવા આવનાર, માતાપિતા વચ્ચે એવી સ્નેહની ગાંઠ બંધાઈ ચુકી હતી કે તેઓ સાથે જ રહેવા માંગતા હતાં. અને આ લોકો ? હજુ પરણી ને છ મહિના નથી થયા ત્યાં તો એકમેકથી ભાગે છે !! ભરતભાઈએ સમય ને પારખીને કહ્યું, “ok !ok! ચલો, અત્યારે આપણે બધા પોતપોતાના ઘરે જઈએ પછી સાંજનું ડિનર અમારે ત્યાં સાથે કરીશું. પછી આગળ નું નક્કી કરશું. કે કયા રહેશું ?” રિધમ અને રિયા એ શુષ્ક પ્રતિભાવ આપ્યા અને ઘર તરફ પ્રયાણ કર્યું. ઘરે પહોંચતા વેં’ત જ રિયા એ ધડાકો કર્યો “અમે હવે સાથે નહિ રહી શકીએ !!”

ભરતભાઇ અને ભૂમિબેન તો હક્કા બક્કા રહી ગયા. અને હોશહવાશ ખોઈ બેઠા. કેટલો ઉમંગ, ઉલ્લાસ, હર્ષ, બધું ય કડડભુસ !!! આ બાજુ રિધમ ના મમ્મી પપ્પાને પણ આઘાત લાગી ગયો. બન્ને કશું બાંધ છોડ કરવા તૈયાર નહિ !! શુ થયું એવું તે ?? એક જ જવાબ “અમારા બે ય નું જામતું નથી !!” અરે કાંઈ દૂધ જમાવી ને દહીં બનાવવું છે ?? આ તે સાલી જિંદગી છે કે મેળવણ ?? બન્ને યુવા જોડીએ પ્રૌઢ જોડી ને હચમચાવી નાખી. આ પ્રૌઢ દંપતિ વિચારી રહ્યા, “સાલું, આપણે તો કોઈ દિવસ, “જામતું નથી” વિચાર જ ન આવ્યો !


સગા વ્હાલા, સાસુ સસરા, અને શૂન્ય માંથી સર્જન કરીને વસાવેલ સંસાર અને આ બે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય ને સાકાર કરતાં કરતાં જીવનના અનેક ચડાવ ઉતાર આવ્યા , સુખ દુઃખ આવ્યા, પણ પચીસ સીતાવીસ કે ત્રીસ વર્ષે પણ છુટા પડવાનો વિચાર માત્ર ન આવ્યો અને આ બન્ને તો હજુ પ્રભુતા માં પગલાં પાડે છે ત્યાં તો એકબીજાથી ધરાઈ ગયા ?? આ શું સમજવું ?? રિધમ બહાર ગયો હતો અને રિયા પિયરમાં જ હતી. ભરતભાઇ-ભૂમિબેન અને જતીન ભાઈ-જલ્પાબેન, અહીં એક ઘરે મળ્યા હતાં અને ભારોભાર દુઃખી હતાં. નીરવ ચુપકીદી તોડવાની ચારમાંથી કોઈની હિંમત થતી નહોતી.

બેય મમ્મીઓ તો બોલવા માટે કોશિશ કરી તો રડી પડી. બન્ને છોકરાઓ વધારે કોઈ આરોપ પણ નહોતા કરતા કે એ આરોપ માટે સમજૂતી કરાવી શકાય કે “”ચાલો, રિયા હવે આમ ન કરતી, કે પછી, રિધમે આપ હવે થી નહિ જ કરવાનું !!” આમ જોવા જઈએ તો વાતમાં કશું જ નહોતું, બન્ને ને પૂછી પૂછી ને થાકી ગયા ત્યારે એટલું સમજાયું કે “રિયા ને ઉઠી ને ઝડપથી રેડી થઈ ઓફીસ પહોચવા માટે દોડાદોડી કરવી ન ગમતી એટલે એ થોડું વહેલુ જાગી જવા કહેતી.”


રિધમ નો વિચાર : “આખી જિંદગી કામ તો કરવું જ છે. મસ્તી થી ગાતા, ઝુમતા રોમેન્ટિક મૂડ માં રેડી થવું, ક્યારેક મોડું થઈ પણ જાય !! Its ok !!” રિયા ને દરરોજ બાર નું જમવું ગમે, સ્પાઈસી અને ચટક પટક ! રિધમ ને હેલ્ધી, !! રિયા ને વિકેન્ડ માં ફરવું, મુવી ગમે! રિધમ ને ઘરમાં પડ્યા રહી, ઊંઘવું ને tv જોવું.!! રિયા ને શોપિંગ કરવું ગમે! રિધમ ને મની સેવિંગ !! આવી તો કઈ કેટલીયે વાતો હતી. રિયાને પૂર્વ ! રિધમ ને પશ્ચિમ !! રિયા ને ઉત્તર ! રિધમ ને દક્ષિણ !!

બન્ને નક્કી કરીને જ આવ્યા હતા. કે આપણે બન્ને એકબીજા માટે પરફેક્ટ પાર્ટનર નથી. આપણે “made for each other” તો જરા પણ નથીં. આપણી બન્ને ની એક જ તો લાઈફ છે. બન્ને એ પોતાની મરજી મુજબ જીવવાનો હક્ક છે. બન્ને છુટા પડી જઈએ રાજીખુશીથી. અને આશ્ચર્ય એ વાતનું કે આ વાત પર બન્ને સહમત હતાં .. સંપૂર્ણ !!

અરે રે !! આ શુ થઈ ગયું ? આ ચારેય જ્યારે દાદાદાદી નાનાનાની બનવાના સપના જોતા હતાં !! એને બદલે રિધમ અને રિયા છૂટાછેડા ના કાગળ પર સાઈન કરી રહ્યા હતા !!! આ ચારેય ના મગજ કામ ન્હોતા કરતા કે આપણાથી આ છોકરાઓને ઉછેરવામાં ક્યાં ચૂક થઈ ગઈ ?? હવે સવાલ એ જ છે કે કોણ કોને સમજાવે ? શુ સમજાવે ?? “છૂટાછેડા લેતા પહેલા એક વાત સમજી લો!”

ચારેય મમ્મીપપ્પા ઓએ સાથે મળીને એકદમ સચોટ રીતે જણાવ્યું. “તમે બન્ને એ જે કારણો આપ્યા એ અમે સમજી ગયા. હવે તમે નક્કી કરો એક એવી જોડી આ દુનિયામાંથી શોધીને લાવો -જે બન્ને મેડ ફોર ઈચ અધર પરફેક્ટ હોય ! -જેમના શોખ પણ સમાન હોય ! – જેમની ખાવા પીવા ના રસ એક જ હોય ! – જેઓ ઊંઘ આરામ માટે સરખી ટેવ ધરાવતા હોય ! -જે રૂપિયા ક્યાં, ક્યારે કેટલા વાપરવા વિશે એક જ મત હોય ! જુઓ, શોધો જાવ!!!

તમારા મેરિડફ્રેન્ડ્સ , સગા વ્હાલા, આડોશ પડોશી, કાકાકાકી, મામામામી, ભાઈભાભી, બેન જીજાજી,… ઇવન જુઓ દાદાદાદી, નાનાનાની ” રિધમ અને રિયા તો સાંભળી જ રહ્યા… “વિચારો અને જુઓ તમારા બન્નેના ખુદના મમ્મીપપ્પા, શુ પરફેક્ટ જોડી છે ?” “સફળ દામ્પત્ય જીવન માટે સમાન રસ,રુચિ કે વિચાર નહિ ફક્ત બન્ને ને એકબીજા માટે માન, સન્માન અને સંબંધ ના પાયા માં ફક્ત અને ફક્ત પ્રેમ હોવો જરૂરી છે .


જો એ હશે તો બાકી બધું આપ મેળે ગોઠવાતું જશે. પરફેક્ટ જોડી તો tv સિરિયલો માં અને હિન્દી સિનેમા ના ગીતો માં જ હોય છે. બાકી સાથે જીવી ને સુખ મેળવે એ જ સાચું સુખી યુગલ. લગ્ન એ કાંઈ ઢીંગલા ઢીંગલી ના ખેલ નથી. કે મન ફાવે તો ઠીક ન ફાવ્યું તો કિટ્ટી !! લગ્ન એક પવિત્ર બન્ધન છે અને એને માણતા અને હસતા રમતા જીવન જીવતા આવડવું એ સાચી સક્સેસ નેસ છે !!

પોતપોતાનો સ્વતંત્ર ઈગો ન રાખતા સહિયારું સમર્પણ હશે તો તમે ગમે તેટલા અલગ હોવ છતાં તમે ખુદ જ ‘Made for each other” જ છો.””” રિધમ અને રિયાની આંખો ઉઘડી ગઈ. અને બન્ને ફરીથી, નવેસર થી વિચારવા માટે તૈયાર થયા.. તેમને થોડો સમય આપ્યો.. અને અલગ અલગ લાવેલા સામાન ની સાથે અલગ થવાનો વિચાર ફગાવી, થોડા વાસ્તવિક વિચાર સાથે બન્ને એક બન્યા. અને બન્ને માતાપિતાએ નિરાંત નો શ્વાસ લીધો.

લેખક : દક્ષા રમેશ ઝાલાવાડીયા “લાગણી”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ