બા – એ દિવસે એક સાસુએ કરાવ્યું પોતાની વહુનું અનોખું ગૃહપ્રવેશ, લાગણીસભર વાર્તા…

હજી બારણું ખોલી ને અંદર આવું તે પહેલાં તો બા નો તીખો છતાં દબાયેલો અવાજ સાંભળ્યો “ક્યાં સુધી આમ રાહ જોઈ બેસી રહેવાનું? તારા પછી લગ્ન થયેલ તારા મિત્રો પણ બબ્બે છોકરા ના બાપ બની ગયા છે…..” બા એ પોતાની વાત આગળ ચલાવી “આજે 11 વર્ષ થયાં તમારા લગ્ન ને…તેને સારા દિવસો રહે એ માટે મેં શુ શુ નથી કર્યું?

દવા દારૂ ભુવા જાગરિયા…તું જ કહે ક્યારેય વહુ ને ઓછું આવવા દીધું છે? બાપ વગર ની છોકરી ગણી લગ્ન ન દિવસ થી લઈને આજ સુધી કોઈ માંગણી કરી છે મેં? તું જ કહે આ એક ઈચ્છા છે તે શું ખોટી છે એ? “પણ બા……..”શરદે વાત ને વાળવા નો પ્રયત્ન કર્યો પણ ઉશ્કેરાયેલા બા એ એમની વાત સાંભળી નસાંભળી કરી પોતાની વાત આગળ ચલાવી

“મારો તું એક નો એક દિકરો છે..10 વર્ષ નો હતો ત્યારે તારા બાપુજી આપણને એકલા મૂકી સ્વર્ગ સિધાવ્યા…મેં કેટલી મુશ્કેલીઓ વચ્ચે તને મોટો કર્યો છે એ તો તું જાણે જ છે.શુ આજે તારા તરફથી આટલી અપેક્ષા રાખવી ગેરવાજબી છે?” શરદ ના ચહેરા પર તરવરતી વેદના હું ન જોઈ શકી..જાણે કઈ નથી સાંભળ્યું એવો ડોળ કરતી હું ઘર માં પ્રવેશી…

હજુય યાદ છે મારો પહેલો ગૃહપ્રવેશ..કેટકેટલા સપના અને ઉમંગો ભરી હું સાસરે આવી હતી..ત્રણ જણા નું નાનું કુટુંબ…..માં કરતા પણ સવાઇ સાસુ હતી….અતિ પ્રેમાળ પતિ નો ડગલે ને પગલે સાથ હતો……કેટલો બધો ફેર લાગ્યો આજ ના ગૃહ પ્રવેશ માં…એક નિરાશ સાસુ હતી….એક દુઃખી પતિ…અને નિસહાય હું..

હું સમજતી હતી કે બાની ઈચ્છાઓ…બા ના પૌત્ર પૌત્રી માટે ના સપના યોગ્ય હતા….પણ બા કેમ નહોતા સમજતા કે આ વાત ક્યાં મારા હાથ ની છે.. છતાંય આજે અસહાય બની હું ચૂપ રહી… શરદ મારા મન ની વાત સમજતા હતા.. એટલે એ પણ મારી પાછળ રૂમ માં આવ્યા.. હું બેડ ને એક કિનારે બેસી જાતે જ મારી ઉદાસીનતા ને ટાળવા નો નિરર્થક પ્રયત્ન કરી રહી હતી…અને મારા આ પ્રયત્ન ને શરદ નિહાળી રહયા હતા….લાચાર બની બેઠેલા અમે બંને અને અંતે શરદે મૌન તોડ્યું

“નિશા ક્યાં સુધી આમ ઉદાસ થઈ બેસી રહીશ….ચાલ આજે હું તારા માટે સરસ મસાલા વાળી ચા બનાવું…પછી હમેશ ની માફક તું હું અને બા સાથે બેસી ને ચા પીશું..” મેં પરાણે હસતા કહ્યું “લાવો હું જ ચા બનાવી લાવું છું” અમે બન્ને એકસાથે રૂમ માંથી બહાર નીકળ્યા ત્યાં તો હુ આભી બની ગઈ..જાણે કશું જ બન્યું ન હોય એમ બા હાથ માં ચા ની ટ્રે લઈ ઉભા હતા..

“ચાલો નિશા કેટલી વાર આ ચા પણ ઠંડી થઈ ગઈ” એટલું સાંભળતા મારો ગુસ્સો પણ ઠંડો થઈ ગયો…તો પણ માણસનું મન ક્યાં ચડવા ઉતરવા નિસરણી માંગે છે….વિચારો અવિરત પણે ચાલી રહ્યા હતા….હાથ માં રહેલો ચા નો કપ માંડ ગળે ઉતર્યો ત્યાં જ બા બોલી ઉઠ્યા “નિશા શરદ તમે બંને તૈયાર થઈ જાવ….” શરદે પ્રશ્નાર્થ ભાવે પૂછ્યું “કેમ બા…ક્યાં જવાનું છે?” “મારી ઈચ્છાપૂર્તિ માટે નો એક રસ્તો જડ્યો છે બસ ત્યાં જ” બા એ કડકાઈ થી જવાબ આપ્યો…

જ્વાબ્ સાંભળતા જ અત્યાર સુધી ચડેલા અગણિત દવાખાના ના દાદર મારી નજરે ગોઠવાઈ ગયા…કઈ કેટલાય દોરા જાણે મારા હાથે બંધાઈ ગયા…..કઈ કેટલીય માનતા ઓ….કાઈ કેટલીય બાધા મારા અંતરમન પર ઉપસી આવી….પણ બા ની ઈચ્છા પૂર્તિ માટે હું આ બધું જ કરવા હમેંશા તૈયાર રહેતી….દર વખત ની જેમ મને કમને હું તૈયાર થઈ…

શરદે ગાડી કાઢી….સરનામું પૂછતાં બાએ બસ ઈશારા થી ગાડી માં ગોઠવાઈ જવાનું કહ્યું…અમે ત્રણેય ગાડી માં ગોઠવાયા..રસ્તાનું સૂચન કરવા બા આગળની શીટ પર બેઠા..અને હું મારા વિચારો ના ભાર સાથે પાછલી સીટ પર ગોઠવાઈ ગઈ….રસ્તાનુ સૂચન કરતા બા અને એ રસ્તે ગાડી હંકારતા શરદ પ્રત્યે ઉદાસ ચહેરે હું જોઈ રહી….આજે પ્રથમ વખત મારા માં રહેલો માતૃત્વ નો બાંધ તૂટ્યો…અને હું રડી પડી….મારા માં રહેલી માઁ આજે જાણે એના બાળક ને વ્હાલ કરવા ઉતાવળી થઈ ઉઠી હતી…મનોમન ભગવાન ને પ્રાથના કરી લીધી કે આજે બા નો ઉપાય ફળે….ત્યાં જ શરદે ગાડી થોભાવી..આસપાસ નજર કર્યા બાદ શરદે બા તરફ જોતા પૂછ્યું

“બા આટલા માં તો કોઈ દવાખાનું કે કોઈ મંદિર નજરે નથી પડતું”

“આપણે દવાખાને કે મંદિરે જવાનું પણ નથી” કહેતા બા ગાડી માંથી ઉતરી ચાલવા લાગ્યા..એમની પાછળ હુ અને શરદ પણ બા ના ઉપાય અંગે વિચારતા ચાલવા લાગ્યા…થોડું ચાલ્યા ત્યાં જ સામે એક ઇમારત દેખાઈ …કોઈક સંસ્થા જેવું માલુમ પડી રહ્યું હતું….બા એ સંસ્થા ના ગેટ માં પ્રવેશ્યા…અમે પણ એમની પાછળ પાછળ ગેટ માં પ્રવેશ્યા…

એક નાનકડો બગીચો અને એ બગીચા માં રમતાં થોડા બાળકો ને જોઈ હું ત્યાં જ થંભી ગઈ…બા અને શરદ આગળ નીકળી ગયા હતા…બાળકો ને રમતા જોઈ ફરી આંખ માંથી આંસુ સરી પડ્યું. આકાશ તરફ એક તિરસ્કૃત નજરે જોઈ મેં મનોમન ભગવાન ને મારી આ દશા ના દોશી ઠેરવી દીધા…ત્યાં જ બા ની બૂમ સંભળાઈ “નિશા…અહીંયા આવો તો….”

હું ઉતાવળે પગલે બા અને શરદ જે ઓફિસ માં ઉભા હતા ત્યાં ગઈ…શરદ ના હાથ માં એક આઠેક મહિના નું બાળક જોઈ હું આશ્ચર્યચકિત થઈ ગઈ…હું કઈ સમજી ન શકી એની ભાળ બા ને આવી ગઈ હતી…એમને શરદ ના હાથમાંથી બાળક લઈ મારા હાથ માં મુકતા કહ્યું “નિશા….આ તારું બાળક છે….આ 8 મહિના ના ઉદય ને તું અને શરદ દત્તક લો એવી મારી ઈચ્છા છે…અને બસ એટલે જ હું તમને અહીંયા લઈને આવી છું”

નાનકડા ઉદય ને પોતાના બાહુપાશ માં લેતા જ મારા માતૃત્વ નો ઉભરો એના પર ઠલવાઇ ગયો…મેં નાનકડા ઉદય ને ચુંબન ની વર્ષાથી નવરાવી દીધો…મારો માતૃપ્રેમ જોઈ રહેલા શરદ પણ અમારી નજીક આવી અમને બંને ને આલિંગન માં જકડી લીધા….જરૂરી કાર્યવાહી પુરી કરી અમે ઉદય સાથે ઘર તરફ જવા રવાના થયા…

ગાડી માં લાંબા સમય સુધી મૌન પથરાયેલું રહ્યું…બા ના આ સ્વરૂપથી હું ક્યારેય વાકેફ થઈ જ નહતી…અંતે મેં વાત માંડી “બા તમારો ખૂબ ખૂબ આભાર…..મને અને શરદ ને ઘણીવાર આવો વિચાર આવ્યો…પણ કદાચ તમને નહિ ગમે એમ વિચારી અમે બાળક દત્તક લેવાની વાત ન કરી શક્યા”

“નિશા…હું હંમેશા ઇચ્છતી હતી કે તમારા ઘરે પારણું બંધાય …પણ મને એ પણ ખ્યાલ છે કે એ આપણા હાથની વાત નથી…મેં તને ઘણીવાર એકલા મા રડતા જોઈ છે…નાનકડા બાળક ને જોઈ તારું વિલું પડેલું એ મુખ મારાથી જોઈ શકાતું ન હતું….હું તો તને કે શરદ ને મારી ઇચ્છાઓની વાત કરી મન હળવું કરી લેતી…પણ તારો એ નિઃસંતાન હોવાનો ડૂમો ભરાયેલો હું અનુભવી શકતી હતી….તું અદ્દલ મારા જેવી જ છે…ખૂબ જ લાગણીશીલ…..જો શરદ ના બાપુજી બાદ મારા જીવન માં શરદ ન હોત તો હું ક્યારની ભાંગી પડી હોત…આજે ઘરડે ઘડપણ તમે બે જ તો મારી લાકડી છો…બસ તમે પને લાકડી ના સહારે તમારું ઘડપણ વ્યતીત કરી શકો બસ એટલે જ મેં આ નિર્ણય લીધો .”બા આંખ માં આવેલ હરખ ના આંસુ લૂછતાં બોલ્યા..

ઘર પણ આવી ચૂક્યું હતું…ગાડી માંથી ઉતરતા વેંત હું બા ને બાજી પડી….એમની નવી વિચારસરણી બદલ મને એમના માટે ખૂબ જ માન ઉપજ્યું….

“ચાલ ચાલ હવે મને છોડ મારે બીજું ઘણું કામ છે” કહેતા બા ઘરમાં પ્રવેશ્યા… “અરે હજી કયું કામ બાકી છે બા?” શરદે બા ને પૂછ્યું “મારી વહુ નિશા….અને આ નાનકડા ઉદય નો ગૃહપ્રવેશ ની તૈયારી તો કરી લઉં ને હું” કહેતા બા હસતા હસતા ઘર માં પ્રવેશ્યા…..અને ફરી એકવાર થયો મારો ગૃહપ્રવેશ.

લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ