રિયલ લાઈફ પ્રેમ કહાની – કેતનનો જીજ્ઞા પ્રત્યેનો પ્રેમ જ એની તાકાત બની જાય છે…

કેતન જોશી. આ નામ સાંભળતા જ ઘણાં લોકોને સામે લીલું, તીખું કે પટણી મરચું જરૂર યાદ આવી જાય. કેતન ખુબ જ આખા બોલો વ્યક્તિ. આમ પણ સામાન્ય રીતે આખા બોલા વ્યક્તિ હંમેશા લોકોને ઓછા પસંદ પડતા હોય છે. કેમ કે આપણા કાન તો ફિલ્ટર કરેલું જ સાંભળવા માટે ટેવાયેલા છે. પરંતુ કેતન જેવા ઘણા વ્યક્તિઓ હશે જેમને આખા બોલા હોવાને કારણે ઘણું સહેવું પડ્યું હશે. જે છે તેવું જ કહી દેવું એ પણ સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કર્યા વગર. એ કદાચ ઓછા વ્યક્તિઓને પસંદ પડતું હશે. જીજ્ઞા રાજગોર ઘણીવાર કેતનને કહે કે કેતન તમે ક્યારેક એવું બોલો છો કે સામેવાળાને તમારા શબ્દો પત્થર સમાન લાગે. આખરે જીજ્ઞા થોડાક કેતનને બદલી શકી છે પરંતુ જે લક્ષણ જન્મજાત છે તેમાં તો શું બદલી શકાય? જીજ્ઞાના જીવનમાં આ જ આખા બોલા વ્યક્તિ સાથે બહુ પનારો પડે છે.

માર્ચ ૨૦૦૮ની વાત છે. અમદાવાદ ખાતે આવેલ ટીવી નાઇનની છત પર લગભગ સાંજે છ વાગ્યાનો સમય થયો હશે. બધા રિપોર્ટર્સ રાત્રે પ્રસારિત થનારા રિપોર્ટર્સના એક કાર્યક્રમની પીટીસી કરવા છત પર ભેગા થયા છે. જીજ્ઞા પણ શરૂઆતમાં ટીવી નાઇનના દિવસોમાં રિપોર્ટર્સ રૂમમાં બેસે છે. એટલે રિપોર્ટર્સ સાથે સાંજે છત પર જઇને એ બધાને પીટીસી શૂટ કરતાં જોયા કરે છે. એક દિવસ સાંજે જીજ્ઞા, મિત્તલ પટેલ અને હિના પંચાલ સાથે બેઠા હોય છે કે અચાનક એક રિપોર્ટર આવીને મિત્તલની બાજુમાં જઇને બેસી જાય છે.

હાથમાં રતલામી સેવના બે પડીકા હોય છે. એક પડીકું તો મોટા મોટા બુકડા સાથે ફટાફટ પતી ગયું કોણ જાણે કે જન્મોજનમનો ભૂખ્યો હશે. અને પછી બીજા પડીકાને તોડી મોટી બુમો પાડતા મિત્તલને બોલ્યો કે આ મેડમ નવા આવ્યા છે? ત્યારે મિત્તલે જીજ્ઞાની ઓળખાણ કરાવી અને ત્યારે જ જીજ્ઞાને ખબર પડી કે સાહેબનું નામ કેતન જોશી છે. તે સ્પોર્ટસ રિપોર્ટર અને એડિટર છે. જીજ્ઞાને વાત કરવા પરથી આ માણસ થોડો વિચિત્ર લાગ્યો અને એટિટ્યુડ તો વાતોમાં ભારોભાર દેખાઇ રહ્યો છે. પણ આ મોટા મોટા બુકડા ભરવાનું કારણ થોડી વાતો પછી જીજ્ઞાને ખબર પડી કે આ કેતન ખુબ મહેનતી છે અને આખો દિવસ ફિલ્ડ પર ભૂખ્યો ભૂખ્યો ફરીને આવ્યો છે.

બસ થોડી વાતચીતની શરૂઆત થઇ પણ જીજ્ઞાને કેતન મહેનતું લાગવાની સાથે ખુબ જ એટિટ્યુડથી ભરેલો અને એરોગન્ટ પણ લાગે છે. જીજ્ઞાને તો મનમાં થયું કે બાપરે બાપ આ તો કેવો વ્યક્તિ છે!!! વાતોમાં જરીક પણ સોફ્ટનેસ લાગતી નથી. જીજ્ઞા વિચારેછે કે જેવો છે તેવો આપણે શુ? થોડા દિવસો વીત્યા હશે ત્યાં જીજ્ઞા રિપોર્ટર્સ માંથી પ્રોગ્રામિંગ અને પ્રોગ્રામિંગમાંથી ન્યૂઝ એન્કરિંગમાં શિફ્ટ થઇ જાય છે. કેતન ક્યારેક મળતો પણ બહુ વાત ન થતી, એક દિવસ કેતનના સ્પોર્ટ્સ બુલેટિનનો વોઇસ ઓવર કરવા એક પણ એન્કર હાજર હોતા નથી. એટલે કેતન જીજ્ઞા પાસે એની સ્ટોરીનો વોઇસ ઓવર કરાવવા આવે છે અને જીજ્ઞાએ કામ પુરૂ કરી નાખ્યુ પરંતુ સ્પોર્ટસમાં તે ઢગલાના ‘ઢ’ જેવી.

એક નામ બોલતા પણ ત્રણ ત્રણ ચાર ચાર રિટેક લેવા પડ્યા. આખરે જીજ્ઞાએ વોઇસ ઓવર કરીને પાછો આપ્યો ત્યાર બાદ કેતનને અને તેની ટીમને જીજ્ઞાનો અવાજ ખુબ ગમી જાય છે. તેઓ જીજ્ઞા પાસે વોઇસ ઓવર કરાવતા થઇ જાય છે અને જીજ્ઞા કામ કરી આપે છે. કેમ કે જીજ્ઞાને કંઇક નવું કામ કરવું ગમે છે. પણ પછી એક દિવસ તો કયામત આવી ગઇ. કેતનનું સ્પોર્ટ્સનું બુલેટિન જીજ્ઞાએ કરવાનુ આવ્યું. ઘણા એન્કરોએ પહેલાથી જ કહી દીધુ કે આ કેતન છે ને બહુ તોછડો છે. તેના બુલેટિનમાં કોઇ ભૂલ પડેને તો આપણી તો ધૂળ જ કાઢી નાખે.

તેનાથી જીજ્ઞાને ડર તો ન હતો લાગતો પણ પંગો લેવા માંગતી નથી. એટલે જીજ્ઞા તો પહોંચી જાય છે સીધી કેતનની પાસે. જીજ્ઞાએ જઇને કીધું કે આજે તારું બુલેટિન મારે વાંચવાનું છે. કેતનના ચહેરાનો પણ કલર બદલાઇ જાય છે. સવાલ આવ્યો કેમ ? બીજા એન્કર ક્યાં છે. જીજ્ઞાઓ કીધું કોઇ નથી. આજે હું જ છું. મને સ્ક્રિપ્ટ વહેલી આપી દેજે અથવા સરને જઇને કહી દે કે મારા પાસે તારુ બુલેટિન ન વંચાવે. મને સ્પોર્ટસમાં કંઇ નથી આવડતું. એમણે મને આપ્યું છે એટલે હું ના નહીં પાડી શકું. તને વાંધો હોય તો તું જઇને કહી દે. બધા જાણે છે કે કેતન પોતાના કામમાં અવ્વલ જ હોય. એટલું જ નહીં પણ કોઇની દખલ અંદાજી પણ ન ચાલાવે અને કેતન સાહેબ સિવાય કોઇની વાંચ ન સાંભળે.તે દિવસે તો બુલેટિન હેમખેમ પાર પડે છે. જીજ્ઞાને તો સ્પોર્ટસમાં ટપ્પોએ ના પડે.એટલે તેને તો ન કેતનમાં કે ન તેના એટિટ્યુડમાં રસ હોય છે કે નતો એના બુલેટિનમાં.

જીજ્ઞા તો કામ પતાવી ને છુટી જાય છે. તે સમયે કેતન સાહેબનો પ્રિય છે એવું સાંભળવા મળે છે. કદાચ એક બે છોકરીઓને તો કેતનમાં રસ પણ પડવા લાગે છે. પરંતુ જીજ્ઞા અને કેતન બંને એકદમ અલગ કિનારા હોય છે. થોડા સમય પછી ટીવી નાઇનની બીજી એનિવર્સરીની પાર્ટીમાં કેતનને મોસ્ટ એલિજેબલ બેચલરથી નવાજવામાં આવે છે અને જીજ્ઞાને પણ મોસ્ટ એલિજેબલ બેચલર ફિમેલથી નવાજવામાં આવે છે. તે દિવસે બધાએ ખુબ મજા કરે છે. તે સમયે પાર્ટીમાંથી નિકળતી વખતે કેતન કેટલાક મિત્રોને એની ગાડીમાં લિફ્ટ આપે છે અને સંજોગોવસાત જીજ્ઞાને પણ લિફ્ટ લેવી પડે છે. થોડો સમય સાથે કામ કરતા નીકળી ગયો જાય છે. કેતન ક્યારેક કેન્ટિનમાં પણ સાથે મળી જાય છે પણ પછી બન્ને ક્યારે મિત્રો બની જાય છે એ ખબર પણ નથી પડતી.

પછી તો કેતનના ઘરનું ટિફિન પણ જીજ્ઞા સાથે બેસીને જમે છે. ઘણીવાર તો કેતન લગ્ન માટે છોકરીઓ જોવા જાય છે તો પણ અમને કહીને જાય છે. જીજ્ઞા ક્યારેક પૂછતી કે કેવી લાગી છોકરી અને કેતન કહેતો ઠીક હતી. જીજ્ઞા કહેતી અલ્યા તારે તો વળી કેવી છોકરી જોઇએ છે. એ કહેતો સારી છોકરી હોવી જોઇએ. એ સારી કેવી હોય એમાં કોઇ ઉંડી ચર્ચા ન થતી. ધીરેધીરે જીજ્ઞા તથા કેતન ખુબ પાક્કા મિત્રો બની જાય છે. નવરાત્રીમાં જીજ્ઞા, કેતન અને વિશાલ કાલાણી ત્રણેય પહેલીવાર સાથે જાય છે. અત્યાર સુધી તો ૧૦૦ ટકા શુદ્ધ મિત્રતા જ હોય છે.

પછી મમ્મીની ઇચ્છા પૂરી કરવા જીજ્ઞા લગ્ન માટે રાજી થાય છે. કેતન જીજ્ઞાની મમ્મીને પસંદ આવી જાય છે અને જીજ્ઞાની મમ્મીની ઇચ્છા પૂરી કરવા કેતન પણ લગ્ન કરવા તૈયાર થઇ જાય છે. લગ્નના થોડા સમય પછી જીજ્ઞા અને કેતન વચ્ચે થોડાક પ્રશ્નો પણ થાય છે. અને એક સમયે તો બન્ને્ના લગ્નના નિર્ણય પર પણ સવાલ ઉભા થવા લાગે છે. જીજ્ઞા થોડો સમય કેતનથી દૂર પણ રહે છે પણ કેતને જીજ્ઞાની મરતી મમ્મીની ઇચ્છા પૂરી કરવા માટે લગ્ન કરેલા હોવાથી જીજ્ઞાના પપ્પાના કહેવા પર બન્ને ફરી પાછા એક થઇ જાય છે. કેતને જીજ્ઞાના પપ્પાને વચન આપ્યું કે હું જીગ્નાને ક્યારેય જીવનમાં કોઇ ફરિયાદનો મોકો નહીં આપું.

બસ આ જ વચન પર તીખું લીલું મરચું સિમલા મિર્ચમાં પરિવર્તિત થઇ જાય છે. કેતનના સ્વભાવમાં ઘણો બદલાવ આવી જાય છે. કદાચ પ્રેમમાં એટલી તાકાત હોય છે કે માણસને બદલી નાખે. કેતનનો જીજ્ઞા પ્રત્યેનો પ્રેમ જ એની તાકાત બની જાય છે. હવે લગ્ન પછી લોકો જીજ્ઞાને પુછવા લાગ્યા કે તને આ કેતનમાં શું દેખાયું.? અથવા તો પછી કાગડો દહીથરું લઇ ગયો આ વાક્ય ખુબ સંભળાય છે. થોડા વર્ષો પછી તેનો એનો જવાબ આપતા જીજ્ઞા કહે છે કે કેતન મારી મમ્મીની ચોઇસ હતો એ વાત સનાતન સત્ય. કેતનની ઇમાનદારી, સ્વાભિમાન વ્યક્તિની છાપ, એની મહેનત અને કામ માટેની ધગસ જ મારી અને એની મિત્રતાનું કારણ બને છે. અડધી રાત્રે પણ મને કેતન સાથે જતા ડર ન હતો લાગતો અને ન તો કોઇ સંકોચ રહે. એની નજર અને એનું દિલ સાફ છે. એટલે જ શબ્દો એના મોઢેથી આખા નિકળતા હોય છે.

એ જ કારણ છે કે અમે જીગરજાન મિત્રો બની ગયેલા. કોઇ પણ છોકરી લગ્ન માટે મોટા ભાગે બે બાબત જુએ. એક તો દેખાવ અને બીજો સ્વભાવ. અને લગ્ન પછી છોકરીને બે વસ્તુ જોઇએ. એક તો ફ્રિડમ અને બીજું તે જેવી છે તેવી રીતે એનો સ્વિકાર થવો. કેતન ઘણીવાર મને કહે કે તારી સાથે ફોટો પડાવતા મને સંકોચ થાય છે. પણ આજે હું કહેવા માગું છું કે વ્યક્તિનું રૂપ મહત્વનું નથી. મહત્વનું છે કે એ પુરુષ લગ્ન પછી પોતાના પરિવારની જવાબદારી ઉપાડવામાં કેટલો સક્ષમ છે. રૂપ તો ગૌણ થઇ જાય છે લગ્ન પછી. કેતલામાંથી કેતન અને કેતન તું માંથી તમે બની જાય છે. કેતન એક સારો મિત્ર, એક સારો પતિ, એક સારો જમાઇ, એક સારો પિતા અને એક સમજુ દિકરો છે.

હા એ વાત પણ એટલી જ સાચી છે કે કેતનને મિત્રતામાં બહુ લેણા દેણી નથી. હંમેશા તેને દગો જ મળે. એટલે હવે કેતને મારા મિત્રોને જ એના મિત્રો સમજી લેવાનું મન મનાવી લે છે. કેતનમા જે ધારે તે કરી બતાવવાની તાકાત છે. કારણ કે એ વ્યક્તિ મહેનતથી નથી ગભરાતો, પણ જો વિશ્વાસઘાત થાય તો એ ભાંગી પડે છે. કેતને વિચાર્યું હતું કે વિદેશ જઇને ગુજરાતી ન્યૂઝ પેપર શરૂ કરશે. નસીબજોગ અહીંયા પણ ઘણાં લોકોનો દગો સહન કરવો પડે છે પણ કહેવાય છે ને કે ભગવાન દગો કરનારને નહીં પણ ભોગ બનનારને જરૂર સાથ આપે છે. કેતનના કિસ્સામાં ભાંગે તોયે ભરૂચ જેવું હંમેશા થાય છે. કરોડિયાની જેમ પડી પડીને પહોંચી વળવું એ કેતનની ખાસિયત છે. લોકો બોલી ઉઠે છે કે વૈસે ભી કેતન કા દિમાગ ઔર જીજ્ઞા કી ડેરિંગ રહીસ બના હી દેગી. કેતન અને જીજ્ઞા ન્યુઝીલેન્ડમાં ગુજરાતી અખબાર ચલાવીને મૌજથી જીંદગીની મજા માણી રહ્યા છે. (સત્ય ઘટના પર આધારીત. સ્ટોરી માહીતીઃ- કેતન જોષી, જીજ્ઞા રાજગોર જોષી)

લેખકઃ- નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ