એવું શું કરશો કે ઉનાળામાં પણ બાળકો બીમાર ન પડે, જાણી લો સરળ ઉપાયો….

માતા-પિતા તેમના બાળકો વિશે હંમેશાં ચિંતિત રહે છે. જેમ જેમ હવામાન બદલાય તેમ તેમ તેમનું ધ્યાન બાળકો તરફ વધે છે, તેમને કેવી રીતે તંદુરસ્ત રાખવું જોઈએ અને એવું તે શું કરવું કે બાળકો બીમાર ન પડે. બાળકોની હેલ્થ જાળવવી એ સૌથી મોટી માતા-પિતાની જવાબદારી છે. તેમની માવજત માટે ઘણા પ્રયત્નો તેમજ ઘણાં ઘરેલું ઉપાયો અપનાવ્યા હોય છે જેથી બદલાતી ઋતુમાં બાળકો કોઈ રીતે બીમાર ન થાય. આ બાબતમાં, અમે તમને આજે કેટલીક સરળ વાતો કહીશું જેથી ઉનાળામાં બાળકોની સંભાળ કેવી રીતે કરવી તેની ચિંતા દૂર થઈ જશે.


ઉનાળાની ઋતુ આવી પહોંચી છે ત્યારે આ સમયે બાળકોની પરિક્ષાઓ પૂરી થઈને તેમની રજાઓ પણ શરૂ થઈ છે. આવી પરિસ્થિતિઓમાં, તે હંમેશા બહાર રમવા જવા માટે આતુર રહે છે. ત્યારે તેમની સારી કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉનાળામાં પાણીનું પ્રમાણ વધુ આપવા પર ધ્યાન આપવું જોઈએ. ગરમીનું તાપમાન વધે છે, તમારે ખાસ એવી કાળજી લેવી જોઇએ કે તમારું બાળક પૂરતું પાણી પીવે. આખા દિવસ દરમ્યાન ખૂબ પાણી પીવું બહુ જ જરૂરી થઈ જાય છે. પાણી પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો નીકળી જાય છે. શરીર હળવું અને સ્વસ્થ રહે છે. બાળકોને ભાવે તેવા ફ્રુટ જ્યુસ, શરબત, ઠંડાઈ કે મિલ્ક શેક જેવા પ્રવાહી પીણા અને એ પણ રંગબીરંગી ગ્લાસ અને કપમાં પીવરાવશો તો તેઓ હોંશેહોંશે પી જશે.


ઉનાળા દરમિયાન, આકરા તાપમાં રંગીન કપડાં શરીરના તાપમાનને નિયમન કરવા માટે સારું માનવામાં આવે છે. જ્યારે બીજી તરફ ઘેરા રંગના કપડાં સૂર્યની ગરમીને શોષી લે છે, ઘેરા રંગના કપડાં શરીરમાંથી ગરમીને પ્રતિબિંબિત કરીને તમારા શરીરને ઠંડુ રાખવા મદદ કરે છે. બાળકોને રંગીન ટીશર્ટ, બરમૂડા, સ્કર્ટ કે કેપરી, વનપીસ જેવા કોટનનના કે હળવાં – ખુલતાં હોઝીયરી કાપડનાં કપડાં પહેરાવવા જોઈએ. જેથી તેમને ગરમી ન લાગે અને પરસેવો પણ શોષાઈ જાય.


બપોરના સમયે જ્યારે અતિશય તાપ હોય છે. સૂર્ય માથા પર આવી ગયો હોય ત્યારે ૧૨થી ૪ની વચ્ચે તેમને ઘરમાં જ રાખવા જોઈએ. બહાર નીકળવા ન દેવા જોઈએ. આ સમયે બાળકોનો કાર્ટૂન ફિલ્મસ જોવાનો કે વિડિયો ગેમ્સ રમવાનો સમય નક્કી કરી દેવાનો. આપ તેમની સાથે સાપ-સીડી, લ્યૂડો અને ચેસ જેવી ઇન્ડોર ગેમ્સ પણ રમી શકો છો જેથી તેમની બુદ્ધિશક્તિનો પણ વિકાસ થાય. બાળકો સાથે એકાંતરે દિવસે ક્વિઝ કે પઝલ ગેમ્સ પણ રમી શકાય છે. સાંજના સમયે ઠંડા પોરે તેમને ઘરની બહાર બગીચામાં કે તેમના મિત્રો સાથે આંગણાંમાં રમવા મોકલી શકાય.


ઉનાળા દરમિયાન બાળકોને જંક ફૂડ ખાવાથી દૂર રાખો. કારણ કે મસાલેદાર ખોરાક ખાવાથી શરીરમાં ગરમી વધે છે. બાળકોને જંક ફૂડની જગ્યાએ તરબૂચ, કેરી, જાંબુ, દ્રાક્ષ, ચીકુ, સફરજન અને કિવી જેવા તાજા ફળો ખાવા આપો. તેમને તાજગી લાગશે અને બાળકો એક્ટિવ રહેશે. તેલવાળા અને ચટપટા નાસ્તા ખાવાથી બાળકને સુસ્તી લાગશે અને બાળકમાં આળસ ભરાશે. જેને લીધે વેકેશનમાં બાળકનું વજન પણ વધી જઈ શકે છે.


જ્યારે પણ બાળકો બહાર રમવા જાય ત્યારે, તેમના શરીર પર સનસ્ક્રીન લગાવો. સનસ્ક્રીન તમારા બાળકને હાનિકારક સૂર્ય કિરણોથી અને તેના દ્વારા થયેલા બધા નુકસાનથી સુરક્ષિત કરશે.

વેકેશનમાં પણ બાળકોને એક્ટિવ અને ફિટ રાખશો તો આખું વર્ષ બાળક અભ્યાસક્રમના બોજ સાથે હળવાશ અનુભવશે. ઉનાળુ ગરમીની રજાઓ તેને આકરી નહીં લાગે.