8 એવી મેહીલાઓ જેમના જીવનમાંથી આપણે પ્રેરણા લેવા જેવી છે. ભારતની આ શક્તિશાળી મહિલાઓના જીવનમાંથી પ્રેરણા લો ! હજારો મુશ્કેલિઓનો સામનો કરીને ખ્યાતનામ બનેલી ભારતીય મહિલાઓનું પ્રેરણાત્મક જીવન !

આપણને હંમેશા એવી વ્યક્તિઓ પ્રેરણા આપે છે જેમણે જીવનમાં કંઈક કર્યું છે જેમણે જીવનમાં સફળતા મેળવી છે. સફળ – ખ્યાતનામ લોકોના જીવન હંમેશા પ્રેરણાત્મક હોય છે. તે પછી કોઈ પણ ક્ષેત્રે કેમ ન હોય. પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓ માટે પોતાનું આગવુ સ્થાન મેળવવું અને તેને ટકાવી રાખવું ખુબ જ અઘરું છે. દુનિયાની દરેક સ્ત્રીને પોતાની અલગ ઓળખ ઉભી કરવાની ખેવના રહેતી હોય છે અને આ જ ખેવનાને પાંખો ત્યારે મળે છે જ્યારે તેમની સામે જ એવી સફળ મેહિલાઓના પ્રેરણાત્મક દાખલા હોય. આજે અમે તમને ભારતની એવી જ કેટલીક મહિલાઓનો પરિચય કરાવીશું જેમણે ઘણી મુશ્કેલીઓ સામે હાર નહી માનીને આજે વિશ્વમાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે.
સાઇના નેહવાલ

સાઇના નહેવાલ પ્રથમ એવી ભારતીય મહિલા ખેલાડી છે જેણીએ આંતરરાષ્ટ્રિય સ્તર પર બેડમિંટન સ્પોર્ટમાં ભારતનું નામ રોશન કર્યું છે. 2012ની ઓલંપિકમાં સાઇનાએ કાસ્ય પદક મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો. સાઇના પોતાની આ સફળતા પાછળનો શ્રેય પોતાની માતાને આપે છે. તેણી જણાવે છે કે તેની માતા દ્વારા જ સતત આગળ વધતા રહેવાની તેણીને પ્રેરણા મળતી રહી છે.
મેરી કોમ
મેરી કોમે ભારત માટે સૌ પ્રથમ 2012માં ભારતીય રમત જગતમાં આશ્ચર્ય ઉભું કર્યું હતું. તે વર્ષે પહેલી વાર ભારતની કોઈ બોક્સર મહિલા પ્લેયર ઓલમ્પિકમાં ક્વાલિફાઈ થઈ હતી અને માત્ર ક્વાલિફાય જ નહોતી થઈ પણ તેણે ભારતને એક કાંસ્ય પદક પણ જીતાડ્યું હતું. અને ત્યાર બાદ તેણીએ ક્યારેય પાછું વળીને નહોતું જોયું. તેણી એક પછી એક ચેમ્પિયનશિપ જીતતી ગઈ. અત્યાર સુધીમાં મેરિકોમ બોક્સિંગની પાંચ ચેમ્પિયનશિપ જીતી ચુકી છે.

મેરિકોમ અત્યાર સુધીમાં એશિય વુમન્સ બેક્સિંગ, એશિયન ઇન્ડરો ગેમ્સ, વિગેરેમાં અગણિત પદકો મેળવી ચુકી છે. તેણીની ખાસિયત એ હતી કે તેણી કોઈ પણ દાવ-પેચ ખુબ જ સરળતાથી અને જલદી શીખી જતી હતી.

મેરી કોમની સફળ વિશ્વસ્તરિય બોક્ષર બનવાની આ સફર એટલી રોમાંચક અને પ્રેરણાત્મક હતી કે બોલીવૂડે તેણીના જીવન પરથી એક ફિલ્મ બનાવી અને તેને જ્વલંત સફળતા મળી. આ ફિલ્મમાં મેરિકોમનું પાત્ર પ્રિયંકા ચોપરાએ ખુબ જ સુંદર રીતે ભજવ્યું હતું.
હર્ષિણી કાન્હેકર
હર્ષિણી કાન્હેકર દેશની સૌથી પહેલી મહિલા ફાયર ફાઇટર છે. ભારતમાં સામાન્ય રીતે બાળકોને પુછવામાં આવે કે તેઓ મોટા થઈને શું બનવા માગે છે ત્યારે તેઓ ડોક્ટર, એન્જિનિયર, એસ્ટ્રોનોટ, પોલીસ, વિગેરે બનવાની મહેચ્છા દર્શાવતા હોય છે પણ વિદેશમાં બાળકોને ફાયરફાઇટર બનવાનો પણ શોખ હોય છે અને લોકો તેને પણ કેરિયરના એક ઓપ્શન તરિકે વિચારે છે. પણ ભારતમાં તેમ નથી. ભારતના આવા વિપરિત વાતાવરણમાં હર્ષિણી કાન્હેકરે દેશની પ્રથમ મહિલા ફાયર ફાઇટર બનીને રેકોર્ડ સર્જ્યો છે.

હર્ષિણી જ્યારે પોતાના પિતા સાથે ફાયરફાઇટરની નોકરી કરવા માટે ફોર્મ ભરવા ગઈ ત્યારે તેણી એક મહિલા હોવાથી તેનું ફોર્મ બાજુ પર મુકી દેવાં આવ્યું હતું અને ત્યારથી જ હર્ષિણીની ફાયર ફાઇટર બનવાની ઇચ્છા મક્કમ બની ગઈ. તમને જાણીને આશ્ચર્ય થશે પણ 1956 બાદ પહેલીવાર નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં કોઈ મહિલાએ એડમીશન લીધુ હતું. અહીં તેણીને ઘણી તકલીફો પડી પણ તેણીએ હાર ન માની અને કોર્સ પુરો કર્યો.
હિમા દાસ

હિમા દાસે માત્ર અઢાર વર્ષની વયમાં આઈ એ એફ અંડર 20 એથલેટિક્સમાં. મહિલાઓની 400 મીટરની દોડમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યું હતું. ભારત તરફથી આ એક માત્ર એથલિટ મહિલા ખેલાડી છે જેણીએ ગોલ્ડ મેડલ જીત્યું હોય. હિમા દાસનું ભવિષ્ય ઉજ્વળ છે. તેણી આગળ જઈને ચોક્કસ ભારતનું નામ ઉજાળશે.
ભક્તિ શર્મા

ભક્તિ શર્મા ભારતની એક આંતરરાષ્ટ્રિય કક્ષાની સ્વિમર છે. તેણીએ માત્ર 52 મિનિટમાં 1.4 માઇલનું અંતર તરીને પાર કરીને એક વિશ્વરેકોર્ડ બનાવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેણી જ્યારે પોતાનો આ રેકોર્ડ સર્જી રહી હતી એટલે કે એટલાન્ટિક મહાસાગરમાં તરી રહી હતી તે વખતે પાણીનું તાપમાન 1 ડીગ્રી સેલ્સિયસ હતું. આટલા ઠંડા પાણીમાં તરવું અત્યંત મુશ્કેલ હોય છે. ભક્તિ શર્માને તેણી માતાએ કોચ કરી છે. તેણીની માતા પણ એક નિષ્ણાત સ્વિમર છે અને આ મા-દીકરીની સહિયારી જોડીએ એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો અને તે એ હતો કે આ બન્ને મા-દીકરીએ એક સાથે 2008માં ઇંગ્લિશ ચેનલ ને તરીને પાર કરી હતી તે.

અત્યાર સુધીમાં ભક્તિ શર્મા પાંચ મહાસાગરોમાં તરી ચુકી છે. તેણી વિશ્વની એ ત્રીજી વ્યક્તિ છે જેણે આર્કટિક મહાસાગરમાં તરણ કર્યું હતું, તેણી પાંચ મહાસાગરમાં તરી ચુકેલી વિશ્વની સૌથી નાની સ્વિમર બની છે. એન્ટાર્કટિકાના થથરાવી મુકતા પાણીમાં ભક્તિએ 20.25 કી.મીનું સ્વિમિંગ કર્યું હતું અને આ અંતર તેણીએ 41.14 મિનિટમાં પુરું કર્યું હતું.
પ્રિયંકા ચોપરા

ભારતીય હીન્દી ફિલ્મ અભિનેત્રી અને ભૂતપુર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરા આજે એક આંતરરાષ્ટ્રિય અભિનેત્રી છે. તેણી બોલીવૂડની સાથે સાથે હોલીવૂડમાં પણ ફિલ્મો કરી રહી છે. જો કે તેની આ જર્ની જરા પણ સરળ નહોતી રહી. તેણીએ તેના માટે અપાર મહેનત કરી છે. તેણીને અત્યાર સુધીમાં એક નેશનલ અવોર્ડ અને પાંચ ફિલ્મફેર અવોર્ડ્સ મળી ચુક્યા છે. 2016માં તેણીને ભારત સરકાર તરફથી પદ્મ શ્રીથી નવાજવામાં આવી હતી. 2017માં ટાઇમ મેગેઝિને તેણીનો સમાવેશ વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી સ્ત્રીઓમાં કર્યો હતો. જ્યારે 2018માં ફોબ્ર્સે તેણીનો સમાવેશ વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં કર્યો હતો.

પ્રિયંકા ચોપરા માત્ર ગ્લેમર વર્લ્ડમાં જ કાર્યરત નથી પણ તેણી યુનિસેફની ગ્લોબલ ગુડવિલ એમ્બેસેડર છે. તેણી તેમાં બાળહક્કો માટે કામ કરે છે અને તેણી સમાન હક્કો માટે અત્યંત જાગૃત છે. તેણી પર્પલ પેબલ પિક્ચર્સ નામની પ્રોડક્શન કંપનીની સ્થાપક પણ છે. અને તેની જ પ્રોડક્શન કંપની હેઠળ અત્યંત સફળ એવી મરાઠી ફિલ્મ વેન્ટિલેટરનું નિર્માણ કરવામા આવ્યુ હતું.
રશ્મિ બંસલ
રશ્મિ બંસલ ભારતની એક જાણીતી લેખિકા તેમજ પ્રકાશક છે. તેમના પુસ્તક પ્રકાશનનું નામ છે જે. એ. એમ. તેણીના પિતા જાણિતા ખગોળ ભૌતિક વિજ્ઞાની છે. તેણીનું બાળપણ ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમં જ પસાર થયું છે અને તેણી પુસ્તકો વચ્ચે જ મોટી થઈ છે. તેણીએ અમદાવાદની આઈઆઈએમમાંથી એમબીએ પુર્ણ કર્યું છે.

તેણી એક નોનફિક્શન રાઇટર, એન્ટરપ્રિન્યોર અને યુથ એક્સપર્ટ છે. અત્યારસુધીમા તેણીએ 9 પુસ્તકો લખ્યા છે જે આંતરપ્રિન્યોરશિપ પર આધારીત છે. તેણીનું પ્રથમ પુસ્તક સ્ટે હંગ્રી સ્ટે ફુલીશની અત્યાર સુધીમાં પાંચ લાખ કરતા પણ વધારે કોપી વેચાઈ ચુકી છે.
તાનિયા સચદેવ
તાનિયા સચદેવ વિશ્વ સ્તરિય ચેસ પ્લેયર છે. તેણીએ આંતરરાષ્ટ્રિય માસ્ટર, આઈ એમ અને મહિલા ગ્રાન્ડ માસ્ટર ડબલ્યૂ જી એમના એફઆઈ ડી એનો ખિતાબ મેળવ્યો છે. તાન્યાએ માત્ર 6 વર્ષની કુમળી ઉમરમાં ચેસ રમતા શીખી લીધું હતું. તેણીએ 2002માં એશિયન જુનિયર ચેમ્પિયનશિપ જીતીને દેશનું નામ ઉજાળ્યું હતું.

આ મહિલાઓની સફળતા તેમજ તેમનું જીવનચરિત્ર જણાવે છે કે તમે જો કંઈ મક્કમ રીતે કરવાનું નક્કી કરી લો તો તમને તમારું તે કાર્ય કરતાં કોઈ જ રોકી નથી શકતું. અને ભગવાન પણ તમારું લક્ષ મેળવામાં મદદ કરે છે અને તમે કોઈ પણ સંજોગોમાં સફળ થઈને જ રહો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ