એરકન્ડીશનરની આ 8 આડઅસરો વિષે તમારે જાણવું જોઈએ…

જો તમારે આખો દીવસ એસીની જરૂર પડતી હોય, તો તે પહેલા તેની આડઅસરો વિષે જાણી લો. તે કદાચ તમારા માટે જોખમી પણ પુરવાર થઈ શકે છે. જેમ કે માથાનો દુખાવો, શરીરમાં પાણીની કમી, વિવિધ પ્રકારની એલર્જી અને સુસ્તી. એર-કન્જીશન્ડ જગ્યાઓમાં તમને શ્વાસને લગતી સમસ્યાઓ ઉભી થઈ શકે છે અથવા તો તેવા જ પ્રકારની કેટલીક બીમારીઓના ચેપ પણ તમને લાગી શકે છે.


એર કન્ડીશનીંગની આડ અસરો

– ડીહાઇડ્રેશન

– શ્વસનને લગતી સમસ્યાઓ

– આળસ-સુસ્તી

– અસ્થમા અને વિવિધ પ્રકારની એલર્જીઓ

– સુષ્ક આંખ


જ્યારે તાપમાનનો પારો ઉંચો જાય છે ત્યારે તમારે મજબુરીના માર્યા પણ એસી ચાલુ કરવું જ પડે છે. એર કન્ડીશનર્સ આજકાલ મોટા ભાગના લોકો માટે જાણે જીવાદોરી સમાન બની ગયા છે, ખાસ કરીને ઉનાળાના દીવસોમાં. દુર્ભાગ્યપુર્ણ રીતે, એસીની કેટલીક આડઅસરો પણ છે અને તે તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક પણ સાબીત થઈ શકે છે માટે ચેતતા રહેવું સારું.

1. ડીહાઇડ્રેશન ( શરીરમાં પાણીની કમી)


ઘરના જે ઓરડાઓ કે પછી ઓફીસના ઓરડાઓ કે જ્યાં એસી ચાલુ રાખવામાં આવે છે તે જગ્યાઓ પર ડીહાઇડ્રેશન રેટ ઉંચો હોય છે. સામાન્ય રીતે તમે તે ઓરડામાં સતત ડીહાઇડ્રેટેડ જ રહો છો કારણ કે તે રૂમમાનો ભેજ એસી દ્વારા એકધારો શોષવામાં આવે છે અને તમે તમારી જાતને પાણી પીવડાવાની તસદી પણ કંઈ ખાસ લેતા નથી. આવું ત્યારે ખાસ થાય છે જ્યારે એસીનું ટેમ્પ્રેચર નીચું રાખવામાં આવે છે અને તમને પાણી પીવાની જરૂર નથી લાગતી.

2. માથાનો દુખાવો અને માઇગ્રેઇન


જો એસીવાળી જગ્યાને યોગ્ય રીતે મેઇન્ટેઇન કરવામાં ન આવે તો તેની બીજી આડ અસર છે કે તેના કારણે તમને માથાનો દુખાવો અને માઇગ્રેઇન થઈ શકે છે. આવું તેવા સંજોગોમાં ખાસ બને છે જ્યારે એસીવાળી જગ્યાની હવાની ગુણવત્તા સારી ન હોય. જો તમે એસીવાળા ઓરડા કે બિલ્ડીંગમાં વધારે લાંબો સમય રહો છો તો તમારું શરીર ડીહાઇડ્રેટ થઈ જાય છે અને તેના કારણે તમને માથાનો દુખાવો થાય છે. હકીકતમાં, ડીહાઇડ્રેશન એક એવી અવગણાયેલી બાબત છે જે માઇગ્રેન માટે મોટાભાગે જવાબદાર હોય છે.

3. શ્વસનને લગતી સમસ્યાઓ


જે લોકો એર કન્ડીશન્ડ ઓરડાઓ તેમજ બિલ્ડિંગમાં વધારે સમય પસાર કરે છે તે લોકોમાં આંખ, નાક અને ગળાને લગતી શ્વસનની સમસ્યાના લક્ષણો વધારે જોવામાં આવે છે. જેમાં નાક બંધ થઈ જવું, ગળુ સુકાઈ જવું અથવા તો નાસિકા પ્રદાહની સમસ્યા પણ થઈ શકે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે નાસિકા પ્રદાહની સમસ્યા એર કન્ડીશન્ડ જગ્યામાં સમય પસાર કરતા લોકોમાં કુદરતી હવા ઉજાસ વાળુ વાતાવરણ ધરાવતી ઇમારતમાં સમય પસાર કરતા લોકો કરતા વધારે જોવા મળે છે. એર કન્ડીશ્ન્ડ જગ્યામાં સમય પસાર કરતા લોકોમાં 35 ટકા લોકોને નાક બંધ થઈ જવાની સમસ્યા વધારે રહે છે તેની સરખામણીએ કુદરતી હવાઉજાસ વાળી જગ્યામાં રહેતા લોકોમાં તે સમસ્યા માત્ર 9 ટકા જ જોવા મળી છે.

4. આળસ-સુસ્તી


તમે ઘરે હોવ કે ઓફિસમાં હોવ તમારું એર કન્ડીશનર કદાચ તમને સ્ફુર્તિમાં લાવવા અને શાંત કરવા માટે ડીઝાઈન્ડ કરવામા આવ્યું છે પણ હકીકતમાં તેની અસર સદંતર ઉલટી થાય છે. સંશોધન જણાવે છે કે એર કન્ડીશન્ડ ઇમારતમાં સમય પસાર કરતા લોકોમાં સુસ્તીની ફરિયાદ વધારે હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો એર કન્ડીશનીંગને તમે તમારી નહીં સમજાતી આળસ, સુસ્તી અને નિષ્ક્રિયતા માટે જવાબદાર ગણી શકો. એક અભ્યાસમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે એર કન્ડીશન્ડ બિલ્ડીંગમાં જો તમે કામ કરતા હોવ તો તમારામાં કુદરતી હવાઉજાસમાં કામ કરતા લોકો કરતાં ત્રણ ગણી આળસ હોય છે.

5. શુષ્ક અને ખજવાળગ્રસ્ત ત્વચા


ઉનાળો આવતા જ, વધારે પડતા એસીના ઉપયોગ અને ત્યાર બાદ ભર તડકા સાથે તમારી ત્વચાનો સંપર્ક તમને ખજવાળ ગ્રસ્ત તેમજ સુષ્ક ત્વચાની સમસ્યા ઉભી કરી શકે છે. સંશોધકોએ તમારી કામ કરવાની કે રહેવાની જગ્યા એટલે કે ઇમારત સાથે જોડાયેલી સ્વાસથ્યને લગતી સમસ્યાના લક્ષણોને એક નામ પણ આપ્યું છે – તેને કહેવાય છે “સીક બિલ્ડિંગ સિન્ડ્રોમ” ! એસીની બહાર આવતા તેને લગતી કેટલીક સમસ્યાઓથી તમને તરત જ છૂટકારો મળી જાય છે પણ શુષ્ક ત્વચાની સમસ્યા લાંબો સમય રહે છે. તે તમારી ત્વચાની શુષ્કતાની ગંભીરતા પર આધાર રાખે છે, તેને સામાન્ય થતાં થોડા વધારે દીવસ પણ લાગી શકે છે.

6. અસ્થમા અને વિવિધ જાતની એલર્જીઓ


જો તમને અસ્થમા હોય અને તમને કોઈક પ્રકારની એલર્જી હોય તો તેવા સંજોગોમાં એસીમા રહેવાથી તમારી આ સમસ્યા ઓર વધારે વણસી શકે છે. જ્યારે ઘરમાં એસીમાં રહેવાથી કેટલાક એવા લોકો જેને હવાના પ્રદુષણ અને પુષ્કરાગ (પરાગરજ)થી સમસ્યા રહેતી હોય તો તે માટે તે યોગ્ય છે, પણ કેટલાક એવા લોકો છે જેમની સમસ્યા એર કન્ડીશનીંગમાં વધારે ખરાબ થઈ શકે છે. જો તમારું એર કન્ડીશનર સ્વચ્છ ન હોય યોગ્ય રીતે મેઇન્ટેઇન ન થતું હોય, તો તમે ખરેખર તમારા સ્વાસથ્ય માટે જોખમ ઉભુ કરી રહ્યા છો.

7. શુષ્ક આંખ


શુષ્ક આંખમાં તમારી આંખમા સતત ખજવાળ આવ્યા કરે છે અને તમને જાણે કંઈક ખટકતુ હોય તેવું લાગ્યા કરે છે. બની શકે કે તમને બળતરા પણ થાય. કેટલીક વાર આ સમસ્યા એટલી હદે વણસી જતી હોય છે કે તમારી આંખો પણ જાંખી થઈ શકે છે. જો કે એર કન્ડીશનીંગ સીધી રીતે તમારી શુષ્ક આંખનું કારણ નથી, પણ તે ચોક્કસ તમારી આ સમસ્યાને ઓર વધારે ખરાબ કરી શકે છે. જે લોકોને શુષ્ક આંખની સમસ્યા રહેતી હોય છે તે તમને અવારનવાર કહેતા જ હશે કે તેઓ જ્યારે એસીમાં લાંબો સમય પસાર કરે છે ત્યારે તેમની આ સમસ્યા વધારે વણસે છે.

8. ચેપી રોગો


કારણ કે એર કન્ડીશનર તમારા નાસિકા માર્ગને શુષ્ક કરી દે છે, અને તેના કારણે તમારા નાસિકા માર્ગમાં રહેલી લાળ સુકાઈ જાય છે. અને તેની ગેરહાજરીમાં તમારો શ્વસનમાર્ગ વિવિધ જાતના વાઇરસ પ્રતિ ખુલ્લો થઈ જાય છે અને તમને બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત એસીમાં જે કૃત્રિમ પાણીનો પૂરવઠો હોય છે તેમાં પણ વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો ઘર કરે છે અને તેના દ્વારા પણ બીમારીઓ ફેલાવાની શક્યતા રહેલી છે.