ક્યાં ગઈ નિરમા ગર્લ ? – નિરમા પાવડરના પેકેટ પર આવતી બાળકીના ફોટો રાખવા પાછળ છે રસપ્રદ સ્ટોરી…

તાજેતરમાં બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી સ્વરાભાસ્કરને તેના કપડાં માટે સોશિયલ મિડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. બન્યું હતું એવું કે સ્વરા ભાષ્કરે કોઈક ઇવેન્ટમાં શોર્ટ વ્હાઇટ ફ્રોક પહેર્યું હતું. જે નિરમા વોશિંગ પાવડરના પેકેટ પર આવતી નિરમા ગર્લ જેવું હતું. અને તેણીના ડ્રેસ પર ઘણી બધી કમેન્ટ્સ કરવામાં આવી હતી. આમ ફરી એક વાર નિરમા ગર્લ લાઇમ લાઇટમાં આવી ગઈ.


પણ હવે તમને કૂતુહલ જાગ્યું હશે કે ક્યાં ગઈ તે નિરમા ગર્લ અને તેની પાછળની વાર્તા શું છે. નિરમા એ વર્ષો જુની ડીટર્જન્ટ બ્રાન્ડ છે અને હવે તો બીજી કેટલીએ પ્રોડક્ટ નિરમા કંપની ધરાવે છે. પણ નિરમા વોશિંગ પાવડર પર છપાયેલી આ નાનકડી નિરમા ગર્લ આજે પણ લોકોની સ્મૃતિમાં કંડારાઈ ગઈ છે. નિરમા વોશિંગ પાવડરનું પ્રમોશન કેટલીએ બોલીવૂડની જાણીતી હસ્તીઓ દ્વારા કરવામાં આવ્યું છે પણ તેની ખરી બ્રાન્ડ એમ્બેસેડર તો જાણે આ નાનકડી છોકરી જ છે.

તો ચાલો જાણીએ આ નિરમા ગર્લ વિષે. નિરમા વોશિંગ પાવડરનું નામ કંપનીના માલિકની દીકરી નિરુપમા પરથી રાખવામાં આવ્યું. નાનપણમાં ઘરમાં તેણીને બધા લાડથી નિરમા કહીને બોલાવતા હતા. પણ ખુબજ નાની ઉંમરે એક દુઃખદ ઘટનામાં તેણીનું મૃત્યુ થઈ ગયું. અને પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું.

વર્ષ 1969ની વાત છે ગુજરાતના કરસનભાઈએ નિરમા વોશિંગ પાવડરની શરૂઆત કરી. પિતા તરીકે કરસનભાઈનું સ્વપ્ન હતું કે તેમની દીકરી વિશ્વમાં પોતાનું નામ રોશન કરે. પુત્રીના મૃત્યુથી કરસનભાઈ અંદરથી તૂટી ગયા હતા પણ તેમણે નક્કી કરી લીધું હતું કે તે પોતાની દીકરીને અમર બનાવી દેશે. તેમણે નિરમા વોશિંગ પાવડરની શરૂઆત કરી અને તેમણે માત્ર પોતાની પ્રોડક્ટનું જ નામ નિરમા ન રાખ્યું પણ નિરમા વોશિંગ પાવડરના પેકેટ પર પણ પોતાની લાડકી દીકરીની સુખદ ક્ષણનો ફોટો મુક્યો.

આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ પ્રોડક્ટમાં માર્કેટિંગ એ ખુબ જ મહત્ત્વનું પાસું હોય છે. અને તેના માટે તમારે તેના પેકેજિંગ વિગેરેમાં પણ સમય પ્રમાણે ધરખમ ફેરફાર કરવા પડે છે. કરસનભાઈએ પણ આ બધી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હશે. માર્કેટમાં નિરમા વોશિંગ પાવડરની કમ્પીટીશનમાં ઘણી બધી પ્રોડક્ટો હતી. તેઓ જાત જાતના પેકેજીંગથી લોકોને લુભાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

કરસનભાઈ પર પણ પોતાનુ પેકેજીંગ બદલવાનું દબાણ આવ્યું હશે. પણ તેમણે ક્યારેય પોતાની દીકરીના ફોટોને પેકેટ પરથી હટાવવાનો વિચાર નથી કર્યો. અને તેમણે હાર ન માની. તેમણે તે વખતે હરીફ ડીટર્જન્ટ પાવડર સામે પોતાના પાવડરની કીંમત લગભગ અરધાથી પણ ઓછી કરી દીધી. તે સમયે સામાન્ય ડીટર્જન્ટ પાવડર 15 રૂપિયે કીલો મળતો હોત ત્યારે કરસનભાઈએ પોતાનો પાવડર 4 રૂપિયે કીલો બજારમાં મુક્યો. ઓછી આવકવાળા પરિવારોને આ કિંમત પોસાઈ ગઈ હતી. અને તેમનો આ ધંધો ધીમે ધીમે ગતિ પકડવા લાગ્યો.

જો કે તેમણે તેના માટે ખુબ જ પરસેવો પાડ્યો છે. કરસન ભાઈ સરકારી નોકરી પણ ધરાવતા હતા. અને પોતાની નોકરીની બધી જ ફરજો બજાવતા બજાવતા તેમણે સાઇકલ પર પાવડરની થેલીઓ નાખીને ઘરે-ઘરે, ગલીએ-ગલીએ, અને ગામડે-ગામડે તેમજ શહેરે-શહેરે ફરીને પોતાનું ઉત્પાદન વેચ્યું છે.
ધીમે ધીમે અમદાવાદ તેમજ ગુજરાતના બાકી વિસ્તારોમાં લોકો નિરમાને જાણવા લાગ્યા. ધીમે ધીમે ધંધો વધી રહ્યો હતો હવે કરસનભાઈએ પોતાની પ્રોડક્ટના બહોળા વેચાણ અર્થે ટીવી કમર્શિયલ બનાવવાનું નક્કી કર્યું.

યાદ છે તમને નિરમાની જૂની એડ જુઓ અહિયાં

તેમણે નિરમા વોશિંગ પાવડર માટે લોકોના હોઠે તરત જ વળગી જાય તેવી ધૂન તૈયાર કરાવડાવી. પણ આટલે જ તેઓ ન રોકાયા તેમના મનમાં બીજી પણ એક યોજના હતી. જાહેરાતનું ટીવી પર પ્રસારણ કરવામાં આવે તે પહેલા તેમણે બજારમાં હાજર નિરમાના બધા જ પેકેટ પાછા મંગાવી લીધા. અને નવા પેકેજિંગથી પાવડરને માર્કેટમાં ઉતારવામાં આવ્યો.

હવે ટીવી પર જાહેરાતનું પ્રસારણ થવા લાગ્યું. લોકોના હોઠે નિરમાની ધૂન ચડી ગઈ. અને આ ટીવી કમર્શિયલે લોકોને આ પ્રોડક્ટ પ્રત્યે ખુબ જ આકર્ષિત કર્યા. હવે દરેક દુકાનદાર માટે નિરમા પાવડર રાખવો જરૂરી બની ગયો. સમગ્ર દેશમાં આ પ્રોડક્ટ લોકોના ઘરે ઘરે પહોંચવા લાગી. અને સાથે સાથે કરસનભાઈનું પોતાની દીકરીને સમગ્ર વિશ્વમાં અમર બનાવવાનું સ્વપ્ન પણ સાકાર થઈ ગયું.