શરત – દરેક હસતો ચહેરો અંદરથી પણ ખુશ હોય એવું જરૂરી નથી, અંત તમને પણ રડાવી મુકશે…

“લાગે છે બઘાને કે, સદા હસતો રહું છું.. કોને ખબર છે કે દુ:ખ છૂપાવતો રહું છું…”

ટન…ટન..ટન.. બેલ વાગ્યો અને કોલેજનો પિરિયડ પુરો થયો અને અર્થશાસ્ત્ર ભણાવતી હાથણી જેવી પ્રોફેસર શ્રેયા શેઠ પોતાના શરીરનું સમતોલન જાળવતી સ્ટેજ પરથી ઊતરી અને શરીર ડોલાવતી, ધરતી ધ્રૃજાવતી કલાસની બહાર નીકળી.

આખા કલાસે હાશનો શ્ર્વાસ લીઘો. એક તો અર્થશાસ્ત્ર જેવો વિષય અને તેમાંય શ્રેયા શેઠ જેવી ટીચર, તેના લેકચરમાં 45 મિનિટ બેસવું એ વિદ્યાર્થીઓ માટે એક સજા રૂપ હતું. તે અર્થશાસ્ત્રનું ઊંડુ જ્ઞાન ધરાવતી હતી , પણ કલાસમાં સમજાવતી વખતે તે સામાન્ય ભાષા નહી , ભારેખમ શબ્દ વાપરતી એટલે બઘાને કંટાળો આવતો. પાછો ચહેરો એકદમ સખત હતો, જાણે પથ્થરમાંથી બનાવ્યો હોય તેવો. શિલ્પકાર પથ્થરમાંથી મૂર્તિ બનાવે તો પણ તે મૂર્તિના ચહેરા પર હાસ્ય પ્રગટાવે, પણ મેડમ શ્રેયાના ચહેરા પર હાસ્યની રેખા મુકવાનું ભગવાન કદાચ ભૂલી જ ગયા હતા. કોઇએ તેને કયારેય હસતા જોયા ન હતા.

કોલેજનું વાતાવરણ એટલે યૌવન અને મસ્તી. ચારેબાજુ મસ્તી અને હાસ્યથી છલકતા વિદ્યાર્થીઓ, રંગબેરંગી ફેશન પરસ્ત કપડાંથી શોભતા વિદ્યાર્થીઓ. કોલેજનું વાતાવરણ એકદમ જીવંત જ લાગે.બઘા ઉત્સાહથી ઉછળકુદ જ કરતા હોય. આવા વાતાવરણમાં રહીને પણ મેડમ શ્રેયા હસવાનું ન શીખ્યાં, વિદ્યાર્થીઓ સાથે કયારેય વાત પણ ન કરતાં, બસ કલાસમાં આવીને ભારેખમ શબ્દોથી ભણાવે અને કયાયેક કોઇ વિદ્યાર્થી વાંકમાં આવે તો શિસ્ત વિશે લાંબુ ભાષણ આપે.

કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે નાની મોટી શરત ચાલતી જ હોય, શરતમાં શું હોય ? કોઇ છોકરી સાથે વાત કરવી, કોઇના મોબાઇલ નંબર લઇ આવવા, કોઇના ઘરનું સરનામું શોધવું,એક શ્ર્વાસે ત્રણ માળ ચડી જવા.. બસ આવી નિર્દોષ શરત જ હોય. તેમાં કોઇને નુકશાન ન હોય અને શરત જીતૈ તેને ચા-કોફી-કોલ્ડ્રીંકસ- આઇસ્ક્રિમ કે વઘુમાં વઘુ નાસ્તો મળે. સવાલ શરત જીત્યા પછી શું મળે તેનો ન હોય પણ બઘા વચ્ચે વટ પડે તે હોય. બઘી કોલેજમાં આવી શરતો ચાલતી રહેતી હોય છે. એક દિવસ મેડમ શ્રેયાના ભાષણથી કંટાળેલા બધા કેન્ટીનમાં બેઠા હતાં ત્યાં કોઇએ કહ્યું, ” શું આ મેડમ કોઇ દિવસ હસવાનું શીખશે જ નહી..?” બઘા વચ્ચે બેઠેલા કોલેજના સૌથી મસ્તીખોર અનિલે કહ્યું, ” હું તેમને હસાવી દઉં.. બોલો શરત મારવી છે..?”

“હે… તું આ શું શરત મારે છે??.. તને ભાન છે?” બેઠેલા બધાના મોઢામાંથી વાકય સરી ગયું, “મેડમ શ્રેયાને બોલાવવા એટલે સામે ચાલીને વાધણના બોડમાં જવા જેવું કહેવાય, તેમાં આવી શરત…????” અનિલે કહ્યું, “હા.. હું શરત મારું છું, એક અઠવાડીયામાં તે મારી સાથે હસીને વાત કરશે… જો હું જીતી ગયો તો આ વખતે આઇસ્ક્રિમથી નહી ચાલે.. બઘાએ મને 100 – 100 રૂપિયા આપવા પડશે.” મંજુર .. મંજુર… કેન્ટીનમાં બેઠેલા 50 જણાએ કહ્યું. ઘીમે ઘીમે આખી કોલેજમાં વાત ફેલાય ગઈ. જેણે સાંભળ્યુ તે બઘાના મોઢા ખુલ્લા રહી ગયાં.

શરત માર્યા પછી અનિલે ‘શ્રેયા હસાવ’ અભિયાન શરુ કર્યું. પહેલે જ દિવસે મેડમને ગુડ મોર્નિંગ કહીને કલાસનું બોર્ડ સાફ કરી આપ્યું. બીજા દિવસે મેડમ પેટ્રોલપંપ પાસે ઊભા હતિ તો તેમની પાસેથી તેમનું એકટીવા લઇને પેટ્રોલ પુરાવી આવ્યો. શ્રેયાના ચહેરા પર હસીની લકીર આવતા આવતા રહી ગઇ.. અનિલ બને એટલો સમય શ્રેયાની સામે રહેવાનો પ્રયત્ન કરતો હતો. અર્થશાસ્ત્ર વિષય જરા પણ ગમતો ન હોવા છતાં કોઇને કોઇ સવાલ લઈને મેડમને પુછવા લાગ્યો. આખી કોલેજ તેના પ્રયત્ન જોતી રહી હતી. તે મેડમના નાના નાના કામ કરીને પથ્થરને પીગળાવવાનો પ્રયત્ન કરતો હતો.

આમને આમ છ દિવસ પસાર થઇ ગયા. હજી સુઘી શ્રેયાના ચહેરા પર હાસ્ય પ્રગટયું નહી. સાતમા દિવસે સવારથી બઘાનું ધ્યાન અનિલ પર હતું. તેમાં મેડમ શ્રેયાનો પિરિયડ આવ્યો. મેડમ કલાસમાં આવ્યા અને તરત જ અનિલ ઊભો થયો અને તેમની સામે જઇ ઊભો રહ્યો. તેના હાથમાં ગુલાબના બે ફુલ હતા. મેડમે તેની સામે જોયું, તેમના ચહેરા પર સવાલ હતો, તે કંઇ પુછે તે પહેલા અનિલે નીચા નમીને બન્ને ફુલ તેના પગમાં મુકી દીઘાં. બઘાની આંખ ચાર થઇ ગઇ. શ્રેયાએ અનિલને પુછયું, “અનિલ આ શું છે..??”

અનિલે કહ્યું, “માફ કરજો મેડમ, પણ મારા ઘરમાં ફુલનો છોડ લાવ્યા પછી આજે પહેલીવાર તેમાં બે ગુલાબ ઉગ્યા હતા તે લાવ્યો છું.” શ્રેયાએ કહ્યું, “અનિલ પહેલા ફુલ તો ભગવાનને ચડાવાય ને…?” અનિલે કહ્યું, “માફ કરજો મેડમ,પણ મેં એમ જ કર્યુ છે.. તમે ગુરુ છો અને ગુરુ ભગવાન સમાન જ હોય છે.”

શ્રેયાના પથ્થર ચહેરા પરની રેખામાં ફેરફાર થયો. તેણે અનિલના ખભે હાથ મૂકીને હસીને કહ્યું, “બસ અનિલ.. આજે પણ તારા જેવા વિદ્યાર્થી છે તે જાણીને આનંદ થયો.” તેમને હસતા જોઇને આખો કલાસ આંખ ફાડીને જોઇ રહ્યો, અને અનિલે બઘાની સામે આંખ મીંચકારી અને પાછો મેડમ સાથે વાતો કરવા લાગી ગયો. શરત પૂરી થઇ .. કેન્ટીનમાં ભેગા થઇને બઘાએ અનિલને 100 -100 રૂપિયા આપ્યા. પછી બઘાએ અનિલને પુછયુ કે તે આવી અધરી શરત શું કામ કરી?

“આ મહિને કોલેજની ફી ભરવાની હતી.. અને પપ્પાની બિમારીને કારણે પગાર બધો વપરાય ગયો હતો… ફી ભરવાના રૂપિયા ન હતા.. એટલે શરત કરી.. હવે મારી ફી ભરાય જશે” એટલુ બોલીને આંખમાં આવતા આંસુ છુપાવતો તે ઓફિસમાં ગયો અને ફી ભરી દીઘી. બઘા સ્તબ્ઘ બનીને અનિલના હાસ્ય પાછળની લાચારી જોઇ રહ્યા. પણ આ શરતનો ફાયદો એ થયો કે ત્યાર પછી હંમેશા મેડમ શ્રેયા શેઠ પોતાની ખામોશી તોડીને બઘા સાથે હસીને વાત કરતા થઇ ગયા.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ