માઁ – આખા દિવસ દરમિયાન કરેલ બધી વાતો તેને તેની માતાને કહેવાની આદત હતી પણ સામે માતા તરફથી કોઈ જવાબ આવતો નહિ અને….

અમી માટે આજ ની સવાર રોજ કરતા કઈક અલગ હતી…..બારમું ધોરણ પાસ કરી અમી એ કોલેજ માં પ્રવેશ મેળવી લીધો હતો…અને આજે કોલેજ નો પ્રથમ દિવસ હતો એ વિચાર માત્ર અમી ને રોમાંચિત કરી દેતો હતો….

જૂનાગઢ પાસે ના ધોરાજી ગામ માં ઉછરેલી અમી એના પિતા ની નોકરી માં બદલી થતા પોતાના પરિવારસહ થોડા સમય પહેલા જ અમદાવાદ આવી હતી….અમદાવાદ ની જ કોલેજ માં એડમિશન મળી ગયું હોવાથી ખુશ હતી .કોલેજ ના પ્રથમ દિવસે સમયસર પહોંચવા અમી રોજ કરતા વહેલા ઉઠી ગઈ હતી..ફટાફટ નાહી ને તૈયાર થઈ અમી પોતાના રૂમમાંથી બહાર આવી હોલ માં પ્રવેશી….

“મમ્મી હું કેવી લાગુ છું…….આજે કોલેજ નો પ્રથમ દિવસ છે..ખૂબ જ નર્વસ છું હું ..પણ મને ખબર છે તું હમેશા મારી હિંમત બની રહે છે…..હા ..હા…મેં નાસ્તો કરી લીધો છે અને ટિફિન પણ સાથે લીધું છે…હું સમયસર જમી લઇશ અને મારું ધ્યાન રાખીશ….તારી દીકરી હવે મોટી થઈ ગઈ છે…મારુ ધ્યાન રાખીશ જ હું….ચાલ હું જાઉં છું…જય શ્રી કૃષ્ણ…”

અમી એની મમ્મી સાથે વાત કરતા કરતા ઘરમાંથી નીકળી જ રહી હતી કે એને કઈક યાદ આવ્યું હોય એમ બોલી “હા…મને યાદ જ છે …હું મંદિરે જઈને જ કોલેજ જઈશ…..તું કોઈ પણ સારું કામ મંદિર ગયા પછી જ કરવા દે એ હું કઈ રીતે ભૂલી શકું…ચાલ નીકળું છું હું.”

અમી સૌપ્રથમ મંદિર ગઈ ને ત્યારબાદ કોલેજ તરફ રવાના થઈ…કોલેજ ના ગેટ પાસે ઉભેલી અમી બહાર ઉભી ઉભી કોલેજ ના પટાંગણમાં ફરતા વિદ્યાર્થીઓ ને જોઈ રહી હતી…આવળી મોટી કોલેજ માં પોતે કઈ રીતે સેટ થઈ શકશે એ વિચાર આવતા જ એને ઊંડો શ્વાસ લીધો…અમી ને એની મમ્મી ના શબ્દો યાદ આવ્યાં જે એ હંમેશા અમીને કહેતી

“અમી બેટા….સફળતા બસ એક પગલાં ના અંતર પર જ હોય છે…બસ વાર છે એ એક પગલું ભરવાની…ઘણા એ પગલું ભરવાની હિંમત જ ન કેળવી શકે….પણ તું તો મારી બહાદુર દીકરી છે તારે એ પગલું પુરા આત્મવિશ્વાસ થી માંડવાનું છે…અને પછી તો સફળતા નજીક જ છે” અમી ના શરીર માં જુસ્સો આવી ગયો…આમ પણ એની મમ્મી હમેશા એની માર્ગદર્શક બની રહેતી.ખુદ થી વધુ વિશ્વાસ અમી ને એની મમ્મી પર હતો…અને હોય જ ને દીકરી નું જેટલું માઁને દાજે એટલું ..કોઈને ન દાજે….અમી એ કોલેજ માં પુરા આત્મવિશ્વાસ સાથે પગ મૂક્યો….

“મમ્મી આજે તો કમાલ થઈ ગઈ કોલેજ માં…..બઉ માજા આવી..ઘણી બધી ફ્રેંડસ પણ બની ગઈ..પહેલા થોડી બીક લાગતી હતી પણ પછી તને યાદ કરી ને કોલેજ માં પગ મૂક્યો તો જાણે શરીર માં અલગ જ જુસ્સો આવી ગયો…..ચાલ બીજી વાતો પછી કરું…થોડી ફ્રેશ થઈ જાઉં હું” મમ્મી સાથે વાતો કરતા કરતા અમી ફ્રેશ થવા ચાલી ગઈ.

થોડીવાર પોતાના જ રૂમ માં આરામ કર્યા બાદ અવની ના કાને પોતાના નામની બુમો સંભળાઈ…એને ધ્યાન થી સાંભળ્યું તો એના પપ્પા એને બુમો પાડી રહ્યા હતા…અમી ઝડપભેર હોલ માં આવી “ચાલ બેટા જમવા”અમીને પિતાએ અમીને પ્રેમ થી કહ્યું

અમી ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગઈ “તો કેવો રહ્યો આજનો પ્રથમ દિવસ કોલેજ માં…..કઈ તકલીફ તો નહોતી પડી ને” અમીના પપ્પા એ ખૂબ જ સહજતાથી અમી ને પૂછ્યું “ના પપ્પા.. ખૂબ જ સરસ હતો આજ નો દિવસ….કોલેજ પણ સરસ છે….મિત્રો પણ બની ગયા…તમારા અને મમ્મી ના આશીર્વાદ મારી સાથે હોય પછી મને ક્યાં કોઈ તકલીફ પડવાની” એટલું કહી અમી એ પોતાના પિતા ને પોતાની આખી દિનચર્યા કહી સંભળાવી..

આમ ને આમ દિવસો પસાર થઈ રહ્યા હતા…અમી કોલેજ માં ધીમે ધીમે ફેમસ થઈ રહી હતી…ભણવા માં હોશિયાર અમી ઇતર પ્રવૃત્તિ માં પણ હોંશે હોંશે ભાગ લેતી…એના કારણે કોલેજ ના સૌકોઈ એની સાથે મિત્રતા કેળવવા ઇચ્છતા હતા…અને અમી પણ સૌને પોતાના મિત્ર જ માનતી…અમી ની દરેક વાત માં એની મમ્મી કેન્દ્રસ્થાને હોય એ વાત હવે એના મિત્રો થી પણ અજાણ નહોતી…અમી એની મમ્મી ના વખાણ કરતા થાકતી નહિ… આમ જ પસાર થતા દિવસો માં એકવાર અમી કોલેજથી ઘરે આવી ને ઉત્સાહભેર બોલી રહી હતી

“મમ્મી…..ઓ….મમ્મી….તારા બટાકા પૌઆ ની રેસિપી એ તો કોલેજ માં ધૂમ મચાવી….આજે હું જે બટાકા પૌઆ લઈ ગયેલી એના તો બધા એ ભરપેટ વખાણ કર્યા છે….તારી વાનગીઓ તો મારી જેમ જ કોલેજ માં ફેમસ થતી જાય છે….”અમી ટીખળ કરતા બોલી..ફ્રેશ થઈ અમી ઘરના આંગણે રાખેલ હીંચકા પર કુદરત ના ખોળે આવીને બેઠી..

એકાદ વરસાદ ના કારણે આસપાસ ના વૃક્ષો જાણે તરોતાજા લાગી રહ્યા હતા…સર્વત્ર લીલોતરી છવાયેલી હતી….વાતાવરણ માં જાણે એક તાજગી હતી… ભીની માટી ની સુંગધથી જાણે વાતાવરણ મઘમઘી રહ્યું હતું…એવે સમયે મકાન ના એક ખુણા માં બારી ની છજલી પર ચકલી ના માળા ને અમી નિહાળી રહી હતી….સાંજના સમયે પોતપોતાના માળામાં પરત ફરી રહેલા પક્ષીઓમાની એક આ ચકલી પણ પોતાના માળા માં રહેલા એના બચ્ચા ની ચાંચ માં ખૂબ જ પ્રેમથી એની ચાંચ વડે ચણ મૂકી રહી હતી…બચ્ચા પણ સવારથી ન જોયેલી માતા ને જોઈ ચીં….ચીં…..ચીં કરી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા….બે ઘડી એમની તરફ જોઈ રહેલી અમી હવે ઘર બહાર આવેલા રોડ પર નજર ટેકવી ને દૂર દૂર સુધી જોવાનો પ્રયત્ન કરી રહી હતી..

થોડે દુર ઉભેલી એક ગાય અમી ની નજરે પડી…એનું વાછરડું એના આંચળમાંથી ધાવી રહ્યું હતું…અને ગાય એના વાછરડા ને પ્રેમ પૂર્વક ચાટી રહ્યું હતું..અમી જાણે થોડી અસ્વસ્થ થઈ ગઈ….એટલે એને આજુબાજુ કઈ જ ના જોતા પોતાનું ધ્યાન મોબાઈલ માં પરોવ્યું….

“બેટા…..રોડ પર આમ ન દોડાય…આંગળી પકડ મારી” સામે રોડ પર ચાલી રહેલી એક સ્ત્રી એના દોડી રહેલા બાળક ને ટોકતા બોલી રહી હતી જે સ્વર અમી ને સાંભળતા એનું ધ્યાન મોબાઇલમાંથી એ તરફ ગયું… નાનકડું બાળક એની મમ્મી ની આંગળી પકડી ચાલી રહ્યું હતું….એની મમ્મી પણ હવે એનું બાળક એની આંગળી ન છોડાવી શકે એનું ધ્યાન રાખતી ચાલી રહી હતી…. અમીનું માથું ભમી રહ્યું હતું…એ સીધી જ ઘર માં પ્રવેશી અને બોલવા લાગી

“મમ્મી તે પણ મને આમ જ આંગળી પકડી ને ચાલતા શીખવ્યું હશે ને…..તું પણ મને એ ચકલી એના બચ્ચા ને જમાડતી હતી તેમ જ જમાડતી હશે ને…..હું પણ તું ક્યાંક ગઈ હોઇશ અને પરત ફરી હોઇશ તો આમ જ વ્હાલથી તને વળગી પડી હોઇશ ને……પેલી ગાય ની જેમ જ તે પણ મારા પર અનહદ પ્રેમ વરસાવ્યો હશે ને…..એ વાછરડા ની જેમ હું પણ તારી છાયા માં ખુદ ને સુરક્ષિત સમજતી હોઇશ ને……એ નાનકડા બાળક ની જેમ મેં પણ ઘણી જીદ કરી હશે ને……હું પણ ઘણીવાર તારી આંગળી છોડાવી ને ભાગી હોઇશ ને…..તો તે મને પકડી કેમ ન લીધી મમ્મી……..તું કેમ મારી આંગળી છોડાવી ને આમ મારાથી દૂર ચાલી ગઈ…..તને તારી આ નાનકડી દીકરી ને વ્હાલ કરવાનું મન ન થયું કે તું મને આમ એકલી મૂકી ને ચાલી ગઈ..

રોજ પોતાની મમ્મી સાથે વાતો કરતી અમી આજે પણ અશ્રુસહ આંખે ઉભી હતી અને સામે હતી એક છબી જેના પર સુખડ નો હાર ચડાવે 10 વર્ષ વીતી ગયા હતા..

લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ