ગોળ કેરી અથાણું – એકવાર થોડો સમય કાઢીને બનાવી લો અને આખું વર્ષ આનંદ માણો…

ગોળ કેરીનું અથાણું બનાવવાની પર્ફેક્ટ રીત

મિત્રો ઉનાળો બેસી ગયો છે અને હવે અથાણાની કેરીઓ પણ બજારમાં આવવા લાગી છે. અને આખા વર્ષના અથાણા બનાવીને ભરી લેવાની સીઝન આવી ગઈ છે. હવે બજારમાં જાત જાતની કંપનીઓના જાત જાતના અથાણાઓ બારેમાસ બજારમાં કે પછી સુપર માર્કેટમાં ઉપલબ્ધ છે. પણ તે અથાણા ખાતી વખતે જાણે આપણે કંઈક નકલી ખાતા હોઈએ તેવી ફિલિંગ આવતી હોય છે. એમ પણ આ અથાણાને લાંબો સમય સારા રહે તે માટે આર્ટિફિશિયલ પ્રિઝર્વેટીવ નાખવામાં આવે છે જે શરીરને નુકસાનકારક હોય છે. અને તે અથાણા મોટે ભાગે તેની બરણીમાં વણવપરાયેલા જ પડ્યા રહે છે અને છેવટે એક્સપાઇરી ડેટ આવે ત્યારે આપણે તેને ગટર ભેગા કરી દેતા હોઈએ છીએ.

અથાણા એ ઘણી વાર શાકની ગરજ સારે છે. અથાણાને આપણે નાશ્તાના ટાઈમે અથવા તો ક્યારેક રસોઈ બનાવવાનો સમય ન મળ્યો હોય ત્યારે શાકની અવેજમાં ભાખરી, ઢેબરા, પૂરી, ખીચડી, વડા, મૂઠીયા સાથે ચટાકા લઈ લઈને ખાતા હોઈએ છે અને તે આપણી જીભ તેમજ પેટને પણ સંતોષ આપે છે.

તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ પર્ફેક્ટ ગોળકેરીની રેસીપી. તો ચાલો બનાવીએ પર્ફેક્ટ ગોળકેરી.

સામગ્રી

1 કીલો કાચી કેરી (બને તો રાજાપૂરી કેરીનો ઉપયોગ કરવો તે ગોળકેરી માટે બેસ્ટ છે)

1 કીલો ગોળ

250 ગ્રામ બજારમાં મળતો તૈયાર અથાણાનો મસાલો (અહીં રામદેવનો મસાલો ઉપયોગમાં લેવામાં આવ્યો છે.

500 થી 600 ml સીંગતેલ

બે ચમચી હળદર

ત્રણ ચમચી મીઠું.

પર્ફેક્ટ ગોળકેરી અથાણું બનાવવાની રીત

સૌ પ્રથમ એક કીલો કાચી કેરી લઈ લો. બને ત્યાં સુધી રાજાપૂરી કેરીનો ઉપયોગ કરવો. જો તે ઉપલબ્ધ ન હોય તો તમે ગમે તે કેરીનો ઉપયોગ કરી શકો છો. આ કેરીને બરાબર ધોઈ લો. હવે તેની છાલ ઉતારી લો.

એક તપેલી લો અને છાલ ઉતારેલી કેરીના નાની સાઇઝના કટકા કરી લો. કેરીનું ગોટલું છોડી બધું જ સમારી લો. કટકાની સાઇઝની ચીંતા બહુ ન કરવી પણ તે મોટા ન થાય તેનું ધ્યાન રાખવું. નાના થશે તો વાંધો નહીં.

હવે તેમાં બે ચમચી હળદર અને ત્રણ ચમચી મીઠું એડ કરી તેને બરાબર હલાવીને મીક્ષ કરી લો. આ મિશ્રણમાં જરા પણ પાણી ઉમેરવાની જરૂર નથી.

આ મિશ્રણને 7-8 કલાક ઢાંકીને રહેવા દેવું. એક-બે કલાક વધારે રહે તો પણ વાંધો નહીં.

ત્યાર બાદ તમે જોશો કે કેરી સોફ્ટ થઈ ગઈ હશે અને તેમાં મીઠા હળદર અને કેરીનું થોડું પાણી જમા થઈ ગયું હશે. તેમાં વધારાની ખટાશ નીકળી ગઈ હશે.

હવે આ ટુકડાને કોટનના કપડા પર છુટ્ટા છુટ્ટા પાથરી દેવા. તેને પંખાની હવામાં નથી રાખવાના કે તેને તડકામાં પણ નથી સુકવવાના. તેને તમારા ઘરની અંદર જ સામાન્ય તાપમાન પર સુકાવા દેવા. તેને આમ જ ઓછામાં ઓછા 6-7 કલાક પાથરી રાખવા.

6-7 કલાક બાદ તમે જોશો કે કેરી ડ્રાઇ થઈ ગઈ હશે. ધ્યાન રાખો કે તે ભીની ન રહે જો તેમ રહેશે તો ગોળકેરી વધારે લાંબો સમય સારી નહીં રહી શકે. માટે તેને બરાબર સુકાવા દો.

હવે કેરી સુકાઈ ગયા બાદ તેને ભેગી કરી લેવી. હવે એક કીલ્લો કેરીના ટુકડા કર્યા તેની સામે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કીલો ગોળ લેવો. ગોળને જીણો છીણી લેવો. તમે જીણો સમારી પણ શકો છો. પણ તેમાં ઘણીવાર મોટા ટુકડા રહી જાય છે માટે બને ત્યાં સુધી તમે તેને છીણી લો તે જ યોગ્ય રહેશે. જેથી તેને ઓગળતા વાર નહીં લાગે.

જો ગોળ છીણેલો જ નાખવામાં આવશે તો તે 1-2 દીવસમાં ઓગળી જશો પણ જો તેને કાપીને નાખવામાં આવશે તો ગોળ ઓગળવામાં અઠવાડિયું પણ લાગી શકે છે.

હવે 500થી 600 એમએલ સીંગ તેલ એક તપેલીમાં કાઢવું. તેને ગેસ પર ગરમ થવા મુકી દેવું. તેને ઉકાળવાનું નથી. પણ તેમાંથી સહેજ ધુમાડો નીકળે અથવા તો તમે તેના પર હાથ મુકો અને તમને તે ગરમ લાગે ત્યારે ગેસ બંધ કરી દેવો. અને તેને રૂમ ટેમ્પ્રેચર પર આવવા દેવું.

હવે બજારમાં ઉપલબ્ધ તૈયાર 250 ગ્રામ આચાર મસાલો લેવો. અહીં રામદેવનો આચાર મસાલો લેવામાં આવ્યો છે.

હવે એક મોટી તપેલી લો તેમાં પેલો સમારેલો ગોળ નાખો, 250 ગ્રામ આચાર મસાલો નાખો, અને ગરમ કરીને ઠંડુ પાડવામાં આવેલું તેલ ઉમેરી લો. હવે તેને બરાબર હલાવી મીક્ષ કરી લેવું. જો ગોળ જીણો સમારેલો હશે તો તે મીશ્રણમાં ભળતા જ ઓગળવા લાગશે અને 2 દિવસમાં સંપૂર્ણ ઓગળી જશે. મીક્ષ કર્યા બાદ હવે તેમાં કેરીના ટુકડા નાખવા અને તેને બરાબર મીક્ષ કરી લેવું.

અથાણામાં તેલ હંમેશા થોડું ચડિયાતું હોવું જોઈએ જેથી કરીને તેની શેલ્ફ લાઇફ વધારે રહે. જો તેમાં તેલ ઓછું નાખવામાં આવશે તો તેને લાંબો સમય સાંચવી નહીં શકાય પણ તેના પર ફૂગ જામવા લાગશે. માટે તેલમાં જરા પણ કંજૂસાઈ કરવી નહીં.

હવે આ મીશ્રણને બે-ત્રણ દિવસ આમ જ તપેલીમાં ઢાંકીને રહેવા દેવું. દીવસમાં બે-ત્રણ વાર તેને હલાવતા રહેવું. જેથી ગોળ તેમાં બરાબર ઓગળી જાય.

ત્રણ દીવસ બાદ તમે જોશો કે બધું તેલ ઉપર તરતું હશે અને અથાણું નીચે હશે. આ સારા અથાણાની નીશાની છે. હવે તમારે અથાણાને કાચની સ્વચ્છ અને સંપૂર્ણ સૂકાયેલી બરણીમાં કાઢી લેવું.

આ તૈયાર અથાણું બારેમાસ આવું જ રહેશે. તમે જ્યારે બરણીમાં ગોળકેરીનું અથાણું કાઢશો ત્યારે જોશો કે ઉપરના બે ઇંચ તેલનું લેયર હોવું જોઈએ.


તમ જેમ જેમ ગોળકેરી ખાવા લાગશો તેમ તેલનું પ્રમાણ પણ ઘટતું જશે. જો તમને લાગતું હોય કે તેલ વધારે ઘટી ગયું છે તો તમે વર્ષ દરમિયાન ગમે ત્યારે તેમાં બીજું તેલ ગરમ કરી ઠંડુ પાડી ઉમેરી શકો છો. જેથી કરીને અથાણું બગડે નહીં.

તૈયાર છે બારેમાસ ખવાય એવું ગોળકેરીનું અથાણું, તેને તમે ઢેબરા જોડે ખાઓ, પૂરી સાથે ખાઓ, મૂઠીયા સાથે ખાવ, તમારી ઇચ્છા મુજબ ખાઈ શકો છો. અને તમારા નિરસ ખોરાકને થોડો રસીલો બનાવી શકો છો.

સૌજન્ય : યુટ્યુબ (ફૂડ ગણેશા)