વિશ્વજીત – નામ પ્રમાણે તેણે વિશ્વને જીત્યું હતું,અનેક મુશેક્લીઓ નો સામનો કરીને…

આઠમ અને એમાંય પાછો રવિવાર..બેચરાજી મંદિર માં માનવ મહેરામણ ઉભરાયું હતું.અમે માતાજી ના દર્શન કરી એક બાંકડે બેઠા.માનવમેદની ને નિહાળી રહેલી અમારી નજરો સામે થી આવી રહેલા વિશ્વજીત ભાઈ પર પડી.હોઠ પર એ જ હાસ્ય… આંખો માં એ જ તેજ..અને હાથ માં મીઠાઈ ના બોક્સ સાથે વિશ્વજીત ભાઇ અમારી સામે આવી ઉભા રહ્યા.મારા થી પુછાઇ ગયું.

“કેમ વિશ્વજીત ભાઈ..શેની મિઠાઈ વહેંચવા નીકળ્યા છો?” એ ખુશી સાથે બોલ્યા. “કોમલ બેન આજે મારા પુત્ર નો જન્મદિવસ છે…5 વર્ષ નો થઈ ગયો આજે” અને આટલું બોલતા તો એ હરખાઈ ગયા.એમના આ અનહદ હરખે મને ભૂતકાળ તાજો કરાવી દીધો..વિશ્વજીત ભાઈ નું જીવન પડકારો થી ભરેલું રહ્યું છે એ મેં મારી સગી આંખે જોયું છે

* * * *
માત્ર 2 જ વર્ષ ની નાની વયે વિશ્વજીતે માતા ની છત્રછાયા ગુમાવી દીધી હતી. એક બહેન હતી એ પણ માત્ર 6 માસ ની.. ઘર માં વિશ્વજીત .. વિશ્વજીત ની બહેન અને વિશ્વજીત ના પિતા.માઁ વગર ના બન્ને બાળકો નું જતન એના પિતા એ ખૂબ જ કાળજી પૂર્વક કર્યું હતું..બન્ને ને સવારે નવડાવી..જમાડી અને શાળા એ મૂકી એ કામે જતા.

માઁ વગર નું જીવન અઘરું તો ખરા જ પણ પાંગળુ ય લાગે.માઁ વગર ના વિશ્વજીત નું શરૂઆત થી જ ભણવા માં મન નહોતું.પણ પિતા ના સપના સાકાર કરવા એ માંડ માંડ કોલેજ ના બીજા વર્ષ સુધી પહોંચી શક્યો.એકાદ બે વાર પરીક્ષા આપ્યા બાદ પણ જ્યારે પરિણામ નકારાત્મક મળ્યું એટલે વિશ્વજીતે ભણવાનું છોડી દીધું.

દીકરો નવરો બેસી રહે…ભાઈબંધો સાથે રખડયા કરે તો અવળે રસ્તે ચડી જાય એ વિચાર કરીને ને વિશ્વજીત ના પિતા એ એને એક નાની દુકાન કરી આપી.પણ વિશ્વજીત નું મન તો આમાં પણ રાજી નહોતું.પ્રવાસ અને કુદરતી સૌંદર્ય ના ચાહકએવા વિશ્વજીત ને તો અલગ અલગ શહેરો માં ફરવુ હતું.એના માં અલગ અલગ સ્થળો ના ઇતિહાસ ને જાણવા ની ગજબ ની ઉત્સુકતા હતી..ક્યાંક કંઈ નવું જાણવા મળે તો એ ચોક્કસ ત્યાં પહોંચી જતો. પપ્પા ની વિરુદ્ધ જઇ એ એમને દુઃખી નહોતો કરવા માંગતો એટલે એને દુકાને બેસવાનું સ્વીકારી લીધું.એ રોજ કમને દુકાને જતો.

એક દિવસ દુકાને બેઠેલો વિશ્વજીત આમતેમ જોતો હતો ત્યાં તેની નજર સામે ના મકાન ના વરંડા માં કપડાં સુકવી રહેલી યુવતી પર પડી ઘઉંવર્ણો ચહેરો પણ આકર્ષક અદા વાળી યુવતી ને એ જોઈ રહ્યો. વિશ્વજીત ને પહેલી જ નજર માં એ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.રોજ કમને દુકાને આવતા વિશ્વજીત ના ઉદાસ ચહેરા પર જાણે હાસ્ય ની લહેર ફરી વળી હતી.હવે એને જાણે દુકાને આવવા નું એક સુંદર કારણ મળી ગયું હતું.આ બધું વિચારતા વિશ્વજીત ને પેલી યુવતી ક્યારે ઘર માં જતી રહી એનું પણ ભાન ન રહ્યું.એની આંખો સામે ના ઘર ના વરંડા માં એ યુવતી ને શોધી રહી હતી.વિશ્વજીત મીટ માંડી એ ઘર સામું જોયા કરતો હતો કે ક્યારે એ યુવતી બહાર આવે.થોડી વાર પછી શાળા ના યુનિફોર્મ માં સજ્જ એ યુવતી દફતર સાથે બહાર આવી અને 11માં ધોરણ માં ભણતી એ યુવતી એની સખીઓ સાથે વાતો કરતી વિશ્વજીત ની દુકાન પાસે થી પસાર થઈ ગયી.બસ પછી તો શું..વિશ્વજીત નો આ નિત્યક્રમ થઈ ગયો હતો રોજ એ યુવતી ને કપડા સુકવતા….શાળા એ જતા…અને શાળા એ થી પરત ફરતા એ નિહાળ્યા કરતો અને મનોમન મલકાયા કરતો.

એક દિવસ એ યુવતી એના નાના ભાઈ ને ચોકલેટ અપાવવા વિશ્વજીત ની દુકાને પહોંચી….મોટી પણ અણીદાર આંખો….કપાળ પર થોડા પરસેવા ના ટીપા….લાંબો પણ સહેજ વિખરાયેલો ચોટલો….જૂનો પણ સ્વચ્છ ડ્રેસ…..પગ માં સ્લીપર…અને હોઠો પર હાસ્ય સાથે એ યુવતી વિશ્વજીત ની સામે આવી ઉભી રહી ગયી..વિશ્વજીત તો જાણે હ્ર્દય નો એક ધબકારો ચુકી ગયો…એ એકીટશે એને જોઈ રહ્યો હતો એ વાત એ યુવતી એ પણ અનુભવી.એ ચોકલેટ લઈ પાછી જઇ રહી હતી ત્યારે વિશ્વજીતે હિંમત કરી એનું નામ પૂછી લીધું.જવાબ માં “અંજલિ” કહી શરમાઈને દોડીને એ ઘર માં જતી રહી.એ રાત્રે વિશ્વજીત ને જરા પણ ઊંઘ ન આવી..એ તો જાણે અંજલિ ના વિચારો માં મગ્ન થઈ ગયો.

બીજા દિવસે વિશ્વજીત રોજ કરતા વહેલો દુકાને પહોંચી ગયો..થોડીવાર માં જ અંજલિ બહાર આવી.આગલા દિવસ ની થોડીઘણી ઓળખાણ ના લીધે હવે એ લોકો વચ્ચે સ્મિત ની આપ લે થતી રહેતી.હવે અંજલિ જ્યારે પણ વિશ્વજીત ની દુકાન પાસે થી પસાર થતી ત્યારે સ્મિત અચૂક કરતી.પણ બન્ને વચ્ચે નો પ્રેમ સ્મિત થી આગળ વધી ન શક્યો..વિશ્વજીત ના પિતા ની પહેલે થી જ ઈચ્છા હતી કે વિશ્વજીત ભણે.અને એટલે જે એમને વિશ્વજીત ને ભાવનગર આઇટીઆઈ માં એડમિશન અપાવી દીધું..અને એકાદ દિવસ માં જ વિશ્વજીત ને ભાવનગર મોકલી દેવાયો.અંજલિ વિશ્વજીત ની ગેરહાજરી થી થોડી વ્યાકુળ થઈ ગયી હતી.પણ પછી થોડા સમય બાદ એના પરિવાર અને શાળા ની વ્યસ્તતા માં એ ફરી પહેલા જેવી થઈ ગઈ.

આ બાજુ વિશ્વજીત પણ અંજલિ ને જોયા વગર વ્યાકુળ થઈ ગયો હતો.પણ કહેવાય છે ને સમય દરેક દર્દ ની દવા છે..વિશ્વજીત પણ સમય ની સાથે પોતાના ભણતર અને આઈટીઆઈ ના મિત્રો સાથે મશગુલ થઈ ગયો..વર્ષ ક્યાં વીતી ગયુ એની ખબર પણ ન પડી..વિશ્વજીત ને ભાવનગર માં જ એમ્પ્રેન્ટીસીપ મળી ગયી એટલે એ ત્યાં જ રોકાઈ ગયો.. વિશ્વજીત નું ભણવાનું પૂરું થઈ ગયું છે એમ વિચારી એના પિતા એ એના લગ્ન માટે કન્યા જોવા નું શરૂ કરી દીધું..

સૌરાષ્ટ્રના એક ગામ ની કન્યા ને જોવા વિશ્વજીત ના પિતા એને સાથે લઈ ગયા.બધી વાતો અનુકૂળ આવતા વિશ્વજીત અને વિધિ ની વાત પાક્કી કરી દેવામાં આવી અને થોડા જ સમય માં બન્ને ની સગાઈ થઈ ગયી.સગાઈ અને લગ્ન વચ્ચે નો સમય સુવર્ણકાળ કહેવાય એવું કહેવામાં આવે છે..એટલે શરૂ શરૂ ના દિવસો માં બન્ને વચ્ચે ફોન પર ખૂબ વાતો થતી..3 4 મહિના આમ જ વીતી ગયા.પણ ત્યાર બાદ અચાનક શું થયું કે વિધિ એ ધીમે ધીમે વાતો કરવાનું ઓછું કરી દીધું..વિશ્વજીત કારણ પૂછતો તો એ હંમેશા કંઈ બહાનું કાઢી ને ફોન મૂકી દેતી…વિશ્વજીત મનોમન ગૂંચવાયા કરતો.. વિશ્વજીત ની ગૂંચવણ નો કંઈ ઉકેલ આવે એ પહેલાં જ એની સામે એના લગ્ન ની તારીખ નક્કી કરી દેવા માં આવી..અને ગજબ ની વાત તો એ કે એ લગ્નતિથી નો વિધિ એ પણ કોઈ વિરોધ ન કર્યો..વિશ્વજીત વિધિ ના આવા વલણ પાછળ નું રહસ્ય સમજી નહોતો શકતો..તેમ છતાં એને પરીવાર ખાતર વિધિ સાથે લગ્ન કરી લીધા

લગ્ન કરી ને સાસરે ગયેલી વિધિ નું વિશ્વજીત સાથે નું વર્તન લગ્ન બાદ પણ તોછડું જ રહ્યું..લગ્ન ના 2 દિવસ બાદ પિયર જવાનો રિવાજ પતાવવા વિધિ પિયર ગઈ તે ગઈ,ફરી પાછી વળી જ નહીં..પરિવાર માં સૌ કોઈએ કારણ જાણવાની કોશિશ કરી પણ બધી જ કોશિશ એળે ગયી.વિશ્વજીત તો સાવ ડઘાઈ ગયો હતો..

એક દિવસ સુનમુન થયેલો વિશ્વજીત મંદિરે બેઠો હતો ત્યાં તેની નજર સામે થી આવી રહેલા છોકરીઓના ટોળા પર પડી.એને ધ્યાન થી જોયું તો એ ટોળા માં અંજલિ પણ હતી.અંજલિ ને જોતા જ કેમ જાણે કેમ પણ વિશ્વજીત હંમેશ ની માફક હરખાઈ ગયો.અંજલિ ની નજર પણ વિશ્વજીત ની નજર સાથે મળી પણ એને તરત નજર ફેરવી ને મોં મચકોડી દીધું.વિશ્વજીત દોડી ને એની પાછળ ગયો અને અંજલિ ને રોકતા એકી શ્વાસે બોલી ગયો “સગાઈ કે લગ્ન થઈ ગયા કે હજી બાકી છે?”

અંજલિ થી હસી પડાયું.એ વિશ્વજીત ના અચાનક ક્યાંક ચાલ્યા જવાથી નારાજ હતી પણ એની નારાજગી લાંબી ન ચાલી.વિશ્વજીતે કઈ જ વિચાર્યા વગર મંદિર માં જ અંજલિ ને પોતાના પ્રેમ નો એકરાર કરી દીધો…અને અંજલિ એ વિશ્વજીત નો એ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો..કહેવાય છે ને કે માણસ જ્યારે સાવ એકલો થઈ જાય ત્યારે પ્રેમ ની ઝંખના તીવ્ર થઈ જાય છે..કોઈક એને સમજે…કોઈક એને સાંભળે…કોઈક એની કાળજી રાખે..એવી વ્યક્તિ તરીકે વિશ્વજીત ને અંજલિ મળી ગયી હતી..

અંજલિ અને વિશ્વજીત વચ્ચે ધીમે ધીમે વાતો વધતી ગયી…ક્યારેક મંદિર ના ઓટલે….તો ક્યારેક ફોન પર એ બન્ને સતત એકબીજા ની પાસે રહેતા…વાતો વધી અને ધીમે ધીમે મુલાકાતો પણ…બન્ને વચ્ચે નો પ્રેમ વધતો જ ચાલ્યો અને આ પ્રેમ ને એક નામ આપવા માટે અંજલિ એ વિશ્વજીત ને એની સાથે લગ્ન કરી લેવા કહ્યું…વિશ્વજીત માટે આ દુવિધા નો સમય હતો..અત્યાર સુધી પોતાના લગ્ન ની વાત એને અંજલિ થી છુપાવી રાખી હતી એ આજે એને અંજલિ ને જણાવી દીધી.વાત પૂરી કરતા કરતા વિશ્વજીત રડી પડ્યો અને અંજલિ ને માફી માંગવા લાગ્યો..અંજલિ બધી જ પરિસ્થિતિ ખૂબ જ નિકટતા થી સમજી ગયી…સમગ્ર વાત જાણ્યા બાદ એનો વિશ્વજીત માટે નો પ્રેમ વધી ગયો…એને રડતા વિશ્વજીત ને એના આલિંગન માં જકડી લીધો.

બીજા દિવસે સવારે વિશ્વજીત એ વિધિ ને ફોન કરી ને ઘરે આવી જવાની છેલ્લી આજીજી કરી જોઈ…એ જાણતો હતો કે વિધિ નો નિર્ણય નઈ જ બદલાય અને થયું પણ એવું જ વિધિ એક ની બે ન થઈ એને વિશ્વજીત ને સાસરે આવવાની ઘસી ને ના પાડી દીધી..વિધી ના જવાબ બાદ વિશ્વજીત અંજલિ સાથે ના એના સંબંધ માટે વધારે મક્કમ થઈ ગયો..એ રાતે એને અંજલિ ને ફોન કરી ને સવારે તૈયાર રહેવા જણાવ્યુ.અંજલિ અને વિશ્વજીત બન્ને ને એ રાત્રે ઊંઘ ન આવી.

વહેલી સવારે 4 વાગ્યે વિશ્વજીત અને અંજલિ નીકળી પડ્યા પોતાના જીવન ની નવી શરૂઆત કરવા… ક્યાં જવું… કેવી રીતે જવું એ બધું કંઈ નક્કી નહોતું એટલે બન્ને જણા પાલનપુર સુધી બાઇક લઇને પહોંચી ગયા.. ત્યાંથી બસ માં અમદાવાદ પહોંચ્યા અને અમદાવાદ ના રેલવેસ્ટેશન પર જે ટ્રેન પહેલી દેખાઈ એમાં બેસી ગયા… બન્ને હાથ માં હાથ પરોવી એકમેક નો સથવારો બની બેઠા હતા.. દિવસ તો ટ્રેન માં ક્યાં વીતી ગયો ખબર ન પડી અને આખા દિવસ ના થાક ના કારણે રાત્રે ઊંઘ પણ આવી ગયી.. સવારે આંખ ખુલી ત્યારે ટ્રેન એક સ્ટેશન પર ઉભી હતી.. વિશ્વજીતે ડોકિયું કરી ને બહાર જોયું તો ખ્યાલ આવ્યો કે ટ્રેન હરિદ્વાર માં હતી… બન્ને જણા પોતાનો સામાન લઇને ટ્રેન માંથી ઉતર્યા.. ટ્રેન થોડીવાર ત્યાં થોભી અને પછી એમની સામે જ ત્યાંથી પસાર થઈ ગયી.

થોડીવાર બન્ને સ્ટેશન પર જ રોકાયા અને પછી કોઈ સારી હોટેલ માં રોકાવું એમ નક્કી કરી સ્ટેશન ની બહાર નીકળી સારી હોટેલ ની શોધ કરવા લાગ્યા…બન્ને ઘરે થી પૈસા લઈને નીકળ્યા હતા એટલે હોટેલ ની રૂમ ના ભાડા ના ભાવ ની ચિંતા કર્યા વગર એક સુખ સાહેબી વાળી હોટેલ માં રોકાયા….બન્ને પોતાના પ્રેમી નો સાથ પામી ને અનહદ ખુશ હતા…એમની ખુશી શબ્દો માં વ્યક્ત થાય એમ નહોતી…એકબીજા માટે નો પ્રેમ….લાગણી…માન…ચિંતા….દિવસે ને દિવસે વધતી જતી હતી…3 4 દિવસ હોટેલ ના રૂમ માં પસાર કર્યા બાદ ખ્યાલ આવ્યો કે હવે પોતાની પાસે ના પૈસા ઓછા થઈ રહ્યા છે…એટલે બન્ને એ બીજી એક ઓછા ભાડા વાળી હોટેલ માં રૂમ રાખી લીધી…હવે આગળ શું કરવું…ક્યાં સ્થાયી થવું એ બધું વિચારવા માં બીજા 4 5 દિવસ નીકળી ગયા…

અને અંતે એક એવો દિવસ આવ્યો જ્યારે એમના ખિસ્સા માં એક રૂપિયો પણ ન બચ્યો..કપરી પરીક્ષા ના દિવસો હવે શરૂ થયા હતા…એક બીજા નો સાથ પામી ને ખુશ થયેલા વિશ્વજીત અને અંજલિ પાસે હવે એકબીજા ના સાથ સિવાય બીજું કાંઈ નહોતું…પણ આ તે વળી પ્રેમીપંખીડા એમને એકબીજા ના સાથ સિવાય જોઈએ પણ શું?…દિવસે ગુરુદ્વારા ના લંઘર માં ખાઈ લેતા અને રાત હરિદ્વાર ના ઘાટ પર પસાર થઈ જતી….આમ ને આમ બીજું અઠવાડિયું નીકળી ગયું…વિશ્વજીતે મનોમન વિચાર્યું કે આમ કંઈ ચાલે એમ નથી એટલે એને એક નાની એવી નોકરી શોધી લીધી..દિવસે એ અંજલિ ને ઘાટ પર મૂકી નોકરીએ જતો અને સાંજે પાછો અંજલિ ને ઘાટ પર જ મળતો…જે મળે એ ખાઈ લઈને બન્ને ઘાટ પર જ સુઈ જતા..મહિનો તો માંડ માંડ પસાર થયો..નોકરી માંથી જેવો પગાર મળ્યો કે તરત વિશ્વજીતે એક નાનું એવું મકાન ભાડે રાખી લીધું..બન્ને ના દિવસો કરકસર માં પણ ખુશમય પસાર થઈ રહ્યા હતા..

એકવાર બન્ને ટહેલતા ટહેલતા ઘાટ પર જઇ રહ્યા હતા ત્યારે વિશ્વજીતે સામે ઉભેલા કેટલાક લોકો ને જોયા..એના પિતરાઈ ભાઈઓ હતા એ..એ લોકો અંજલિ અને વિશ્વજીત ને શોધતા શોધતા હરિદ્વાર સુધી પહોંચી ગયા હતા…જો વિશ્વજીત અને અંજલિ એના ભાઈઓની પકડ માં આવી જાય તો પરિણામ શુ આવે એનો વિશ્વજીત ને બરાબર અંદાજો હતો…એટલે વિશ્વજીતે હરિદ્વાર છોડી બીજે ક્યાંક જતા રહેવાનો નિર્ણય લીધો..વિશ્વજીત ને પહેલે થી જ હરવા ફરવાનો ખુબ શોખ હતો..એને કુદરતના ખોળે ફરવાના ખૂબ સપના જોયા હતા..એટલે એને હરિદ્વાર થી કેદારનાથ જતા રહેવાનો નિર્ણય લીધો…અને અંજલિ એ એક આદર્શ સાથી ની જેમ એના આ નિર્ણય ને સહર્ષ સ્વીકારી લીધો

બન્ને બીજા જ દિવસે સવારે કેદારનાથ જવા નીકળી ગયા.કેદારનાથ ને જે કુદરતી સૌંદર્ય ભગવાને આપ્યું છે એ જોઈ વિશ્વજીત ઘડીભર મોહિત થઈ ગયો…ભગવાન ના ખોળે બેઠા હોય એવી અનુભૂતિ વિશ્વજીત ને થવા લાગી..પોતાને મનગમતી જગ્યા અને પિતરાઈ ભાઈઓ થી દુર કેદારનાથ પહોંચી બન્ને એ હાશકારો અનુભવ્યો..પણ વિશ્વજીત નો ભાવિ જીવન નો રસ્તો સરળ નહોતો..એક ગુજરાતી માણસ નો કેદારનાથ જેવા ઠંડા વિસ્તાર માં પ્રવાસ પણ સરળ નથી હોતો તો અહીં તો વાત ત્યાં સ્થાયી થવાની હતી..વિશ્વજીતે કેદારનાથ માં પ્રવાસીઓ ને ખચ્ચર પર બેસાડી ભગવાન ભોલેનાથ ના દર્શન કરાવવા લઇ જઇ પોતાનું ગુજરાન ચલાવવા નું શરૂ કર્યું..અંજલિ અને વિશ્વજીત ઘણું કપરું જીવન જીવી રહ્યા હતા તેમ છતાં બન્ને ખૂબ ખુશ હતા.. મનગમતી વ્યક્તિ નો સાથ હોય તો માણસ દુનિયા ની ગમે તેવી મુસીબત નો સામનો કરી શકે છે..

હજી જીવન માં કેટલા પડકાર નો સામનો કરવાનો બાકી છે એ વાત થી અજાણ અંજલિ અને વિશ્વજીત કેદારનાથ ની વાદીઓ માં પોતાનો સંસાર ચલાવી રહ્યા હતા…3 4 મહિના પસાર કર્યા હશે ત્યાં તો કેદારનાથ માં વાતાવરણ દર્શન ને અનુકૂળ ન હોવાથી વિશ્વજીત ની રોજીરોટી છૂટી ગયી…ફરી વિશ્વજીત ને સ્થળાંતર કરવાનો વારો આવ્યો..એકવાર એને ફરી પોતાના ગામ બેચરાજી આવી જવાનો વિચાર આવ્યો…પણ એ જાણતો હતો કે તેના પિતા એ બન્ને ને ક્યારેય નઇ સ્વીકારે…એટલે એને એ વિચાર માંડી વાળ્યો..એવાં માં કોઈકે એને ચંદીગઢ ચાલ્યા જવા કહ્યું.

વિશ્વજીત અને અંજલિ ચંદીગઢ તો પહોંચી ગયા પણ ફરી નવેસર થી સાંસારિક જીવન શરૂ કરવાનો પડકાર એમની રાહ જોઇને બેઠો હતો.. બન્ને ખાસ કંઈ ભણેલા નઈ એટલે નક્કી કર્યું કે હમણાં પૂરતું જે કામ મળે એ સ્વીકારી લેવાનું આ વખતે અંજલિ એ પણ વિશ્વજીત ની આર્થિક મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.. અને બન્ને કામ ની શોધ માં નીકળી પડ્યા..ચાલતા ચાલતા જરા આગળ આવ્યા કે એક હોટેલ દેખાઈ જેની બહાર બોર્ડ પર લખેલું હતું “હોટેલ માં કામ કરી શકે એવા માણસ ની જરૂર છે”. વિશ્વજીતે હોટેલ ના રિસેપ્સન પર જઇ પૂછપરછ કરી તો ખબર પડી કે કામ વાસણ સાફ કરવાનું હતું..વિશ્વજીત ક્યારેય કોઈ કામ ને નાનું નહોતો સમજતો .અને એની જાતમહેનત પર વિશ્વાસ હતો એટલે એને એ કામ કરવાની તૈયારી બતાવી..કામ નો પહેલો દિવસ હતો એ ખૂબ જ લગન થી એને સોંપેલું કામ કરતો.

અને એનું કામ થઈ જાય એટલે બીજું નવું શીખવાની તૈયારી પણ દાખવતો..હોટેલ ના મલિક બલવિંદર સિંગ આ બધું જોઈ રહ્યા..3 4 દિવસ બાદ એમને વિશ્વજીત ને પોતાની પાસે બોલાવ્યો અને એના પરિવાર વિશે જાણવાનો પ્રયાસ કર્યો..ખબર નઇ કેમ પણ વિશ્વજીત ને બલવિંદર સિંગ સાથે પોતાનાપણુ લાગ્યું એટલે એને એના જીવન ની અત્યાર સુધી ની બધી હકીકત જણાવી દીધી. એ વિશ્વજીતની આટલી પડકાર ભરેલી જિંદગી વિશે સાંભળી ને ભાવુક થઈ ગયા.. એમને વિશ્વજીત ની પાછળ રહેલા એના મજબૂત મનોબળ…. એની હકારાત્મકતા… એના આત્મવિશ્વાસ ને પારખી લીધો.. એમને અંજલિ ને પણ હોટેલ માં હોઉસકિપિંગ માં નોકરી આપી દીધી.. બન્ને જણા તનતોડ મહેનત કરતા એ બલવિંદર સિંગ જોઈ રહેતા.. અને જોતજોતા માં જ આખી હોટેલ જાણે અંજલિ અને વિશ્વજીત ને પોતાના ઘર સમી લાગવા લાગી.. બલવિંદર સિંગ માં વિશ્વજીત ને હંમેશા પોતાના પિતા ની છબી દેખાતી અને એમને પણ વિશ્વજીત ને પોતાના સગા દીકરા જેવો જ પ્રેમ આપ્યો..

એક દિવસ વિશ્વજીત ને એના પિતા સાંભરી આવ્યા. બેચરાજી છોડ્યા બાદ એને ક્યારેય એના પિતા સાથે વાત નહોતી કરી.. આજે એને એના પિતા ને ફોન કરવાનું નક્કી કર્યું.. અંજલિ ને પોતાના મન ની વાત કરી તો એને પણ હકાર માં માથું ધુણાવ્યું.. અંજલિ બઉ ઓછું બોલતી પણ એ હંમેશા વિશ્વજીત ને કરોડરજ્જુ ની જેમ સહારો આપતી.. વિશ્વજીત ના જીવન ના બધા આરોહ અવરોહ એને હસતાં મોઢે સહન કર્યા હતા.. કહેવાય ને કે દરેક સફળ પુરુષ ની પાછળ એક સ્ત્રી હોય તો હા વિશ્વજીત ની અત્યાર સુધી ની સફળતા પાછળ ક્યાંક ને ક્યાંક ચોક્કસ અંજલિ હતી જ.

બીજા દિવસે સવારે વિશ્વજીતે એના પિતા ને ફોન કર્યો.. એમને ફોન ઉપાડ્યો વિશ્વજીત પિતા નો અવાજ સાંભળી એ રડમસ થઈ ગયો.. પછી સ્વસ્થ થઈ એને એના પિતા સાથે વાત કરી. એના પિતા એ એને બેચરાજી પાછા આવી જવા કહ્યું અને એની સાથે બીજું કંઈક એવુ પણ કહ્યું જે વિશ્વજીત જીરવી ન શક્યો.. એના પિતા એ કહ્યું “તું પાછો આવી જા.. એ છોકરી ના માબાપ ને મેં સમજાવી દીધા છે.. એ લોકો એમની છોકરી ને પાછી લઇ જવા તૈયાર છે”

વિશ્વજીતે પ્રેમ કર્યો હતો..એને અંજલિ નો હાથ આમ અધવચ્ચે છોડી દેવા માટે નહોતો પકડ્યો..એને એના પિતા ની વાત સાંભળી ને ખૂબ જ દુઃખ થયું પણ અંજલિ સામે જ હતી એટલે એને એના દુઃખ ને એના ચહેરા પર વ્યક્ત ન થવા દીધું.. એક દિવસ હોટેલ માં વિશ્વજીત ને શોધતી શોધતી પોલીસ આવી ચડી..વિશ્વજીત પોલીસ ને જોઈ ગભરાઈ ગયો..એને પુરી બાબત જાણી તો ખબર પડી કે વિધિ એ વિશ્વજીત પર લગ્નેતર અનૈતિક સંબંધ રાખવાંનો આરોપ મૂક્યો છે અને એ આરોપ ના કારણે જ પોલીસ વિશ્વજીત ને પકડવા આવી હતી.

પોલીસ વિશ્વજીત ને બેચરાજી લઈ આવી.. આ બધું જોઈ અંજલિ ગભરાઈ ગયી હતી.. બલવિંદર સિંગ પણ અંજલિ ને લઇ બેચરાજી આવી પહોંચ્યા. એમને અંજલિ ના માતાપિતા ને અંજલિ અને વિશ્વજીત ને સ્વીકારી લેવા વિનંતિ કરી અને એના માતાપિતા એ એમની વાત માની અંજલિ અને વિશ્વજીત ના સંબંધ ને સ્વીકારી લીધો… બેચરાજી પહોંચ્યા બાદ વિશ્વજીત ને ખબર પડી કે વિધિ એ વિશ્વજીત ના પિતા ના કહેવા પર એના પર આ આરોપ મૂક્યો છે અને વિશ્વજીત ચંદીગઢ છે એની બાતમી પણ પોલીસ ને એના પિતા એ જ આપી છે.. વિશ્વજીત ને ખૂબ આઘાત લાગ્યો.. એને ક્યારેય નહોતું વિચાર્યું કે એના પિતા એની સાથે આવું કાંઈક કરશે..

જામીન મેળવી વિશ્વજીત સૌપ્રથમ વિધિ ને મળ્યો અને એની સાથે છૂટાછેડા નો પ્રસ્તાવ મુક્યો વિધિ જાણતી હતી કે વિશ્વજીત અંજલિ ને ખૂબ જ ચાહે છે અને એમ પણ એ વિશ્વજીત સાથે રહેવા નહોતી માંગતી એટલે એને વિશ્વજીત ને છૂટાછેડા આપી દીધા…એ જ દિવસે વિશ્વજીતે અંજલિ સાથે કોર્ટમેરેજ કરી લીધા..બન્ને એ પાછા ચંદીગઢ જવાનું વિચારી લીધું હતું..ત્યાં જ અંજલિ એ પોતે ગર્ભવતી હોવાના ખુશી ના સમાચાર વિશ્વજીતને આપ્યા…વિશ્વજીત તો જાણે જગ જીતી ગયો હોય એટલો ખુશ થઈ ગયો..આજે જાણે ભગવાન એના પર બન્ને હાથે ખુશીઓ વારસાવી રહ્યા હતા.

વિશ્વજીત પાસે કમાવાનું કોઈ સાધન બેચરાજી માં નહોતું…નહોતું રહેવામાટે કોઈ ઠેકાણું એટલે એની પાસે ચંદીગઢ જવા સિવાય કોઈ ઉપાય નહોતો.. પણ આ હાલત માં અંજલિ ને પોતાની સાથે લઈ જવાનું એને યોગ્ય ન લાગ્યું એટલે અંજલિ ને એના માતાપિતા ના ઘરે મૂકી એ એકલો જ ચંદીગઢ ચાલ્યો ગયો. ચંદીગઢ માં વિશ્વજીત પહોંચી ગયો બલવિંદર સિંગ પાસે અને એમને પણ પોતે પિતા બનવાનો છે એ ખુશી ના સમાચાર આપ્યા .. બલવિંદર સિંગ પણ આ સાંભળી ખૂબ ખુશ થઈ ગયા..ફરી વિશ્વજીતે તનતોડ મહેનત શરૂ કરી દીધી.

જોત જોતા માં દિવસો વીતવા લાગ્યા..અને એક દિવસ અંજલિ ની માતા નો અંજલિ ને પ્રસુતિ નો દુઃખાવો ઉપડ્યો હોવાનો ફોન આવ્યો.વિશ્વજીત એ જ ઘડીએ બલવિંદર સિંઘ ને જાણ કરી ટ્રેન માં બેસી બેચરાજી આવવા નીકળી ગયો…ટ્રેન માં બેઠા ને 2 3 કલાક થયા હશે ત્યાં ફરી ફોન રણક્યો..આ વખતે ફોન વિશ્વજીત ના પિતા નો હતો..વિશ્વજીતે ફોન ઉપાડ્યો સામે છેડે થી વિશ્વજીત ના પિતા એ ખુશી સભર અવાજ માં એને જણાવ્યું કે..પુત્ર નો જન્મ થયો છે…વિશ્વજીત ખૂબ જ ખુશ થઈ ગયો..એના પિતા ના અવાજ માં પણ અપાર ખુશી જણાઈ રહી હતી..અને આ વાત થી વિશ્વજીત વધારે ખુશ હતો કે અંતે એના પિતા એ એને અને અંજલિ ને એમના પુત્ર સહિત સ્વીકારી લીધા…

અને સ્વીકારે પણ કેમ નહિ..આખરે મુદ્દલ કરતા વ્યાજ દરેક માબાપ ને વ્હાલું હોય..વિશ્વજીત ના પિતા નો ગુસ્સો એમના ઘરે પધારેલા આ નાના મહેમાને દૂર કરી દીધો હતો.બીજા જ દિવસે વિશ્વજીત પહોંચી ગયો બેચરાજી..એ ઘરે પણ ન ગયો સીધો દવાખાને જ જતો રહ્યો..અંજલિ અને ઘોડિયા માં સુતેલા નાના બાળક ને જોઈ એનીય આંખ માં ખુશી ના આંસુ આવી ગયા..એને એના પુત્ર ને મન ભરીને રમાડી લીધો..પછી એ એની બેન સાથે એના નવજાત શિશુ માટે કપડાં લેવા બજાર માં નીકળ્યો.

વિશ્વજીત મનોમન વિચારી રહ્યો હતો કે હાશ..હવે દુઃખ ના દિવસો સમાપ્ત થયા..પિતા એ એને સ્વીકારી લીધો..અને એ ખુદ પણ પિતા બની ગયો.. પણ કદાચ ભગવાન ને વિશ્વજીત નો આ હાશકારો મંજુર નહોતો.. વિશ્વજીત નો ફોન રણક્યો.. અંજલિ ની માતા નો ફોન હતો એમને વિશ્વજીત ને તાત્કાલિક દવખને આવી જવા કહ્યું.. એમનો અવાજ રડમસ હતો એટલે વિશ્વજીત દોડતો દવાખાને પહોંચી ગયો.. ડોક્ટરે વિશ્વજીત ને પાસે બોલાવી કહ્યું
“વિશ્વજીત તારું બાળક સામાન્ય નથી” આટલુ સાંભળતા જ વિશ્વજીત તો જાણે ડઘાઈ ગયો

ડોકટરે આગળ વાત કરતા કહ્યું “જો વિશ્વજીત તારા બાળક નું આંતરડું સામાન્ય આંતરડા કરતા ઘણું નાનું છે અને એને મળ પાસ કરવા માટે કોઈ જગ્યા જ નથી..તબીબી ભાષામાં કહીયે તો એની પીડિયાટ્રિક સર્જરી કરવી પડે એમ છે..પરિસ્થિતિ થોડી ગંભીર છે એટલે એને હાલ જ કોઈ મોટા પીડિયાટ્રીસિયન પાસે લઈ જવો પડશે..” વિશ્વજીત કંઈ સમજી ન શક્યો કે ડોકટર શુ કહી રહ્યા છે..એટલે એને ડોકટર ને ચોખવટ કરવા કહ્યું. ડોકટરે વળતા જવાબ માં બસ એટલું જ કહ્યું “બાળક ની જીવવાની શક્યતાઓ ઘણી ઓછી છે”

સમગ્ર વાત સાંભળતા જ વિશ્વજીત ની આંખે અંધારા આવી ગયા એ ત્યાં જ ઢળી પડ્યો… ચંદીગઢ થી પાછા ફરતી વખતે એને એના બાળક માટે હજારો સપના જોઈ લીધા હતા.. એના એ સપના પર જાણે ગ્રહણ લાગી ગયું હોય એમે એને લાગવા લાગ્યું..એની બાળક ના આગમન ની ખુશી જાણે પળવાર માં શોક માં ફેરવાઈ ગઈ.. 2 જ દિવસ ના એ બાળક સાથે ભગવાન આવો અન્યાય કાઈ રીતે કરી શકે એ વિશ્વજીત મનોમન વિચારી રહ્યો હતો.. સમય ઝડપ થી વહી રહ્યો હતો.આંખો માં આંસુ ને લૂછી વિશ્વજીત પોતાના બાળક ને લઇ અમદાવાદ પહોંચી ગયો.આખે રસ્તે માતાજી ને જાત જાત ની વિનવણી કરતો રહ્યો… કેટ કેટલી બધા આખડી પણ લઈ લીધી… વિશ્વજીત જાણે બાવરો બની ગયો હતો… અત્યાર સુધી વિશ્વજીતે પોતાની જિંદગી માં ઘણું જતું કર્યું હતું પણ એ પોતાના બાળક ને જતું કરવા જરા પણ તૈયાર નહોતો..અમદાવાદ નું કોઈ એવું દવાખાનું બાકી નહિ હોય જ્યાં એને એના બાળક ની તપાસ નહીં કરાવી હોય..સામાન્ય કુટુંબ નો હોવા છતાં એને પૈસા નો જરા પણ વિચાર ન કર્યો..બધા ડોકટર નું એક જ કહેવું હતું.

“બાળક ની પીડિયાટ્રિક સર્જરી કરવી પડશે. 2 દિવસ ના એ બાળક ને હજી મળ પાસ ન થયો હોવાથી એના પેટ માં ઝેર થઈ ગયું છે અને એના કારણે 80% એના બચવાની શકયતા નથી” દરેક દવાખાને આ જ મંતવ્ય મળતું અને વિશ્વજીત પોતાના બાળક ને જીવાડવા ની આશા એ બીજા દવાખાના ના પગથિયાં ચડતો. પણ ડોકટર નું મંતવ્ય બદલાતું નહિ.

વિશ્વજીત પર તો જાણે આભ તૂટી પડ્યું..એની ખુશીઓને જાણે કોઈની નજર લાગી ગયી..ભગવાને લીધેલી બધી પરીક્ષાઓ વિશ્વજીતે હસ્તે મુખે પાર કરી હતી.. પણ આજે વિશ્વજીત ઢીલો થઈ ગયો હતો અને થાય પણ કેમ નહિ આખરે એના બાળક ની જિંદગી નો સવાલ હતો.. એ કોઈ ચમત્કાર ની રાહ જોઈ રહ્યો હતો.. એને કોઈ પણ ભોગે એના બાળક માટે જોયેલા સપના પુરા કરવા હતા… વિશ્વજીત માં અપાર હકારાત્મકતા હતી..અને એટલે જ એને 80%બચવાની શકયતા નથી એ વાત નો ખ્યાલ રાખ્યા વગર ડોકટર ને કહ્યું “ડોકટર સાહેબ.. 20% તો શકયતા છે ને મારા બાળક ના બચવાના.. તમતમારે સર્જરી કરી નાખો મને મારા ભગવાન પર વિશ્વાસ છે.. એને આપ્યું છે તો એ ચોક્કસ એને બચાવશે.”

થોડી જ વાર માં ઓપરેશન શરૂ થયું.. 4 કલાક ચાલેલા ઓપરેશન દરમ્યાન વિશ્વજીત ત્યાં જ ઓપરેશન થિયેટર ના દરવાજા પાસે ખાધા પીધા વગર ઉભો હતો. જાણે ભગવાન પાસે પોતાના બાળક માટે લડતો એક બાપ દેખાઈ રહ્યો હતો વિશ્વજીત માં.. 2 દિવસ થી ના તો અન્ન નો એક દાણો એના પેટ માં ગયો…. ના એને આંખ નું એક મટકું માર્યું… એ ઉભા પગે એના બાળક માટે દોડ્યો હતો.. આ 4 કલાક જાણે વિશ્વજીત માટે એની જિંદગી બની ગયા હતા.. એ ઓપરેશન થિયેટર ની બહાર ડોકટર ના આવવાની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો. ઓપરેશન પતાવી ડોકટર બહાર આવ્યા.. વિશ્વજીત બેબાકળો થઈ ગયો… એના થી કઈ બોલાયું નઈ એની આંખ માં પાણી સાથે ઘણા પ્રશ્નો હતા જે ડોકટરે પારખી લીધા હતા.ડોકટરે વિશ્વજીત નો ખભો થાબડયો અને કહ્યું

“માતાજી એ તમારી પ્રાથના સાંભળી લીધી..ઓપરેશન સફળ રહ્યું” આ સાંભળતા જ વિશ્વજીત ખુશી માં ત્યાં જ ફસડાઈ પડ્યો..એના ચહેરા પર અપાર થાક સાથે અનહદ ખુશી દેખાઈ રહી હતી..એ ત્યાં જ બેસી ગયો…એને તો આજે જાણે જગત જીતી લીધું….આ ખુશી માં ગાંડો થઈ ગયો સગાવહાલાઓ ને ફોન કરી સારા સમાચાર આપવા લાગ્યો….માતાજી નો આભાર માનવા લાગ્યો.

પણ હજી પડકારો નો અંત નહોતો આવ્યો.ડોકટરે એને એમના કેબીન માં બોલાવ્યો..વિશ્વજીત ખૂબ જ ખુશ હતો એ ડોકટર ને વારંવાર પોતાના બાળક ને બચાવવા બદલ આભાર વ્યક્ત કર્યા કરતો..ડોકટરે વિશ્વજીત ને શાંતિ થી બેસાડી બાળક ના એક કાન ન હોવાની વાત કરી .અને સાથે એ પણ જણાવ્યું કે એના હૃદય માં કાણું છે અને એ માટે બાળક 5 વર્ષ નું થાય એ પહેલાં ઓપરેશન કરાવવુ પડશે..અને સાથે સાથે બીજી 2 પીડિયાટ્રિક સર્જરી તો ખરી જ.વિશ્વજીત નો ચહેરો ગમગીન થઈ ગયો..એ ખુરશી માં બેઠા બેઠા નીચું જોઈ ગયો..પણ ડોકટરે એ સાથે એ પણ જણાવ્યું કે ચિંતા કરવા જેવું કંઈ નથી.એટલે એને હાશકારો અનુભવ્યો..

વિશ્વજીત એના નાનકડા બાળક ને દવાખાના માંથી રજા મળી એટલે સીધો જ આ બધી વાત થી અજાણ એવી અંજલિ પાસે લઈ ગયો..અંજલિ ની શારીરિક નબળાઈ ને જોતા એને આ બધી વાત અંજલિ ને નહોતી જણાવી. જ્યારે અંજલિ ને જાણ થઈ ત્યારે એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી..વિશ્વજીતે એકલે હાથે આટલી મોટી મુસીબત નો સામનો કર્યો અને પોતે એને જરા સરખી સાંત્વના પણ ન આપી શકી એનું એને દુઃખ થઈ રહ્યું હતું..એ વિશ્વજીત ને ગળે વળગી ને રડતા રડતા બોલી.. “વિશ્વજીત મારા કારણે તમારે કેટલી તકલીફ સહન કરવી પડી..હું બસ તમને તકલીફ સિવાય કંઈ ન આપી શકી એ માટે હું દિલગીરી છું”

અંજલિ આગળ કાઈ બોલે એ પહેલાં જ વિશ્વજીતે એને અટકાવતા કહ્યું “ગાંડી, પ્રેમ માણસ ને મજબૂર નહિ…મજબૂત બનાવે..અને તારા અને ઉમંગ ના પ્રેમે મને હંમેશા મજબૂત જ બનાવ્યો છે” ઉમંગ નામ સાંભળી અંજલિ સ્થિર થઈ ગયી. વિશ્વજીતે એને સંભાળતા હસતા હસતા કીધું “મેં આપણા આ નાનકડા ટેનિયા નું નામ ઉમંગ રાખ્યું છે…આખરે એ એની સાથે આપણા જીવન માં કેટલો ઉમંગ લઈને આવ્યો છે”

અંજલિ ને પણ ઉમંગ નામ ખૂબ ગમ્યું..હવે એમનો પરિવાર પૂર્ણ થઈ ગયો હતો..પિતા એ વિશ્વજીત ને હવે બેચરાજી માં જ સ્થાયી થઈ જવા કહ્યું એટલે વિશ્વજીતે એક શરત કરી કે કમાણી હું મને ગમશે એ વ્યવસાય માથી કરીશ.. તેના પિતા એ એની શરત મંજુર રાખી. પણ એમને ક્યાં ખબર હતી કે વિશ્વજીત શું વ્યવસાય કરવા માંગે છે. બીજા દિવસે વિશ્વજીત નવી રીક્ષા લઇ આવ્યો.. એના પિતા સમક્ષ રીક્ષા ઉભી રાખી બોલ્યો “પપ્પા હવે હું રીક્ષા ચલાવી ને મારુ ઘર ચલાવીશ”

એના પિતા ને ન ગમ્યું..સુખી સંપન પિતા નો એક નો એક દીકરો પિતા ના ધંધે ચડવા ને બદલે રીક્ષા ચલાવે તો બાપ નું નામ લજવાય. પણ વિશ્વજીત ની શરત મંજુર રાખી હોવાથી એ વિરોધ ન કરી શક્યા.વિશ્વજીત એમનો અણગમો સમજી ગયો એને એના પિતા ના હાથ પોતાના હાથ માં લઇ ને ધીમેક થી કહ્યું “પપ્પા તમને તો ખબર જ છે મને ફરવા નો કેટલો શોખ છે…મારા શોખ તો પુરા ન કરી શક્યો પણ આ રીક્ષા માં લોકો ને ફેરવી એમના શોખ અને જરૂરિયાત તો પુરી કરી શકાય ને”

એના પપ્પા હસી પડ્યા. દિવસો વીતતા ગયા અને વિશ્વજીત અને એની રીક્ષા બસ અવનવી જગ્યા ફરતા ગયા..બેચરાજી ના આજુબાજુ ના જોવાલાયક સ્થળો એ પ્રવાસી ને લઈ જતો અને એમને ત્યાં નો ઇતિહાસ કહેતો..એનો શોખ એને પોતાના વ્યવસાય માં વિકસાવ્યો હતો..સાંજે ઘરે આવી અંજલિ અને ઉમંગ સાથે સમય વિતાવતો..વર્ષો વીતતા ગયા અને ઉમંગ ના બાકી ના ઓપરેશન થતા ગયા..હવે એ એકદમ સ્વસ્થ થઈ ગયો હતો..દેખાવ માં જાણે બીજો વિશ્વજીત જ જોઈ લો.

* * * *
“કોમલ બેન..કોમલ બેન..ક્યાં ખોવાઈ ગયા” સામે ઉભેલા વિશ્વજીત ના શબ્દો કાને પડ્યા.અને હું સભાન થઈ ગયી.વિશ્વજીત ભાઈએ મારા હાથ માં પેંડો ધર્યો.ઉંમર માં નાના એટલે અત્યાર સુધી વિશ્વજીત કહીને જ બોલાવતી પણ કોણ જાણે કેમ આજે એમના માટે ખૂબ જ માન હતું અને એ માન ના કારણે જ હવે થી વિશ્વજીત ભાઈ સંબોધન મને વધુ યોગ્ય લાગયું.

અમને પેંડા આપી વિશ્વજીત ભાઈ પરત ફરી રહ્યા હતા.એ ખૂદ પણ જાણતા હતાં કે પરીક્ષા ઓ નો અંત તો જીવન ભર નહિ જ આવે પણ એમનું મનોબળ અને એમની હકારાત્મકતા એમના જીવન ની દરેક પરીક્ષા પાર કરી લેશે. ખરેખર વિશ્વજીત ભાઈ નું જીવન એમના નામ ને સાર્થક કરે એવું રહ્યું છે…આખા વિશ્વ ની તો ખબર નહિ પણ એમને એમના પોતાના વિશ્વ માં તો ચોક્કસ જીત મેળવી છે.ફરી મારા વિચારો ને ચીરતો એક હોર્ન નો અવાજ સંભળાયો..રીક્ષા નો હોર્ન મારી પોતાની આગવી અદા માં આવજો કહી વિશ્વજીત ભાઈ નીકળ્યા એમના જીવન ના નવા પ્રવાસે અને અમે એમને દૂર સુધી જોઈ રહ્યા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ