ડીઝીટલ ઉપવાસ – પણ જીવનનો સાચો આનંદ જોઈએ છે તો તમારે પણ કરવો જોઈએ આ ઉપવાસ…

સવાર માં ઉઠતાંવેંત રોજ ની આદત મુજબ શ્વેતાએ પોતાના ઓશિકા નીચે પોતાનો મોબાઈલ શોધવા હાથ મુક્યો…પણ પછી કઈક યાદ આવતા એ ઉદાસી ના ભાવ સાથે બેડ પરથી ઉભી થઇ…ઉઠતાંવેંત ફોન જોવાની રોજ ની આદત ના કારણે ઘડીભર તો અકળાઈ ગઈ…પણ પછી એને મન મનાવી પોતાના રૂમ ની બાલ્કની તરફ પ્રયાણ કર્યું…ક્યારેય બાલ્કની માં ન ઉભેલી શ્વેતા એ આજે બાલ્કની માં પગ મૂક્યો ત્યાં તો ખુશનુમા સવારની એ માદક સુગંધ એને મંત્રમુગ્ધ કરી દીધી…એના શરીરમાં રુવાંટી ઉભી થઇ ગઇ…

મંદ મંદ હવા નો એ સ્પર્શ જાણે એના રોમ રોમ ને જગાડી ગયો..બાલ્કની ની રેલિંગ પર હાથ મૂકી શ્વેતા આસપાસ થતી હલચલ ને નિહાળી રહી હતી…કેટલાક સ્કૂલે જતા બાળકો પોતાની સ્કૂલ બસ ની રાહ જોતા ઉભા હતા એમને જોઈ જાણે એ પોતાના બાળપણ માં સરી પડી…રોજ whatsapp અને facebook ના નોટિફિકેશન થી ઉગતો શ્વેતા નો દિવસ આજે પંખીઓના કલરવથી એને વધારે ગમ્યો..સૂર્ય ના આછા કિરણો એની આસપાસ પથરાયા ત્યાં સુધી એ બાલ્કની માં જ ઉભા ઉભા આ સુંદર સવાર ને મનભરી ને માણી રહી હતી..સવારની એ આહલાદકતા ને મનભરી ને માણી લીધા બાદ શ્વેતા ફ્રેશ થવા ચાલી ગઈ..નહીં ધોઈ તૈયાર થઈ શ્વેતા પોતાના રૂમ ની બહાર આવી…

“good morning mom….જયશ્રી કૃષ્ણ” એને બહાર આવતા જોઈ એની મમ્મી એ પ્રથમ એના તરફ અને પછી સામે દિવાલ તરફ લગાવેલ ઘડિયાળ ના સમય તરફ જોયું..આશ્ચર્ય સાથે એમને પૂછ્યું “શ્વેતા તબિયત તો ઠીક છે ને આજે તું બહુ જલ્દી ઉઠી ગઈ” શ્વેતા રોજ ના સમયે જ ઉઠી હતી પણ ફરક બસ એટલો જ કે રોજ ઉઠ્યા બાદ કલાકો મોબાઈલ માં ખોવાઈ ગયા બાદ એ મમ્મી ની કેટલી બુમો બાદ પોતાના રૂમ માંથી બહાર આવતી…

“i am ok mom…..બસ આજે જલ્દી તૈયાર થઈ ગઈ” શ્વેતા એ વળતો જવાબ આપ્યો.. “mom નાસ્તો કરવો છે…ભૂખ લાગી છે મને “શ્વેતા એ એની મમ્મી ને કહ્યું “બેટા હજી નાસ્તો બનાવવાનો બાકી છે…તું બેસ હું બનાવી લઉ ફટાફટ” મમ્મી એ વળતો જવાબ આપ્યો. મોબાઈલ વગર જાણે પોતાને સાવ નવરી મહેસુસ કરતી શ્વેતા એ એની મમ્મી ની પાછળ પાછળ રસોડા માં જતા પૂછ્યું “આજે હું તારી મદદ કરું નાસ્તો બનાવવામાં?”

શ્વેતાની મમ્મી માટે આ સવાર સવાર માં શ્વેતા તરફથી બીજો ઝટકો હતો…ક્યારેય રસોડામાં પગ ન મુકનાર શ્વેતા આજે એની મદદ કરવા તૈયાર થઈ છે એ વાતે એની મમ્મી ખુશ થઈ ગઈ..બંને માં દીકરી એ ભેગા મળી ને સૌકોઈ માટે નાસ્તો બનાવ્યો…શ્વેતાના પપ્પા એ દૂરથી શ્વેતાને રસોડા માં જોઈ તો એમના આશ્ચર્ય નો પણ પાર ન રહ્યો…હંમેશા મોબાઈલ માં રચીપચી રહેનારી પોતાની દીકરી આજે રસોડામાં છે એ વાતે એ મનોમન હસી પડ્યા….બે બૂમ પાડો ત્યારે 5 મિનિટ પછી ડાઇનિંગ ટેબલ પર આવતી શ્વેતાએ આજે બધા ને પોતાના હાથે પીરસી નાસ્તો કરાવ્યો.બધા જ શ્વેતા માં આવેલ આ બદલાવ થી ખુશ હતા….

મમ્મી ને ઘરકામ માં મદદ કર્યા બાદ નવરી પડેલી શ્વેતા એ દાદીમા ને મંદિરે જતા જોયા…એને ઓચિંતા જ પૂછી લીધું “દાદી હું પણ આવું તમારી સાથે મંદિરે?”

આ સાંભળી દાદી માં તો ખુશ ખુશ થઈ ગયા.પોતાની પૌત્રી ને ભગવાન ના મંદિર તરફ ખેંચી જવાના અત્યાર સુધી ઘણા પ્રયત્ન કર્યા પણ એ ક્યારેય એમની સાથે મંદિરે જવા તૈયાર નહોતી થઈ…અને આજે આપમેળે મંદિરે આવવાની ઈચ્છા થી દાદીમા મનોમન હરખાઈ ગયા..પોતાની સ્ફુટી પર દાદીમાં સાથે મંદિરે ગયેલી શ્વેતા મંદિર ના પરિસર માં પ્રવેશી…ત્યાં જ સામે થી દાદીમા ની કેટલીક સહેલીઓ પણ દેખાઈ..

સૌને જયશ્રી કૃષ્ણ કર્યા બાદ શ્વેતા એ ભગવાન ના દર્શન કર્યા…મંદિર ની નજીક આવેલા ઝરણા પાસે ઘડીભર બેઠી..ઝરણા નું ખળખળ વહેતુ પાણી….મંદિર માં થતો ઘંટનાદ….ભક્તો ના ઊંચા અવાજે થતા શ્લોકો ના ઉચ્ચારો એને એના ઈયર ફોન ભરાવેલી સાંભળેલા ગીતો થી વધુ ગમ્યા…એનું મન હળવું થતું જણાયું…નવા વર્ષ માં પરિવાર સાથે ઘણીવાર મંદિરે આવતી શ્વેતા ભગવાન પાસે હાથ જોડી સીધી જ મંદિર ના પરિસર માં ફોટા લેવા દોડી જતી પણ આજે મંદિર ની ઝીણી ઝીણી કોતરણી એના ધ્યાને ચડી..

મંદિરનું આટલું ઝીણવટ ભર્યું નિરીક્ષણ એને આજ પહેલા ક્યારેય નહોતું કર્યું.અને જો આજે એના હાથ માં ફોન હોત તો કદાચ આજે પણ ન જ કર્યું હોત એવો એના અંતરાત્મા પોકારી ઉઠ્યો.દાદીમા ની બૂમ આવતા એને ઘર તરફ પ્રયાણ કર્યું.. મમ્મી એ જમવાનું બનાવી રાખ્યું હતું એટલે બધા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા…એક હાથ માં કોળિયો અને બીજા હાથ માં ફોન લઈ બેસતી શ્વેતા આજે એના કોલેજ ના…એની સખીઓ ના રમુજી કિસ્સા સંભળાવી રહી હતી..દાદાજી ને મરક મરક હસતા જોઈ રહેલી શ્વેતા આજે પરિવાર સાથે ખુલી ને હસી રહી હતી…

બપોરે થોડીવાર આરામ કર્યા બાદ એને પોતાની સ્કૂલ સમય ની એક ફ્રેન્ડ ને મળવાનું વિચાર્યું….બંને મિત્રો નજીક ના બગીચા માં મળ્યા….અઢળક વાતો નો ખજાનો ખોલી ને બેઠેલી એ સખીઓને જોઈ બગીચા ના સાહેલની પણ ખુશ થઈ ગયા…ફોન માં અગણિત સેલ્ફી લેનારી શ્વેતા આજે એની સ્કૂલ સમય ની મિત્ર સાથે પોતાના હૈયા માં જાણે યાદો ની સેલ્ફી લઈ રહી હતી.. પોતાની યાદગાર પળો ના આલ્બમ માં વધુ યાદો રૂપી ફોટા સંગ્રહી રહી હતી…શ્વેતા ઘરે પરત ફરી.પપ્પા ઓફિસથી આવી ચુક્યા હતા.

સૌએ ભેગા મળી ને સાંજ નું જમવાનું પતાવ્યું.શ્વેતા ને આજે પરિવાર માં રોજ કરતા વધુ ભડતી જોઈ બધા પ્રસન્ન હતા..જમ્યા પછી રોજ મોબાઈલ માં મિત્રો સાથે મેસેજ ની આપ લે કરતી શ્વેતા આજે ટીવી જોવા માટે પોતાના નાના ભાઈ સાથે રિમોટ માટે લડી રહી હતી..વર્ષો પછી ઉઠેલો ભાઈ બહેન નો મીઠા ઝગડા નો કલબલાટ ઘરના અન્ય સભ્યો હસતા મોઢે માણી રહ્યા હતા..ભાઈ પાછળ દોડાદોડી કરતી શ્વેતા પોતાના વ્હાલા પ્રિયતમ જેવા ફોન ને વિસરી ચુકી હતી..દિવસભર ની ઘટના રોજ ની જેમ જ સામાન્ય હતી પણ આજે શ્વેતા રોજ કરતા વધુ પ્રફુલ્લિત જણાઈ રહી હતી…કારણ એને આજે ખાલી દિવસ વ્યતીત નહોતો કર્યો પણ જીવી લીધો હતો.

મને ગેમ રમ્યા વગર ઊંઘ નથી આવતી મમ્મી એમ કહેતી શ્વેતા આજે મીઠી નિંદ્રા માં ક્યારે પોઢી ગઈ એને ખૂદ ને પણ જાણ ન થઈ….સુતેલી શ્વેતા ના ચહેરા હજી પણ દિવસભર માણેલા પળો નું સ્મિત રેલાઈ રહ્યું હતું. બીજા દિવસે સવારે શ્વેતા આળસ મરડી ઉભી થઇ…સામે જ દાદાજી એની ઉઠવાની રાહ જોઈ ઉભા હતા.. “લે બેટા તારો મોબાઈલ…. તારો ડીઝીટલ ઉપવાસ પૂરો થયો” શ્વેતા ના હાથ માં ફોન ધરતા દાદાજી બોલ્યા

“દાદાજી તમને ખબર છે ઉપવાસ કરતા પહેલા એવું લાગતું હતું કે હું ફોન વગર કઈ રીતે રહી શકીશ..પણ કાલ નો દિવસ યાદ કરતા એમ લાગે છે કે હવે આ ફોન ની જરૂર જ નથી” આગળ ના દિવસને યાદ કરતા શ્વેતા એ દાદાજી ને કહ્યું “ના બેટા…આધુનિક યુગ માં આ ફોન નું ઘણું મહત્વ છે…અને એ યુગ માં ટકી રહેવા આ ફોન ની જરૂર તો પડે જ”દાદાજી ને વળતો જવાબ આપ્યો “તો પછી દાદાજી આ ડીઝીટલ ઉપવાસ કેમ?” શ્વેતા ના મન માં ઉદ્દભવેલો પ્રશ્ન શ્વેતા એ પૂછ્યો

“બેટા ઘણા બધા લોકો ના સંપર્ક માં રહેવાની લાલસા માં આપણે ક્યારે આપના લોકો થી દૂર થઈ જઈએ છે એની આપણને ખબર જ નથી રહેતી…આ ફોન પર આપનો કાબુ હોવો જોઈએ પણ અત્યાર ના જમાના માં આ ફોન આપણને કાબુ કરતો થઈ ગયો છે….બસ એટલે જ આ ડીઝીટલ ઉપવાસ ની મને જરૂર જણાઈ.. દાદાજીએ શ્વેતા ને સમજાવતા કહ્યું

“સાચી વાત છે દાદાજી…સેલ્ફી માટે ગાંડી હું કાલે એક પણ સેલ્ફી ન પાડી ને પણ ખુશ હતી…મિત્રો ને good morning ના મેસેજ કરતા મને મમ્મી ને ઉઠી ને જયશ્રી કૃષ્ણ કહેવાનું વધુ આનંદદાયક લાગ્યું..નૈસરગિક સંગીત મને મારા ધૂમ ધડાકા વાડા ગીતો કરતા વધુ ગમ્યું…રાત્રે નાના ભાઈ સાથે કરેલી મસ્તી મને ગ્રૂપ મેસેજ કરતા વધુ હસાવી ગઈ….thank you દાદાજી તમે મને આ ડીઝીટલ ઉપવાસ કરવાની ફરજ પાડી એ માટે” એટલું બોલતા શ્વેતા દાદાજી ને ભેટી પડી.

“શ્વેતા જ્યારે જ્યારે આ નાના લંબચોરસ બોક્સ મા રહેલા વ્યક્તિઓ સામે આપણી આસપાસ ના રહેલા વ્યક્તિઓનું મહત્વ જોખમાય ને ત્યારે એકાદ દિવસ આવો ડીઝીટલ ઉપવાસ ચોક્કસ કરી લેવો…. અને જો બંને વચ્ચે સમતુલા જાળવવી હોય તો દિવસમાં અમુક સમય પોતીકાઓ માટે ચોક્ક્સ ફાળવવો” ફરી શ્વેતા ને સમજાવતા દાદાજી એ કહ્યું

દાદાજી ની એક એક વાત શ્વેતા ને ગળે ઉતરી ગઈ હતી…એને મનોમન નક્કી કરી ને કહ્યું “દાદાજી હું તમને પ્રોમિસ કરું છું કે હવે હું કોલેજ થી આવ્યા પછી નો સમય રોજ ડીઝીટલ ઉપવાસ કરીશ…એ સમય ફક્ત મારી આસપાસ ના લોકો માટે ફળવેલો રાખીશ….once again thank you….આ ડીઝીટલ ઉપવાસ માટે.

લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ