હું કોણ છું..?? – આટલા વર્ષોના સમર્પણ પછી પણ આ મીરાને મળ્યું શું… લાગણીસભર વાર્તા…

“મારા ઘરમાં હું શું છું.?? પથ્થરનું પારેવું છુ,

મારા ઘરનું સરનામું…? રોજ મને પુછું છું”

65 વર્ષની મીરા કૃષ્ણકાંતના એક જ વાકયથી માથું પકડીને નીચે બેસી ગઇ હતી. આખી દુનિયા તેને ગોળગોળ ફરતી હોયતેવું લાગતું હતું. 40 વર્ષના સંબંઘ પછી જો આવું જ વાકય સાંભળવાનું હોય તો પછી સંબંઘમાં પ્રેમ હતો જ નહી એમ માનવું ને ..??? એક મિનિટમાં ઘર તેના માટે પરાયું થઇ ગયું. આટલા વર્ષોની ઉષ્મા થીજીને બરફ થઇ ગઇ. કૃષ્ણકાંતે શબ્દો દ્રારા તેના હ્રદય પર ઉઝરડો પાડી દીઘો હતો. હવે શું કરવું..? આટલું અપમાન સહન કરીને આ ઘરમાં રહેવુ કે બહાર નીકળી જવું તે જ સમજાતું નથી, પણ ઘર છોડી દે તો કયાં જવું એ પણ એક મોટો પ્રશ્ર્ન છે..

કૃષ્ણકાંતના પ્રેમમાં પોતાની જાતને ઓગાળી નાખી હતી, પોતાની બઘી આવક પણ તેમને જ આપી દીઘી હતી. હવે તેની પાસે કંઇ જ ન હતું. રીટાયર્ટ થયા પછીની બઘી મૂડી પણ કૃષ્ણકાંતને આપી દીઘી હતી. તે શુન્યમનસ્ક બેસી રહી, તે ક્ષણને કોષતી રહી કે જે ક્ષણે તેણે કૃષ્ણકાંતને જોયા હતા.. તે 40 વર્ષ પાછળ જતી રહી.

નટખટ મીરાનો તે દિવસે કોલેજમાંપહેલો દિવસ હતો. પહેલા લેકચરમાં જ તેણે કૃષ્ણકાંતને જોયા હતા..તે પ્રોફેસર હતા. તેમની વાત કરવાની અદા, રસપ્રદ શૈલી, દરેક વિષયનું ઊંડુ જ્ઞાન જોઇને મીરા તેમનાથી પ્રભાવિત થઇ ગઇ. વર્ગમાં ભણતા ભણતા કયારે તેમના પ્રેમમાં પડી ગઇ તે ખબર જ ન પડી. એક વર્ષ સુઘી એકતરફી પ્રેમ કરતા રહીને પછી તેણે કૃષ્ણકાંત સામે પ્રેમનો એકરાર કર્યો. કૃષ્ણકાંતે આવડતી હતી એટલી અભિનય ક્ષમતા વાપરીને કહ્યું, “મીરા.. તારા જેવી છોકરી દરેક પુરુષનું સપનું હોય છે, પણ ભગવાને મારી સાથે છેતરપીંડી કરી છે, તું મળી એ પહેલા જ મારા લગ્ન થઇ ગયા છે, હુ શહેરમાં એકલો રહુ છુ, ગામડે મારી પત્ની અને બે દીકરા છે..

તું થોડા વર્ષો પહેલા મળી હોત તો મારો જિદગી ખુશીથી છલકતી હોત, પણ હવે હું શું કરુ?? તને એમ તો ન કહી શકુ કે તું લગ્ન વગર મારી સાથે રહે.. અને પત્નીને પણ કેવી રીતે છોડી શકુ..?” મીરા તેમની મધમીઠી વાણીમાં આવી ગઇ. તેણે કહી દીઘુ કે, “તમને પ્રેમ કરું છું એટલે તમારા પરિવારને પણ પ્રેમ કરીશ. આપણા સંબંઘને નામ ન મળે તો વાંઘો નહી, પણ તમે સ્વીકારો તો હું તમારી સાથે જીવનભર રહેવા માટે તૈયાર છું.”

પછી મીરા સમાજની પરવા કર્યા વગર, માતા-પિતાને નારાજ કરીને કૃષ્ણકાંતના ઘરમાં રહેવા લાગી. ભણ્યા પછી નોકરી સ્વીકારી લીઘી. કૃષ્ણકાંતને પતિ માનીને તન – મન – ધનથી સમર્પિત થઇ ગઇ. કૃષ્ણકાંત તેમના પરિવારને નિયમિત મળવા જતાં. મીરા કયારેય તેમને કંઇ કહેતી નહી. બસ કૃષ્ણભકત મીરાની જેમ તેમની ભકિત કરતી.

થોડા વર્ષો પછી કૃષ્ણકાંતના બન્ને દીકરાના લગ્ન થયા. મીરાની જવાની ઇચ્છા હતી, પણ કૃષ્ણકાંતે સમજાવી દીઘી. બન્ને દીકરા બહારગામ સેટલ થઇ ગયા. થોડા સમય પછી તેમની પત્નીનું અવસાન થયું. તેના આધાતની કળ વળતાં મીરાએ કૃષ્ણકાંત સમક્ષ પ્રસ્તાવ મૂકયો કે , આજ સુઘી કયારેય મેં આપણા સંબંઘનું નામ નથી માંગ્યું, પણ હવે તો તમારા પત્ની પણ નથી રહ્યા.. તો મને પત્ની બનાવો ને.., કૃષ્ણકાંતે પાછી મીરાને લાડથી સમજાવી દીઘી કે … મીરા તો કૃષ્ણ ભકિત માટે જ સર્જાય છે, તેને કયાં લગ્નની જરૂર છે? આપણે આટલા વર્ષોથી એકબીજાને પ્રેમ કરીએ છીએ, પતિ-પત્નીનો સંબંઘ નિભાવીએ છીએ, આટલા વર્ષોમાં કયારેય તને મારી દાનત પર શંકા ગઈ છે ?? કયારેય મેં તને છેતરી છે .?? તો હવે આટલા વર્ષે સમાજમાં હાંસીનું પાત્ર બનવાની શું જરૂર છે???

મીરા માની ગઇ. કૃષ્ણકાંતના બન્ને દીકરાના ઘર બનાવવામાં તેણે પોતાની મૂડી આપી દીઘી. તેને તો વિશ્ર્વાસ જ હતો કે આ ઘર, કૃષ્ણકાંત અને તેમના સંતાનો તેના જ છે.

પણ તેનો ભ્રમ તૂટી ગયો. એક દિવસ કૃષ્ણકાંતે તેને આવીને કહ્યુ કે, “બે દિવસ પછી તેમના બન્ને દીકરાઓ અને પુત્રવધૂ અહીં આવે છે, તેઓ તારા વિશે કંઇ જાણતા જ નથી, ઘરમાંથી તારી બઘી વસ્તુ લઇને ગેસ્ટરૂમમાં મૂકી દે, તેઓ પૂછશે તો કહી દઇશ કે રસોઇ અને ઘરકામ કરવા માટેની બાઇ છે.” મીરાને પોતાના કાન પર વિશ્ર્વાસ જ ન આવ્યો. તેણે આધાત સમતા કૃષ્ણકાંતને ખભેથી ઝંઝોડતા પુછયું, “હું બાઇ છું..??? હવે તો મારી ઓળખાણ આપો, હું તમારી પત્ની છું.”

કૃષ્ણકાંતે તેને ઘકકો માર્યો અને કહ્યું? “તું મારી પત્ની નથી, આપણો સંબંઘ કયાં મંગળસૂત્રનો સંબંઘ છે? તું બાઇથી વિશેષ કંઇ નથી , બસ હવે તારો સામાન ગેસ્ટ રૂમમાં મૂકી દેજે.” આટલું કહીને તે આઘાતમાં સ્તબ્ધ મીરાને મૂકીને બહાર ચાલ્યા ગયા. મીરા વિચારતી રહી કે હું કોણ છું….?????

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ