ઉનાળામાં બહાર ફરવા તો જવાના હશો ને તો સ્કીનને કેવીરીતે બચાવશો આ ધોમ ધખતા તાપથી…

ઉનાળાની સિઝન આવી ગઈ છે સાથે સાથે વેકેશન પણ શરૂ થઈ ગયા છે અને વેકેશનમાં બહાર ફરવા જવાનું પ્લાનિંગ પણ ચાલી રહ્યું છે. ઉનાળામાં કોઈ ઠંડી જગ્યાએ જવા મળી જાય તો તો પુછવું જ શું તમે વેકેશન ગાળવા માટે હિલ સ્ટેશન પર પણ જઈ શકો છો અને સુંદર મજાના સમુદ્ર કિનારે પણ જઈ શકો છો.


પણ અહીં તકલીફ એ રહે છે કે તમે ફરવા જાઓ છો તો તમારે ફરવું તો પડશે જ તમે કંઈ ઘરમાંથી બહાર નીકળી હોટેલના રૂમમાં તો પુરાવા નથી જવાના. તમે કોઈ સમુદ્ર કિનારે હશો તો બિચ પર આંટો મારશો અને હિલ સ્ટેશન પર ગયા હશો તો ત્યાંના બજારો ત્યાંના મોન્યુમેન્ટ્સમાં આંટા મારશો છેવટે તમારે બહાર તડકામાં તો નિકળવું જ પડશે. અને તડકામાં ફરવાથી તમારા શરીરની ત્વચા ટેન થઈ જશે.


પછી ભલે તમે ગમે તેટલી સનસ્ક્રીન કેમ ન લગાવી હોય તમારી ત્વચા ટેન થવાની જ. પણ તેને ફરી પાછા પોતાના રંગમાં આવતા ઘણો સમય લાગી જાય છે જે તમને જરા પણ પસંદ નહીં પડે. કદાચ આ ભયથી જ તમે ફરવા જવાનું ટાળતા હશો અથવા ફરવા ગયા બાદ પણ તે જગ્યાનો ભરપુર આનંદ નહીં ઉઠાવી શકતા હોવ. પણ ચિંતા ન કરો આજની આપણી પોસ્ટમાં અમે સનટેન દૂર કરવાના નુસખા લાવ્યા છીએ.


આમ જોવા જઈએ તો સૂર્યના કારણે તમારી ત્વચા શ્યામ પડી જાય છે તે તમારી ત્વચામાં રહેલું એક મિકેનિઝમ જ છે જે તમને સૂર્યના યુવિ કિરણોથી બચાવે છે. તમે સૂર્યના તાપથી થતાં ટેનિંગને તો અવગણી નહીં શકો પણ આ નુસખાઓનો ઉપયોગ કરી તમે ફરી પાછો તમારી ત્વચાનો રંગ મેળવી શકશો.

ચણાનો લોટ અને દહીં


ચણાનો લોટ તમારા શરીર પરની મૃત ત્વચા તેમચ મૃત કોષોને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત તે તમારી ત્વચાને ઉજળી પણ બનાવે છે.
અને દહીં તો જાણે અમૃત જ સમજી લો. તેમાં એક હળવા બ્લિચિંગના ગુણો છે જે તમારી ત્વચાને ઉજળી તો બનાવે જ છે પણ તેને વધારે સુંવાળી પણ બનાવે છે.

આ પેક બનાવવા માટે તમારે

બે ચમચા ચણાનો લોટ

બે ચમચા દહીંની જરૂર પડશે.


બન્ને સામગ્રીને સરસ રીતે મિક્સ કરી તેની સ્મુધ પેસ્ટ તૈયાર કરી લેવી. હવે તૈયાર થયેલી પેસ્ટને તમારે સૂરજના તાપથી ટેન થઈ ગયેલી ત્વચા પર એપ્લાય કરવી. ત્યાર બાદ તેને 15-20 મિનિટ તેમજ છોડી દો. પેસ્ટ સુકાયા બાદ તેને નોર્મલ પાણી વડે ધોઈ લેવી અને સુંવાળા નેપ્કીનથી દબાવીને ત્વચા લુછી લેવી.

આ પ્રયોગથી તમારી ત્વચાનું મોઇશ્ચર થોડું ઓછું થઈ જશે માટે પ્રયોગ બાદ તરત જ તમારે મોઇશ્ચરાઇઝર લગાવી લેવુ. આ પ્રયોગનો ઉપયોગ તમે રોજ નાહતા પહેલાં કરી શકો છો.

દૂધ, મધ અને લિંબુ

દૂધ તમારી ત્વચાને સુંવાળી બનાવે છે તે તમારી ત્વચા પર સૂર્ય કિરણોના કારણે આવેલી કાળાશને દૂર કરે છે તેમજ ત્વચાને યોગ્ય ભેજ પણ પુરો પાડે છે.


લિંબુ ત્વચાને ઉજળી બનાવે છે અને મધ પણ સનટેન દૂર કરે છે. અને ત્વચાને ચમકીલી બનાવે છે.

તેના માટે તમારે જોઈશે

1 નાની વાટકી દૂધ, એક ચમચો મધ, અને 1 ચમચો લીંબુનો રસ

બધી જ સામગ્રીને મિક્સ કરી દેવી, હવે આ મિશ્રણને સૂર્યથી કાળી થઈ ગયેલી ત્વચા પર બરાબર લગાવી લેવું. તેને સુકાવા દેવું અને ત્યાર બાદ નોર્મલ પાણી વડે ધોઈ લેવું.

આ પ્રયોગનો ઉપયોગ તમે રોજ એકવાર કરી શકો છો.

લીંબુ-ખાંડનું સ્ક્રબ


આપણે બધા જાણીએ છીએ કે લીંબુ તમારા શરીરને અંદરથી તેમજ બહારથી શુદ્ધ બનાવે છે. લીંબુમાં કુદરતી બ્લિચ તેમજ ક્લિન્સિંગના ગુણો રહેલા છે. જેના કારણે તમારી ત્વચા ઉજળી થાય છે. તેનાથી તમારા શરીર પરની નિર્જીવ ત્વચા દૂર થશે અને એક નવી જ ત્વચાની પરત બહાર આવશે. અને જો તેમાં ખાંડને મિશ્રિત કરવામાં આવે તો આ પ્રોસેસ બેગણી ઝડપી થઈ જાય છે. તે પણ ત્વચાને સાફ કરે છે અને નિર્જીવ ત્વચાને શરીરથી દૂર કરે છે.

આ સ્ક્રબ બનાવવા માટે

એક લિંબુ, 1 ચમચી ખાંડ


એક ચમચી ખાંડમાં તમારે એકલીંબુને નીચોવી લેવાનું છે. ત્યાર બાદ તેને વ્યવસ્થિત મિક્સ કરી લેવું. હવે તે મિશ્રણને તમારી ત્વચા પર લગાવવું. ખુબ જ નરમ હાથે તેને વર્તુળઆકારમાં ઘસવું. આમ 5-6 મિનિટ કરવું ત્યાર બાદ તેને 10થી 15 મિનિટ તેમજ રહેવા દેવું. ત્યાર બાદ હુંફાળા પાણીએ ત્વચા ધોઈ લેવી અને નરમ નેપ્કીનથી હળવા હાથે દબાવી ત્વચા લૂછી લેવી. આ પ્રક્રિયાનું તમે અઠવાડિયામાં 3 વાર પુનરાવર્તન કરી શકો છો.

ટામેટાનો રસ અને દહીં

ટામેટાના રસ અને દહીંનું મિશ્રણ તમારી ત્વચાને એક શેડ ફેયર તો બનાવી જ દેશે પણ સાથે સાથે તે ત્વચાને સુંવાળી પણ બનાવી દેશે. અને સંપૂર્ણ સ્વચ્છ પણ બનાવી દેશે.


ટામેટાનો રસ એક કુદરતી ટોનરનું કામ કરે છે અને તમારી ત્વચા પરના છિદ્રોને સંકોચીને નાના બનાવી દે છે અને ત્વચા પરના વધારાના તેલને દૂર કરે છે. અને દહીં આપણે આગળ વાત કરી તેમ એક ઉત્તમ ક્લિન્ઝર અને બ્લિચ છે. જે તમારી ત્વચાને સુંવાળી પણ બનાવે છે. અને સાથે સાથે ભેજ પણ પૂરોપાડે છે.

તે માટે તમારે જોઈશે

એક ટામેટુ

એક ચમચો દહીં

સૌ પ્રથમ ટામેટામાંથી રસ કાઢી લેવો હવે આ રસમાં એક ચમચો દહીં મિક્સ કરી દેવું. તેની સ્મુધ પેસ્ટ બનાવી લેવી. તેને એક રસ થવા દેવા. હવે આ તૈયાર થયેલા મિશ્રણને ટેન થયેલી ત્વચા પર લગાવવું. ત્યાર બાદ તેને સુકાવા દેવું અને તેને નોર્મલ પાણી વડે ધોઈ લેવું. અને નેપ્કીનથી હળવેથી લુછી લેવું. આ પ્રયોગ પણ તમે રોજ એકવાર કરી શકો છો.


આ ઉપરાંત તમે તમારી ત્વચાને ટેનિંગથી રક્ષણ આપવા માટે કેટલીક તકેદારીઓ લઈ શકો છો. જેમ કે સનસ્ક્રીન લગાવીને બહાર નીકળવું, સાથે સનગ્લાસ અને હેટ પણ પહેરવા.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ