વડોદરાનું ઉમંગ ફાઉન્ડેશન કરે છે જોરદાર સમાજ સેવાનું કાર્ય, બાળકોને શીખવાડે છે મફતમાં યોગા અને કરાટે

વડોદરાનું ઉમંગ ફાઉન્ડેશન – શક્તિ પ્રોજેક્ટ હેઠળ આપી રહ્યું છે બાળકોને મફત યોગા-કરાટેનું શીક્ષણ

ઉમંગ ફાઉન્ડેશનને સોનાલીબેન વોરા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સંસ્થા છેલ્લા 9 વર્ષથી સમાજ સેવાનું કામ કરી રહી છે. આ સંસ્થા હેઠળ સ્ત્રી સશક્તિકરણ, ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોનો ઉદ્ધાર, દિવ્યાંગ બાળકોનો ઉદ્ધાર, ગ્રામીણ મહિલાઓનો ઉદ્ધાર તેમજ પર્યાવરણને સ્વચ્છ રાખવાના સમાજસેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે.

આ સંસ્થાના સ્થાપક સોનાલીબેન વોરાને તેમના ઉમદા કામ બદલ અત્યાર સુધીમાં અગણિત અવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જેમાં ગરવી ગુજરાત, ચક્ર અવોર્ડ, સીટી કા સિતારા, સોશિયલ એન્ટ્રપ્રિન્યોર, વુમન અચીવર અવોર્ડ, વુમન પ્લેનેટ્સ પ્રાઇડ અવોર્ડ, વુમન્ડ ડે અવોર્ડ (2019), તેમજ સોશિયલ ઇન્સ્પિરેશન ઓફ ધી યર અવોર્ડ પણ મળી ચુક્યો છે.

તાજેતરમાં આ સંસ્થાએ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું નામ છે ‘શક્તિ’. આ પ્રોજેક્ટ ખાસ કરીને હાલ સમગ્ર ભારતમાં જે રીતે સ્ત્રીઓની સુરક્ષા જોખમાયેલી છે તેને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ હેઠળ 10થી 20 વર્ષના બાળકો તેમજ કીશોર – કીશોરીઓ પોતાની જાતનું રક્ષણ કરી શકે તે માટે તેમને યોગ તેમજ માર્શલ આર્ટ્સ શીખવવામાં આવી રહ્યા છે.

હાલ આ પ્રોજેક્ટ સમગ્ર વડોદરામાં સફળ રીતે ચાલી રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં સંસ્થા અમદાવાદ શહેરમાં પણ આ પ્રોજેક્ટને વિસ્તારવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ સ્ત્રીઓ તેમજ બાળકો પોતાની રક્ષા ખુદ કરી શકે તેમજ પોતાના મનને પણ મજબૂત કરી શકે તે હેતુથી તેમને મફત ધોરણે માર્શલ આર્ટ તેમજ યોગ શિખવવામાં આવી રહ્યા છે.

બરોડા ખાતે આજવા રોડ, સેમતલાવ, સામા, તાન્દલજા, ગોત્રી, વાસણા અને ગોરવા ખાતે દર રવિવારે સવારે 7થી 10 દરમિયાન માર્શલ આર્ટ્સ તેમજ યોગની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. સોનાલીબેને જ્યારે આજવા ખાતે તેની શરૂઆત કરી ત્યારે ત્યાં માત્ર 60 સ્ટુડન્ટ્સે જ હાજરી આપી હતી પણ ધીમે ધીમે તેમની સંખ્યામાં વધારો થયો છે અને દર સેશને હવે 280 જેટલા સભ્યો યોગ તેમજ માર્શલ આર્ટ્સ શીખી રહ્યા છે.

સોનાલીબેન આ પ્રત્યે પોતાની લાગણી દર્શાવતા જણાવે છે, ‘મને તે જોઈને ખુબ આનંદ થાય છે કે ઘણા બધા લોકોએ ભેગા મળીને આ શક્ય બનાવ્યું છે. મારા નાનકડા સ્વપ્નને હકીકતમાં પરિવર્તિત કર્યું છે. હું તેનો યશ મારી આખી ટીમને આપું છું કે જેમણે મને હંમેશા સપોર્ટ કર્યો છે.’

સોનાલી બેન પોતાના આ પ્રોજેક્ટ વિષે જણાવતા કહે છે, ‘અમારી નવી પહેલ આ પ્રોજેક્ટને અમદાવાદમાં શરૂ કરવાની છે. અમને આશા છે કે અમને અહીં જેવી સફળતા મળી તેવી જ સફળતા ત્યાં પણ મળે. અમે એક સતકાર્ય કરી રહ્યા છે જ્યાં લોકો આત્મરક્ષા તેમજ પોતાના મન પર અંકુશ રાખતા શીખે તે પણ વિના મૂલ્યે.’

ચાલો જાણીએ ઉમંગ સંસ્થાના ફાઉન્ડર સોનાલી વોરા વિષે

વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતા સોનાલી વોરાએ છેલ્લા ઘણા વર્ષોથી પોતાની જાતને સમાજ સેવાને સમર્પિત કરી દીધી છે. તેમણે સમાજ કલ્યાણની શરૂઆત પોતાના જ બિઝનેસમાં મહિલાઓને રોજગાર આપીને શરૂ કરી હતી. માત્ર તેટલું જ નહીં પણ આ બિઝનેસમાંથી થતી આવકના લગભગ 50 ટકા ભાગમાંથી તેઓ પોતાની એનજીઓ ઉમંગ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે.

ઉમંગ ફાઉન્ડેશન દ્વારા તેઓ મેન્ટલી ચેલેન્જ્ડ બાળકોને આર્થિક રીતે પોતાના પગ પર ઉભા કરવા પ્રયાસ કરે છે આ ઉપરાંત તેઓ પર્યાવરણને સ્વચ્છ રાખવાના પણ અસરકારક પ્રયાસો કરી રહ્યા છે. અને તે વિષેની જાગૃતિ ફેલાવવા તેઓ અવારનવાર વિવિધ કાર્યક્રમો યોજતા રહે છે. ગયા વર્ષ એટલે કે 2018માં તેમને પોતાના સમાજસેવાના અઢળક કાર્યો બદલ 18 જેટલા અવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

સોનાલીબેને હૈદરાબાદ યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્કમાં માસ્ટરની ડીગ્રી મેળવી છે. તેમના પતિ ભારત સરકારમાં નોકરી ધરાવે છે. સોનાલીબેને સ્વનિર્ભર થવા માટે 2006માં પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો જેનું નામ બંસરી ક્રિએશન રાખવામાં આવ્યું. આ વ્યવસાયમાં તેઓ વિવિધ બ્રાન્ડના ટી-શર્ટ્સ બનાવવાનું કામ કરે છે અને તેઓ પોતાના આ વ્યવસાયમાં અન્ડર પ્રિવિલેજ્ડ મહિલાઓને આર્થિક રીતે પગભર થવા નોકરી પણ આપે છે.

આ પરથી પ્રેરણા મળતાં તેમણે 2011માં પોતાની સમાજ સેવા સંસ્થા ઉમંગ ફાઉન્ડેશનનો પાયો નાખ્યો. પોતાની એનજીઓ ચલાવવા માટે તેઓ પોતાના જ વ્યવસાયની 50 ટકા આવક વાપરે છે. સોનાલી બેનનું એવું માનવું છે કે જો સમાજની દરેક વ્યક્તિ પોતાની આવકનો 10 ટકા ભાગ જો સમાજકલ્યાણ હેતુએ વાપરે તો સમાજમાં ગરીબી જ ન રહે.

સોનાલી બેને ઉમંગ ફાઉન્ડેશનની શરૂઆત માત્ર છથી સાત મહિલાઓ સાથે કરી હતી. પણ આજે તેમની સાથે 100 કરતાં પણ વધુ સેવાભાવીઓ કામ કરી રહ્યા છે. જેમાંથી કેટલાક તો એમએસ યુનિવર્સિટિના વિદ્યાર્થીઓ છે.

બંસરી ક્રીએશનમાં વિવિધ બ્રાન્ડની ટી-શર્ટ તેમજ જેકેટનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે છે. અહીં 40 કરતાં વધારે મહિલાઓ કામ કરી આત્મનિર્ભર બની છે. માત્ર બપોરના 12થી સાંજના 5 સુધી કામ કરીને મહિલાઓ મહિનાના 8થી 10 હજાર રૂપિયાની કમાણી કરે છે. માત્ર આટલું જ નહીં પણ વડોદરાના ગ્રામીણ વિસ્તારોમાં બપોરના સમયે મહિલાઓને ગૃહઉદ્યોગ માટે તાલીમ આપીને તે ત્રણ કલાકમાં કામ કરીને મહિને બેથી ચાર હજાર રૂપિયાની કમાણી કરી રહી છે.

સોનાલીબેને પોતાની એનજીઓ સંસ્થામાં 2011માં તેમણે 4થી 5 લાખ રૂપિયાનું રોકાણ કરીને સંસ્થા હેઠળ મહિલાઓ માટે પાપડ- મઠિયા અને સેનેટરી નેપ્કીન બનાવવાના મશીનો પૂરા પાડી તેમને રોજગાર આપવામાં આવ્યો હતો. 2018 સુધીમાં લગભગ 300 કરતાં પણ વધુ મહિલાઓને તેમણે રોજગાર આપ્યો છે.

શહેરમાં પિંક ઓટો લાવવાનું આયોજન

સુરત અને અમદાવાદમાં જેમ પિન્ક ઓટો ચાલી રહી છે તેવી જ રીતે વડોદરામાં પણ વાઇફાઈવાળી પિન્ક ઓટો લાવવાનું આયોજન છે તે દ્વારા મહિલાઓને રોજગારી આપવાનું આયોજન છે. રિક્ષા ચલાવવા માટે 6થી પણ વધુ મહિલાઓએ નોંધણી કરાવી છે. આ પ્રોજેક્ટને આ વર્ષે સાકાર કરવાનું સોનાલી વોરાનું આયોજન છે.

મેન્ટલી ચેલેન્જ્ડ યુવાનોને સ્વનિર્ભર બનાવ્યા

છેલ્લા નવ વર્ષમાં તેમની સંસ્થામાં ઘણીબધી મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. મહીલાઓ કામ કરીને બે હજારથી માંડીને દસ હજાર સુધીની આવક દર મહિને કમાવી લે છે. આ ઉપરાંત 60 કરતાં પણ વધારે મેન્ટલી ચેલેન્જ્ડ યુવાનોને પણ તેમણે સલૂન, પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ વિગેરે જગ્યાએ તેમણે કામ અપાવી સ્વનિર્ભર બનાવ્યા છે. આ ઉપરાંત તેઓ મધ્યમ વર્ગના જે બાળકો આર્થિક તંગીના કારણે અભ્યાસ પુરો નથી કરી શકતાં તેમનો ખર્ચો ઉઠાવીને તેમને પણ મદદ કરી રહ્યા છે.

પર્યાવરણને સ્વચ્છ રાખવાની જાગૃતિ ફેલાવે છે

ઉમંગ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણને સ્વચ્છ રાખવા તેમજ સુધારવા બાબતે અવારનવાર જાગૃતિ ફેલાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. થોડા સમય પહેલાં 10થી 14 વર્ષના વિદ્યાર્થીઓની મદદ લઈ ગ્રીન વડોદરા અભિયાન હેઠળ ગોત્રી તળાવની સફાય કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન બાળકોએ લગભગ દસ કોથળા ભરીને પ્લાસ્ટિકનો કચરો ભેગો કર્યો હતો.

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે ગ્લોબલ વોર્મિંગની અસરને ઓછી કરવા માટે વૃક્ષારોપણ અત્યંત મહત્ત્વનું છે. ઉમંગ ફાઉન્ડેશને સંકલ્પ લીધો હતો કે વડોદરાના વાસણાથી ગોરવા વિસ્તારમાં 25000 વૃક્ષો વાવવામાં આવશે અને તેમણે તે સંકલ્પ પૂર્ણ પણ કર્યો છે. હવે આ વૃક્ષોનું જતન પણ તેઓ દ્વારા જ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે સંસ્થાના સતકાર્યો જોઈને સંસ્થાને માત્ર ભારત જ નહીં પણ સિંગાપુર, મલેશિયા, આફ્રિકા, ટોરેન્ટો, ભૂતાન વિગેરે દેશોથી સમાજને જાગૃત કરતા મહાનુભાવોને આમંત્રણ આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. સોનાલી બેનને તેમના કાર્યો બદલ તાજેતરમાં સુરત ખાતે આયોજીત કાર્યક્રમમાં વર્લ્ડ પીએચડી અવોર્ડ એનાયત કરાયો હતો.

જો તમે પણ આ સંસ્થામાં પોતાનું યોગદાન આપવા માગતા હોવ તો તમે umangfoundationn@gmail.com પર તેમનો સંપર્ક કરી શકો છો આ ઉપરાંત તમે ઉમંગ સંસ્થા દ્વારા કરવામાં આવતા સેવાકાર્યોની અપડેટ્સ પણ સોશિયલ મિડિયા દ્વારા મેળવી શકો છો.

ફેસબુકઃ https://www.facebook.com/Umangfoundationn/

તેમજ ઇન્સ્ટાગ્રામઃ https://www.instagram.com/umang_foundationn/?hl=en

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ