અદ ઉંચેરો ભારતીય નાગરિક ! રસ્તા પરના ખાડા જાતે પુરતા આ ટ્રાફિક પોલિસને એક સલામ !

ક્યાંક લખવામાં આવ્યું છે કે સદકાર્યની શરૂઆત પોતાનાથી જ થાય છે. મોરબીમાં પણ આવું જ એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. લોકો સમશ્યાઓ તો શોધી લાવે છે. પણ જે સમસ્યાની સાથે સાથે સમાધાન પણ શોધી લાવે તેના માટે તો ચોક્કસ માન ઉપજે જ.


અહીં વાત થઈ રહી છે ગુજરાતના એક એવા ટ્રાફિક પોલિસની કે જે માત્ર રસ્તા પર ઉભા રહીને માત્ર વાહનવ્યવસ્થા જ નથી સાંચવી રહ્યા પણ રસ્તાઓની સુરત પણ સુધારી રહ્યા છે. ટ્રાફિક પોલીસનું નામ સાંભળતાં જ તમારા મનોચક્ષુ પર ડંડો લઈને ઉભેલો કોઈ ટ્રાફિક પોલીસ દેખાશે જે કોઈને પણ હેલમેટ નહીં પહેરવા કે કોઈ નિયમ ભંગ કરવાથી દંડ ફટકારતો હશે.


પણ આ ટ્રાફિક પોલિસની વાત અનેરી છે. જે વિષે તમને જાણીને ગર્વ થશે. મોરબી નગરના રવાપર રોડ પર ટ્રાફિક પોલિસ દેવજીભાઈ ફરજ બજાવે છે. તેઓ પોતાની ટ્રાફિક પોલિસ તરીકેની ફરજ તો ચોક્કસ નિભાવે જ છે પણ એ સાથે સાથે તેમણે એક બીજી જવાબદારી પણ માથા પર લીધી છે. જે ખરેખર ગૌવર ઉપજાવનારી છે.


વાસ્તવમાં દેવજીભાઈ ચોમાસાના કારણે કે પછી કોઈ પણ કારણે ધોવાઈ ગયેલા રસ્તાઓને સ્વખર્ચે, જાત મહેનતે રીપેર કરવાનું કામ કરે છે. જો કે તેમાં તેમની મદદ તેમના સાથી કર્મચારીઓ પણ કરે છે. આ કામ તેઓ બે વર્ષથી કરી રહ્યા છે.


આમ તો વર્ષ દરમિયાન પણ ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તા પર તમે જ્યારે વાહન ચલાવતા હોવ ત્યારે રસ્તો ઓછો અને ખાડા વધારો દેખાતા હોય છે અને તેના કારણે સામાન્ય અકસ્માતથી લઈને ગંભીર અકસ્માતો પણ અવારનવાર બનતા રહે છે જેમાં લોકોના જીવ પણ જતાં હોય છે. અને હંમેશા આવી ઘટનાઓ બને ત્યારે પ્રશાસન તરફથી એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. પણ અહીં દેવજીભાઈએ એક નાગરિક તરીકે અદ ઉંચેરું કામ કરી બતાવ્યું છે.

દેવજીભાઈ ટ્રાફિક પોલિસમાં હેડ કોન્સ્ટેબલના પદ પર ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી તેઓ આ સદકાર્યમાં લાગી પડ્યાં છે. આ કામ તેમની કોઈ પણ જાતની ફરજમાં નથી આવતું તેમ છતાં તેમનામાં રહેલું એક નિઃસ્વાર્થ વ્યક્તિત્વ તેમને તેમ કરવા પ્રેરે છે. તેઓ ઇચ્છે તો આપણા બધાની જેમ આ ખાડા-ખડિયાને અવગણીને પોતાના કામમાં મસ્ત રહી શકે છે પણ એક સારા વ્યક્તિની આજ તો ઓળખ હોય છે કે તે કોઈપણ જાતનો લાભ જોયા વગર સારા કામ કરતો રહે.


દેવજીભાઈ દામજીભાઈ મોરબી શહેરના વિવિધ રસ્તાઓનાં ખાડાઓ તો પુરે જ છે પણ સાથે સાથે તેમની ફરજમાં આવતો જે પોઇન્ટ છે તેને પણ ચકચકાટ રાખે છે. તેમનો આ કામ કરવાનો એકમાત્ર હેતુ લોકોને ઓછી તકલીફ પડે તેનો છે. તેઓ નથી ઇચ્છતા કે રસ્તા પરના ખાડના કારણે અકસ્માત થાય અને લોકોને ઇજા પહોંચે.


તમને જણાવી દઈએ કે દેવજીભાઈ જે પોઈન્ટ પર ફરજ બજાવે છે તે રવાપર પોઈન્ટ પર મોરબીમાં સૌથી વધારે વાહનોની અવસરજવર રહે છે. અને તેઓ પોતાની ફરજ પુર્ણ નિષ્ઠાથી નિભાવી જાણે છે. આપણે બધાં આ સામાન્ય સમસ્યાઓને અવગણીને નવરાશના સમયે મજા માણતા હોય છે પણ દેવજીભાઈએ તો જાણે પોતાની નવરાશનો સમય શહેરના ખાડા પુરવા માટે જ રાખ્યો છે. કદાચ તેમને તેમાં જ બધી મજા મળી જતી હશે !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ