તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના ચાહકો માટે ખુશખબરી અને દુખદ સમાચાર બેય એક સાથે…

દાયકાથી પણ વધુ સમયથી અવિરતપણે લોકોને પેટ ભરીને હસાવતી પારિવારીક અને મિત્રતાનું સાચું દ્રષ્ટાંત પણ પૂરું પાડતી લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બંધાણી દર્શકોને હમણાં ઘણા સમયથી ફરિયાદ રહેતી હતી કે સિરિયલ એપિસોડના પ્લોટમાં કંઈક જામતું નથી; મજા નથી આવતી. તો સિરિયલના આ દર્શકોને માટે એક સાથે બે સમાચાર છે; જેમાં સૌથી પહેલાં તો જેમની વર્ષોથી રાહ જોવાઈ રહી છે, એવા લોકલાડીલા યુવા પત્રકાર પોપટલાલના લગ્ન.

જી હા, ગોકુલધામ સોસાયટીના બધાં ભાભીઓને માટે ખુશખબર છે કે એમની મહિલા મંડળની ટીમમાં વધુ એક મેમ્બરનો વધારો થવા જઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે માનીએ તો વર્ષ ૨૦૧૯ના શરૂઆતના તબક્કામાં જ એપ્રિલ – મે સુધીમાં સિરિયલમાં બે પાત્રોનો ઉમેરો થવા જઈ રહ્યો છે.

પત્રકાર પોપટલાલની અત્યાર સુધીમાં અનેકવાર સગાઈ તૂટી છે અને કેટલીય વાર તેઓ લગ્નમંડપ સુધી પહોચ્યા વિના જ વરરાજાના વસ્ત્રોમાં ઘરે પાછા ફર્યા છે. સિરિયલમાં આ એવું પાત્ર છે જે સોસાયટીના ફ્લેટમાં એકલા જ રહેતા હોવા છતાં બધાના પરિવારના સભ્યની જેમ રહે છે. આખરે, પ્રોડ્યુસર અસિત મોદીએ એમને પણ બેકલા કરી દેવાનો ઇરાદો સ્પસ્ટ કરી દીધો છે. હવે, આગળના એપિસોડમાં એ જોવું રહ્યું કે કઈરીતે અને કોની સાથે તેમના લગ્ન થશે. પોપટલાલની પત્ની સિવાય વધુ એક પાત્રનો પણ સિરિયલમાં ઉમેરો થશે એવું જાણકાર સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે.

હજુ આ સમાચારને સંપૂર્ણ પુષ્ટિ મળી નથી રહી એ પહેલાં વધુ એક સમાચારે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે એ છે, સૌના મોસ્ટ ફેવરિટ દયા ભાભીની ફરીથી એન્ટ્રી થશે કે નહીં એવી વિવિધ અટકળોનો બહુ જલ્દી નિવેડો આવી જવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

એ હાલો, એમ કરીને ગરબા ઘૂમી લેતાં દયાભાભીના પાત્રમાં મૂળ અમદાવાદના એન્કર, મોડલ ટર્ન એક્ટર દિશા વકાણી છેલ્લાં દોઢ વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર આવ્યાં નથી. ગોકૂલધામ સોસાયટીમાંના બધાં બહેનોની હાજરી વચ્ચે પણ જોશીલા દયાભાભીના રણકાર વિના સૂનું ચોક્કસ લાગે છે. સિરિયલ જ્યારે એની ટોચની સફળતાનો સ્વાદ ચાખી રહી હતી ત્યારે જ મુંબઈ સ્થિત ચાર્ટડ એકાઉન્ટટ મયુર પડિયા સાથે વર્ષ ૨૦૧૫માં દિશા વકાણીએ લગ્ન કર્યા હતાં અને વર્ષ ૨૦૧૭ની સપ્ટેંબર મહિનાથી જ એમણે મેટરનિટી લીવ લીધી હતી. ૨૦૧૮નું આખું વર્ષ તેઓ પડદા પર દેખાયા જ નહોતાં. તેઓ એમના મા પાસે રહેવા અમદાવાદ ગયાં છે, એવું જ અત્યાર સુધી બતાવાયું છે.

પ્રોડ્યુસર અસિત મોદી ઘણાં સમયથી દિશા વકાણીને ફરી પાછા લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ એમાં તેમને હજુ સુધી સફળતા મળી નથી. એવું જણાઈ રહ્યું છે કે હવે દયાભાભીના પાત્રનો અંત આવી જશે અથવા એમના સ્થાને કોઈ બીજું એ પાત્ર ભજવશે. ચેનલ અને નિર્માતા બંને એ એમને એમના સમયે શૂટિંગ શિડ્યુલ રાખવા સુધીની સવલત આપવાનું કહ્યું પરંતુ દિશાએ આ બાબતે ચોખ્ખી ના પાડી દીધી છે. એમને એના કરારને અટકાવીને પૂરો કરી દેવાનું કહ્યું છે. ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ અસિત મોદીની ટીમે પણ તેમના પાછા ફરવા પર આશા છોડી દીધી છે અને એમનો કોન્ટ્રાક્ટ પૂરો કરીને દયાભાભીના નામનું ચેપ્ટર પણ સિરિયલમાંથી ક્લોઝ કરી મૂકવાનું વિચારી રહ્યા છે.

અત્રે, એક વાત નોંધનીય છે કે ગત દોઢ વર્ષમાં જે રીતે ગોકુલધામ સોસાયટીના તહેવારો ઉજવાયા અને જુદા – જુદા પ્રકરણો થયાં એમાં ક્યાંય દયાભાભીની ખોટ સાલી હોય એવું લાગતું નહોતું. એથી વિશેષ એનો ટી.આર.પી. રેન્ક પણ આજ સુધી ટોપ ૫માં જળવાઈ રહ્યો છે ત્યારે જેઠાલાલની પત્નીનું પાત્ર અન્ય કોઈપણ ભજવે તોય કદાચ એ પણ ઝડપથી સ્વીકારી લેવાશે એવું લાગે છે, શો મસ્ટ ગો ઓન… બરાબર ને?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં દેખાડવામાં આવતી ભારતીય વિવિધતામાં એકતા જેવી ગોકુલધામ સોસાયટીમાં કોની એન્ટ્રી થશે અને કોની એક્સીટ થશે એ આગામી એપિસોડસમાં ઉત્સુકતાપૂર્વક  જોવું રહ્યું.