ક્રીકેટ વર્લ્ડકપનું એવું તે ઘેલુ લાગ્યું કે કારમાં 22 હજાર કિલોમીટરની સફર ખેડી પોહંચ્યા ઇંગ્લેન્ડ

શું તમે ક્રીકેટની આવી ઘેલછા ક્યારેય જોઈ છે ? આ પરિવાર છેક સિંગાપોરથી ઇંગ્લેન્ડ કારમાં સફર કરીને પહોંચ્યું તે પણ માત્ર ક્રીકેટ જોવા. જે માણસને ફરવા અને ક્રીકેટ જોવાનો શોખ હોય તેને પછી બીજા કોઈ બહાનાની શું જરૂર પડે ? આ પરિવાર પણ કંઈક તેવો જ છે. તેમને સાહસો કરવા ખુબ ગમે છે અને પ્રવાસ પણ કરવો ખુબ ગમે છે. અને સાથે સાથે પોતે ભારતીય છે એટલે ક્રીકેટ ફેન તો હોવાના જ.


આ ભારતીય પરિવાર હાલ સિંગાપોરમાં સ્થાયી છે. તેમણે 17 દેશોની સીમાઓ ક્રોસ કરીને, ભૂમધ્ય સમુદ્ર, આર્કટિક સર્કલના બે ટાપુઓ વટાવીને આ 22 હજાર કીલોમીટરનો પ્રવાસ કરી ઇંગ્લેન્ડ પહોંચ્યો છે. અને એવું નહીં કે નાનકડો પરીવાર પણ સંપૂર્ણ પરીવાર જેમાં ત્રણ પેઢીઓનો સમાવેશ થાય છે.

માથુર પરિવારના દીકરા-વહુ, તેમની ત્રણ વર્ષની દીકરી અને તેમના 67 વર્ષના પિતાએ સેવન સીટર કારમાં 17 બેગો સાથે આ મુસાફરીની શરૂઆત 20મે ના રોજ સીંગાપોરથી કરી હતી અને 48 દીવસ બાદ લંડનમાં પોહંચ્યા હતા. તેમને આશા છે કે તેમની આ સફર ચોક્કસ ફળશે જ્યારે ભારતની ટીમના હાથમાં વર્લ્ડકપ જોવા મળશે.

તમને મનમાં પ્રશ્ન થતો હશે અથવા તો લોજીક ઉભું થતું હશે કે વળી સિંગાપુરથી કારમાં આવવાની શું જરૂર હતી. તેઓ ફ્લાઇટમાં પણ આવી શક્યા હોત. પણ અનુપમ માથુર કંઈક અલગ જ કરવા માગતા હતા. અને 2019ના વર્લ્ડકપ સાથે પોતાની પણ એક સોનેરી યાદને જોડી દેવા માગતા હતા. માટે તેમણે આ સાહસ કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાની ગાડી પર તેમનો સમગ્ર રૂટ પણ પેઇન્ટ કરાવ્યો છે.

જો કે અનુપમનું આ કંઈ પહેલું સાહસ નહોતું. તેમણે આ પહેલાં પણ કારમાં હજારો કીલોમીટરની લાંબી મુસાફરી કરી છે. તેમણે કારમાં જ 36 દેશો ફરવાનો અને 96 હજાર કીલોમીટરની સફરનો રેકોર્ડ બનાવ્યો છે.

સિંગાપોરથી ઇંગ્લેન્ડ પહોંચવા માટે તેમણે 17 દેશોની સીમાઓ ઓળંગવી પડી જેમાં. સિંગાપોર, મલેશિયા, થાયલેન્ડ, ચીન, કિર્ગિસ્તાન, ઉજ્બેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, ફિનલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક, જર્મની, નેધર લેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ અને છેલ્લે ઇંગ્લેન્ડ. જો કે હજુ તેમનો ઇરાદો સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયરલેન્ડ સુધી પહોંચવાનો છે.

અનુપમ મૂળે પ્રવાસી જીવ છે. તેમને નાનપણથી જ ફરવું ખુબ ગમતું હતું. અને તેમને આખી દુનિયા કારમાં ફરિને જોવી હતી અને હાલ તેઓ પોતાનું તે જ સ્વપ્ન જીવી રહ્યા છે. મૂળે ચેન્નાઈના અનુપમ સિંગાપોરમાં એક બેન્ક સ્ટ્રેટેજિસ્ટ તરીકેનું કામ કરે છે. તે છેલ્લા 14 વર્ષથી સિંગાપોરમાં પોતાના કુટુંબ સાથે વસેલા છે.

અનુપમ માટે આ સફર કંઈ સરળ નહોતી રહી. પહેલાં તો તેમણે આખી જ સફરનું સચોટ પ્લાનીંગ કરવું પડ્યું. જેમાં તેમને તેમનો ભુતકાળનો અનુભવ કામ લાગ્યો. ત્યાર બાદ તેમણે જે જે દેશમાંથી પસાર થવાનું હતું તે-તે દેશના વિઝા લેવા પડ્યા અને કંઈ કેટલીએ પરમીશનો લેવી પડી.

માતાપિતા અને દીકરા સાથેની આ લાંબી મુસાફરી અનુપમે ખુબ એન્જેય કરી. રસ્તામાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં તેમની માતાએ રસોઈ બનાવી આપી અને ઘરથી દૂર હોવાનો ભાવ પેદા ન થવા દીધો. અનુપમના માતાપિતાનો જુસ્સો પણ તેમના જેવો જ હતો. શરૂઆતમાં તેમને પણ ચિંતા થઈ કે આ ઉંમરે બધુ કેવી રીતે થશે. પણ એક બાજુ નવું જગત જોવાની લાલચ પણ થઈ અને બધું સરસ રીતે પાર પડી ગયું.

આ કુટુંબ ભલે વર્લ્ડ કપની ભારતની બધી મેચ ન જોઈ શક્યું હોય પણ સેમી ફાઇનલ તો તે સ્ટેડિયમમાં બેસીને લાઇવ જ જોવાનું છે. અને આશા રાખે છે કે ભારત ફાઇનલમાં પોહંચી જાય અને તેઓ જલદી જ સ્ટેડિયમની ટીકીટો મેળવી લે. ભારત ફાયનલ જીતીને વર્લ્ડકપ ભારત લઈ જાય અને તેઓ ફરી મનમાં ઉત્સાહ ભરીને સિંગાપોર પરત ફરે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ