પ્રેમની વસંત બારેમાસ – વરસાદમાં ભીંજાયેલી તારી કાયા ગમે છે તું જ આખે આખી મારી આંખોને ગમે છે…

ચારેબાજુ ઘનઘોર વાદળો છવાયેલા છે, પુર ઝડપે ઠંડો પવન પણ આવી રહ્યો છે. વાદળાઓના કારણે આછેરો અંધકાર પણ જોવા મળી રહ્યો છે. એક બાજુ મન મુકીને મેહુલીયો વરસી રહ્યો છે તો બીજી બાજુ મોર કળા કરીને નૃત્ય કરતો હોય તેમ ઢેલને રીઝવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. વિજળીના કડાકા ભડાકાઓની સાથે મોરનો ટહુંકાર સંભળાઇ રહ્યો છે. મોર ઢેલને રીઝવવા માટે એ રીતે નૃત્ય કરી રહ્યો છે કે જો કોઇ યુવાન આ દ્રશ્ય જુએ તો તેને પોતાની પ્રિયતમા યાદ આવ્યા વગર ન રહે.

આવા અનરાધાર પડી રહેલા વરસાદમાં એક યુવતી ભીંજાઇ રહી છે. તેને પોતાનું ઘર પણ યાદ આવતુ નથી. બહાર ગામમાં આવેલ હોવા છતાં પણ પ્રિયા નામની યુવતિ વરસાદનો અનેરો આનંદ લુટી રહી છે. આજે પ્રિયા પોતાના ઘરે આવવાની હોય છે પરંતુ અનરાધાર વરસાદના કારણે પ્રિયા ઘરે કઇ રીતે આવશે તે વિચારીને તેનો પરીવાર થોડો ચિંતિત બની જાય છે. પ્રિયાને લેવા જવા માટે કોઇ સાધનની વ્યવસ્થા કરવા માટે પુછપરછ કરવામાં આવી રહી હોય છે ત્યાં જ પ્રિયાના ઘર પાસે એક માલ વાહક ગાડી આવી ને ઉભી રહે છે.

ગાડી માંથી એક આધેડ તથા એક યુવાન બહાર આવે છે. પ્રિયાના પરીવાર સાથે આ લોકો થોડા પરીચિત પણ હોય છે. પ્રિયાના પિતા સહિત પરીવારના લોકોની ચિંતા થોડી હળવી થઇ જાય છે. મહેમાનને ઘરમાં આવકારીને ચા પીવડાવવામાં આવે છે. પરંતુ ચા પીધા પછી મહેમાન કહે છે કે તમે કોઇ ચિંતામાં હોય તેવુ લાગે છે. પ્રિયાના પિતા કહે છે કે અમારી પ્રિયા આજે બાજુના ગામમાંથી ઘરે આવવાની હતી પરંતુ વરસાદના કારણે તે ઘરે પહોચી શકી નથી. તેને સાધન મળ્યુ હશે કે નહિ અને તે કઇ પરિસ્થીતીમાં હશે તે અંગે અમે ચિંતીત છીએ. આવેલ વ્યકતિએ કીધુ કે તમે સહેજ પણ ચિંતા ના કરશો. અમારો સિધ્ધાર્થ ગાડી લઇને પ્રિયાને લઇ આવશે. વિજળીના કડાકા ભડાકાઓની વચ્ચે વરસતા વરસાદમાં સિધ્ધાર્થ ગાડી લઇને બાજુના ગામમાંથી પ્રિયાને લાવવા માટે નિકળે છે.

વરસાદમાં ભીંજાવાના કારણે પ્રિયા આકર્ષક લાગી રહી છે. પ્રિયા જાણે સ્વર્ગની અપ્સરા હોય તેવી લાગી રહી છે. પ્રિયા પોતે ઘરે કઇ રીતે પહોચશે તે અંગે ચિંતા કર્યા વગર વરસાદનો આનંદ માણી રહી છે એટલામાં જ સિધ્ધાર્થ ગાડી લઇને આવી પહોચે છે. વરસતા વરસાદમાં સિધ્ધાર્થ પણ ગાડી વ્યવસ્થીત જગ્યાએ મુકીને પ્રિયાની સાથે ભીંજાય છે. વરસાદમાં ભીંજાયેલી પ્રિયાની કાયા સિધ્ધાર્થને ગમી જાય છે અને સિધ્ધાર્થ પ્રિયાની સામે જ એક નજરે સતત જોયા કરે છે. પ્રિયા થોડી શરમાય છે છતાં પણ સિધ્ધાર્થના હાથમાં હાથ નાખીને વરસાદમાં સાથે ચાલી રહી છે.

પ્રિયા પણ સિધ્ધાર્થ તરફ આકર્ષાય છે. થોડીવાર વરસાદમાં સાથે આનંદ માણ્યા પછી પ્રિયા અને સિધ્ધાર્થ ગાડીમાં બેસીને ત્યાથી રવાના થાય છે. રસ્તામાં પણ સિધ્ધાર્થ પ્રિયાને વાત વાતમાં સતત હસાવી રહ્યો છે અને તેના દિલમાં વધુને વધુ જગ્યા બનાવતો જાય છે. ગાડીમાંથી ઉતરતા પહેલા સિધ્ધાર્થ અને પ્રિયા એક બીજાને મોબાઇલ નંબર આપે છે. પ્રિયા પોતાના ઘરે સલામત રીતે પહોચતા પરીવારના સભ્યો પણ ખુબ જ રાજી થાય છે. થોડી વાર રોકાઇને સિધ્ધાર્થ પણ ગાડી લઇને પોતાના રોજીંદા ક્રમ મુજબ નિશ્ચિત કરેલા સ્થાને પહોચે છે અને મોડી રાત્રે પોતાના ઘરે પરત ફરે છે.

આખી રાત પ્રિયા અને સિધ્ધાર્થ મોબાઇલ પર મેસેજ દ્વારા વાત કરે છે અને એકબીજાની વધુ અંગત વાતો પણ જાણે છે. થોડા દિવસમાં જ સિધ્ધાર્થ અને પ્રિયા બાઇક ઉપર સાથે અમદાવાદ હરવા ફરવા માટે જાય છે અને ગાર્ડનમાં બેસીને પ્રેમની વાતો કરે છે. અમદાવાદમાં સિધ્ધાર્થ બાઇક પાછળ બેસાડીને પ્રિયાને ચારેબાજુ ફેરવે છે અને પ્રેમની મૌજ માણે છે. સિધ્ધાર્થ પોતાના ગામમાં નવો ધંધો શરૂ કરવાનું વિચારે છે અને તેના ઉદ્ઘાટનમાં પ્રિયાને ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ આપે છે. પ્રિયા પણ સમય કાઢીને સિધ્ધાર્થના નિમંત્રણને માન આપવા માટે આવવાનું નક્કી કરે છે.

પરંતુ આ સમયે સિધ્ધાર્થના પરીવારના સદસ્યોને પ્રિયા સાથેના પ્રેમ પ્રકરણની જાણ થઇ જાય છે. સિધ્ધાર્થનો પરીવાર નથી ઇચ્છતો કે કોઇ પણ સંજોગોમાં સિધ્ધાર્થના પ્રિયા સાથે પ્રેમ લગ્ન થાય. પરીવારના સભ્યો સિધ્ધાર્થને સમજાવે છે કે તું પ્રિયાને ભુલી જા. અમે તારા માટે સારી છોકરી શોધી આપીશુ. પરંતુ સિધ્ધાર્થના દિલ દિમાગમાં પ્રેમનો નશો ભરપુર ચડી ગયો હોવાથી તે પરીવારની વાત સાથે સહમત થતો નથી અને મનોમન પ્રિયા સાથે કોઇ પણ પરિસ્થીતીમાં લગ્ન કરવાનું નક્કી કરે છે.

સિધ્ધાર્થ તેના ખાસ મિત્રોને પોતાના પ્રેમની વાત કરે છે અને મિત્રો પણ સાથ આપવા માટે તૈયારી દર્શાવે છે. સિધ્ધાર્થ મોબાઇલ દ્વારા સતત પ્રિયાના સંપર્કમાં રહે છે અને પોતાની પરિસ્થીતી જણાવે છે. થોડા દિવસો પછી સિધ્ધાર્થ તથા પ્રિયાના પ્રેમ પ્રકરણની પ્રિયાના પરીવારના સભ્યોને પણ જાણ થઇ જાય છે અને પરીવારના કેટલાક સભ્યો ગુસ્સે પણ થઇ જાય છે. પરંતુ તેમ છતાં પણ પ્રિયા સિધ્ધાર્થ સાથે જ લગ્ન કરવા માટે મક્કમ છે. સિધ્ધાર્થ અને પ્રિયા વિપરીત પરીસ્થિતીમાં એક બીજાની સાથે અડીખમ ઉભા રહ્યા અને બન્ને પરીવારની મરજી ન હોવા છતાં પણ પ્રેમ લગ્ન કરવાનું નક્કી કરે છે.

સિધ્ધાર્થ અને પ્રિયા પોતાના અંગત મિત્રોનો સાથ સહકાર મેળવીને પ્રેમ લગ્ન કરવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરે છે. વિપરીત પરીસ્થિતી હોવા છતાં પણ સિધ્ધાર્થ તથા પ્રિયા પહેલાની જેમ જ મોબાઇલ દ્વારા સતત સંપર્કમાં રહે છે અને દિવસેને દિવસે પ્રેમ વધુ ગાઢ બની રહ્યો છે. તો આ બાજુ બન્નેના પરીવારના સભ્યોને પણ સહેજ અણસાર આવી જાય છે કે સિધ્ધાર્થ તથા પ્રિયા બન્ને એકબીજાના ગળાડુબ પ્રેમમાં છે અને જો પરીવારની મંજુરી નહી મળે તો પણ તેઓ ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.

જેના કારણે પરીવારના લોકો વધુ ચિંતત બની જાય છે અને સિધ્ધાર્થ તથા પ્રિયાને કોઇ પણ રીતે સમજાવવા માટે પ્રયાસો હાથ ધરે છે. સિધ્ધાર્થ તથા પ્રિયા બન્ને એક જ સમાજના હોવાથી સમાજના કેટલાક આગેવાનો લગ્ન કરાવી દેવાની તરફેણ કરે છે તો કેટલાક આગેવાનો આ રીતે થતા પ્રેમ લગ્ન અટકાવવા માટે પ્રયત્નો કરે છે. પરીસ્થિતી વધુ વિકટ બને તે પહેલા જ સિધ્ધાર્થ તથા પ્રિયા લગ્ન કરી લે છે અને થોડા દિવસો સુધી પરીવારથી દુર ચાલ્યા જાય છે. આવા સમયે તેમના ખાસ મિત્રો દ્વારા પ્રેમી પંખીડાઓને જરૂરી તમામ મદદ કરવામાં આવે છે.

સિધ્ધાર્થ તથા પ્રિયા લગ્ન કરીને સુખેથી ઘર સંસાર શરૂ કરે છે. થોડા દિવસો બાદ બન્ને પરીવારનો ગુસ્સો થોડો શાંત પડતા જ સિધ્ધાર્થ પત્નિ પ્રિયાને લઇને પોતાના ઘરે પાછો આવી જાય છે. ઘરમાં પણ પરીવારના સભ્યો ગુસ્સો ભુલીને પણ સિધ્ધાર્થ તથા પ્રિયાનું ઉમળકાભેર સ્વાગત કરે છે. વિકટ પરિસ્થીતીમાં પણ પ્રેમની પરીક્ષામાં સિધ્ધાર્થ તથા પ્રિયા સતત સંઘર્ષ કરીને પાસ થાય છે અને લગ્ન પછી પણ સંસારી જીવનનો અનોખો આનંદ માણી રહ્યા છે. થોડા વર્ષો બાદ સિધ્ધાર્થ પિતા તથા પ્રિયા માતા બને છે અને ઘરમાં નાના બાળકનું આગમન થતા પરીવારની ખુશીઓ બેવડાઇ જાય છે. સિધ્ધાર્થ તથા પ્રિયા વરસાદમાં ભીંજાવાની એ યાદગાર પળોને યાદ કરીને જીવન જીવી રહ્યા છે.

(સત્ય ઘટનાથી પ્રેરીત, નામ બદલેલ છે)

લેખક : નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ