પ્રેમની વસંત બારેમાસ – પત્નિએ કહ્યુ નાણાંની ભીડ તો ભાંગી જશે, એમા કાંઇ મનથી ભાંગી ન જવાય…

મોટા શહેરોની વૈભવી જીંદગીથી દુર નાનકડા શહેરમાં એક મધ્યમ વર્ગીય પરીવાર સુખ શાંતિથી રહે છે. પતિ સુરેશ સવારે વહેલા ઉઠી જઇને પોતાના રોજીંદા કામકાજ પતાવીને પુજાપાઠ કરે છે ત્યારે પત્નિ કોમલ કહે છે કે, તમે વહેલા ઉઠી ગયા તો મને જગાડાય તો ખરીને. તું ઘસઘસાટ મસ્ત મજાની ઉંઘમાં હતી એટલે ન જગાડી તેમ સુરેશે કહ્યુ. એ સારૂ હો તમને બધુ કામકાજ આવડી ગયુ છે એટલે મારી જરૂર નથી લાગતી એમ ને તેવો કોમલે પ્રશ્ન કર્યો. તારી જરૂર તો મારે જીંદગીભર રહેવાની જ છે, હવે ઉઠી જ ગઇ છું તો વાતોના વડા કર્યા વગર ગરમાગરમ ચા નાસ્તો બનાવ તેમ સુરેશે કહ્યુ.

વહેલી સવારમાં પતિ પત્નિનો પ્રેમાળ સંવાદ ચાલી રહ્યો છે અને પક્ષીઓનો મધુર કલરવ પણ સંભળાઇ રહ્યો છે. પૈસા ભલે ઓછા છે પરંતુ પતિ પત્નિ વચ્ચે અતુટ પ્રેમ છે. ચા નાસ્તો કરીને સુરેશ પોતાના કામકાજ અર્થે ઘરેથી બહાર નિકળે છે અને કોમલ ઘરના કામમાં વ્યક્ત બની જાય છે. ઘરનું બધુ જ કામ કોમલ જાતે કરે છે અને કેટલીક વખત કામમા ને કામમાં જમવાનું મોડુ થઇ જાય છે. કોમલને ફિલ્મી ગીતો સાંભળવાનો શોખ છે પરંતુ તે સવાર સાંજ ભગવાનનું ભજન કરવાનું નથી ચુકતી. કોમલને ખાસ ગણપતિ બાપા પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ છે.

સાંજ પડવા છતાં પણ પતિ ઘરે ન આવતા કોમલ ઘરના દરવાજા પાસે આવીને ઉભી રહે છે અને રસ્તા પર નજર કર્યા કરે છે. થોડીવાર પછી સુરેશ ઘરે આવે છે અને બન્ને સાથે જમવા બેસે છે. આજે તો તમારે બહુ મોડુ થઇ ગયુ છે અને તમે થાકી ગયા હોય તેમ લાગે છે તેમ કોમલે પુછ્યુ. સવારથી સાંજ કામ કામ ને બસ કામ જ કરવાનું હોય તો થાક લાગે તે સ્વાભાવીક છે, હું માણસ છુ કાંઇ મશીન નથી તેવો સુરેશે પ્રતિ ઉત્તર આપ્યો. આમ તમે નોકરી ક્યાં સુધી કરશો, દિવસ રાત મહેનત તમારીને કમાણી શેઠ કરે છે. કામના પ્રમાણે પગાર પણ મળતો નથી, થોડી હિમ્મત કરીને આપણે આપણો જ કોઇ નાનો મોટો વ્યવસાય શરૂ કરવો જોઇએ તેવી કોમલે સલાહ આપી.

તારી સલાહમાં દમ છે પરંતુ અત્યારે આપણા ખીસ્સા ખાલી છે અને પૈસા વગર કોઇ વ્યવસાય ન થઇ શકે, એમ પણ નોકરીને વ્યવસાય બન્ને પણ એક સાથે ન જ થઇ શકે તેમ સુરેશે કહ્યુ. હું ક્યા નોકરીને વ્યવસાય સાથે કરવાનું કહુ છું, વ્યવસાય શરૂ કરવો હોય તો નોકરી છોડવી પડે તેમ કોમલે ધીમા અવાજમાં કહ્યુ. આખરે પતિ પત્ની એ વાત પર સહમત થાય છે કે નોકરી કરીને હવે શેઠનું ઘર નથી ભરવુ પરંતુ પોતાનો વ્યવસાય કરીને સ્વમાનભેર જીવન જીવીશુ. સુરેશ પોતાની નોકરી છોડી દે છે અને ઘરમાં રોજીંદી જીવન જરૂરીયાતની વસ્તુઓ વેચવાનો વ્યવસાય શરૂ કરે છે.

શરૂઆતના થોડા મહિનાઓ સુધી સંઘર્ષ કરવો પડે છે અને પછી ધીમે ધીમે વ્યવસાય માફક આવી જાય છે. હવે સુરેશ ઘરેથી મોડો વ્યવસાય માટે જાય છે અને સાંજે સુર્યાસ્ત પહેલા ઘરે પાછો આવી જાય છે. નાનકડા પરીવારમાં થોડા પૈસા આવવાથી પણ મોટી ખુશી છવાઇ જાય છે. પરંતુ આ ખુશી બહુ લાંબો સમય સુધી નથી ટકતી. સુરેશનો સ્વભાવ માનવતાવાળો હોવાથી તે કોઇ ગ્રાહક ઉધારમાં માલ સામાન માંગે તો પણ આપી દે છે.

સુરેશના આ સ્વભાવનો કેટલાક લોકો ગેરફાયદો ઉઠાવે છે અને ઉધારીમાં લીધેલા માલ સામાના પૈસા ચુકવતા નથી. આવા અનેક લોકો દ્વારા પૈસા ન આપવાના કારણે સુરેશનો વ્યવસાય મંદ પડી જાય છે અને આર્થિક સ્થિતી દિવસે ને દિવસે વધુ કથળતી જાય છે. સુરેશ પાસે વહે દુકાનમાં માલ સામાન ભરવા માટે પણ પૈસા રહેતા નથી અને વેપારીઓ પાસે પણ ઉધારી વધી ગઇ હોવાથી ઉધારમાં માલ આપવા માટે તૈયાર નથી. વેપારીઓ દ્વારા સુરેશના ઘરે જઇને પૈસાની ઉઘરાણી શરૂ કરવામાં આવે છે પરંતુ સુરેશ પાસે પુરતા પૈસા ન હોવાથી તે પૈસા ચુકવી શકતો નથી અને માત્ર એટલો જવાબ આપે છે કે મારી પાસે પૈસા આવશે એટલે આપની તમામ રકમ ચુકવી દઇશ.

આ દ્રશ્ય જોઇને કોમલ ખુબ રડી પડે છે અને પોતાની પાસે રહેલા તમામ સોના ચાંદીના આભુષણો સુરેશના હાથમાં મુકીને કહે છે કે આ ઘરેણા વેચીને તમે વેપારીઓનું દેવુ ચુકવી દો. આ ઘરેણા તો તારા પિતાજીના ઘરના છે તેને હું ન વેચી શકૂ તેમ સુરેશ કહ્યુ. આ ઘરેણા આપણા છે, તમે ઘરેણા નહી વેચો તો હું વેચી આવીશ તેમ કોમલે કહ્યુ. કોમલના તમામ સોના ચાંદીના આભુષણો વેચીને સુરેશ દેવા મુક્ત થઇ જાય છે. પરંતુ વ્યવસાય બંધ થઇ જવાના કારણે ઘરનો ખર્ચ કઇ રીતે કાઢવો તે પ્રશ્ન સતત સુરેશને મુંઝવ્યા કરે છે. સુરેશ ફરીથી નોકરી કરવાનું વિચારે છે પરંતુ કોમલ ફરીથી રોકે છે અને કહે છે કે ઘરમાં મરચુ ને રોટલો ખાશુ પરંતુ તમારે નોકરી નથી કરવાની.

જરૂર પડ્યે ઉપવાસ પણ કરશુ તેમ કોમલે કહ્યુ. પણ નોકરી વગર ઘર કઇ રીતે ચાલશે, આપણે શુ ખાશુ તેવો સુરેશે પ્રશ્ન કર્યો. નાણાંની ભીડ તો ભાંગી જશે, એમા કાંઇ મનથી ભાંગી ન જવાય, આપણે બન્ને સાથે મળીને કરી શકીએ તેવો કોઇ વ્યવસાય ફરીથી શરૂ કરીશુ તેમ કોમલે કહ્યુ. થોડા દિવસો પછી કોમલ બજારમાં જઇને કરીયાણાની વસ્તુઓ અને શાકભાજી લઇ આવે છે અને થોડા લોકો માટે ટીફીન બનાવવાની શરૂઆત કરે છે. કોમલ રસોઇ બનાવે છે અને સુરેશ ઘરે ઘરે જઇને લોકો સુધી ટીફીન પહોંચાડે છે. કોમલના હાથની રસોઇનો સ્વાદ લોકોને ગમી જાય છે અને થોડા મહિનાઓમાં જ બસ્સોથી પણ વધુ લોકો ટીફીન માટેના ગ્રાહક બની જાય છે.

હવે સમય ફરી પાછો બદલાય રહ્યો છે અને કોમલે લોકોને પોતાના ત્યાં લોકોને નોકરીએ રાખવાની શરૂઆત કરી છે. કોમલ ફરીથી પતિને પ્રેમની સાથે હિમ્મત આપે છે અને હોટલનો વ્યવસાય કરવા માટે કહે છે. થોડા પૈસા ભેગા થઇ ગયા હોવાથી કોમલ અને સુરેશ અપાર પ્રેમ સાથે મસ્તીથી જીવન જીવી રહ્યા છે અને હોટલનો વ્યવસાય શરૂ કરે છે. ટીફીનની જેમ હોટલનો વ્યવસાય પણ રોકેટ ગતીએ આગળ વધે છે અને બન્ને પતિ પત્નિ વ્યવસાયની સાથે એકબીજાની સાથે વધુને વધુ સમય પસાર કરી રહ્યા છે. એક દિવસ કોમલ કહે છે કે સાંભળો છો, આજે તમે હોટલ પર ન જાવ તો?

હું ન જાવ તો હોટલ પર એવા માણસો છે કે તે આપણી હોટલ ચલાવી શકે છે અને સાંજે હિસાબ કરીને નફાના પૈસા પણ આપી જાય તેમ છે તેમ સુરેશે કહ્યુ. હવે કોમલ તથા સુરેશ બન્ને સાથે મળીને સમાજ સેવાના તથા દરીદ્રનારાયણની સેવા કરવાનું શરૂ કરે છે અને કોઇ ગરીબને આર્થિક મદદ કરવાને બદલે, ગરીબ પોતે આર્થિક રીતે પગભેર થાય તેવા પ્રયત્નો શરૂ કરે છે. અનેક ગરીબ પરીવારોને વ્યવસાય માટે આર્થિક મદદ કરીને કોમલ તથા સુરેશે પગભેર બનાવ્યા છે. એક દિવસ અચાનક સુરેશ કાપડની વજનદાર પોટલી કોમલના હાથમાં મુકે છે અને કોમલ જેવી પોટલી ખોલે છે ત્યાં તેની ખુશીનો કોઇ પાર નથી રહેતો.

સુરેશે વેચેલા તમામ ઘરેણાઓ પાછા લઇ આવે છે અને કોમલને તે ઉપરાંત બીજા સોના ચાંદીના ઘરેણાઓ પણ સાથે આપે છે. તમે આટલુ બધુ મારા માટે લાવ્યા છો તો તમારા માટે શુ લાવ્યા છો તેવો કોમલે પ્રશ્ન કર્યો ત્યારે સુરેશે કહ્યુ કે, આજે જે કાંઇ પણ છે તે તારા પ્રતાપે છે, બાકી હું તો ક્યાંરનો ભાંગી પડ્યો હોત પરંતુ તારા પ્રેમ તથા હિમ્મતના કારણે આજે હું સ્વમાનભેર જીવી રહ્યો છું. તારા જેવી પ્રેમાળ પત્ની હોય પછી મારે બીજી કોઇ જરૂર રહેતી નથી.

લેખકઃ- નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ