આજની પોઝિટિવ સ્ટોરી: 60 વર્ષની વયે 108 દિવસમાં 3500 કિમી નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી આ પ્રજ્ઞાબેને

108 દિવસમાં 3500 કિમી પદયાત્રા કરીને 60 વર્ષની વયે, નર્મદાની પરિક્રમા પૂર્ણ કરતાં કવયિત્રી-સર્જક-સમાજસેવિકા પ્રજ્ઞાબહેન પટેલ

ગુજરાતી ભાષાનાં જાણીતાં કવયિત્રી પ્રજ્ઞાબહેન પટેલે, આજે, 24મીમે, 2020ના રોજ નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી છે. સમગ્ર ભારતમાં નર્મદા જ એક એવી નદી છે જેની પરિક્રમા કરવાનો મહિમા છે. પ્રાચીન કાળથી લાખો લોકો તેની પરિક્રમા કરે છે.

image source

અમૃતલાલ વેગડે તો તેની પરિક્રમા કરીને સાૈંદર્યની નદી નર્મદા, પરિક્રમા નર્મદા મૈયાની અને નર્મદાના તીરે તીરે એવાં ત્રણ અદ્દભૂત પુસ્તકો પણ આપ્યાં. ધ્રવ ભટ્ટ પણ તત્ત્વમસિ લખીને ગુજરાતીઓના હૃદયમાં નર્મદા મૈયાનાં નવાં નીર વહાવ્યાં.

image source

પ્રજ્ઞાબહેને છટ્ઠી ફેબ્રુઆરી, 2020ના રોજ ઓમકારેશ્વરથી નર્મદા મૈયાની પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. 108 દિવસે, આજ રોજ તેમની નર્મદા પરિક્રમા પૂર્ણ થઈ. 60 વર્ષની વયે તેમણે એકલાં આ યાત્રા કરી. અલબત્ત, પરિક્રમા કરતાં કરતાં નવા નવા યાત્રિકોનો સથવારો તો મળતો જ જાય. તેમની સાથે ગાંધીનગરનાં એક બહેન ગયાં હતાં પણ તેઓ પાંચેક દિવસ પછી પરત ફર્યાં હતાં.

image source

નર્મદા મૈયાની પરિક્રમાનું ચોક્કસ અંતર નક્કી કરવું શક્ય નથી, કારણ કે જેમ જેમ પ્રવાહ ફંટાય તેમ તેમ રસ્તો જતો હોય છે. આમ છતાં અંદાજે 3200થી 3500 કિમી અંતર ગણાય છે. અમારા એક પારિવારિક મિત્ર, સબળસિંહ વાળાએ 75 વર્ષની વયે 110 દિવસમાં સડસડાટ આ યાત્રા પૂર્ણ કરી હતી. સેંકડો લોકો દર વર્ષે આ પરિક્રમા કરે છે. પ્રજ્ઞાબહેન કહે છે આવી યાત્રાથી જીવન અને મનના પાત્રમાં ઘણું ઉમેરાતું હોય છે.

તેઓ કહે છે કે આ એક વિકટ પરિક્રમા છે, નર્મદા મૈયાની કૃપા હોય, સંચિત કર્મોનાં પુણ્ય ભેગાં થયાં હોય, માતા-પિતાના આશીર્વાદ મળ્યા હોય તો જ તે શક્ય બને છે.

પ્રજ્ઞાબહેન પોતાની સાથે સૂવા માટેનું બેડિંગ અને કપડાં-લત્તાં વગેરે થોડો સામાન રાખતાં હતાં. એ સામાન જાતે ઉપાડીને જ ચાલવાનું હોય છે.

image source

પરિક્રમા કરતાં કરતાં કોઈ તબક્કે પ્રજ્ઞાબહેનને થતું હતું કે હવે પરિક્રમા પૂર્ણ થાય તો સારું, પણ બે દિવસ પહેલાં જેમ જેમ, પરિક્રમાનો છેલ્લો મુકામ, ઓમકારેશ્વર (જ્યાંથી પરિક્રમાનો પ્રારંભ કરવાનો હોય છે) આવતું ગયું તેમ તેમ મન ખાલીપાથી ભરાવા લાગ્યું. એકબાજુ ઓમકારેશ્વર પહોંચવાની તાલાવેલી અને બીજી બાજુ નર્મદા મૈયાનો સાથ હવે છુટશે એ વિચારથી મન એક જાતના સૂનકાર અને શૂન્યતાથી ભરાવા લાગ્યું હતું.

108 દિવસ પ્રજ્ઞાબહેનની તબિયત સરસ રહી છે. કોરોના વાયરસને કારણે વિશ્વ થંભી ગયું, પણ તેમની પરિક્રમા ચાલુ જ રહી હતી. તેઓ ફેસબુક પર નિયમિત રીતે અપડેટ કરતાં હતાં. તસવીરો અને વીડિયો મૂકતાં હતાં અને પચીસેક લેખો પણ તેમણે લખ્યા છે. પ્રજ્ઞાબહેન યાત્રાળુ, પર્વતારોહક અને પ્રવાસિની છે. તેમણે હિમાલયનો પ્રવાસ વારંવાર કર્યો છે. અઘરાં શીખરો પણ સર કર્યાં છે.

તેમની પાસેથી આપણને નર્મદા પરિક્રમાનું ઉત્તમ પુસ્તક મળશે તે નક્કી જ છે. એ પ્રસાદીનાં આપણે સાૈ અધિકારી છીએ. નર્મદા મૈયાની સાથે સાથે સાર્થક રીતે મૈયાની પરિક્રમા પૂર્ણ કરનારાં પ્રજ્ઞાબહેનને પણ ભાવપૂર્વક વંદન.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ