ફોટામાં મા સુખી – જીવતા માતા પિતાની કોઈ દરકાર નથી અને મૃત્યુ પછી આ દેખાડા શા માટે…

*ઘરના સભ્યો ભેગા થઇને બેસે છે, તે બેઠકરૂમ જુદો હોય છે.*

*અને ઘરના વડીલો બેસે છે, તે રૂમ જુદો હોય છે.”*

ઝવેરચંદ પરીખ કરોડપતિ નહી, અબજોપતિ હતા. તેમના ત્રણ દીકરા અલગ – અલગ ધંધો સંભાળતા હતા. ત્રણેયના મહેલ જેવા બંગલા હતા ઘરમાં નોકરોની ફોજ હતી. ઝવેરચંદ અને તેમના પત્ની સવિતામા ખૂબ સારા સ્વભાવના હતા. સમાજમાં તેમની મોટી નામના હતી. અઢળક નાણા આવ્યા પછી પણ તેમના પગ જમીન પરજ હતા. જરૂરીયાતમંદની હમેંશા મદદ કરતા. તેમના ઘરેથી કોઇ ખાલી હાથે પાછુ ન જતું. તેમના આવા સ્વભાવને કારણે લોકો તેમને ખૂબ માન આપતા અને તેથી જ તેમના ત્રણેય દીકરાનું માન પણ સમાજમાં જળવાતું.


ઝવેરચંદના મૃત્યુ પછી સવિતામા એકલા થઇ ગયા. તેમણે મોટા દીકરા અનિલના ઘરે રહેવાનું વિચાર્યુ. થોડા દિવસ તો બઘુ બરાબર ચાલ્યું, પણ પછી અનિલની પત્નીને સવિતામાને સાચવવાનુ ખૂંચવા લાગ્યુ. અનિલ તેને સમજાવતો કે, આપણે મોટા છીએ,એટલે મા ને સાચવવાની આપણી ફરજ છે. પણ તેની પત્ની દલીલ કરતી કે, મિલકતના ભાગ પાડતી વખતે મોટા તરીખે આપણને વઘારાની મિલકત મળી નથી, ત્યારે તો સરખા જ ભાગ થયાં હતા તો હવે મા ની ઉપાઘી આપણે જ શું કામ કરવાની ??

મા તેના ઉપાઘી લાગતી હતી. તે તેમને વિદાઇ કરવાનો પ્લાન કરતી. તેવામાં તેને મોકો મળી ગયો. અનિલને ધંધાના કામથી એક મહિનો અમેરીકા જવાનું થયું. બન્નેએ સાથે જવાનું નકકી કર્યુ. અનિલે મા ને કહ્યુ, ” મા અમે બન્ને એક મહિનો અમેરીકા જઇએ છીએ, તમે હવે વચેટ ભાઇ સુનિલના ઘરે જતા રહો.”


સવિતામા આમ પણ કંઇ બોલતા નહી. બસ આખો દિવસ પોતાના રૂમમાં સેવા-પૂજા કર્યા કરતાં. તેમણે ડરતા ડરતા સંકોચ સાથે કહ્યું, “બેટા.. એક મહિનાની જ વાત છે ને… તમે બન્ને જઇ આવો, હું અહી જ રહીશ., આમ પણ નોકરો તો રહેવાના જ ને..?” અનિલે પત્ની સામે જોયું, તેની આંખમાં નકારનો ભાવ જોઇને બોલ્યો, “ના. મા.. નોકરો તો તેમના કવાર્ટરમાં રહેશે, તમને નહી ફાવે, તમે સુનિલના ઘરે જતાં રહો.”

સવિતામા કંઇ ન બોલ્યા.બસ તેમને ફાળવેલા રૂમમાં ચાલ્યા ગયા અને પછી સુનિલના ઘરે જતા રહ્યાં. અઠવાડિયુ સુનિલના ઘરે વિત્યુ ત્યાં સુનિલે કહ્યું, ” મા અનિલભાઈ તમનેમારા ઘરે મૂકી ગયા છે, પણ મારે ધંધાના કામ માટે પંદર-વીસ દિવસ દિલ્હી જવું પડે તેમ છે, અમે બન્ને જઇએ છીએ, તમે નાનાભાઇ હરીશને ઘરે જતા રહો.


મા એ કંઇ દલીલ ન કરી. તેમને ખબર હતી કે કંઇ બોલવાનો ફાયદો નથી તે ફરી પાછા ભગવાનને લઇને હરીશના ઘરે ગયાં. હરીશની પત્નીને તો સાસુ બિલકુલ ગમતા જ ન હતા. તેમની સામે જ કહેતી કે, “બન્ને ભાઇઓ ફરવા ગયા અને આ ડોશી મને વળગાડતા ગયા.” સવિતામા આવા બઘા અપમાન સહન કરી લેતા. કયારેક ભગવાન સામે રડતા રડતા કહેતા કે, તમારે પણ મારી સાથે એક ઘરેથી બીજા ફરવું પડે છે…. કયારેક ઝવેરચંદના ફોટા સામે જોઇને ફરીયાદ કરતા કે, તમે તો નસીબદાર છો કે દીકરાઓની સારી છાપ લઇને ચાલ્યા ગયા, મને સાથે લઇ ગયા હોત તો મારે આવા અપમાન સહન ન કરવા પડત…


ચાર-છ દિવસ થયા ત્યાં હરીશે કહ્યું, ” મા.. મામાના ઘરેથી ફોન આવ્યો હતો, તે ખૂબ બિમાર છે, તમને યાદ કરે છે, તમે ત્યાં જઇ આવો” સાંભળીને સવિતામા તરત ત્યાં ગયાં, જઇને જોયું તો ભાઇને કંઇ થયું નહતું. તે મનથી બિલકુલ ભાંગી ગયા. દીકરાઓ છેક આ હદે જશે તેવું તેમણે વિચાર્યુ પણ ન હતું. ભાઇને બઘી વાત કરી તો ભાઈએ હવે તેમને પોતાના ઘરે જ રાખવાનું નકકી કર્યુ. પણ દીકરાઓથી તરછોડાયેલી મા માટે જીવન હવે આકરૂં થઇ ગયું. મનથી ભાંગેલી મા તનથી પણ ભાંગી પડી. ભાઇએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા, પણ એકપણ સારવાર કામ ન આવી અને પંદર દિવસમાં તે પતિ પાસે દીકરાઓની ફરિયાદ કરવા પહોંચી ગયા.


તેમના ભાઇએ ત્રણેય દીકરાઓને ખબર આપી દીઘાં. અનિલ અને સુનિલને તો ફરવા ગયા હતા ત્યાંથી પાછા ફરવું પડયું એ વાતનો કચવાટ હતો. ત્રણેય મા ને પોતાની સાથે લઇ ગયા, અને અંતિમવિઘી પૂરી કરી મા ના મોટા-મોટા ફોટા સાથે બઘા અખબારમાં ઉઠમણાની જાહેરાત છાપી, સાથે મા ને શ્રધ્ધાંજલી આપતી લાગણીશીલ કવિતા કયાંકથી ઉઠાંતરી કરીને લખી. ઝવેરચંદ અને ત્રણેય દીકરાઓની સમાજમાં ખૂબ સારી શાખ હતી એટલે ઉઠમણાંમાં ઘણા માણસો આવ્યા. ત્રણેય દીકરાઓ અને વહુઓ ચહેરા પર મા ગયાનો જુઠ્ઠો અફસોસ દેખાડતા હતા.


મા પાછળ બઘી જ ધાર્મિકવિઘી પણ મોટાપાયે કરી. સમાજમાં વાહ વાહ થાય તે માટે મા ના નામથી એક વૃધ્ધાશ્રમમાં મોટી રકમનું દાન પણ આપ્યું, સવિતામાનો ફોટો તે આશ્રમમાં મુકવામાં આવ્યો. બઘા વાહવાહ કરતા એમ કહેતા હતા કે, “સવિતામા ભાગ્યશાળી હતા.. દીકરાઓને કેટલી લાગણી છે…” પણ તેમણે કેટલી વેદના અને અપમાન સહન કર્યા હતા તે કોઇ જાણતું ન હતું.

આશ્રમમાં મુકાયેલી મા ની તસવીરમાં મા હસતી હતી. જાણે મૃત્યુએ તેને કેદમાંથી છોડાવી હોય.. જે મા ને જીવતા કોઇ રાખવા તૈયાર ન હતુ, તે મા ના નામે દાન કરીને દીકરાઓએ પોતાનું નામ મોટુ કર્યુ હતુ. પણ હવે મા ને કોઇ ફરિયાદ ન હતી. જીવતી હતી ત્યાં સુઘી દુ:ખી હતી.. પણ મૃત્યુ પછી ફોટો બનીને સુખી થઇ ગઇ.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ