મહિલા ક્રિકેટર મિતાલી રાજે સમગ્ર દુનિયામા વગાડ્યો ભારતનો ડંકો

ભારતીય મહિલા ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજે શનિવારે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મહિલા ખેલાડી બની ગઈ છે. તેણે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ઇંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સને પાછળ છોડી દીધી હતી. મિતાલીના હવે ત્રણેય ફોર્મેટમાં 10277 રન છે.

એડવર્ડ્સનો 10273 રનનો રેકોર્ડ તોડ્યો

image source

ઇંગ્લેન્ડ સામે વર્સેસ્ટર ખાતેની ત્રીજી વનડે મેચમાં 220 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 38 વર્ષીય મિતાલીએ 24મી ઓવરમાં એડવર્ડ્સનો 10273 રનનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે ઝડપી બોલર નાટ સાયંવરની ઓવરમાં ફોર મારીને આ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 7849 રન સાથે સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં ન્યુઝીલેન્ડના સુજી બેટ્સ ત્રીજા નંબરે છે.

મિતાલી રાજ, 12 જુલાઈ, 2017 ના રોજ વર્લ્ડ કપની 11મી આવૃત્તિમાં લીગ સ્ટેજ દરમિયાન તે એડવર્ડ્સને પાછળ છોડી વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની હતી. ઓસ્ટ્રેલિયા સામેની આ જ મેચમાં તે વનડે ફોર્મેટમાં 6000 રન બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી.

આ શ્રેણીમાં મિતાલી રાજ સૌથી વધુ રન બનાવ્યા

image source

ઇંગ્લેન્ડ સામે રમાયેલી વનડે સિરીઝમાં મિતાલી રાજે ખૂબ જ શાનદાર બેટિંગ કરી હતી. મિતાલી રાજે ત્રણેય મેચોમાં અડધી સદી ફટકારી હતી. સમગ્ર શ્રેણી દરમિયાન, મિતાલી રાજ એક છેડે ખૂબ મજબુતી સાથે ઉભી રહી હતી. મિતાલી રાજે પ્રથમ વનડેમાં 72 રન બનાવ્યા હતા. બીજી વનડેમાં મિતાલી રાજ 59 રનની ઇનિંગ રમી શકી, જ્યારે ત્રીજી વનડેમાં તેણે અણનમ 75 રનની ઇનિંગ રમીને ટીમને ક્લીન સ્વીપથી બચાવી હતી.

image source

આ શ્રેણીમાં મિતાલી રાજ સૌથી વધુ રન, સૌથી વધુ અર્ધસદી અને સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ખેલાડી બની. તમને જણાવી દઈએ કે 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનારી મિતાલી રાજે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 વર્ષ પૂરા કર્યા છે. સચિન તેંડુલકર સિવાય તે 22 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર બીજી ખેલાડી છે.

મિતાલીની વનડેમાં 57 ફિફ્ટી

image source

મિતાલીની વનડેમાં 57 ફિફ્ટી છે. મિતાલી રાજે વર્ષ 2019 માં ટી 20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 89 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચોમાં મિતાલીએ 17 અર્ધસદીની મદદથી 2364 રન બનાવ્યા છે. મિતાલી રાજે 11 ટેસ્ટમાં 1 સદી અને 4 અર્ધસદીની મદદથી 669 રન બનાવ્યા છે. ગયા મહિને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીએ 22 વર્ષ પૂર્ણ કર્યા. મિતાલી રાજ મહિલા વનડેમાં સૌથી સફળ કેપ્ટન બનવાની એક જીત દૂર છે.