મલકતો ચહેરો જોઇને લલચાયો છું હવે તું કહે એ કરવા તૈયાર છુ હું….

સવારનો સમય છે અને કોલેજ શરૂ થયા પહેલા જ કોલેજમાં કેટલાક યુવકોની ચહલ પહલ શરૂ થઇ જાય છે. યુવકોના હાથમાં હોકી, લાકડી, લોખંડની ચેન, ચપ્પુ જેવા હથીયારો જોવા મળી રહ્યા છે. કોલેજ કેમ્પસમાં પણ જાણે સન્નાટો છવાઇ ગયેલો જોવા મળી રહ્યો છે. એટલામાં જ અવાજ સંભળાય છે કે ક્યાં ગ્યો એ ધમકી આપનારો ટપોરી? આજે તો તેના હાથપગ નોખા થઇ જ જશે. કોલેજના દરવાજા પાસે અનેક કોલેજીયનો આવી ગયા હોય છે પરંતુ એક પણ વ્યક્તિ કોલેજ કેમ્પસમાં પ્રવેશવાની હિંમત નથી કરતી. કેમકે હંમેશા શાંત પ્રકૃતિ વાળો નયન આજે ગુસ્સામાં હોય અને આજે તે કોલેજના ડોન જેવુ વર્તન કરી રહ્યો હોય છે.

હા ચોક્કસ કોલેજના પ્રોફેસર સહિતના કર્મચારીઓ કોલેજમાં પ્રવેશ કરે છે પરંતુ તેઓ પણ થોડા ડરેલા હોય તેવા લાગી રહ્યા છે. એક બાજુ નયનના મિત્રો કોઇને શોધી રહ્યા હોય છે અને કોલેજના દરવાજા પાસે ઉભા રહેલા વિદ્યાર્થીઓને ધમકાવી રહ્યા હોય છે ત્યારે જ લાલ કલરની એક વૈભવી કાર કોલેજના દરવાજા પાસે આવે છે. કોલેજનો ચોકીદાર દરવાજો ખોલે છે અને કાર સીધી જ કોલેજ કેમ્પસમાં આવીને ઉભી રહે છે. લાલ કલરની કારના કાચ ચડાવેલા હોવાથી કારની અંદર કોણ બેઠુ છે તે જોઇ શકાતું નથી. નયન અને તેના મિત્રો પણ વિચારમાં પડી જાય છે કે કોઇ પણ વિદ્યાર્થી કોલેજ કેમ્પસમાં આવવાની હિમ્મત નથી કરતુ તો આ વળી કોણ આવી ગયુ હશે.

બધા વધુ વિચારે એ પહેલા તો લાલ કલરની કારનો જમણી બાજુનો કાચ ધીમે ધીમે નીચે ઉતરતો જણાય છે. નયનની નજર કાચ ઉપર જ મંડાયેલી હોય છે. કાચ નીચે ઉતરતા જ પ્રિયલનો ચહેરો જોઇને નયનના હાથમાંથી હોકી નીચે પડી જાય છે. ગુસ્સામાં લાગતો નયન એકદમ શાંત બનીને મુર્તિની જેમ ઉભો રહી જાય છે. પ્રિયલ પુછે છે કે નયન તું કોને શોધે છે? તું આજે કેમ ગુસ્સામાં છે? આજે તું કેમ ડોન બની ગયો હોય તેમ લાગે છે? પરંતુ નયન પ્રિયલના એક પણ પ્રશ્નનો જવાબ આપી નથી શકતો. તે બસ પ્રિયલ સામે જોયા જ કરે છે. પ્રિયલ ગાડીમાંથી નીચે ઉતરીને નયનનો હાથ પકડે છે અને કહે છે કે નયન તું જાગ. ક્યાં ખોવાઇ ગયો છું. આ તું શુ કરી રહ્યો છે એનુ તને ભાન છે?

નયન થોડા ઉચા અવાજમાં બોલે છે કે હું ભાનમાં જ છુ અને તારી તરફ કોઇએ આંગળી પણ ચિધી તો તેને હું છોડીશ નહી. એક બે ટકાનો ટપોરી બોની તારી છેડતી કરવાની ધમકી આપે એ તો નહી જ ચાલે. હવે તો કોલેજમાં નયન આમ જ રહેશે. નયન તું પણ ડોનની જેમ વર્તન કરીશ તો તારામાં અને એ ટપોરીમાં શુ ફરક રહેશે? તેમ પ્રિયલે ધીમા અવાજે કહ્યુ. પ્રિયલ તું મને તારી પ્રેમાળ વાતોમાં ન ફશાવીશ. આજે એ બોનીના હાથ પગ ભાંગી જ ગયા સમજ, બસ બોની મારા હાથમાં આવે એટલી જ વાર છે તેમ નયને કહ્યુ.

પ્રિયલે કહ્યુ બોની તારા હાથમાં નહી આવે, પણ હા જો તું વચન આપે કે બધાની જેમ તું બોનીની સાથે પણ સારૂ જ વર્તન કરીશ અને બોનીને માફ કરી દઇશ તો હું તારી મદદ કરી શકુ એમ છુ. હું તારી દરેક વાત માનુ જ છુ અને માનતો પણ રહીશ પરંતુ બોનીને માફ કરવાની વાત મારાથી માની શકાય તેમ નથી. બોની ગમે ત્યાં છુપાયો હશે ત્યાંથી શોધીને હું તેને સબક શીખવાડીશ. હવેથી બોની તારી છેડતીની વાત તો નહિ જ કરે પરંતુ કોલેજની કોઇ છોકરીની સામે જોવાની પણ હિમ્મત નહી કરી શકે તેમ નયને સ્પષ્ટ જણાવી દીધુ.

સામાન્ય રીતે નયન પ્રિયલના એક એક શબ્દને કઇ પણ વિચાર્યા વગર અમલમાં મુકતો હતો. પરંતુ આજે પ્રિયલના શબ્દોની પણ નયન પર કોઇ જ અસર ન થતા પ્રિયલ પણ થોડી ચિંતાતુર બનવા લાગી છે અને નયનને ગુસ્સો છોડવા માટે સમજાવી રહી છે. અનેક પ્રયત્નો કરવા છતાં પણ નયન કઇ પણ સમજવા તૈયાર ન થતા પ્રિયલ પણ ગુસ્સે થઇને નયનને સંભળાવી દે છે કે જો તું મારી વાત નહિ માને તો તું મને કાયમ માટે ભુલી જજે. હું તો મારા નયનને પ્રેમ કરૂ છું નહિ કે હાથમાં હથીયાર લઇને જાનવર બની ગયેલા ડોન નયનને. આ શબ્દો સાંભળતા જ નયન શાંત થઇ જાય છે અને કહે છે કે “મલકતો ચહેરો જોઇને લલચાયો છું, હવે તું કહે એ કરવા તૈયાર છુ” પ્રિયલ નયનને કહે છે કે તું પ્રોમીશ આપ કે બોનીને માફ કરી દઇશ. નયેને કહ્યુ પ્રોમિશ.

આજ સમયે પ્રિયલ તેની લાલ કલરની ગાડીનો દરવાજો ખોલે છે ત્યાં તો હાજર સૌ કોઇની આંખો પહોળી થઇ જાય છે અને નયન સહિત બધા હાથમાં હથીયાર લઇને ગાડી તરફ દોડે છે. પ્રિયલની ગાડીમાં બેઠોલો બોની ખુબ જ ગભરાય જાય છે અને પ્રિયલને બચાવવા માટે કરગરવા લાગે છે. પ્રિયલ ઢાલ બનીને ગાડી આગળ ઉભી રહી જાય છે અને નયનને કહે છે કે તે મને પ્રોમિશ આપ્યુ છે કે તું બોનીને માફ કીર દઇશ. હવે બોની તારી સામે આવતા તું ફરીથી શેતાનના બની જઇશ. આ સાંભળતા જ નયન અને તેના મિત્રો ઉભા રહી જાય છે. નયન મોટા અવાજે પ્રિયલને કહે છે કે જે વ્યક્તિએ તારી છેડતી કરવાની ધમકી આપી હતી તેને જ તે શરણ કેમ આપ્યુ? તું શાંત થા, હું તને આખી વાત સમજાવું છું એમ પ્રિયલે કહ્યુ.

પ્રિયલ નયનને આખો ઘટના ક્રમ સમજાવે છે કે જ્યારે તું અને તારા મિત્રો સાથે મળીને કોલેજમાં આવી ધમાલ મચાવી રહ્યા હતા ત્યારે બોની કોલેજના દરવાજા બહાર નાસ્તાની લારી પર જ ઉભો હતો. પરંતુ જેવો બોનીએ તારો ગુસ્સો અને રૌદ્ર રૂપ જોયુ એટલે તે ખુબ જ ગભરાય ગયો હતો અને કોલેજથી દુર જવા માટે રસ્તા પર દૌડી રહ્યો હતો. હું પણ કોલેજ આવવા માટે નીકળી હતી ત્યારે બોની મને જોઇ જાય છે અને ગાડી ઉભી રાખવા માટે વિનંતી કરે છે. મેં ગાડી ઉભી રાખી કે બોની તરત જ મારા પગમા પડી જાય છે અને આવી ધમકી આપવાની કે કોઇ પણ છોકરી સાથે ખરાબ વ્યવહાર ન કરવાની પ્રોમિશ આપે છે. બસ ત્યાંથી હું સીધી જ બોનીને લઇને કોલેજ આવી ગઇ છું.

નયન બોનીને કહે છે કે જો તું જે છોકરીની છેડતી કરવા માંગતો હતો એ જ છોકરીએ આજે તને બચાવ્યો છે. આજે પ્રિયલ ન હોત તો તું ક્યાં ખોવાઇ ગયો હોત. બોનીને પણ પોતાની ભુલનો પસ્તાવો થાય છે ને બધાની હાજરીમાં પ્રિયલ અને નયનની માફી માંગે છે અને નયન બોનીને માફ કરી દે છે. કોલેજના દરવાજા પાસે ઉભેલા બધાજ વિદ્યાર્થીઓ કોલેજમાં આવી જાય છે જેથી પહેલાની જેવું સુંદર વાતાવરણ જોવા મળે છે. નયન પણ પ્રિયલની વાત માનીને ખુશ થઇ જાય છે અને કહે છે કે તું ન આવી હોત તો હું આજે કઇક ખોટુ કાર્ય કરી નાખત. પરંતુ હવે તું આવી ગઇ છુ એટલે બધુ જ બરાબર થઇ ગયુ છે. હવે આપણે મુક્ત ગગનની નીચે નવરાશની પળો માણીશુ. પ્રિયલ કહે છે કે પ્રેમ તો આપણે કરીએ જ છીએ પરંતુ પરીક્ષા નજીક આવે છે તો વાંચવાનું પણ કરવુ પડશે. પ્રિયલ અને નયન બન્ને પ્રેમ કરવાની સાથે વાંચનને પણ પ્રાધાન્ય આપે છે અને પ્રેમની જેમ જ પરીક્ષામાં ઉત્તમ પરીણામ મેળવે છે.

લેખક- નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ