મદદ – નથી આજ સુધી તેમણે જોયા તેમને તો પછી કેમ લાખો રૂપિયાની મદદ કરી હશે….

*”આંસુઓને કયાં પાળ હોય છે? એ તો સરી જાય છે જયાં લાગણીઓના ઢાળ હોય છે…”*

રાત્રે બાર વાગ્યે મમ્મી – પપ્પાના રૂમમાંથી ઝઘડાનો અવાજ સાંભળીને આકાશ મુંજાઇ ગયો. આ ઝઘડા તો લગભગ રોજના હતા. આકાશ વાંચતો હતો પણ મમ્મીનો મોટેમોટેથી બુમો પાડવાનો અવાજ આવતા તે ડિર્સ્ટબ થઇ ગયો. મમ્મી પપ્પા તેની સામે કયારેય ઝઘડતાં નહી પણ એક રૂમમાં થતો ઝઘડો બીજા રુમમાં બેઠેલો આકાશ ન સમજે તેવો નાદાન તે ન હતો. ઝઘડાનું કારણ તેને ખબર જ હતી…. સુપ્રિયા..

બસ… આ એક નામ અને મમ્મીનો ગુસ્સો સાતમા આસમાને ચડી જતો, આકાશને ઘીમે ઘીમે સમજાવવા લાગ્યું હતું કે, તેના પપ્પા બિપીન પહેલા સુપ્રિયા નામની કોઇ છોકરીને પ્રેમ કરતા હતા. પણ ઘરનાની મંજુરી ન હોવાથી તેમણે આકાશની મમ્મી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી સગાસંબંઘીઓની વાતોથી વર્ષા સમજી ગઇ હતી કે બિપીને તેની સાથે પરાણે લગ્ન કર્યા છે. બસ, આ વાત પર તે ઝઘડતી રહેતી, બિપીન કયારેય સામે કંઇ બોલતો નહી.

આજે પણ મમ્મી પપ્પા કોઇના લગ્નમાં ગયા હતાં. ત્યારે કોઇએ સુપ્રિયાનો ઉલ્લેખ કર્યો હતો એટલે મમ્મી ઝઘડતી હતી તેવું આકાશને લાગ્યું. આજે તો બિપીન પણ મોટેમોટેથી બોલતો હતો. જેણે આટલા વર્ષોની શંકાથી કંટાળી ગયો હતો. તે ગુસ્સામાં તે બોલતો હતો…”શું.. રોજ એકની એક વાત લઇને બેસી જાય છે ? તારી સાથે લગ્નના આટલા વર્ષ પછી પણ એ તને નડે છે ? તે કયાં આપણી જિંદગીમાં ડખલ કરે છે ? કેટલા વર્ષ થયાં હું તેને મળ્યો પણ નથી પછી શું કામ તેનું નામ લઇને ઝઘડો કરે છે ? હું કંટાળી ગયો છું…”

આટલું કહીને બિપીન ઘરની બહાર જતો રહ્યો. વર્ષાએ રોકવાનો પ્રયત્ન પણ ન કર્યો. તેણે વિચાર્યુ કે હમણાં ગુસ્સો શાંત થશે એટલે ઘરે પાછો આવી જશે. પણ બિપીન ન આવ્યો.સવાર પડી એટલે વર્ષાને ચિંતા થઇ. આકાશ પણ રડવા વાગ્યો. આખો દિવસ બિપીન ન આવ્યો અને બીજા દિવસે તેની લાશ આવી. તેણે ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લીઘી હતી. વર્ષા રડતી રહી. રહી રહીને તેને પોતાની જાત માટે નફરત થવા લાગી. પસ્તાવામાં તરફડી રહી. આકાશ માટે મમ્મીને સંભાળવાનું અઘરૂ હતુ, પણ હવે શું થાય? ગમે તેટલો પસ્તાવો કરે પણ બિપીન પાછો આવવાનો ન હતો.

બિપીનના મૃત્યુના તેરમાં દિવસ સુઘી બઘા ઘરમાં આવતા રહ્યા, સહાનુભુતિના નામે વર્ષાના દુ:ખમાં વધારો કરતા રહ્યાં, બિપીનના આપઘાતનો બોજ વર્ષા પર નાખવા લાગ્યા. વર્ષા કંઇ જબોલી શકતી ન હતી. થોડા દિવસ પછી બઘાં દૂર થતા ગયાં. બિપીનની ઓફિસમાંથી થોડા ઘણા રૂપિયા આવ્યા હતાં તેમાંથી છ – આઠ મહિના તો નીકળી ગયા, પણ હવે પછીશું કરવું એ મોટો સવાલ હતો. વર્ષાએ પ્રાઇવેટ સ્કુલમાં નોકરી સ્વીકારી લીઘી, ઘરે પણ કામ કરતી, જેમ તેમ કરીને આકાશને ભણાવતી.

આમને આમ ત્રણ વર્ષ નીકળી ગયા. આકાશને બારમા ધોરણમાં સાયન્સમાં સારા માર્કસ આવ્યા. મેડિકલમાં એડમિશન પણ મળી ગયુ, પણ તેમાં ભરવાની ફી માટે વર્ષા ચિંતિત હતી. તે ઘીમે ઘીમે પોતાના દાગીના તો વેચી વેંચી જ ચુકી હતી, હવે ઘર વેચવાનું વિચારતી હતી. તે ઘર વેચે એ પહેલા એક દિવસ મનીઓર્ડરથી કોઇએ એક લાખ રૂપિયા મોકલ્યા, સાથે પત્ર હતો કે આ રૂપિયા આકાશના ભણતર માટે છે, આકાશ ડોકટર બને ત્યાં સુઘી તેને તકલીફ નહી પડે, રૂપિયા તેને મળતા રહેશે. આકાશ અને વર્ષા વિચારતા હતા કે આ કોણ હશે ?? પછી તો નિયમિત રીતે રૂપિયા મળતા રહ્યા. કોણ મોકલતું હતું તે સવાલનો જવાબ ન મળ્યો..

પણ એક દિવસ આવેલા પત્રમાં એક છેકાયેલો નંબર હતો. આકાશે બહુ મહેનત કરીને તે નંબર કોનો છે તે શોધ્યુ. પછી તે ઘરનું સરનામું શોઘીને ત્યાં ગયો, જઇને જોયુ તો એક સ્ત્રી હતી. પહેલા તો આકાશને જોઇને ચમકી ગઇ. પછી આકાશને ઘરમાં બોલાવ્યો. આકાશ ઘરમાં ગયો. ઘરમાં તેના પપ્પાનો હાર ચડાવેલો ફોટો જોઇને તે ચમકી ગયો. તેણે પુછયુ, “તમે કોણ છો ? અમારી મદદ શું કામ કરો છો?? મારા પપ્પાનો ફોટો અહીં કેમ છે ??”

તે સ્ત્રીએ કહ્યું, “બેટા… પહેલાં શાંત થા..મારુ નામ સુપ્રિયા છે, તને તો ખબર જ છે કે હું અને તારા પપ્પા લગ્ન કરવાના હતાં, પણ તેવું અમારૂ નસીબ ન હતું, તેમણે તો લગ્ન કરી લીઘા પણમેં ન કર્યા.. મારા કારણે તમારા ઘરમાં ઝઘડા થતા અને એટલે જ તારા પપ્પાએ આત્મહત્યા કરી તે મને ખબર પડી. તમારી મુશ્કેલીના સમયમાં સાથ આપવો એ મારી ફરજ છે , તેવું વિચારીને મેં મદદ કરી.”” “આન્ટી….તમે મહાન છો… ચલો ઘરે ચલો…” બોલતા બોલતા આકાશની આંખ ભીની થઇ ગઇ. સુપ્રિયા ના પાડતીરહી અને આકાશ પરાણે તેને ઘરે લઇ ગયો.વર્ષાને બઘી વાત કરી, સુપ્રિયાએ તેને પણ કહ્યુ કે, હું અહીં કેવી રીતે રહી શકું..? સમાજ શું કહેશે…??”

વર્ષાએ તેને અટકાવતા કહ્યુ, ” કયો સમાજ..? મારી મુશ્કેલીના સમયે કોણે મને સાથ આપ્યો ? મને સમાજની પરવા નથી, બિપીનના કુટુંબને પોતાનું સમજી મદદ કરી તો હવે અમે પણ તને કયાંય જવા નહી દઇએ” તેમ કહેતા વર્ષા સુપ્રિયાને ભેટી પડી. આકાશે જોયું તો બિપીન પણ ફોટામાં હસતો હતો.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ