મધ્ય પ્રદેશના સતપુડાની ગીરીમાળાના જંગલોમાં આવેલું છે પૃથ્વીનું નાગલોક. વર્ષમાં માત્ર એક જ વાર દર્શન ખુલે છે

હીંદુ ધર્મના મોટા ભાગના દેવી-દેવતાઓના સ્થળ હંમેશા કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાઓ પર આવેલા છે. તે પછી માતાજીઓના ધામમાં વૈષ્ણૌ દેવી હોય કે પછી અરાવલીમાં આવેલા અંબાજી માતા હોય. કે પછી અમરનાથમાં બિરાજતા શ્રી ભોળાનાથ હોય કે પછી કૈલાશ પર બિરાજતા શિવજી હોય.

હિંદુ ધર્મના દેવી દેવતાઓના કુદરતી પ્રાગટ્ય સ્થળો કુદરતી રીતે સૌંદર્યથી ભરપુર તો હોય જ છે પણ યાત્રાળુઓ માટે થોડા પડકારજનક પણ હોય છે. જેમ કે તમારે કૈલાશ માનસરોવરની યાત્રા માટે સ્પેશિયલ હેલ્થ ચેકપ કરાવવા પડે છે અને પછી જ તમે તેની યાત્રા કરી શકો છો !

હોશંગાબાદમાં પણ એવું જ એક સ્થળ આવેલું છે. આ સ્થાનને પૃથ્વીનું નાગલોક કહેવામાં આવે છે જેને નાગલોકનો માર્ગ અથવા તો નાગદ્વાર પણ કહેવાય છે. આ સ્થાન મધ્ય પ્રદેશના પંચમઢીના જંગલોમાં સ્થિત પહાડો પર આવેલું છે.

પંચ મઢીના જંગલોમાંથી પસાર થતો આ રસ્તો સીધો જ નાગદ્વાર લઈ જાય છે. આ નાગદ્વાર સુધી પહોંચવા માટે યાત્રાળુએ 7 પહાડોને વિંધીને એટલે કે સાત પહાડોને ચડી ઉતરીને જવું પડે છે. આ યાત્રા ડોઢ દિવસમાં પૂરી થાય છે.

આ યાત્રાની શરૂઆત યાત્રાળુ સવારે વહેલા કરે છે અને 16 કીલો મીટર સુધી તે સાત પહાડોના ચઢાણ ઉતરાણ કરીને નાગદ્વાર સુધી પહોંચે છે અને ત્યાં નાગ દેવતાના દર્શન કરીને પરત ફરતા તેમને બીજો દીવસ થઈ જાય છે.

સતપુડાના પહાડોમાં આવેલી નાગદ્વારની ગુફા લગભગ 35 ફૂટ લાંબી છે. એવી માન્યતા છે કે જે ભક્ત અહીં આવીને નાગદ્વારના દર્શન કરે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે. સતપુડા ટાઇગર અભિયારણ્ય હોવાથી અહીં સામાન્ય રીતે લોકો આવી જઈ નથી શકતાં પણ વર્ષમાં માત્ર એક જ વાર નાગદ્વારીની યાત્રા તેમજ દર્શનનો લાભ ભક્તો લઈ શકે છે.

અહીં દર વર્ષે નાગપાંચમના દિવસે મેળો ભરાય છે. જેમાં ભાગ લેવા લોકો ધોધમાર વરસાદમાં જંગલી જીવોના જોખમની ચિંતા કર્યા વગર જ કેટલાએ કીલો મીટર પગે ચાલીને પ્રદક્ષિણા કરે છે. આ યાત્રા નાગપાંચમના દસ દિવસ પહેલાથી શરૂ કરી દેવામાં આવે છે.

પુરાણોમાં જણાવ્યા પ્રમાણે સતપુડાની પહાડીઓએ નીચે દાનવોનું એક ભુગર્ભ નગર આવેલું છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણએ તે ભુગર્ભ નગરનો દરવાજો બંધ કરી દીધો હતો જેથી કરીને દાનવો પૃથ્વી પર ન આવી શકે.

આ પહાડોમાં ઘણી બધી ગુફાઓ આવેલી છે. જેમાં ચિંતામણીની ગુફાનો પણ સમાવેશ થાય છે. આ ગુફા લગભગ 100 ફૂટ લાંબી છે. આ ગુફાઓમાં નાગદેવની અગણિત મૂર્તિઓ આવેલી છે. નાગ દ્વાર ઉપરાંત અહીં સ્વર્ગ દ્વારની ગુફા પણ આવેલી છે જે અહીંથી માત્ર અરધા કી.મીના અંતરે આવેલી છે. અહીંના સ્વર્ગ દ્વારમાં પણ નાગદેવની ઘણી બધી મૂર્તિઓ આવેલી છે.

એવું કહેવાય છે કે બે દિવસ લાંબી આ યાત્રાને પૂર્ણ કરવામાં આવે અને ભક્તિભાવથી નાગદ્વારીના દર્શન કરવામાં આવે તો કાલસર્પ દોષ દૂર થાય છે. આ જંગલના ગોવીંદગીરી નામના પહાડ પર એક ગુફામાં શિવજીનું મંદીર આવેલું છે. જેમાં કાજલ લગાવવાની પરંપરા છે. આમ કરવાથી મનોકામના પૂરી થાય છે તેવું પણ કહેવાય છે. નાગદ્વારીની આ યાત્રા સેંકડો વર્ષોથી યાત્રાળુઓ દ્વારા કરવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ