50 લાખની અમેરિકન નોકરી છોડી બન્યા IPS અધિકારી, સાથે સાથે બાળકોના શીક્ષણ માટેની અનોખી ચળવળ પણ ચલાવી રહ્યા છે.

માણસના જીવનમાં શિક્ષિત હોવાથી વિશેષ બીજું કોઈ મહત્ત્વપૂર્ણ કામ નથી હોતું, કારણ કે શિક્ષિત સમાજ જ ઉજ્વળ ભવિષ્યનો પાયો નાખે છે. અને આજ પાયો દેશ અને દુનિયાનું નસીબ પલટવામાં મહત્ત્વની ભુમિકા ભજવે છે. માણસના જીવનમાં શિક્ષાના આ જ મહત્ત્વના કારણે, એક શિક્ષકની ભૂમિકા ખુબ જ મહત્ત્વની બની જાય છે.

એક શિક્ષક જ કોઈ વ્યક્તિમાં શિક્ષાનો ઉંડો પાયો નાખી શકે છે, જેના પર બુદ્ધિમતાની વિશાળ ઇમારત ઉભી કરી શકાય છે. જો કે એ જરૂરી નથી કે શાળામાં ભણાવનાર શીક્ષક જ તમને જ્ઞાન આપી શકે છે, પણ સામાન્ય જીવનમાં પણ ક્યારેક-ક્યારેક એવું બનતું હોય છે કે કોઈ રસ્તે ચાલતો માણસ જ તમને જીવનનો કોઈ મોટો પાઠ શીખવી જાય.

જરૂરી એ નથી કે સીખ આપનાર વ્યક્તિ કોણ છે, પણ મહત્ત્વનું એ છે કે તે આપણને શું શીખવી રહી છે ? આજનો આપણો આ લેખ શિક્ષણ સેવાના આ જ જુસ્સા સાથે જોડાયેલો છે. આ વાત એક એવા આઈપીએસ અધિકારીની છે જેમણે 50 લાખની નોકરી છોડી ભારતીય પોલીસ સેવાને પસંદ કરી અને પોલીસના ગણવેશમાં રહીને પણ બાળકોને શિક્ષિત કરવાનું ઉત્તમ કામ કરી રહ્યા છે.

અહીં વાત થઈ રહી છે પટના, બિહારના રહેવાસી સંતોષ કુમાર મિશ્રાની જે હાલમાં ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં આઈપીએસના પદ પર ફરજ બજાવે છે. સંતોષ કુમાર પટના જિલ્લાના એક મધ્યમવર્ગના પરિવારના છે, તેમના પિતા લક્ષ્મણ મિશ્રા નિવૃત્ત આર્મિ ઓફિસર છે અને તેમની માતા એક ગૃહિણી છે.

અમેરિકામાં મળેલી 50 લાખની નોકરી છોડી દીધી

સંતોષ કુમાર વર્ષ 2012 બેચના આઈપીએસ અધિકારી છે. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી 2004માં મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યાર બાદ તેમણે યુરોપની એક કંપનીમા એન્જિનિયરની નોકરી મળી ગઈ. સંતોષ કુમારે યુરોપમાં ચાર વર્ષ નોકરી કરી અને પછી અમેરિકા ગયા જ્યાં તેમને 50 લાખ રૂપિયાના પેકેજની ઓફર થઈ. તેમણે તે નોકરીને થોડા સમય બાદ જ વર્ષ 2011માં છોડી ભારત પાછા આવવાનો નિર્ણય કર્યો.

તેમણે વર્ષ 2012માં યુપીએસસીની પરીક્ષા પહેલા જ પ્રયાસમાં પાસ કરી ભારતીય પોલીસ સેવા જોઈન કરી. સંતોષ કુમાર જણાવે છે કે, “લગભગ ત્રણ વર્ષ સુધી તેમણે ન્યુયોર્કમાં 50 લાખના વાર્ષિક પેકેજ પર કામ કર્યું, પણ ત્યાં મારું મન નહોતું લાગી રહ્યું. મેં બાળપણથી જ મારા પિતાને આર્મીમાં જોયા હતા, અને ત્યાર થી મારા મનમાં દેશ સેવાની લાગણી જન્મી હતી. માટે 2011માં ન્યુયોર્કમાં મને મળેલી નોકરી છોડી હું પાછો ભારત આવી ગયો અને ભારતીય પ્રશાસનિક સેવાની જાતે જ તૈયારી શરૂ કરી દીધી.”

આઈપીએસના પદ પર રહીને બાળકોને ભણાવવામાં ખાસ રસ

સંતોષ કુમારની ગણતરી તે પ્રશાસનિક અધિકારીઓમાં થાય છે જે પોતાના ફ્રી સમયનો પણ સારી રીતે ઉપયોગ કરી જાણે છે. સંતોષ પોતાની સરકારી ફરજમાંથી બચતાં સમયમાં બાળકોને ભણાવે છે. તેમનું અત્યાર સુધીમાં જે વિસ્તારમાં પોસ્ટિંગ થયું છે, ત્યાં તે તે તરફ ખાસ ધ્યાન આપે છે કે તે પોતાની ફરજમાંથી થોડો ઘણો સમય કાઢીને પણ અસંપન્ન બાળકોની સાથે સમય પસાર કરે અને તેમને ભણાવે.

તેમને બાળકોને ભણાવવામાં એટલી હદે રસ છે કે તે હંમેશા પોતાની આસપાસના વિસ્તારની શાળાઓમાં જઈ બાળકોના વર્ગ લેવા લાગે છે. તે તેને પોતાની નૈતિક જવાબદારી માને છે અને એ પ્રયાસમાં રહે છે કે તેમના શિક્ષણ કાર્યથી વધારેમાં વધારે બાળકોને લાભ મળે અને તેઓ દેશનું નામ રોશન કરે.

તેઓ એવું સમજે છે કે સમાજને જેટલો શિક્ષિત કરવામાં આવશે તેટલો જ સમાજ આગળ વધશે અને દેશના વિકાસમાં તે પોતાનું કંઈક યોગદાન આપી શકશે. તેમનો એ જ પ્રયાસ રહે છે કે તે પોતાના ખાલી સમયમાં જેટલા બને તેટલા બાળકોના કામમાં આવે અને તેમને શિક્ષિત કરવામાં નાનકડો ફાળો આપી શકે.

એક પાંચમા ધોરણના બાળકથી પ્રેરણા મળી

સંતોષ કુમાર જણાવે છે કે, “જ્યારે હું અમરોહા જિલ્લામાં ફરજ બજાવતો હતો ત્યારે એક દિવસ પાંચમા ધોરણના એક બાળકે આવી મને કહ્યું કે તેનો એક મિત્ર 15 દિવસથી શાળાએ નથી આવતો અને તે તેને તેની ચિંતા થાય છે. મેં પણ તેની આ વાત પર ખાસ ધ્યાન આપ્યું અને તે બાબતે થોડી પુછપરછ કરી અને તે બાળકના ઘરે પોહંચી ગયો. ત્યાં મને ખબર પડી કે તે બાળક પોતાના પિતાની મિઠાઈની દુકાન પર તેમની મદદ કરવા ત્યાં કામ કરતો હતો. ત્યાર બાદ હું તે દુકાનમાં જાતે જ ગયો અને તેના પિતાને પણ મળ્યો.

મેં તેમને તેમના બાળકને શિક્ષિત કરવાના મહત્ત્વને સમજાવ્યું અને સદભાગ્યની વાત એ છે કે તેઓ મારી વાતને સમજી પણ ગયા અને પોતાના બાળકને ફરી શાળાએ પણ મોકલવા લાગ્યા.” તે આગળ જણાવે છે કે, “તે પ્રસંગથી મને ખુબ પ્રેરણા મળી અને મને એ પણ સમજાયું કે સમાજમાં જ્યાં સુધી શિક્ષાની ખુણે ખુણે પહોંચ નહીં હોય, ત્યાં સુધી સમાજનો યોગ્ય ઉદ્ધાર શક્ય નથી.” તે જણાવે છે કે, “કેટલાએ કુટુંબોની આર્થિક સ્થિતિ ઠીક ન હોવાના કારણે તો ક્યાંક દીકરા-દીકરીના ભેદભાવના કારણે શિક્ષણ દરેક બાળક સુધી નથી પહોંચી શકતું. અને હું આશા રાખું છું કે મારા દ્વારા કરવામાં આવી રહેલા શિક્ષણ કાર્યથી બાળકને લાભ પહોંચે અને તે દ્વારા તેનો ઉદ્ધાર થાય.”

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે કોઈ વ્યક્તિને શિક્ષિત કરવી તે એક ખુબ મોટી સેવા છે. જે આપણા સમાજને એક સુંદર ભવિષ્ય રચવામાં મદદ કરે છે. અને એ વાત પણ જગજાહેર છે કે કોઈ વ્યક્તિના વિકાસમાં યોગ્ય શિક્ષા એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સંતોષ કુમાર શિક્ષાના ક્ષેત્રમાં પોતાની જે કંઈ પણ સેવા આપી રહ્યા છે તે ખરેખર એક ઉત્તમ કાર્ય છે.

સંતોષ કુમાર પોતે જણાવે છે કે, “સમાજમાંથી ગુના દૂર કરવા અને લો એન્ડ ઓર્ડર સ્થાપવા તે મારી ફરજ છે, પણ તે સિવાય સમાજમાં રહીને સમાજ માટે કંઈક કરી શકું તો તેનાથી વિશેષ બીજું શું હોઈ શકે ?” હકીકતમાં જો સંતોષ કુમાર મિશ્રાની જેમ દરેક વ્યક્તિ કંઈક અલગ પહેલ કરે તો સમાજમાં ચોક્કસ પરિવર્તન આવશે.

અમે તેમના આ જુસ્સાને હૃદયથી બિરદાવીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે આપણે બધા તેમના જીવનામાંથી પ્રેરણા લઈ સમાજના વિકાસ માટે આપણા આપણા સ્તરે આપણી આપણી યોગ્યતા પ્રમાણે કંઈક યોગદાન આપીએ. એ પણ યાદ રાખવું જરૂરી છે કે જે જીવન બીજાના કામમાં આવી શકે તે જ ખરા અર્થમાં શ્રેષ્ઠ જીવન કહેવાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ