કેવી રીતે ઓળખવા ફેક ચાર્જર અને યુએસબી કેબલ, જાણો અને થઇ જાવ સાવધાન…

કેવી રીતે ઓળખવા ફેક ચાર્જર અને યુએસબી કેબલ


આજે માર્કેટમાં દરેકે દરેક વસ્તુઓની ડુપ્ટીકેટ કોપી ઉપલબ્ધ છે. પછી તે બ્રાન્ડેડ કપડાં હોય, ચોકલેટ્સ હોય, સ્માર્ટ ફોન હોય, સ્માર્ટ ટીવી પણ હોય તો આ બધી જ વસ્તુઓ ડુપ્લીકેટમાં પણ મળી રહેશે. આપણી સાથે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે કોઈ વસ્તુને અસલી સમજીને લઈ આવ્યા હોઈએ અને ઘરે આવીને જોઈએ તો તે નકલી નીકળે. માટે આપણે એક જાગૃત ગ્રાહક તરીકે હંમેશા આપણા ખરીદેલા સામાન પ્રત્યે સજાગ રહેવું જોઈએ. અને જ્યારે ક્યારેય પણ કોઈ નાની કે મોટી વસ્તુ ખરીદવા જઈએ ત્યારે તેનો થોડો અભ્યાસ કરીને જ માર્કેટમાં જવું. તો આજની અમારી પોસ્ટ આવા જ અસલી –નકલીની મુંઝવણ દૂર કરતી પોસ્ટ છે.


જો તમે નવું ચાર્જર ખરીદવા માગતા હોવ કે પછી નવો યુએસબી કેબલ. તો ખરીદતા પહેલાં અમારી આજની આ પોસ્ટ ચોક્કસ વાંચી લેજો. કારણ કે તમે માર્કેટમાંથી તો ચાર્જર કે યુએસબી કોડ લઈ તો આવશો જ પણ જો ઘરે આવીને તે બરાબર કામ ન કર્યા તો. અથવા ઘરે આવીને તમને લાગ્યું કે તે નકલી છે તો ? હા, બજારમાં નકલી ચાર્જર તેમજ યુએસબી કોડની ભરમાર છે. પણ જો તમે આવી રીતે છેતરાવા ન માગતા હોવ તો આજનો આ લેખ તમારા માટે જ છે. કારણ કે અહીં અમે તમને બતાવીશું કે અસલી અને નકલીમાં શું ફરક હોય છે.


અહીં ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓ માનતા હોય છે કે નકલી પ્રોડક્ટ વાપરવામાં કંઈ ખાસ જોખમ નથી હોતું તો તેવા લોકો એ જાણી લે કે ઘણા પ્રસંગો મિડિયામાં નોંધાયા બાદ એ સાબિત થઈ ગયું છે કે નકલી ચાર્જર, નકલી બેટરી, નકલી યુએસબી કેબલ્સ કે પછી નકલી એસેસરીઝ વાપરવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે. એ માત્ર તમારા સ્માર્ટફોનને જ નુકસાન નહીં પહોંચાડે પણ ક્યારેક તમારા શરીરને પણ નુકસાન પહોંચાડે છે. હા ક્યારેક તમને નકલી પ્રોડક્ટ લઈ આવ્યા અને તમે તેને તમારા ફોન સાથે વાપરવા લાગ્યા ત્યારે શરૂઆતમાં કદાચ કોઈ નુકસાન ન થાય પણ લાંબા ગાળે તે તમારા સ્માર્ટ ફોનને ડેમેજ કરે જ છે.

તો ચાલો જાણીએ નકલી અને અસલી ચાર્જર અને યુએસબી કેબલ વચ્ચેનું અંતર. આ જાણકારી મેળવી લીધા બાદ તમને માર્કેટમાંથી અસલી ચાર્જર અને યુએસબી કેબલ ઓળખવામાં સરળતા રહેશે.


ચાર્જરની ક્વોલીટી – માર્કેટમાં જ્યારે તમે દુકાનવાળા પાસે ચાર્જર માગશો અને તમારા હાથણાં ચાર્જર આવશે ત્યારે સૌ પ્રથમ તમે એ જોશો કે તે કેવું દેખાય છે. શું તે દેખાવે સારી ક્વોલીટીનું લાગે છે ? એક જેન્યુઇન ચાર્જરને તમને હાથમાં લેતા જ લાગશે કે આ એકદમ પર્ફેક્ટ છે, તે તમને હાથમાં લેતા જ મજબુત લાગશે. જ્યારે નકલી ચાર્જરને હાથમાં લેતા જ ખ્યાલ આવી જશે કે તે નીમ્ન કક્ષાના પ્લાસ્ટીકમાંથી બનેલું છે.

ચાર્જરનું વજન – જો તમે તમારું પોતાનું અસલી ચાર્જર તમારી સાથે જ લઈ આવ્યા હશો તો તમે નકલી અને તમારા પોતાના ઓરીજનલ ચાર્જરને હાથમાં લઈ તેના વજનને કંપેર કરી શકશો. સારી ક્વોલીટીના મટીરીયલમાંથી બનાવવામાં આવેલું ચાર્જર તમને ભારે લાગશે જ્યારે ઉતરતી ગુણવત્તાવાળુ નકલી ચાર્જર તમને હળવું લાગશે.


ચાર્જરના ખૂણા તેમજ તેની કીનારીઓ – જ્યારે તમે ચાર્જરને ધ્યાનથી જોશો ત્યારે જો તમને આપવામાં આવેલું ચાર્જર નકલી હશે તો તમે જોઈ શકશો કે તેની કીનારીઓ ફીનીશીંગવાળી નહીં હોય ત્યાં ક્યાંકને ક્યાંક તો પ્લાસ્ટીકની કીનારી કપાયા વગરની રહેલી જોવા મળશે. તેમજ તેના ખુણા પણ સમાન નહીં હોય, જ્યારે અસલી ચાર્જરમાં તમે જોશો કે તેની કીનારીઓ તેમ જ ખૂણા એકદમ પર્ફેક્ટ હશે. ક્યાંય પણ વધારાનું પ્લાસ્ટીક પણ તમને જોવા નહીં મળે.

ચાર્જર પરના જોડાણો – તમે જોશો કે તમારા ઓરીજનલ ચાર્જર પર વચ્ચે જ એક જોઈન્ટ હશે. આવો જ જોઈન્ટ નકલી ચાર્જર પર પણ જોવા મળશે પણ ઓરીજનલ ચાર્જર પરનો આ જોઈન્ટ એકદમ સ્મૂધ હશે જ્યારે નકલી ચાર્જર પરનું આ જોડાણ ખરબચડું હશે.

ચાર્જર પરનું યુએસબી કનેક્ટર પોર્ટ – અહીં પણ તમારે અસલી અને નકલી ચાર્જરની પરખ કરવા માટે તેની સ્મૂધનેસ તેમજ તેના ફિનિશિંગ પર ધ્યાન આપવાનું છે. જો નકલી હશે તો ફીનીશીંગ નહીં હોય. અને જો તે સ્મૂધ અને સીમેટ્રી તેમજ ફિનિશિંગ વાળુ હશે તો સમજવું કે તે અસલી ચાર્જર છે.
ચાર્જરનો પ્લગ – અહીં નકલી ચાર્જરની પ્લગ પીન થોડી આડી અવળી હશે અથવા તે દેખાવે થોડી નબળી લાગશે. પણ અસલી ચાર્જરની પીન તમને સીમેટ્રીવાળી અને મજબૂત લાગશે.


ચાર્જરમાંના યુએસબી કનેક્ટરનું જે કાણું હોય છે તે ઓરિજનલ ચાર્જરમાં પર્ફેક્ટ હોય છે જ્યારે નકલીમાં આ કાણું થોડું મોટું પણ હોય છે.

અસલી યુએસબી કેબલને કેવી રીતે ઓળખવો – તો તેના માટે તમે જોશો કે નકલી યુએસબી કેબલનો જે કનેક્ટીંગ પોઈન્ટ હોય છે તે ફોનમાં બરાબર ફીટ નથી થતાં એટલે કે તે પુરા ફોનમાં ફીટ નથી થતાં. કારણ કે તે અસલીની સરખામણીએ થોડા લાંબા આવે છે. પણ અસલીમાં આ કનેક્ટીંગ પોઈન્ટ માપનો હોય છે અને માટે જ તે તમારા ફોનમાં વ્યવસ્થિત ફીટ થઈ જાય છે.


માઇક્રો યુએસબી કનેક્ટર પરનું યુએસબી સીમ્બોલ – માઇક્રો યુએસબી કનેક્ટર પરનું યુએસબી સીમ્બોલ હોય છે તેમાં કેટલાક વેરિયેશન હોય છે. અસલી યુએસબી કેબલ કનેક્ટર પરનું જે સીમ્બોલ હોય છે તે હળવા કલરનું હોય છે અને તે લેસર ઇમ્પ્રિન્ટેડ હોય છે જ્યારે નકલી યુએસબી કનેક્ટર પરનો સિમ્બોલ ઘાટા કલરનો હોય છે.

ઓરીજનલ યુએસબી કેબલના વાયર થોડા હાર્ડ હોય છે. અને તમે તેને વાળ્યો હોય તો તે થોડી વાર બાદ સીધો થઈ જશે જ્યારે નકલી યુએસબી કેબલ થોડો સોફ્ટ હોય છે અને થોડા વપરાશ બાદ સાવ જ ઢીલો થઈ જાય છે.

અસલી યુએસબી કનેક્ટરને તમે ધ્યાનથી જોશો તો તેની જે નાનકડી ડબ્બી હોય છે તેના પર એક નાનકડો ઘોબો હોય છે. જ્યારે અસલી યુએસબી કનેક્ટરના શેલ પર તે જગ્યા સાવ જ ફ્લેટ હોય છે.


અહીં અમે તમને એટલું કહીશું કે જો તમે નવું ચાર્જર કે યુએસબી કેબલ ખરીદતી વખતે તમારા ઓરિજનલ ચાર્જર અને યુએસબી વાયર સાથે નહીં લઈ ગયા હોવ તો ઉપર જણાવેલા જે તફાવતો છે ઓરિજનલ અને ફેક પ્રોડક્ટ વચ્ચેના તે ઓળખવા થોડા અઘરા પડશે. માટે ખરીદી કરતી વખતે તમારે તમારી ઓરિજનલ પ્રોડક્ટ સરખામણી કરવા માટે સાથે જ રાખવી જોઈએ.

અમે તમને અગાઉ પણ જણાવી ચુક્યા છીએ કે નકલી ચાર્જર તેમજ યુએસબી કેબલ તમારા સ્માર્ટફોન તેમજ ક્યારેક ક્યારેક તમારા શરીર માટે પણ જોખમી સાબિત થાય છે. માટે જ અમે તમને આગ્રહ કરીએ છીએ કે હંમેશા ઓરિજનલ પ્રોડક્ટ ઉપયોગ કરવાનો જ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ