‘તાઉ-તે’ની અસર: કેવડિયા રેલવે સ્ટેશનની છતનો કેટલોક ભાગ ઉડ્યો, દેશના એકમાત્ર ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટની મજબૂતીની ખોલી પોલ, જોઇ લો VIDEO

રાત્રે 9 કલાક આસપાસ ગુજરાતના દરિયાકાંઠે તાઉતે વાવાઝોડું ટકરાયું હતું. આ અંગે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ વાવાઝોડા અંગે જરૂરી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડાની સૌથી વધુ અસર ચાર જિલ્લામાં થશે જેમાં પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં થશે. જ્યારે તે સિવાયના રાજ્યના શહેરોમાં પણ વાવાઝોડાની અસરના ભાગરૂપે ઝોરદાર પવન ફુંકાઈ શકે છે.

વાવાઝોડાની અસરના કારણે જે પવન ફુંકાવાની શરુઆત થઈ હતી તેના કારણે કેવડિયા રેલ્વે સ્ટેશનને ભારે નુકસાન થયું હોવાના વીડિયો સામે આવ્યા છે. ભારે પવનના કારણે કેવડિયા રેલ્વે સ્ટેશનની છત તુટી ગઈ હતી. રાજ્યભરના શહેરોમાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કોઈ જગ્યાએ ભારે પવન ફુંકાયો હતો તો કોઈ જગ્યાએ વરસાદ નોંધાયો હતો. જ્યારે તીવ્ર ગતિથી ફુંકાતા પવનના કારણે થોડા સમય પહેલા જ નર્મદામાં બનેલા કેવડિયા રેલવે સ્ટેશનની છત તુટી ગઈ હતી.

જણાવી દઈએ કે આ રેલ્વે સ્ટેશન તાજેતરમાં જ શરૂ થયું હતું. પરંતુ રેલવે સ્ટેશનનું બાંધકામ તીવ્ર પવન સામે ટકી શક્યું નહીં. નવા નક્કોર રેલ્વે સ્ટેશનની જ્યારે છત તુટી રહી હતી ત્યારનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો નવીન નામના ટ્વીટર યૂઝરે શેર કર્યો હતો. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેવડિયા રેલ્વે સ્ટેશનની છત અલગ અલગ જગ્યાએથી તૂટી રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા દેશનું પ્રથમ ગ્રીન બિલ્ડીંગ સર્ટિફિકેટવાળું રેલ્વે સ્ટેશન છે. જ્યારે આ રેલવે સ્ટેશનનું લોકાર્પણ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું. આ રેલ્વે સ્ટેશન આધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. યાત્રીઓને કોઈપણ પ્રકારની સમસ્યા અહીં થાય નહીં તે વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આમ કરવાનું ખાસ કારણ એ પણ છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સુધી પહોંચવામાં યાત્રીઓને કોઈ સમસ્યા થાય નહીં. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે પર્યટણને પ્રોત્સાહન મળે અને વધુમાં વધુ લોકો અહીં મુલાકાત લે તે માટે આ રેલ્વે સ્ટેશનની શરૂઆત કરવામાં આવી હતી.

જો કે તાઉતે વાવાઝોડા દરમિયાન આ રેલ્વે સ્ટેશનનું મજબૂત નિર્માણ ટકી શક્યું નહીં અને છતનો કેટલોક ભાગ તુટી પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં તેના નબળા બાંધકામને લઈને ચર્ચાઓ પણ શરુ થઈ છે.

મહત્વનું છે કે તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યભરના શહેરોમાં વાતાવરણ પલટો જોવા મળ્યો હતો.