કપૂરને સાચી રીતે વાપરશો તો ઘણી બધી તકલીફ થઇ જશે દૂર, જાણો કપૂરથી કેવીરીતે મળશે રાહત…

કપૂર એક મીણ જેવી ઉપપેદાશ છે જેને કપૂરના ઝાડની છાલમાંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ હિન્દુ પુજા તેમજ અન્ય ધાર્મિક વિધિઓમાં કરવામાં આવે છે. પણ તે ઉપરાંત પણ તેના કેટલાક સ્વાસ્થ્યવર્ધક ઉપયોગો પણ છે જે વિષે કદાચ તમે નહીં જાણતા હોવ. આયુર્વેદમાં કપૂરના અગણિત ઉપયોગો જણાવવામાં આવ્યા છે માટે જ કેટલાક આયુર્વેદના વૈદો ખાસ રીતે કપૂરનો ઉપયોગ કરતા હોય છે. જો તમે કપૂર વિષે કંઈ ખાસ માહિતી ન ધરાવતા હોવ તો આજે તેના ઉપયોગની માહિતી અમે તમારી માટે આ લેખમાં લાવ્યા છીએ.

1. જંતુઓ દૂર કરવા માટે – તમારા ઘરને મચ્છર રહિત રાખો


બજારમાં મચ્છર તેમજ જીવજંતુઓ મારવાની અસંખ્ય દવાઓ ઉપલબ્ધ છે. જેમાં હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. જે જંતુઓને તો ઘરમાંથી દૂર રાખે જ છે પણ માનવ શરીર માટે પણ હાનિકારક હોય છે. બીજી બાજુ કપૂર એ એક સંપૂર્ણ કુદરતી પદાર્થ છે, જે ખુબ જ સુરક્ષિત રીતે મચ્છરને ઘરથી દૂર રાખે છે. તમારા ઘરને મચ્છર રહીત રાખવા માટે તમારે કપૂરની કેટલીક ગોળીઓ બાળવાની છે, અને તે વખતે તમારે તમારા ઘરની બધી જ બારીઓ બંધ રાખવાની છે. તે માત્ર તમારા ઘરને સુંદર સુવાસથી જ નહીં ભરે પણ તેનાથી તમને શાંત ઉંઘ પણ આવશે કારણ કે ત્યારે તમને મચ્છર હેરાન નહીં કરે.

2. તમારા વાયુમાર્ગને ખુલ્લો કરે છે – તમને સરળતાથી શ્વાસ લેવામાં મદદ કરે છે


નાકમાંથી પાણી વહેવા કરતાં વધારે સમસ્યા તમને નાક બંધ હોય ત્યારે થાય છે. જ્યારે તમને શરદી થઈ હોય અને તમે નિરાતે શ્વાસ ન લઈ શકતા હોવ ત્યારે, કપૂર તમને તે માટે મદદ કરી શકે છે. તે માટે તમારે એક કટોરો પાણી ગરમ કરવાનું છે અને તેમાં કપૂરની કેટલીક ટીકડી નાખવાની છે. ત્યાર બાદ તેની વરાળ લેવાની છે. જો તમે વરાળ લેતી વખતે તમારું માથુ ટુવાલ કે કોઈ મોટા કપડાંથી ઢાંકી લેશો તો તે વધારે મદદરૂપ થશે.

3. નિશ્ચેત કરવાની ઔષધી તરીકે – પગના તળિયા દુઃખતા હોય ત્યારે


હવેની વાર જો તમને તમારી પગની પાનીઓ દુખે તો તે માટે તમારે ઠંડાપાણીનો શેક કરવાની જગ્યાએ પગની પાની પર કપૂરનું માલિશ કરવાથી તમારી જે સેન્સરી નર્વ્સ હોય છે તે બહેરી થઈ જશે અને તેના કારણે તમને પગના દુખાવાનો અનુભવ નહીં થાય. તેનાથી સોજા પણ ઉતરે છે કારણ કે તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી પાવર રહેલો છે. તેમ છતાં, તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે તેનો વધારે પડતો ઉપયોગ કરવો નહીં. કપૂરને ગળવાથી મોટી સમસ્યા ઉભી થઈ શકે છે અને તેની આડ અસરો પણ ભયંકર હોય છે અને તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.

4. ફુગ દૂર કરવા માટે


આપણા પગના નખ હંમેશા ફુગ લાગવા એટલે કે કોવાવા માટે ખુલ્લા હોય છે. તેમાં થતાં પરસેવા તેમજ પાણીના સંપર્કમાં રહેવાથી તેને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહેલી છે. જે લોકોને ઓનીકોમાઇકોસિસની સમસ્યા હોય તેમના પગની આંગળીના નખ ધીમે ધીમે કાળા પડી જાય છે અને નબળા પણ પડી જતા હોય છે. આ ફુગના ચેપને દૂર કરવા માટે તમારે તમારે કપૂરની કેટલીક ટીકડીઓને પાણીમાં ઓગાળવાની છે અને તે પાણીમાં તમારા પગ પલાળી રાખવા. આ પ્રયોગનું સતત પુનરાવર્તન કરતા રહેવું તેમ કરવાથી તમને તમારા પગના આંગળા પહેલા જેવા સ્વસ્થ થઈ જશે.

5. સાંધાના દુઃખાવા દૂર કરવા માટે


આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે હુંફાળા કોપરેલ તેલમાં કપૂર મીક્સ કરી તેનું મસાજ કરવાથી સાંધાના દુઃખાવામાં રાહત થાય છે. ગંભીર રોગો જેમ કે સંધીવા, ગઠિયા વિગેરે સાંધાના દુખાવાની સમસ્યામાં તમને તમારું આખું શરીર દુઃખે છે, તે સંજોગોમાં તમે તમારા શરીર પાસે નાની સરખી પણ હલચલ કરાવી શકતા નથી. કપૂરના આ મસાજથી તમારા શરીરને નવજીવન મળે છે અને સોજાના કારણે થતાં દુઃખાવામાં પણ રાહત મળે છે. નાહવા જતા પહેલા આ પ્રયોગ કરવો જોઈએ તેનાથી તમારું શરીર સ્ફુર્તિલું બની જશે.

6. સારી ઉંઘ માટે


આખા દીવસની ચિંતા, થાક તેમજ મનમાં ચાલતા જાત-જાતના વિચારોના કારણે લોકોને તરત ઉંઘ નહીં આવવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જો તમે હંમેશા ઉંઘવાના સમયે પડખું ફેરવતા હોવ તો તમારે સારી ઉંઘ માટે કપૂરોનો આ પ્રયોગ અજમાવવો જોઈએ. અરોમાથેરાપીમાં કપૂરને બાદશાહ ગણવામાં આવે છે. તેની સુગંધ તમારા મગજને શાંત કરે છે અને તમને એક શાંત સ્થિતિમાં લઈ જાય છે અને આમ થવાથી તમને ઉંઘ પણ સરસ આવી જાય છે. આ પ્રયોગ માટે સુતા પહેલાં તમે તમારા ઓશિકા નીચે કપૂરની કેટલી ગોળીઓ રાખી શકો છો જેથી કરીને સતત તેની સુવાસ ફેલાયા કરે અથવા તો તમે કપૂરના તેલને પણ તમારા ઓશીકા પર ઘસી શકો છો.

7. વાળ પરની જું મારવા માટે


કપૂર વાળની જું દૂર કવરા માટે ઉત્તમ ઔષધી છે. જે લોકોના સ્કુલે જતા નાના બાળકો હશે તેમના માટે આ સમસ્યા કંઈ નવી નહીં હોય. વાળની જું દૂર કરવા માટે કપૂર એ તદ્દ્ન સરળ તેમજ ખુબ જ અસરકારક ઉપાય છે. તે માટે તમારે કપૂરની ગોળીનો ભુક્કો કરી તેને હુંફાળા કોપરેલ તેલમાં મીક્સ કરી દેવું. હવે આ તેલનું વાળમાં હળવેથી માલિશ કરવું. તેને આખી રાત રહેવા દેવું અને સવારે શેમ્પુથી વાળ ધોઈ લેવા. તે માત્ર તમારી વાળમાં રહેલી જુંને જ નહીં મારે પણ કપૂરમાં રહેલી કેટલીક સુધીંગ પ્રોપર્ટીઝ તમને ખજવાળની સમસ્યાથી પણ રાહત આપશે.

8. બળવાના હળવા ડાઘ ઝાંખા કરે છે


જો તમે ક્યાંક બળ્યા હોવ ત્યારે તમારા દાહમાંથી રાહત મળ્યા બાદ, તમે તેના પર પાણીમાં ઓગાળેલું કપૂર ડાઘ વાળી જગ્યા પર લગાવી શકો છો. આ પ્રયોગ તમારે રોજ પુનરાવર્તિત કરવાનો છે. કપૂરની જે નિશ્ચેત કરવાની અસર છે તેનાથી તમારી તે જગ્યાની પીડા તો દૂર થશે જ પણ તેનાથી બળ્યાનો ડાઘ પણ હળવો બનશે. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે બળ્યાના તાજા ડાઘ પર તે નહીં લગાવી શકો. જો તેનો ઘા હજુ તાજો હશે અને તમે તેના પર કપૂર લગાવશો તો તમને ભારોભાર પછતાવો થશે.

9. પગની એડી કોમળ બનાવવા માટે


પગની કોમળ એડી કઈ સ્ત્રીની ઇચ્છા ન હોય, એક નાના બાળક જેવી સુંવાળી એડી. જો તમારી પગની એડી શુષ્ક હોય અને તેમાં વાઢિયા પડી ગયા હોય તો તેને સુધારવા માટે તમારે કપૂરનો ઉપયોગ કરવો જોઈએ. હુંફાળા પાણીમાં થોડુ કપૂર ઉમેરો અને તે પાણીમાં તમારા પગને 15 મીનીટ સુધી પલાળી રાખો. જ્યારે પગના તળિયાની ત્વચા સુંવાળી થઈ જાય ત્યારે તેના પર પ્યુમિક સ્ટોન ઘસો જેથી કરીને તેના પર રહેલી નીર્જીવ ત્વચા દૂર થઈ જાય. આ પ્રયોગને નિયમિત કરવાથી તમને સુંદર સુવાળી એડી મળશે.

10. તમારા કપડાને ફ્રેશ રાખવા – કપડામાંથી જીવાતને દૂર રાખવા


જો તમે કપડાની જીવાતથી કંટાળી ગયા હોવ તો તમારા માટે કપૂર એક ઉત્તમ ઉપાય છે. સામાન્ય રીતે આપણે આપણા કબાટમાં તે જીવાતને દૂર રાખવા માટે નેપ્થેલીનની ગોટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ તેની ગંધ એટલી સારી નથી હોતી. પણ તેની જગ્યાએ તમારે કપૂરની ગોળીઓનો ઉપયોગ કરવો જોઈએ. કપૂર પણ તે જ જંતુનાશક ગોટીઓ જેવું જ અસરકારક છે. પણ તેનો બીજો એક ફાયદો તેની સુવાસ છે. જે તમારા કપડાંને સુગંધથી ભરી દેશે.