જો તમે છાશ નથી પીતા તો તમારે પીવી જોઈએ, જાણો ચમત્કારિક ફાયદા…

છાશનો સ્વાસ્થ્યવર્ધક પીણામાં સમાવેશ કરવામાં આવે છે. કેટલીક બાબતોમાં તો તેને દૂધથી પણ ચડીયાતી ગણવામાં આવે છે. ભારતમાં મોટા ભાગના લોકો છાશ પીવે છે અને તે સ્વાસ્થ્ય માટે લાભપ્રદ પણ છે. લોકો હોંશે હોંશે છાશ પીવે છે પણ ઘણા લોકો આજે પણ છાશના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિષે અજાણ છે. છાશને આયુર્વેદીક હેલ્થડ્રીંક તરીકે પણ ઓળખવામાં આવે છે.


છાશને દૂધને મેળવીને બનાવવામાં આવતા દહીંમાં પાણી ઉંમેરીને બનાવવામાં આવે છે. છાશનો ઉપયોગ ઘણી બધી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર કરવામાં થાય છે. ઘણા બધા ગરમ પ્રદેશોમાં છાશનો ઉપયોગ વેલકમ ડ્રીંક તરીકે કરવામાં આવે છે જેથી કરીને આવનાર વ્યક્તિને ઉકળતી ગરમીમાં ઠંડક મળી રહે. આજે પણ ઘણા બધા લોકો છાશના સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ વિષે અજાણ છે. તો ચાલો જાણીએ છાશના લાભો વિષે.

– પાચનતંત્રને સુધારે છે


છાશ એ પાચન માટે ઉત્તમ પીણું છે. છાશ પાચનને લગતી મોટા ભાગની સમસ્યાને દૂર કરે છે કારણ કે તે પ્રોબાયોટીકથી ભરપૂર હોય છે અને તેમાં સમાયેલા આ પ્રોબાયોટીકથી શરીરના ગટ ફ્લોરાના વિકાસને પ્રોત્સાહન મળે છે. અને આ કારણસર શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબુત બને છે.

– એસિડીટીમાં રાહત


આજે મોટા ભાગના બધા જ લોકોને એસિડીટીની સમસ્યા હોય જ છે. એસિડીટી શરીરની સ્વાસ્થ્ય સ્થિતિ ઓર વધારે ખરાબ બનાવે છે. જમ્યા બાદ છાશ પીવાથી તમને તરત જ એસિડીટીમાં રાહત મળે છે. છાશ પીવાથી તમારી પેટમાં થતી અકળામણ પણ દૂર થશે.

– મસાલાવાળા ખોરાકની અસરને સંતુલિત કરે છે


આપણામાંના મોટા ભાગના લોકોને મસાલેદાર ખોરાક પ્રિય હોય છે. પણ મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં બળતરા થાય છે. એક ગ્લાસ છાશ પીવાથી તમારા પેટમાં મસાલેદાર ખોરાકના કારણે જે અકળામણ જે બળતરા ઉભી થઈ હોય છે તેમાં તમને મહદ્ અંશે રાહત મળે છે. તે દૂધમાંથી બનેલી હોવાથી તમને તેમાંથી પ્રોટિન પણ મળે છે.

– ચરબીને તોડે છે


જ્યારે આપણે જમતા હોઈએ પછી તે બપોરનું ભોજન હોય કે રાતનું આપણે તેમાં ઘણું બધું તેલ, માખણ કે અન્ય પ્રકારની ચરબી લઈએ છીએ. છાશ પીવાથી તમારું પેટ ચોખ્ખુ થાય છે અને તેમાંની ચરબી સાફ થાય છે.

– કેન્સર અને ઉચ્ચ કોલેસ્ટેરોલનું જોખમ ઘટે છે


છાશમાં બાયોએક્ટિવ પ્રોટિન સમાયેલું હોય છે જે તમારા શરીરના કોલેસ્ટેરોલના સ્તરને નીચું લાવવામાં મદદ કરે છે અને તેમ થવાથી હૃદયને લગતી ઘણી બધી સમસ્યાઓ પણ દૂર રહે છે. ઉપરાંત શરીરમાંનો લોહીનો પ્રવાહ પણ નિયંત્રિત થાય છે. તે સ્વભાવે એન્ટિબેક્ટેરિયલ અને એન્ટીકાર્સેનોજેનિક હોવાથી કેન્સર સામે પણ રક્ષણ આપે છે.