પેન્ટ ખરીદવાની સગવડ ન હોવાથી ઇસરોના ચીફ શાળાએ પણ ધોતી જ પહેરતા ! કે. સિવનની એક ખેડૂત પુત્રથી એક અવ્વલ વૈજ્ઞાનિક સુધીની સફર

ભારત તેમજ ભારતીયોનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન 2 ભલે થોડા અંશે નિષ્ફળ રહ્યો હોય તેમ છતાં લોકોનો ભારતની ઇસરો સંસ્થા પરનો વિશ્વાસ અતુટ રહ્યો છે. આ પ્રોજેક્ટમાં ઇસરોના વૈજ્ઞાનિકોનું માત્ર જ્ઞાન જ નહોતું રોકાયેલું પણ તેમની લાગણી પણ બંધાયેલી હતી. અને જ્યારે અપાર બુદ્ધિચાતુર્ય તેમજ મહેનત છતાં ચંદ્રયાન 2 અભિયાન સંપૂર્ણ રીતે સફળ ન થયું તો લોકોમાં ઘણી નિરાશા ઉત્પન્ન થઈ હતી અને આ પ્રોજેક્ટના આગેવાન એવા ઇસરોના ચીફ કે. સિવન પોતાના આંસુ નહોતા ખાળી શક્યા અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ખભે માથુ ટેકવીને રડી પડ્યા હતા.

જો કે ચંદ્રયાનના લેન્ડર વિક્રમના ચંદ્રની જમીન પર સોફ્ટ લેન્ડીંગ નહીં થવાના કારણે આપણે આપણા ખગોળિય વૈજ્ઞાનિકો તેમજ ઇસરોના ચિફને જરા પણ ઓછા ન આંકવા જોઈએ અને દેશે પણ તેમ જ કર્યું છે. નિષ્ફળતાને પણ લોકોએ ખુલ્લા દીલથી વધાવી લીધી છે.

તમે કે સિવનની ઘણી બધી તસ્વીરોમાં તેમને ધોતી પહેરેલા જોયા હશે. હા તેઓ સુટને પેન્ટ પણ પહેરે જ છે પણ તેમને તેમના આ મૂળ વસ્ત્રો પણ તેટલા જ પ્રિય છે. પણ તમને જણાવી દઈએ કે નાનપણમાં તેઓ શાળાએ પણ ધોતી પહેરીને જ જતાં હતા. આજનો આ લેખમાં અમે તમારા માટે તેમની અજાણી હકીકતો તેમની અહીં સુધીની સફર વિષેની માહિતિ લઈને આવ્યા છીએ.

કે. સિવન કન્યાકુમારીના તરક્કનવિલાઈ ગામના એક ખેડૂતના દીકરા છે. તેમણે પોતાનો અભ્યાસ તમિલ ભાષાના માધ્યમથી જ પુર્ણ કર્યો હતો અને તે પણ એક સરકારી શાળામાં. આજે તેઓ દેશના એક ઉત્તમ વૈજ્ઞાનિક છે તે પરથી તમે અંદાજો લગાવી જ લીધો હશે કે તેઓ નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી રહ્યા હશે. તેમણે કોઈ પણ જાતના ટ્યુશન વગર ગ્રેજ્યુએશન કંપ્લીટ કર્યું અને આ સાથે તે કુટુંબના પ્રથમ ગ્રેજ્યુએટ બન્યા હતા. જો કે તમને જણાવી દઈએ કે તેમણે પોતાના અભ્યાસ દરમિયાન પોતાના કુટુંબને ખેતીનું કામ કરીને પણ મદદ કરી છે. જ્યારે સિઝન હોય અને ખેતરમાં મજૂરની જરૂર પડે ત્યારે તેઓ ખેતરમાં કામ કરવા પહોંચી જતાં.

ત્યાર બાદ તેમના વિજ્ઞાનના રસે તેમને એરોનોટિકલમાં ડીગ્રી મેળવવા પ્રેર્યા અને 1980માં તેઓ એરોનોટિકલની બેચલરની ડીગ્રી મેળવી. જે તેમણે મદ્રાસ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજમાંથી મેળવી હતી. ત્યાર બાદ તેમણે એરોનોટિકલની માસ્ટર ડીગ્રી પણ મેળવી જે તેમણે બેંગલુરુની આઈઆઈએસસીમાંથી મેળવી હતી. ઇસરોમાં ચેરમેન બન્યા પહેલાં તેમણે થિરુઅનન્થપુરમમાં આવેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં ડીરેક્ટર તરીકે પણ ફરજ બજાવી છે. આ સંસ્થામાં આ ઉપરાંત પણ કેટલાક મહત્ત્વના પદ તેમણે સંભાળ્યા છે.

1982માં ઇસરોને મળ્યું આ તેજસ્વી ભેજુ !

ઇસરોમાં તેઓ 1982માં જોડાયા હતા. તેઓ PSLV પ્રોજેક્ટના સભ્ય રહ્યા હતા જેમાં તેમણે મિશનના ડીઝાઈનીંગ, પ્લાનીંગ અને વિશ્લેષણમાં યોગદાન આપ્યું હતું. જો તમને યાદ હોય તો 2017ના ફેબ્રુઆરી મહિનામાં ભારતે આ પ્રોજેક્ટ હેઠળ એક સાથે 104 સેટેલાઇટ લોન્ચ કર્યા હતા અને એક વિશ્વવિક્રમ સર્જ્યો હતો. અને આ પ્રોજેક્ટમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું.

PSLV ઉપરાંત તેમણે GSLV, GSLV Mk3 અને અન્ય રોકેટ પ્રેજેક્ટમાં પણ મહત્વની ભુમિકા ભજવી હતી. હજુ તેમના એજ્યુકેશનમાં એક મોરપીંછ ઉમેરાવાનું બાકી હતું જે તેમણે મુંબઈની આઈઆઈટીમાં પીએચડી કરીને ઉમેરી લીધું હતું. આ ઉપરાંત તેમને 2014માં સત્યભામા યુનિવર્સિટી તરફથી વિજ્ઞાનમાં માનદ ડોક્ટરેટ ઉપાધી પણ આપવામાં આવી હતી.

ડૉ. કે. સિવનના અંતરિક્ષ વિજ્ઞાન માટેના તેમના યોગદાન બદલ તેમને અગણિત અવોર્ડથી નવાજવામાં આવી ચુક્યા છે. જેમાં ડૉ. વિક્રમ સારાભાઈ રિસર્ચ અવોર્ડ, ઇસરો મેરિટ અવોર્ડ, અને ડૉ. બિરેન રોય સ્પેસ સાયન્સ અવોર્ડનો સમાવેશ થાય છે. તેમણે પોતાના અંતરિક્ષ વિજ્ઞાનના જ્ઞાનને વહેંચવાના હેતુથી ઇન્ટીગ્રેટેડ ડીઝાઈન ફોર સ્પેસ ટ્રાન્સ્પોર્ટેશન સિસ્ટમ નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે. જે 2015માં પબ્લિશ કરવામાં આવ્યું હતું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ