જાદૂઈ હળદર – હળદરના ઉપયોગથી બનાવો ચહેરા માટે ફેસપેક અને સ્ક્રબ એ પણ બહુ સરળ રીતે અને સસ્તામાં…

જાદૂઈ હળદર

આજે દૂનિયા ઘણા બધા અંશે કુદરતી ઉત્પાનો તરફ પાછી વળી છે. આજે લોકો કેમિકલ મુક્ત ખોરાક તેમજ જીવન જરૂરી વસ્તુઓ વાપરવા માગે છે. કૂદરતે આપણને અઢળક કૂદરતી ખનીજ સંપત્તિઓનો ખજાનો આપ્યો છે જેની આપણે કદર નથી કરી રહ્યા. મનુષ્ય જેમ જેમ આધુનિકતા તરફ આગળ વધતો જાય છે તેમ તેમ તેની સમસ્યાઓ પણ વધતી જાય છે પછી તે શારીરિક હોય કે માનસિક હોય. પણ અજાણતા જ કૂદરતે આપણને તે બધી જ સમસ્યાઓનાં નિરાકરણ આપેલા છે. જેને આપણે ધીમે ધીમે વિવિધ જાતના સંશોધન દ્વારા જાણી શક્યા છીએ અને કહેવા જઈએ તો તેમાંનું ઘણું બધું જાણવાનું હજુ બાકી છે.


આજે મેડિકલ ફિલ્ડ ઘણું બધું આગળ વધી ગયું છે ઘણી બધી બિમારીઓને તેણે નેસ્ત નાબુદ કરી છે અને ઘણી બધી બિમારીઓને ડામવા માટે તેમણે દવાઓ શોધી લીધી છે. જો કે તેમના પડકારોમાં કોઈ જ ઘટાડો થયો નથી. પણ કૂદરતે આપણને એવું ઘણું બધું આપ્યું છે જેનો સીધો જ ઉપયોગ આપણે કરી શકીએ છીએ.


સદીયોથી આયુર્વેદ દ્વારા દરેક બિમારીની દવાઓ કૂદરતી રીતે કરવામાં આવે છે. તેમાં હંમેશા કુદરત દ્વારા પૃથ્વી પર ઉપજાવવામાં આવેલા ફળ, ફૂલ છોડ વિગેરેમાંથી ઔષધિઓ બનાવી તે દ્વારા દરેક બિમારીઓને દૂર કરવામાં આવે છે. આજની આપણી પોસ્ટ પણ એક એવી જ જાદુઈ વનસ્પતિની છે અને તે છે હળદર. હળદરમાં શરીરને લગતી અસંખ્ય સમસ્યાઓને નિવારવાના ગૂણ સમાયેલા છે.


હળદર એક એવો જંગલી છોડ છે જે દક્ષીણ એશિયામાં મળી આવે છે. અને તેની ખેતી પણ કરવામાં આવે છે. ભારતમાં તેનો ઉપયોગ સેંકડો વર્ષોથી કરવામાં આવે છે. તેનો ઉપયોગ વાનગીઓ બનાવવાથી માંડીને ઔષધીઓ બનાવવા તેમજ સૌંદર્ય પ્રસાધનો બનાવવા સુધી થાય છે. તેમજ હિન્દુઓના શુભ પ્રસંગે તેને એક પવિત્ર તત્વ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લા બે દાયકામાં નહીં નહીં તો હળદર પર ઓછામાં ઓછા ત્રણ હજાર પુસ્તકો લખાયા હશે અને તેના પર જે સંશોધન ચાલી રહ્યું છે તે તો ખરું જ.


આયુર્વેદ તો સદિઓથી હળદરનો ઉપયોગ ઔષધી તરીકે કરતું જ આવ્યું છે. પણ છેલ્લા કેટલાય વર્ષોથી વિજ્ઞાને પણ તેના ઔષધીય ગુણોને માન્યા છે. સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે હળદરમાં –

કેન્સર વિરોધી તત્ત્વો રહેલા છે


તે લિવર તેમજ હૃદયના સ્વાસ્થ્યને સુરક્ષા પુરી પાડે છે.

બ્લડ શુગરના સ્તરને નીચું લાવે છે.

તેમાં બહોળા પ્રમાણમાં એટિઓક્ઝીડન્ટ સમાયેલા છે.

તે નર્વ અને કીડનીની બિમારીઓમાં અસરકારક છે.


આ ઉપરાંત ડીપ્રેશનમાં પણ હળદર ઉપયોગી છે.

પણ આપણે અહીં વાત કરવાના છે હળદરના કોસ્મેટિક યુઝીસ એટલે કે સૌંદર્ય નિખારના ઉપયોગ વિષે. આજે ઘણી બધી કોસ્મેટિક કંપનીઓ દ્વારા હળદરનો ઉપયોગ સનસ્ક્રીન બનાવવામાં થઈ રહ્યો છે. ઘણી બધી કોસ્મેટિક તો હળદર આધારીત ક્રીમનું ઉત્પાદન પણ કરી રહી છે.

હળદર મિશ્રિત ફેસપેક ત્વચાને અગણિત લાભો આપે છે. તેની સાથે વિવિધ કૂદરતી ઉત્પાદનોનો ઉપયોગ કરીને તેને વિવિધ જાતની સ્કિન કેર માટે વાપરવામાં આવે છે. મુખ્ય રીતે હળદર ત્વચાના રંગને ઉઘાડે છે અને તેને મોઇશ્ચરાઇઝ કરે છે. માટે જ હિંદુ લગ્નોમાં વર-વધુની લગ્ન પહેલાં હળદરથી પીઠી ચોળવામાં આવે છે. કારણ કે તેમ કરવાથી ત્વચા ચમકી ઉઠે છે અને શરીરથી બેક્ટેરિયા પણ દૂર રહે છે.


હળદર ત્વચાને ઉજળી બનાવે છે, ખીલમાં રાહત આપે છે, ત્વચા શુદ્ધ કરે છે તેમજ તેને સ્નિગ્ધ બનાવે છે. તેમજ ત્વચા પરની બળતરા તેમજ ઇન્ફેક્શનને પણ દૂર કરે છે અને તેના ઉપયોગથી ત્વચાથી બેક્ટેરિયા પણ દૂર રહે છે તેમજ શરીર પર પડેલા ઘા પર જો તેનો લેપ લગાવવામાં આવે તો તેમાં રૂઝ પણ જલદી આવે છે.

તો ચાલો હળદરના ઉપયોગથી બનતા ફેસપેક વિષે જાણીએ. જો તમે મૃત ત્વચા દૂર કરી ઉજળી ત્વચા ઇચ્છતા હોવ તો તેના માટે આ ફેસપેકનો ઉપયોગ કરો.

સામગ્રીઃ


2 ટી સ્પૂન એવો કાડો ફળની પેસ્ટ અથવા તો તમારા ઘરમાં જો તમે નાશ્તા માટે ઓટ્સ વાપરતા હોવ તો તે લઈ લો.

1 ટી સ્પૂન હળદરનો પાવડર

1 ટી સ્પૂન દહીં અથવા દૂધ

હવે, ઉપર જણાવેલી બધી જ સામગ્રીને એક વાટકીમાં બરાબર મીક્સ કરી તેની પેસ્ટ બનાવી લો અને તેને ચહેરા તેમજ ડોકના ભાગ પર સમાન રીતે લગાવી લો.

જ્યારે જ્યારે તમે ફેસપેક લગાવવા માગતા હોવ ત્યારે ત્યારે તમારે તમારા વાળ બાંધી લેવા જોઈએ. માઇલ્ડ ફેસવોશથી ચહેરો ધોઈ લેવો જોઈએ. ચહેરા પર પેસ્ટ લગાવવા માટે તમે પીંછીનો પણ ઉપયોગ કરી શકો છો અને હાથને બરાબર ધોઈ તેની આંગળીઓ દ્વારા પણ પેક લગાવી શકો છો. ફેસપેકને આંખથી થોડો દૂર લગાવવો.


હવે પેક લગાવી લીધા બાદ તમારે લગભગ 15થી 20 મિનિટ અથવા તો પેક સુકાય ત્યાં સુધી રીલેક્ષીંગ મુદ્રામાં બેસી જવું અથવા આડા પડી જવું. બને તો એક ઝોલું પણ લઈ શકો છો. હવે પેક સુકાઈ ગયા બાદ અથવા નક્કી કરેલા સમય બાદ તમારે તમારો ચહેરો ધોઈ લેવો. અને ત્યાર બાદ હળવા હાથે રૂમાલ દબાવી ચહેરા પરની ભીનાશ દૂર કરી લેવી. ત્યાર બાદ ચહેરા પર હળવું મોઇશ્ચરાઇઝ લગાવવાનું ન ભૂલશો.

ખીલમાં રાહત માટેનો ફેસપેક

1 ટી સ્પૂન હળદર પાવડર

1 ટી સ્પૂન મધ

1 લીંબુનો રસ

ઉપર જણાવેલી સામગ્રીને બરાબર મીક્ષ કરી લો અને તેની એક સ્મુધ પેસ્ટ બનાવો. પેસ્ટમાં બધી જ સામગ્રીઓ સારી રીતે એકરસ થઈ ગઈ હોવી જોઈએ. સૌ પ્રથમ તો તમારે ચહેરો સાફ કરી લેવો. હવે આ તૈયાર થયેલી પેસ્ટને તમારે તમારા ખીલ તેમજ તેની આસપાસના વિસ્તારમાં લગાવી લેવી. ત્યાર બાદ 15-20 મીનીટ તેમજ રહેવા દેવું. અને ત્યાર બાદ હુંફાળા પાણી વળે ચહેરો ધોઈ લેવો. અને હળવેથી ચહેરો લૂછી લેવો.

તેજસ્વી ચહેરા માટે સ્ક્રબ


સ્ક્રબ એ તમારા શરીર પરની મૃત ત્વચાને દૂર કરે છે અને નવી ત્વચાને બહાર લાવે છે. આ ઉપરાંત તમારી ત્વચાના જે છીદ્રો હોય તેને પણ ખુલ્લા કરે છે અને તેમાંની ગંદકીને પણ બહાર કાઢે છે આ ઉપરાંત તે ત્વચા પરનું લોહીનું ભ્રમણ પણ વધારે છે.

તેનો નિયમિત પ્રયોગ કરવાથી તમને સ્વચ્છ, ભેજગ્રસ્ત અને તેજસ્વી ત્વચા મળે છે.

જો તમે ચમકતી સ્વસ્થ ત્વચા ઇચ્છતા હોવ તો તમે સ્ક્રબનો ઉપયોગ અઠવાડિયે એકવાર અથવા દર બે અઠવાડિયે કરી શકો છો.

તમે જ્યારે જ્યારે પણ ફેશિયલ કરો ત્યારે ત્યારે તમારે ફેશિયલ કરતા પહેલાં સ્ક્રબ કરવું જોઈએ.


વિવિધ જાતના ફાયદા માટે વિવિધ જાતની સામગ્રીઓનો ઉપયોગ કરીને વિવિધ જાતના સ્ક્રબ તૈયાર કરી શકાય છે.

જેમ કે તમે મૃત ત્વચાને દૂર કરવા માગતા હોવ તો તમે ખાંડ, મીઠુ, ઓટ્સ અને કોફી પાવડરનો ઉપયોગ કરી સ્ક્રબ બનાવી તેનો પ્રયોગ કરી શકો છો. તેનાથી મૃત ત્વચા દૂર થશે અને તમારી ત્વચામાં એક નવો જીવ ઉમેરાશે.

આ ઉપરાંત તમે વિવિધ જાતના ફળો તેમજ શાકભાજીનો ઉપયોગ પણ તમારા સ્ક્રબમાં કરી શકો છો. તેમાં રહેલા ભરપૂર પોષકતત્ત્વો તેમજ વિટમિન્સ તમારી ત્વચાને કાંતિવાન બનાવે છે.


આકર્ષક ત્વચા માટે આ રીતે સ્ક્રબ બનાવો

સામગ્રી:

ડોઢ ચમચી હળદરનો પાવડર

1 વાટકી ખાંડ ( જો તમારી ત્વચા નાજુક હોય તો તમે ખાંડની જગ્યાએ ઓટનો ઉપયોગ કરી શકો છો) પા કપ ઓલિવ ઓઇલ અથવા ત્વચા માટે ઉપલબ્ધ બીજુ કોઈપણ તેલ તમે વાપરી શકો છો.

2-4 ટીપાં રોઝમેરી ઓઇલ


ઉપર જણાવેલી બધી જ સામગ્રીને હળવેથી મિક્ષ કરી લો. હવે આ તૈયાર થયેલીપેસ્ટને તમારા ચહેરા તેમજ શરીર પર લગાવી લો. હવે તેને 10-15 મીનીટ હળવા હાથે મસાજ કરો અને તે પણ વર્તુળ આકારમાં. ત્યાર બાદ તમારે નાહી લેવું. અને મોઇશ્ચરાઇઝર લગાવી લેવું.

સાવચેતી માટે તમારે ઉપર જણાવેલા દરેક પ્રયોગ પહેલાં તમારે તેનો ઉપયોગ તમારા હાથના થોડા ભાગ પર કરી લેવો જોઈ. જેથી કરીને તમને કોઈ રીએક્શન આવતું હોય તો ખ્યાલ આવે અને તમે તેને ચહેરા પર કરવાનું ટાળો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ